(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ગૂગલ ફોટોઝઃ આપણા તમામ ફોટોઝનું એક કાયમી સરનામું!

નવા સમયમાં, આપણા જીવનની અસીમ ક્ષણો અનંત સંખ્યામાં ફોટોઝ અને વીડિયોઝમાં કેપ્ચર થતી રહે છે. એને કાયમ માટે સાચવી રાખવાનું અત્યાર સુધી મુશ્કેલ હતું. હવે આ કામ તદ્દન સરળ બન્યું છે, જોઈશે ફક્ત સારું ઇન્ટરનેટ કનેક્શન.

આગળ શું વાંચશો?

  • સૌથી પહેલાં, ગૂગલ ફોટોઝની પ્રાથમિક વાતો જાણી લઈએ
  • હવે આપણા તમામ ફોટોઝ ગૂગલ ફોટોઝમાં અપલોડ કરીએ
  • હવે સમય છે ગૂગલ ફોટોઝ તપાસવાનો
  • ફોટોઝમાં સર્ચની મજા
  • સ્થળ મુજબ ગ્રૂપિંગ
  • વિષયો મુજબ ગ્રૂપિંગ
  • ટાઈપ્સ મુજબ ગ્રૂપિંગ
  • ચહેરા મુજબ ગ્રૂપિંગ
  • ફોટોઝમાંની મુ્ખ્ય સુવિધાઓ

ચોમાસું બેસી ગયું છે. તમે પરિવાર અને મિત્રો સાથે લોંગ ડ્રાઇવ પર નીકળી પડ્યા છો. રસ્તામાં કોઈ ઠેકાણે ગરમાગરમ, મસાલાવાળી ચા પીવા રોકાયા છો. પતરાંના છાપરા નીચે અડધા પલળતા તમે ઊભા છો અને પછી ખિસ્સામાંથી મોબાઇલ કાઢીને ફટાફટ આસપાસની તસવીરો, વીડિયો લેવાનું શરૂ કરો છો.

પરિણામ? મોં પર ઝીંકાતી મસ્ત મજાની વાછંટનો લ્હાવો લૂંટવાનું તમે ચૂકી જાવ છો. આદુવાળી ચાથી શરીરમાં અનુભવાતો ગરમાટો પણ તમારા ધ્યાનમાં આવતો નથી. જોકે તમને એની પરવા નથી. કુદરત આવી રીતે મન મૂકીને વરસી રહી હોય તો એને કેમેરામાં કાયમ માટે કેદ કરી લેવા માટે તમે બીજું થોડું જતું કરવા તૈયાર છો.

આવું ફક્ત ચોમાસામાં નહીં, લગભગ કાયમ આપણા સૌ સાથે બનતું રહે છે. આપણને ગમતું જે કંઈ બની રહ્યું હોય એને કાયમ માટે સાચવી લેવાની જહેમતમાં આપણે જે તે ક્ષણનો આનંદ ચૂકી જઈએ છીએ. વરસાદ પંદર-વીસ મિનિટ ચાલ્યો હોય અને આપણે દસેક મિનિટ પલળવાની અને ચાની મજા લૂંટ્યા પછી ધડાધડ તસવીરો લઈએ તો એમાં કશું ખોટું પણ નથી.

પરંતુ વાતમાં ટ્રેજિક ટ્વીસ્ટ હવે આવે છે.

કેમેરા કે સ્માર્ટફોનથી આપણે અવારનવાર ફોટોગ્રાફ્સ લેતા રહીએ છીએ અને પરિણામે કેમેરાના કાર્ડમાં, કમ્પ્યુટરનાં વિવિધ ફોલ્ડરમાં, સ્માર્ટફોનની ઇન્ટર્નલ મેમરીમાં કે એક્સટર્નલ કાર્ડમાં, પેનડ્રાઇવમાં, સીડી પર કે એક્સટર્નલ હાર્ડ ડ્રાઇવમાં બેકઅપ લીધો હોય તો તેમાં… કેટકેટલી અલગ અલગ જગ્યાએ આપણા એક સમયના ફેવરિટ ફોટોગ્રાફ્સ વિખરાયેલા પડ્યા રહે છે.

એ ફોટોગ્રાફ્સ આપણા ફેવરિટ તો હજી પણ છે, પણ ચાર વર્ષ પહેલાં, આ જ રીતે લોંગડ્રાઇવ પર નીકળ્યા હતા ત્યારે એક લારી પર ગરમાગરમ દાળવડાં ખાતાં ખાતાં વરસાદની તસવીરો લીધી હતી, એ ફરી જોવી હોય તો?

એ આપણી ઓલટાઇમ ફેવરિટ તસવીરો કઈ કઈ જગ્યાએ શોધવા જશું? જે ક્ષણો કાયમ માટે સાચવી લેવા માટે આપણે જે તે ક્ષણનો આનંદ જતો કર્યો હોય, એ જ તસવીરો આપણે ફરી જોવા માગીએ ત્યારે સહેલાઈથી મળતી નથી!

