બિઝનેસીઝ માટે હવે જે પેઈડ સર્વિસ છે, તે એપ્સ ગૂગલ શૈક્ષણિક સંસ્થાઓને બિલકુલ નિ:શુલ્ક આપે છે, જેની મદદથી શિક્ષકો અને વિદ્યાર્થીઓ એકમેકના સીધા સંપર્કમાં રહીને, સાથે મળીને વિવિધ પ્રોજેક્ટ્સ પર કામ કરી શકે છે.
આગળ શું વાંચશો?
- આ ગુગલ એપ્સ ફોર એજ્યુકેશન ખરેખર શું છે?
- અમારી સ્કૂલની પોતાની વેબસાઈટ છે, પણ અમારી ગૂગલ એપ્સની શી જરુર?
- વિદ્યાર્થાઓને જીમેલ એકાઉન્ટમાં કે બીજી એપ્લિકેશન્સમાં વણજોઈતી જાહેરાતો જોવા મળે એનું શું?
- ડેટા સ્ટોર કરવાની સગવડ મળે?
- બીજો કોઈ લાભ ખરો?
- પણ આ બધું કેવી રીતે કરવું?
ધારો કે તમે વિદ્યામંદિર નામની એક શાળાના આચાર્ય છો. તમારી શાળાના શિક્ષકો ને વિદ્યાર્થીઓ અભ્યાસમાં ઇન્ટરનેટનો વધુ ઉપયોગ કરતા થાય એવું તમે ઈચ્છો છો, પણ એ સાથે તેઓ પોતાનાં મૂળ ન ભૂલે, ગુજરાતી ભાષા પ્રત્યેનો લગાવ ન ભૂલે એવી પણ તમારી ઈચ્છા છે. તો તમે કંઈક આવું કરી શકો…
તમારા ગુજરાતી ભાષાના શિક્ષકને બોલાવીને સૂચના આપી શકો કે તેઓ શાળાના વિદ્યાર્થીઓ સાથે મળીને, જાણીતા ગુજરાતી સાહિત્યકારો વિશેનું એક પ્રેઝન્ટેશન તૈયાર કરે, શરત એટલી કે તેમણે કાગળ-પેનનો ઉપયોગ કરવાનો નથી!
ગુજરાતીના શિક્ષક શું કરશે? તેઓ કમ્પ્યુટરના શિક્ષકની મદદ લઈને સૌથી પહેલાં તો, દરેક વિદ્યાર્થી પોતાના ઘરના કમ્પ્યુટરમાં ગુજરાતી યુનિકોડ કેવી રીતે એક્ટિવેટ કરી શકાય એની સ્ટેપ-બાય-સ્ટેપ સમજ આપતું એક પ્રેઝન્ટેશન તૈયાર કરશે. દરેક વિદ્યાર્થીને studentname@vidyamandir.edu એવા તેના પોતાના ઈમેઇલ આઇડી પર એક નોટિફિકેશન મળે છે કે તેમની સાથે આ પ્રેઝન્ટેશન શેર કરવામાં આવ્યું છે. સૌ શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે એક ઓનલાઇન કેલેન્ડર પણ શેર કરેલું છે, જેમાં આ આખો પ્રોજેક્ટ કઈ તારીખ સુધીમાં પૂરો કરવાનો છે તે જણાવવામાં આવેલું છે.
વિદ્યાર્થીઓ પોતાના કમ્પ્યુટરમાં ગુજરાતી એક્ટિવેટ કરી, ગુજરાતી સાહિત્યકારોની માહિતી, તસવીરો, તેમની કૃતિઓ વગેરે એક્ત્ર કરશે અને ગૂગલ ડોક્સમાં સૌ વિદ્યાર્થીઓ વચ્ચે ફક્ત એક ડોક્યુમેન્ટ ઓપન કરી, તેમાં આ બધી માહિતી ઉમેરશે. પછી, ફરી સૌ સાથે મળીને એક પ્રેઝન્ટેશન તૈયાર કરશે, જે બિલકુલ તૈયાર થઈ ગયા પછી શાળાના તમામ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ સાથે શેર કરવામાં આવશે!
“આવું તો ભાઈ, અમેરિકાની સ્કૂલોમાં થઈ શકે, આપણે ત્યાં નહીં! આવું કંઈક વિચારતા હો તો તમે અડધા સાચા છો. અમેરિકા અને અન્ય દેશોની સ્કૂલોમાં આવું થઈ રહ્યું છે, પણ આપણે ત્યાં પણ ચોક્કસ થઈ શકે છે. આ બધું જ અને તેથી ઘણું વિશેષ ગૂગલના ‘એપ્સ ફોર એજ્યુકેશન’ નામના પ્રોગ્રામની મદદથી થઈ શકે છે – ગૂગલને એક પણ રુપિયો ચૂકવ્યા વિના! ગુજરાતની ઘણી યુનિવર્સિટીઝ ગૂગલ એપ્સ ફોર એજ્યુકેશનનો લાભ લેવા લાગી છે, શાળાઓ હજી પાછળ છે.
ગૂગલ તેની વેબસાઇટ પર લખે છે કે સ્ટેન્ફોર્ડ યુનિવર્સિટીના એક રીસર્ચ પ્રોજેક્ટ પે ગૂગલનો જન્મ થયો હતો, એટલે શિક્ષણજગતનું ઋણ વાળવા માટે ગૂગલ પોતાની એપ્સ શિક્ષણ સંસ્થાઓને બિલકુલ નિ:શુલ્ક આપી રહી છે.
