દિવાળી નજીક આવતી જાય છે અને તમે પરિવાર માટે કોઈ મોટી ખરીદી કરવાનું વિચારી રહ્યા છો? મોટા ભાગના મધ્યમ વર્ગના પરિવારો માટે આ દિવસો ખુશાલી અને ચિંતા બંનેનું કારણ બનતા હોય છે કારણ કે ખરીદીના વિચારો તો આવે, પણ સામે ખિસ્સું એટલું જોર કરતું હોય નહીં! જોકે હવે ઓનલાઇન શોપિંગ અને ઓનલાઇન પેમેન્ટ વધુ ને વધુ સરળ બનતા જાય છે તેમ તેમ આપણે માટે ખરીદી – બધી રીતે – ‘સહેલી’ બનવા લાગી છે.
એમાંય એમેઝોન અને ફ્લિપકાર્ટ વચ્ચે ઓનલાઇન શોપિંગમાં પોતાની સર્વોપરિતા જાળવી રાખવાની એવી હરીફાઈ ચાલી છે કે બંને કંપની આપણે માટે, રૂપિયા ન હોય તો પણ ખરીદી ‘સહેલી’ બનાવવા લાગી છે.
આ વર્ષની શરૂઆતમાં જાન્યુઆરીમાં આપણે વાત કરી હતી કે પેટીએમમાં હવે ઇન્સ્ટન્ટ લોન મળવા લાગી છે. પેટીએમ કંપનીએ આઇસીઆઇસીઆઈ બેન્ક સાથે જોડાણ કરીને ટૂંકા ગાળા માટે નાની રકમની ઇન્સ્ટન્ટ લોન આપવાની શરૂઆત કરી હતી, જેનો લાભ લઇને શરૂઆતમાં રૂા.૩,૦૦૦ થી રૂા. ૧૦,૦૦૦ સુધીની અને પછી રીપેમેન્ટ હિસ્ટ્રીના આધારે રૂા. ૨૦,૦૦૦ સુધીની રકમ ઇન્સ્ટન્ટ લોન તરીકે મેળવી શકાય છે. આ લોન માટે કોઈ વધારાનો ડોક્યુમેન્ટેશનની જરૂર નથી. લોન મહત્તમ ૪૫ દિવસ સુધીના ગાળામાં પરત કરવાની રહે છે. અને તે વ્યાજ કે અન્ય ખર્ચ વિનાની રહે છે.
પેટીએમમાં આ લોનનો લાભ લેવા માટે એપમાં પ્રોફાઇલ વિભાગમાં પેટીએમ પોસ્ટપેઇડમાં જઇને કેટલીક પ્રારંભિક વિધિ કરવાની રહે છે.
કંઈક આ જ રીતે હવે એમેઝોન અને ફ્લિપકાર્ટ બંને કંપની મોટી ખરીદી માટે સરળ ધીરાણની સગવડ આપવા લાગી છે.
એમેઝોન પર ક્રેડિટ કાર્ડ વિના નહીં, પરંતુ ક્રેડિટ કાર્ડ પર ‘નો કોસ્ટ ઇએમઆઇ’ની સગવડ મળી રહી છે. કંપનીના વેબપેજ પર સ્પષ્ટ રીતે લખ્યું છે કે આ ઓફર તમામ મહત્ત્વના ક્રેડિટ કાર્ડ્સ પર ઉપલબ્ધ છે. બીજી તરફ, ફ્લિપકાર્ટ પર ક્રેડિટ કાર્ડ નહીં, પણ ડેબિટ કાર્ડ પર ઇએમઆઇની સુવિધા ઓફર કરવામાં આવે છે એ વાત સાચી, પણ ઓફર દરેક વ્યક્તિ અને દરેક પ્રોડક્ટ માટે માન્ય નથી.
સરેરાશ રીતે જોઈએ તો એમેઝોન પર ઓછામાં ઓછા રૂા. ૮૦૦૦ની વસ્તુની સિંગલ ખરીદી પર, અને વધુમાં વધુ રૂા. ૬૦,૦૦૦ની કિંમતની વસ્તુ આ રીતે, ‘નો કોસ્ટ ઇએમઆઇ’ પર ખરીદી શકાય છે.