સદભાગ્યે, હવે આપણી તમામ તસવીરો માટે આપણને એક કાયમી સરનામું મળ્યું છે. ગૂગલ ફોટોઝ સ્વરૂપે. આ એક સાઇટ પર જો આપણે આપણે લીધેલા તમામ ફોટોઝ અપલોડ કર્યા હોય તો – વાત ગૂગલની હોવાથી, નેચરલી – સર્ચ બોક્સમાં જઈને ‘રેઇન’ સર્ચ કરીએ તો આઠ-દસ વર્ષ પહેલાં આપણે લીધેલી વરસાદની તસવીરો કે ‘ફૂડ’ સર્ચ કરતાં દાળવડાની પ્લેટની તસવીરો ધડાક દઈને આપણી સામે આવે છે અને એ સાથે તાજી થાય એ મજાના દિવસોની. તસવીરમાં સુગંધ સ્ટોર કરવાનું હજી શોધાયું ન હોવા છતાં, એ તસવીરો જોઈને ભીની માટીની મહેકથી આપણે તરબતર થઈ જઈએ.

આ મજા ભવિષ્યમાં, જ્યારે ઇચ્છીએ ત્યારે માણવા માટે તો આપણે તસવીરો લેતા હોઈએ છીએ!


એ હકીકત છે કે ફોટોઝ લેવાનું જેમ જેમ સહેલું બનતું ગયું છે, તેમ તેમ આપણું ક્લિક ક્લિક કરવાનું પ્રમાણ પણ સતત વધતું ગયું છે, પણ એટલે જ સતત વધતા જતા ફોટોગ્રાફ્સને યોગ્ય રીતે સાચવવાનું અને જોઈએ ત્યારે તરત શોધી કાઢવાનું સતત મુશ્કેલ બનતું જાય છે.

હવે બજારમાં જીબીથી આગળ વધીને ટેરાબાઇટ્સની કેપેસિટીવાળી એક્સટર્નલ ડ્રાઇવ્સ પણ મળે છે, એટલે આપણે ધારીએ તો આપણા અત્યાર સુધીના તમામ ફોટોગ્રાફ્સ બધી અલગ અલગ જગ્યાએથી વાળી-ઝૂડીને એકઠા કરીને એ એક જગ્યાએ સ્ટોર પણ કરી શકીએ છીએ. પરંતુ એક એક્સટર્નલ ડ્રાઇવમાં તમામ ફોટોઝનો બેકઅપ એ બેકઅપની સાચી રીત નથી. બેકઅપ હંમેશા ઓછામાં ઓછો બે જગ્યાએ હોવો જોઈએ.

ગૂગલ ફોટોઝ જેવી ઓનલાઇન સર્વિસમાં ફોટોઝ રાખીએ તો ગૂગલ દ્વારા એક સાથે અનેક જગ્યાએ બેકઅપ સચવાતો હોવાથી આપણી બેકઅપની ચિંતા ઉકેલાઈ જાય છે અને એ સાથે તેમાં વધારાની કેટલીક સગવડનો લાભ પણ મળે છે. સવાલ ફક્ત એક વાતનો રહે છે, આપણે આપણી તસવીરો ગૂગલ જેવી એક કંપનીને આપવા તૈયાર છીએ કે નહીં.

ગૂગલ પણ લોકોની આ ચિંતા જાણે છે એટલે જ ગૂગલ ફોટોઝ સંપૂર્ણપણે પ્રાઇવેટ રાખી શકાય એ રીતે તૈયાર કરવામાં આવેલી સર્વિસ છે. આ સર્વિસમાં આપણા ફોટોગ્રાફ્સ પર ઘણી બધી પ્રોસેસિસ થાય છે, પણ જ્યાં સુધી આપણે ઇચ્છીએ નહીં ત્યાં સુધી એ ફોટોગ્રાફ્સ બીજું કોઈ જોઈ શકતું નથી.

ઉપરાંત, ગૂગલ સ્પષ્ટતા કરે છે તેમ જીમેઇલ અને ગૂગલ ફોટોઝ બંને અલગ પ્રકારની સર્વિસ છે. એટલે જીમેઇલમાં મેઇલની બાજુમાં, મેઇલમાંના લખાણને સંબંધિત જાહેરાતો જોવા મળે છે, એવું – હાલ પૂરતું –  ફોટોઝમાં થતું નથી.