વાતમાં રસ પડ્યો હોય તો, કેટલાક પાયાના સવાલ અને તેના જવાબ જાણી લઈએ…
આ ગૂગલ ‘એપ્સ ફોર એજ્યુકેશન’ ખરેખર શું છે?
આ ગૂગલનું એક ઇન્ટીગ્રેટેડ કમ્યુનિકેશન અને કોલાબોરેશન સોલ્યુશન છે. સાદા શબ્દોમાં, આ સેવાનો લાભ લીધા પછી, શાળાના દરેક શિક્ષક, કર્મચારી અને વિદ્યાર્થીઓને શાળાના પોતાના ડોમેઇનનેમવાળું એક ગૂગલ એકાઉન્ટ મળે છે (name@gmail.com ને બદલે name@schoolname.edu જે વાસ્તવમાં જીમેઇલનું જ એકાઉન્ટ હોય છે), જેની મદદથી તેમને જીમેઇલ, કેલેન્ડર, ડ્રાઇવ, ડોક્સ વગેરેની સુવિધા મળે છે.
અમારી સ્કૂલની પોતાની વેબસાઇટ છે, પછી અમારે ગૂગલ એપ્સની શી જરુર?
સ્કૂલની વેબસાઇટ હોવી અને શાળાના શિક્ષકો-વિદ્યાર્થીઓ-વાલીઓ વચ્ચે કમ્યુનિકેશનની કે સાથે મળી કોઈ પ્રોજેક્ટ કરવા જેવી સુવિધા હોવી એ બંને અલગ વાત છે. દરેક વિદ્યાર્થીને ઇન્ટરનેટ પર એકમેક સાથે અને શિક્ષકો સાથે સાંકળવા માટે ખાસ પ્રકારનાં ઓનલાઈન ટૂલ્સની જરુર પડે, જે ગૂગલ તરફથી નિ:શુલ્ક મળે છે.
વિદ્યાર્થીઓના જીમેઇલ એકાઉન્ટ કે બીજી એપ્લિકેશન્સમાં વણજોઈતી જાહેરાતો જોવા મળે એનું શું?
શાળાઓ માટેની એપ્સમાં ગૂગલ કોઈ જ જાહેરાત દશર્વિતી નથી. જીમેઇલમાં છેક મથાળે વિવિધ જાહેરાતો જોવા મળે છે, તે પણ બંધ કરી શકાય છે કે તેના બદલે શાળા-કોલેજનાં પોતાનાં એનાઉન્સમેન્ટ જોવા મળે એવી ગોઠવણ થઈ શકે છે.
દરેક યુઝર એટલે કે શિક્ષક કે વિદ્યાર્થીને કેટલો ડેટા સ્ટોર કરવાની સગવડ મળે?
એપ્સ ફોર એજ્યુકેશનના દરેક યુઝર ગૂગલ ડ્રાઇવ, જીમેઇલ વગેરે મળીને ૩૦ જીબી સુધીનો ડેટા સ્ટોર કરી શકે છે. આ બધો જ ડેટા ગૂગલના પોતાના સર્વરમાં રહે છે, તેથી તેને જાળવવા શાળાએ કોઈ ખર્ચ કરવો પડતો નથી.
બીજો કોઈ લાભ ખરો?
‘સાઇટ્સ’ સુવિધાની મદદથી કોઈ ટેકનિકલ જાણકારી વિના શાળા અલગ સાઇટ ડેવલપ કરીને તેને સહિયારી રીતે સતત અપડેટ કરી શકે છે. ‘યુટ્યૂબ ફોર સ્કૂલ્સ’ જેવી સુવિધાની મદદથી, સંપૂર્ણ નિયંત્રણો સાથે યુટ્યૂબ પર શૈક્ષણિક વીડિયો જોઈ શકાય છે.
પણ આ બધું કેવી રીતે કરવું?
‘સાયબરસફર’ અને તેના શુભેચ્છક ગૂગલ સ્ટુડન્ટ એમ્બેસેડર્સ તમને જરી માર્ગદર્શન આપી શકે છે. ગૂગલ એપ્સ ફોર એજ્યુકેશનનો લાભ લેવા માટે શાળા-કોલેજનું vidyamandir.com જેવું કોઈ ડોમેઇન હોવું જરી છે (ન હોય તો તે સહેલાઈથી પોતાની રીતે ખરીદી શકાય છે).
ત્યાર પછી ગૂગલ સ્ટુડન્ટ એમ્બેસેડર અને ગૂગલની સહયોગી એજન્સીના માર્ગદર્શનમાં તમે બાકીની પ્રક્રિયા પૂરી કરી શકો છો. શિક્ષકો-વિદ્યાર્થીઓ ઓનલાઇન એપ્સનો પૂરો લાભ લઈ શકે તે માટે પૂરતું માર્ગદર્શન-તાલીમ અપાય છે.
તમે કોઈ શાળાના ટ્રસ્ટી કે આચાર્ય હો અને એપ્સ ફોર એજ્યુકેશનનો લાભ લેવામાં રસ હોય તો www.google.com/a/edu જુઓ અથવા editor@duplics.cybersafar.in પર ઈ-મેઇલ કરો. તમારી માહિતી ગૂગલ સ્ટુડન્ટ એમ્બેસેડર્સને મોકલવામાં આવશે અને તેઓ તમારો સંપર્ક કરી, આગળની પ્રક્રિયા કરશે.
અલબત્ત, તમારી શાળાને આ લાભ મળી શકશે કે નહીં તેનો આખરી નિર્ણય ગૂગલનો રહેશે!