જ્યારે ફ્લિપકાર્ટ પર એક લાખ રૂપિયા સુધીની વસ્તુ ઇએમઆઇ પર ખરીદી શકાય છે. ફ્લિપકાર્ટના દાવા મુજબ, ઇએમઆઇનો વિકલ્પ મેળવવા માટે આપણી પાસે ક્રેડિટ કાર્ડ હોવું જરૂરી નથી અને ખરીદી સમયે એટલી રકમનું બેલેન્સ ડેબિટ કાર્ડવાળા ખાતામાં હોવું પણ જરૂરી નથી. ફક્ત, આપણે જેટલા માસિક હપ્તાનો વિકલ્પ પસંદ કરીએ, એ હપ્તાની ચુકવણી સમયે આપણા ખાતામાં રકમ હોવી જરૂરી છે.
પહેલી નજરે, એમેઝોન અને ફ્લિપકાર્ટ બંને આપણને વધારાના કોઈ ખર્ચ વિના માસિક હપ્તે રકમની ચુકવણી કરવાની સુવિધા આપે છે. પરંતુ વાત એટલી સહેલી નથી.
ધારો કે તમે કોઈ સારો મોબાઇલ ખરીદવા માગો છો, પણ તમારી પાસે માત્ર રૂા. ૧૫,૦૦૦ છે. આ સંજોગમાં, ફ્લિપકાર્ટ અને એમેઝોન બંને તમને કહેશે કે તમે ઇચ્છો તો રૂા. ૩૦,૦૦૦ની કિંમતનો ફોન ખરીદી શકો છો, વધારાના કોઈ વ્યાજ કે ખર્ચ વિના અને રકમ તમે છ મહિને ચૂકવજો!
વાસ્તવમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ બેન્કને શૂન્ય ટકા વ્યાજે માસિક હપ્તાની લોન ઓફર કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. આથી, ઓનલાઇન શોપિંગ સાઇટ્સના કિસ્સામાં, શોપિંગ સાઇટ્સ આપણી એટલે કે કન્ઝ્યૂમર અને બેન્ક વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા ભજવે છે. બેન્ક આપણને લોન આપવા બદલ, આપણી પાસેથી વ્યાજ વસૂલે છે, પણ શોપિંગ સાઇટ્સ વ્યાજખર્ચ જેટલું જ આપણને ડિસ્કાઉન્ટ આપી દે છે!
પરિણામે, આપણે બજેટ ન હોય અને ઘણા કિસ્સામાં જરૂરિયાત ન હોય તો પણ, ‘નો કોસ્ટ ઇએમઆઇ’ની લાલચમાં આવીને મોટી ખરીદી કરી બેસીએ છીએ!
ફ્લિપકાર્ટ પર તમે આ રીતે કોઈ વસ્તુની ખરીદી કરીને પેમેન્ટ માટેના ઓપ્શન્સમાં ડેબિટ કાર્ટ ઇએમઆઇનો વિકલ્પ પસંદ કરો તો એ પછી આગળ વધતાં, તમને પૂરા ૧૬ ટકાના વાર્ષિક વ્યાજે માસિક હપ્તાથી ચૂકવણી કરવાના વિકલ્પો મળે છે! આનો દેખીતો અર્થ એ થયો કે માસિક હપ્તાનો વિકલ્પ પસંદ કરવા જતાં તમારે ભારે વ્યાજ ચૂકવવું પડે એવું બની શકે છે.
મતલબ કે કોઈ ચીજવસ્તુની ખરીદી કર્યા વિના છૂટકો જ ન હોય અને તેના માટે તમારી પાસે હાલ પૂરતી રકમ ન હોય, તો તમે એમેઝોન કે ફ્લિપકાર્ટ પર કેટલીક વિધિ પતાવીને માસિક હપ્તે ચુકવણી કરવાનો વિકલ્પ પસંદ કરી શકો છો, પરંતુ એ સાવ સસ્તો કે કોઈ વધારાના ખર્ચ વિનાનો વિકલ્પ નહીં જ હોય એ યાદ રાખશો.