ગૂગલ ફોટોઝ એ આમ તો કોઈ નવી સર્વિસ નથી. એપલ ક્લાઉડમાં ફોટોસ્ટોરેજની સુવિધા આપે છે અને ફ્લિકર પર ૧ ટેરાબાઇટ સુધીના ફોટોગ્રાફ્સ ફ્રી સ્ટોર કરવાની સુવિધા મળે છે. પરંતુ ગૂગલે આ બધાથી આગળ વધીને તદ્દન મફતમાં, અનલિમિટેડ સ્ટોરેજ આપીને ફોટોસ્ટોરેજની દુનિયામાં નવી પહેલ કરી છે.

ગૂગલે અગાઉ પિકાસા નામના કમ્પ્યુટરમાં ડાઉનલોડ કરી શકાતા ફ્રી પ્રોગ્રામથી ફોટોગ્રાફ્સ સામે વિવિધ રીતે રમવાની આપણને સગવડ આપી હતી, જે હજી ચાલુ જ છે. પિકાસાની સાથે વેબ પિકાસા આલ્બમ નામે ક્લાઉડમાં ફોટોગ્રાફ્સ સ્ટોર કરવાની સગવડ હતી. તે પછી, ગૂગલે આપણા એ બધા જ ફોટોગ્રાફ્સ તેના નવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ  ગૂગલ પ્લસ પર શિફ્ટ કર્યા.

છેવટે, ગૂગલે ફોટોઝને ગૂગલ પ્લસમાંથી પણ અલગ કરીને, ગૂગલ ફોટોઝ તરીકે એક સ્ટેન્ડએલોન – અલગ જ સર્વિસનું સ્વરૂપ આપ્યું છે.

પરિણામે, જો તમે અગાઉ પિકાસા કે વેબ પિકાસા આલ્બમ કે ગૂગલ પ્લસમાં ફોટો જ સ્ટોર કર્યા હશે તો તમારા એ બધા જ ફોટોગ્રાફ્સ ગૂગલ ફોટોઝમાં જોવા મળશે.

ફોટોઝમાં તમારા જૂના ફોટોઝ હોય કે તમે બિલકુલ એકડેએકથી આ સર્વિસનો ઉપયોગ કરી રહ્યા હો – બંને સ્થિતિમાં આ નવી સર્વિસનો તમે કઈ રીતે પૂરેપૂરો લાભ લઈ શકો એ આપણે જાણીએ.

સૌથી પહેલાં, ગૂગલ ફોટોઝની પ્રાથમિક વાતો જાણી લઈએ

ગૂગલે દસેક વર્ષ પહેલાં જીમેઇલની રજૂઆત કરી ત્યારે તેમાં એ સમયના અન્ય ઈ-મેઇલ પ્રોગ્રામ્સ કરતાં લગભગ ૪૦ ગણી સ્ટોરેજ ક્ષમતા આપી હતી, જે પછી સતત વધતી ગઈ. આ વખતે ગૂગલે પહેલે જ ધડાકે અનલિમિટેડ સ્ટોરેજની ભેટ આપી છે. અલબત્ત કેટલીક શરતો સાથે.

સ્ટોરેજની વાત જાણતાં પહેલાં એ પણ જાણી લઈએ કે ફોટોઝ એ ક્લાઉડ સર્વિસ હોવાથી, આપણા ગૂગલ એકાઉન્ટથી આપણે તેને કમ્પ્યુટર પર અને સ્માર્ટફોન-ટેબલેટ બધામાં એક્સેસ કરી શકીએ છીએ. કમ્પ્યુટર અને મોબાઇલ ડિવાઇસમાં તેના ઉપયોગમાં નજીવા તફાવત છે, એ સિવાય બધી સુવિધાઓ સરખી છે.

ગૂગલ ફોટોઝ બે રીતે એક્સેસ કરી શકાય છે :

કમ્પ્યુટરમાં : એ માટેhttps://photos.google.com પર જઈને ગૂગલ એકાઉન્ટથી સાઇન-ઇન કરવાનું રહેશે.

મોબાઇલ ડિવાઇસમાં : જો તમે અગાઉ ગૂગલ પ્લસની ફોટોઝ એપ તમારા મોબાઇલ ડિવાઇસમાં ડાઉનલોડ કરી હશે અને તેને ઓટોમેટિક અપટેડ થાય એવી વ્યવસ્થા નહીં રાખી હોય તો આ એપને એક વાર અપડેટ કરી લો. તમારા ફોનમાં ગૂગલ પ્લે સર્વિસીઝ અપડેટેડ નહીં હોય તો તેને પણ અપડેટ કરવી જરૂરી બનશે. ગૂગલ ફોટોઝ હાલમાં એન્ડ્રોઇડ અને આઇઓએસ માટે ઉપલબ્ધ છે, વિન્ડોઝ ફોન માટે નહીં.

