સવાલ મોકલનાર : વિનોદ પૂજારા, રાજકોટ
વોટ્સએપમાં તમને કોઈ વ્યક્તિ ઇમેજ અને તેની સાથે કેપ્શન વોટ્સએપ કરે, જે તમને ગમી જાય અને તમે અન્ય લોકો સાથે શેર કરવા ઇચ્છો તો તમે શું કરશો?
દેખીતું છે કે અન્ય મેસેજની જેમ એ મેસેજ જરા લાંબો સમય પ્રેસ કરીને સ્ક્રીનના મથાળે જમણી તરફ જતા એરો પર ક્લિક કરશો અને જે મિત્રને ફોરવર્ડ કરવા માગતા હો તેમનું નામ શોધી, પસંદ કરી, નીચેની તરફ લીલા વર્તુળમાં આપેલ ફોરવર્ડ બટન પર ક્લિક કરશો.
તમે મિત્રને ગમતી ઇમેજ ફોરવર્ડ કર્યાનો સંતોષ માનશો પરંતુ એવું બની શકે કે એ ઇમેજનો પૂરો લાભ લેવા માટે તેની સાથેનું કેપ્શન પણ ફોરવર્ડ થવું જરૂરી હોય. જેમ કે જો ગૂગલ અર્થ જેવા કોઈ પ્રોગ્રામમાંથી કોઈએ તમને કોઈ મજાની જગ્યાની લિન્ક શેર કરી હોય તો એ ઇમેજ અને તેની લિન્ક ઇમેજના કેપ્શન તરીકે તમને મળે છે. પરંતુ ઉપર લખ્યા મુજબની સાદી રીતે તમે એ ઇમેજ અને કેપ્શન કોઈ અન્યને ફોરવર્ડ કરશો તો તેમને માત્ર ઇમેજ જશે, તેનું કેપ્શન નહીં!
વોટ્સએપનું આ પાસું કંઈક વિચિત્ર છે. તેમાં કેપ્શન સાથેની ઇમેજ સાદી રીતે ફોરવર્ડ કરતાં, ઇમેજ અને કેપ્શન સિલેક્ટ તો બંને થાય છે પરંતુ ફોરવર્ડ માત્ર ઇમેજ થાય છે. આના ઉપાય તરીકે તમારે એ ઇમેજ અને કેપ્શનને વોટ્સએપના ફોરવર્ડ ફીચરને બદલે શેર ફીચરથી શેર કરવાં પડે.
એ માટે રોજિંદી રીતે ઇમેજ અને કેપ્શન સિલેક્ટ કરો અને ઉપરની તરફ જમણી તરફ જતા એરોની બાજુમાં આપેલ ત્રણ ડોટ પર ક્લિક કરો અને તેમાં શેર પર ક્લિક કરો (તમારા વોટ્સએપના વર્ઝન અનુસાર તમને ત્રણ ડોટને બદલે શેરનું બટન પણ જોવા મળી શકે છે).
હવે સ્માર્ટફોનમાંથી જે કોઈ અલગ અલગ એપ્સની મદદથી એ ઇમેજ શેર થઈ શકે તેમ હશે તે બધી જ એપ્સ જોવા મળશે. જેમાં એક વોટ્સએપ પણ હશે! આપણે વોટ્સએપ મિત્રને જ એ ઇમેજ અને કેપ્શન મોકલવા છે એટલે વોટ્સએપ પર ક્લિક કરો. હવે પહેલાંની જેમ જ વોટ્સએપ મિત્રનું નામ શોધી કાઢો અને તેમની સાથે એ ઇમેજ અને કેપ્શન શેર કરો.
હવે તમે જોશો તેમ ઇમેજ અને તેની સાથેનું કેપ્શન બંને સામેની વ્યક્તિને ફોરવર્ડ થશે.