ફોટોઝનો ઉપયોગ શરુ કરતાં પહેલાં, આપણે પહેલાં કમ્પ્યુટરમાં, https://photos.google.com પર જઈને પ્રાથમિક સેટિંગ જાણી લઈએ. આ સાઇટ પર ગયા પછી જો તમે તમે ગૂગલ એકાઉન્ટમાં લોગ્ડ-ઇન ન હો તો સાઇન-ઇન થવાનું રહેશે.

સાઇન-ઇન થતાં, ગૂગલ ફોટોઝમાં જો આપણા કોઈ ફોટોગ્રાફ્સ હશે તો ઉપર સૌથી નવા અને નીચે જતા જઈએ તેમ તેમ જૂના ફોટોગ્રાફ્સ જોવા મળશે. ઉપર ડાબી તરફ આપેલ ત્રણ રેખાના સિમ્બોલ પર ક્લિક કરતાં, ફોટોઝના મુખ્ય વિકલ્પો જોવા મળશે.

અહીં સેટિંગ્સ પર ક્લિક કરતાં, આપણે ફોટોઝ અને વીડિયોઝને કઈ સાઇઝમાં અપલોડ કરવા માગીએ છીએ તે વિકલ્પ જોવા મળશે.

ફોટોઝમાં બે પ્રકારે સ્ટોરેજ સુવિધાનો લાભ લઈ શકાય છે : ૧. હાઇ ક્વોલિટી, ૨. ઓરિજિનલ. બંને પ્રકારની ખાસિયત આ મુજબ છે :

૧. હાઇ ક્વોલિટી :

આ વિકલ્પ પસંદ કરીએ તો આપણે અમર્યિદિત ફોટોગ્રાાફ્સ, કોઈ ચાર્જ વિના સ્ટોર કરી શકીએ છીએ. તેમાં મર્યાદા ફક્ત એટલી છે કે તેમાં ૧૬ મેગાપિક્સેલ કે તેથી ઓછી ક્ષમતાવાળા કેમેરા કે સ્માર્ટફોનથી લીધેલા ફોટોગ્રાફ ઓરિજિનલ સ્વ‚પે સ્ટોર થાય છે. ફોટોગ્રાફ આથી વધુ ક્ષમતાના હોય તો સિસ્ટમ તેને કમ્પ્રેસ કરે છે, અલબત્ત ફોટોગ્રાફી ગુણવત્તામાં સામાન્ય નજરે પારખી ન શકાય એટલો જ ફેર પડે છે. સામાન્ય સાઇઝમાં પ્રિન્ટ કરવા હોય તો આ સાઇઝમાં કોઈ તકલીફ પડતી નથી. વીડિયોઝમાં આ મર્યાદા ૧૦૮૦પીની છે.

૨. ઓરિજિનલ :

જો તમારી પાસે ડિએસએલઆર કેમેરા હોય, તમે પ્રોફેશનલ ફોટોગ્રાફર હો અને તમારા ફોટોગ્રાફ્સને તેની ઓરિજિનલ ક્વોલિટીમાં સ્ટોર કરવા માગતા હો તો આ વિકલ્પ પસંદ કરો જોઈએ. તમારા ફોટોગ્રાફ્સને મોટાં બેનર્સની સાઇઝમાં પ્રિન્ટ કરવા હોય તો તેમને ઓરિજિનલ સાઇઝમાં જ સ્ટોર કરવા જોઈએ. જોકે આવા કિસ્સામાં આપણને ગૂગલ એકાઉન્ટની કુલ ૧૫ જીબીની ફ્રી સ્ટોરેજની મર્યાદા લાગુ પડશે!

સ્વાભાવિક રીતે, આપણે હાઇ ક્વોલિટીનો વિકલ્પ પસંદ કરીશું!

હવે આપણા તમામ ફોટોઝ ગૂગલ ફોટોઝમાં અપલોડ કરીએ.

આપણે માની લઈએ છીએ કે તમે ગૂગલ ફોટોઝને તમારા તમામ ફોટોઝને કાયમી, એક જ સરનામું આપવાનું નક્કી કર્યું છે. આ માટે આપણે આપણા કમ્પ્યુટર, સીડી-ડીવીડી કે અન્ય ડ્રાઇવ, વિવિધ પેન ડ્રાઇવ કે કેમેરાકાર્ડ, સ્માર્ટફોન અને ટેબલેટ વગેરેમાંના તમામ ફોટોગ્રાફને વારાફરતી ગૂગલ ફોટોઝમાં અપલોડ કરવા પડશે.

કમ્પ્યુટરમાંના ફોટોઝ અપલોડ કરવા માટે

કમ્પ્યુટરમાંથી બહુ થોડી સંખ્યામાં ફોટોઝ અપલોડ કરવા હોય તો સર્ચ બોક્સની બાજુમાં આપેલ એરો સાથેના વાદળના ચિહ્ન પર ક્લિક કરી, પસંદગીના ફોટોગ્રાફ્સ અપલોડ કરી શકાય. પરંતુ કમ્પ્યુટરમાં સંખ્યાબંધ ફોટોગ્રાફ્સ હોય અને એ બધા તમે અપલોડ કરવા માગતા હો તો ફરી સેટિંગ્સમાં જઈ, ‘એપ ડાઉનલોડ્સ’ પર ક્લિક કરી,  ડેસ્કટોપ અપલોડર નામનું એક નાનું સોફ્ટવેર ડાઉનલોડ કરી, ઇન્સ્ટોલ કરી લો.

આ સોફ્ટવેર મેક કે વિન્ડોઝ કમ્પ્યુટરમાં ચાલી શકે છે અને તેની મદદથી કેમેરા કે સ્ટોરેજ કાર્ડના ફોટોઝ ગૂગલ ફોટોઝમાં અપલોડ કરી શકાય છે.

આ ૨.૫૪ એમબીનું સોફ્ટવેર ડાઉનલોડ કરી, તેને ડબલ ક્લિક કરી રન કરશો એટલે ગૂગલની શરતો સ્વીકારવાનું કહેવામાં આવશે અને પછી ઇન્સ્ટોલ થઈ જશે. ઇન્સ્ટોલેશનની પ્રોસેસ દરમિયાન પૂછવામાં આવશે કે તમે કમ્પ્યુટરમાંનાં કયાં કયાં ફોલ્ડરના ફોટોગ્રાફ્સ ગૂગલ ફોટોઝમાં અપલોડ કરવા માગો છો?

જો તમે કોઈ એક જ ફોલ્ડરમાં ફોટોગ્રાફ્સ સેવ કર્યા હોય તો તે ફોલ્ડરને ટિક કરતાં, આ સોફ્ટવેર જ્યારે જ્યારે ઇન્ટરનેટ કનેક્શન ઉપલબ્ધ હોય ત્યારે આપણા ફોલ્ડરમાંના તમામ ફોટોગ્રાફ્સ ગૂગલ ફોટોઝમાં અપલોડ કરતું રહે છે. ફોલ્ડરમાંના ફોટોગ્રાફ્સની સંખ્યા મુજબ, આ પ્રક્રિયા ઘણી લાંબી ચાલી શકે છે. એ દરમિયાન કમ્પ્યુટરમાં બીજું કામ કરી શકાય છે અને જરૂર પડે તો કમ્પ્યુટર બંધ પણ કરી શકાય છે (આ પ્રોસેસ દિવસો સુધી ચાલે એવું બની શકે છે!)

એવું પણ બની શકે છે કે આપણા કમ્પ્યુટરમાંના ફોટોગ્રાફ્સ આપણે અગાઉ ક્યારેક પિકાસા કે ગૂગલ ફોટોઝની મદદથી ક્લાઉડમાં અપલોડ કરી જ દીધા હોય. આવા સંજોગમાં જો ફરીથી બધા ફોટોગ્રાફ્સ અપલોડ કરવા જઈએ તો ડુપ્લિકેટ થવાનો ભય રહે. ગૂગલની હેલ્પ સાઇટમાં આ વિશે સત્તાવાર સ્પષ્ટતા નથી, પણ ‘સાયબરસફર’ના ટેસ્ટિંગમાં જાણવા મળ્યું કે જે ફોટોગ્રાફ પહેલેથી ગૂગલ ફોટોઝમાં અપલોડ થયો હોય તે ફરી વાર અપલોડ કરવા જઈએ તો તેની ડુપ્લિકેટ કોપી સર્જાતી નથી (પછી ભલે ફાઇલનેમ અલગ હોય). પરંતુ સિસ્ટમ, આ ફોટોગ્રાફ બીજી વાર અપલોડ થયા પછી જ નક્કી કરી શકે છે કે તે ડુપ્લિકેટ છે કે નહીં. આથી એ ફોટોગ્રાફ અપલોડ કરવા માટે જે સમય અને ઇન્ટરનેટનો ખર્ચ થાય એ તો થાય જ!

આવી સ્થિતિ ટાળવા માટે તમે જાતે જ કમ્પ્યુટરમાંના ફોટોગ્રાફ્સ અને ગૂગલ ફોટોઝમાંના ફોટોગ્રાફ્સ સરખાવીને પછી અપલોડ કરો તો સારું રહેશે. જો કમ્પ્યુટરમાં જ પાર વગરના ડુપ્લિકેટ હોય તો પિકાસા સોફ્ટવેર ડાઉનલોડ કરી, તેમાં ડુપ્લિકેટ ફોટો શોધીને દૂર કરવાની પ્રાથમિક સગવડ છે તેનો લાભ લઈ શકાય.

મોબાઇલ ડિવાઇસમાંના ફોટોગ્રાફ્સ અપલોડ કરવા માટે

સ્માર્ટફોન કે ટેબલેટમાંના ફોટોગ્રાફ પહેલી વાર અપલોડ કરવા માટે અને પછી જ્યારે પણ આપણે નવા ફોટોગ્રાફ્સ લઈએ ત્યારે તે ઓટોમેટિકલી અપલોડ કરવા માટે ફોટોઝ એપ ઓપન કરી આગળ વધશો એટલે તેમાં પણ અપલોડ કરવાના ફોટોગ્રાફની સાઇઝના, આપણે આગળ જાણ્યા તે વિકલ્પ પૂછવામાં આવશે. અહીં પણ અનલિમિટેડ ફ્રી સ્ટોરેજ માટે હાઇ ક્વોલિટીનો વિકલ્પ પસંદ કરી આગળ વધો.

અહીં પણ ડાબી તરફની ત્રણ રેખા પર ક્લિક કરી, સેટિંગ્સમાં જાઓ. તેમાં સૌથી પહેલા, બેક અપ એન્ડ સિંક ઓપ્શન પર ક્લિક કરો.  અહીં બેક અપ ઓપ્શન ઓન ન હોય તો કરી દો. એ ઉપરાંત, અપલોડ સાઇઝ હાઇ ક્વોલિટી હોવાની ખાતરી કરી લો.

અહીં બાય ડિફોલ્ટ, વાઇ-ફાઇ કનેક્શન મળે ત્યારે જ ફોટોઝ અપલોડ થાય તેવો વિકલ્પ હશે. ટુર પર ગયા હોઈએ ત્યારે આ વિકલ્પ બદલીને મોબાઇલ નેટવર્કના ડેટા પ્લાનનો ઉપયોગ કરીને પણ ફોટોઝ અપલોડ કરવાનો વિકલ્પ પસંદ કરી શકાય (એ મોંઘું પડશે, પણ ફોટોઝ ભૂલથી ડિલીટ થવાનો ડર રહેશે નહીં). વીડિયોઝ ફક્ત વાઇ-ફાઇ પર જ અપલોડ થશે.

અહીંથી જ, ફોનની ગેલેરીનાં કયાં કયાં ફોલ્ડરમાંના ફોટોઝ-વીડિયોઝ અપલોડ કરવા ઇચ્છો છો તે પણ પસંદ કરી લો.

આ ખાસ અગત્યનું છે, કેમ કે અહીં વોટ્સએપનું ફોલ્ડર પર પસંદ કરેલું હશે તો તેમાં ઠલવાતી બધી ઇમેજ અને વીડિયો પણ ગૂગલ ફોટોઝમાં ખીચડો કરશે. અહીં અનલિમિટેડ ફ્રી સ્ટોરેજ છે, પણ પર્સનલ ફોટોઝમાં એ બધું નડતરરૂપ બનશે.

હવે સમય છે ગૂગલ ફોટોઝ તપાસવાનો!

એક વાર આ રીતે, કમ્પ્યુટર અને સ્માર્ટ ડિવાઇસમાંના આપણા ફોટોઝ અને વીડિયોઝ ગૂગલ ફોટોઝમાં આવી જાય તે પછી આપણે ખાસ લગભગ કશું જ કરવાનું રહેતું નથી, જે કંઈ થાય છે તે ઓટોમેટિક થાય છે.

એક તકલીફ એ છે કે તમારા કમ્પ્યુટરમાં તમે બધા ફોટોઝ બહુ મહેનતથી અલગ અલગ ફોલ્ડર બનાવીને સ્ટોર કર્યા હશે તો પણ, ગૂગલ ફોટોઝમાં બધા જ ફોટો કોઈ ફોલ્ડર વિના, માત્ર તારીખ મુજબ ગોઠવાય છે.

ગૂગલ ફોટોઝની કરામતો હવે જ શરૂ થાય છે!

સિસ્ટમ આપણા તમામ ફોટોગ્રાફ્સના મેટાડેટામાંથી એ ફોટો ક્યારે લેવામાં આવ્યો હતો એ જાણીને તેમને તારીખ, મહિના અને વર્ષ મુજબ ગોઠવે છે. જે ફોટોગ્રાફમાં આવી માહિતી ન મળે, આપણે કોઈ જૂનો ફોટો સ્કેન કરીને પછી ગૂગલ ફોટોઝમાં અપલોડ કરીએ, તો એ જ્યારે અપલોડ કરવામાં આવ્યો હોય એ તારીખ પ્રમાણે જોવા મળે. જો તમે અગાઉ વ્યવસ્થિત ફોલ્ડર્સ બનાવીને ફોટોલાઇબ્રેરી બનાવી હશે બધું વેરવિખેર થયેલું જોઈને નિરાશા થશે, પણ આ પદ્ધતિ વધુ સારી છે કેમ કે તેમાં આપણે ફોટોલાઇબ્રેરી વ્યવસ્થિત રીતે જાળવવાની કોઈ મહેનત કરવી પડતી નથી.

આ સિસ્ટમની ખરી શક્તિ તેમાં વધુ ફોટોગ્રાફ્સ જમા થાય તે પછી જોવા મળે છે. આપણે જોયું તેમ મેઇન પેજ પર કેલેન્ડર મુજબ ફોટોગ્રાફ્સ ગોઠવાય છે. કમ્પ્યુટરમાં પેજને સ્ક્રોલડાઉન કરતા જઈએ તેમ તેમ ડાબી તરફ મહિનો અને વર્ષ બદલાતાં જાય છે. જ્યાં ચાહો ત્યાં અટકો અને એ તારીખ, મહિના, વર્ષના ફોટોગ્રાફ્સ જુઓ!

મોબાઇલમાં રીત તો આ જ છે, પણ તેમાં પિન્ચ કરીને સ્ક્રીનને ઝૂમ આઉટ કરીએ એટલે જુદાં જુદાં વર્ષ અને તેમાં મહિના મુજબ બિલકુલ નાની થમ્બનેઇલ ઇમેજીસ જોવા મળશે. પછી ચાહો તે મહિનાને ટચ કરી, ઝૂમ કરી લો.

અચ્છા, હવે સ્ક્રીનની ડાબી તરફના પહેલા આઇકન પર ક્લિક કરો. તેનું નામ ‘આસિસ્ટન્ટ’ આપવામાં આવ્યું છે. સિસ્ટમ આપણા ફોટોગ્રાફ્સને આપોઆપ તપાસીને એક સરખા ફોટોગ્રાફ્સમાંથી સરખા ફોટોગ્રાફ્સ તારવીને તેમાંથી કોલાજ બનાવે છે તો ક્યારેક સરખા વીડિયો અને ફોટોઝ કમ્બાઈન કરીને તેમાંથી અલગ અલગ ઇફેક્ટ અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક સાથેની મૂવી બનાવી આપે છે! અથવા બહુ ફટાફટ ફોટોગ્રાફ્સ લેવાયા હોય તો એમાં કેપ્ચર થયેલી બધી મૂવમેન્ટમાંથી એક એનિમેશન બનાવવામાં આવે છે. આ બધું ફોટોલાઇબ્રેરીમાં જમા થતું જાય છે.

મોબાઇલ એપમાં આપણે ફોટોસ્ટોરીઝ પણ બનાવી શકીએ છે (વધુ માહિતી માટે જુઓ સપ્ટેમ્બર ૨૦૧૪ અંક)

ડાબી તરફના મેનુમાં ત્રીજો વિકલ્પ છે કલેક્શનનો.

કલેક્શનમાં સિસ્ટમે આપોઆપ બનાવેલ મૂવી ઉપરાંત, આપણે પોતાની રીતે આલબમ બનાવીને પણ મૂકી શકીએ છીએ. જેમ કે મે મહિનામાં સાત-આઠ દિવસ દરમિયાન તમે જેટલા ફોટોગ્રાફ્સ લીધા હોય તે બધા મેઇન ફોટો પેજમાં જઈને સિલેક્ટ કરો (એ માટે પહેલા ફોટોગ્રાફમાં ઉપર જમણે આપેલા એરોને ક્લિક કરો, પછી શિફ્ટ પ્રેસ કરીને છેલ્લા ફોટોમાં એરો ક્લિક કરતાં બધા ફોટો સિલેક્ટ થશે). એ પછી ઉપર આપેલ પ્લસ પર ક્લિક કરતાં, સિલેક્ટેડ ફોટામાંથી નવું આલબમ ક્રિએટ કરવાનો કે અગાઉ બનાવેલા આલબમમાં તેમને ઉમેરવાનો વિકલ્પ મળશે.

આ રીતે, ફરી નવાં આલબમ બનાવવામાં થોડી મહેનત થશે, પણ એ બહાને જૂની યાદો વાગોળવાની તક પણ મળશે!

ફોટોઝમાં સર્ચની મજા

આગળ કહ્યું તેમ, ફોટોઝમાં ઘણું બધું આપોઆપ થાય છે. આ વાક્યનો બરાબર અર્થ સમજવા મેઇન પેજમાં મથાળે જોવા મળતા સર્ચ બોક્સમાં ફક્ત કર્સર લઈ જાઓ. કશું જ લખવાની જરુ‚ર નથી. અહીં આપણા સમગ્ર ફોટો કલેક્શનમાંથી જુદાં જુદાં સ્થળ મુજબ અને જુદા જુદા વિષય મુજબ આપોઆપ ગ્રૂપ થયેલા ફોટોઝ જોવા મળશે. આ બધું એકદમ પરફેક્ટ નથી, પણ બેહદ નવાઈ લાગે એટલું પરફેક્ટની નજીક જરૂર છે.

સ્થળ મુજબ ગ્રૂપિંગ

પ્લેસીઝમાં, ફોટોગ્રાફ્સમાંના મેટા ડેટાની મદદથી જુદાં જુદાં શહેર-સ્થળ મુજબ ફોટોગ્રાફ્સનું ગ્રૂપિંગ થાય છે. મેટા ડેટા ઉપરાંત, ફોટોગ્રાફમાં જોવા મળતા કોઈ લેન્ડમાર્કની મદદથી પણ આ ગ્રૂપિંગ થાય છે. જેમ કે તસવીરમાં બુલંદ દરવાજો જોવા મળતો હોય તો ત્યાંના ફોટોઝ ફતેહપૂર સીક્રીના નામે ગ્રૂપ થાય છે. કોઈ તસવીરમાં બુલંદ દરવાજો ન દેખાતો હોય તો પણ, બુલંદ દરવાજા સાથેની તસવીરની નજીકના  સમયગાળામાં લેવાયેલી તસવીરો આ ગ્રૂપમાં ઉમેરાઈ જાય છે.

તાજ મહેલ સાથેની તસવીરો આગ્રાના ગ્રૂપમાં ઉમેરાશે, પણ સર્ચ બોક્સમાં તાજ લખી સર્ચ કરીશું તો આગ્રાના તાજ મહેલની તસવીરો ઉપરાંત, મુંબઈની તાજ હોટેલ પાસેના ગેટ વે ઓફ ઇન્ડિયાની તસવીરો પણ જોવા મળશે!

વિષયો મુજબ ગ્રૂપિંગ

આફમા ફોટોગ્રાફ્સમાં ફૂલો, વાદળાં, સૂર્યોદય કે સૂર્યાસ્ત, લગ્ન, કાર્સ, ફૂડ, સરોવર, ધોધ, જંગલ, પર્વતો, બાળકોનાં પ્લે ગ્રાઉન્ડ વગેેર જુદા જુદા અનેક વિષય મુજબ તસવીરોનું ગ્રૂપિંગ કરી આપે છે. મૂળ અમેરિકાની આ કંપનીએ બનાવેલી આ સર્વિસ દિવાળીના ફોટોગ્રાફ્સ પણ અલગ તારવી આપે છે!

આ બધું સિસ્ટમે આપોઆપ કરેલું ગ્રૂપિંગ છે, જે આપણને સામેથી બતાવવામાં આવે છે.

એ ઉપરાંત, આ લેખની સાવ શરૂઆતમાં લખ્યા મુજબ, ‘રેઇન’ સર્ચ કરીએ તો સમગ્ર કલેક્શનમાંથી વરસતા વરસાદના ફોટોગ્રાફ્સ પણ એક સાથે જોવા મળી શકે છે!

ટાઇપ્સ મુજબ ગ્રૂપિંગ

ગૂગલે બનાવેલ જુદા જુદા પ્રકારનાં ક્રિએશન્સ, તમામ વીડિયો,  આપણી ગૂગલ ડ્રાઇવમાંના ફોટોગ્રાફ્સ અને છેલ્લા થોડા સમયમાં ઉમેરેલા ફોટોઝ જોવાની લિંક પણ આપવામાં આવી છે.

ક્રિએશન્સ ધ્યાનથી તપાસશો તો સમજાશે કે તેમાં નજીક નજીકના ફોટોગ્રાફ્સને સ્ટીચ કરીને પેનોરમા બનાવવામાં આવે છે, નજીક નજીકની મૂવમેન્ટ ધરાવતા ફોટોઝમાંથી એનિમેશન બનાવવામાં આવે છે, બે કે ચાર-પાંચ લોકોના ફોટોગ્રાફ નજીકના સમયાંતરે લેવાયેલા હોય તો સિસ્ટમ એ તમામમાંથી દરેકના સ્માઇલવાળો ભાગ એકબીજામાં  ભેળવીને એક ફોટો બનાવી આપે છે, જેમાં દરેકના ચહેરા પર સ્માઇલ હોય! આમાંનું કશું જ આપણે જાતે કરવું પડતું નથી, બધું જ આપોઆપ થાય છે (જો આપણે કશું કરવા માગતા હોઈએ તો જે તે ફોટોગ્રાફ પર ક્લિક કરીને તેને જરૂરિયાત મુજબ એડિટ કરવાની સગવડ તો છે જ).

ચહેરા મુજબ ગ્રૂપિંગ

આ સગવડનો તમે કદાચ પિકાસામાં લાભ લીધો હશે. તેમાં એક વાર અમુક ફોટોગ્રાફમાંની વ્યક્તિઓની ઓળખ આપણે સિસ્ટમને આપી દઈએ તે પછી સિસ્ટમ જાતે એ વ્યક્તિના દરેક ફોટોગ્રાફને ગ્રૂપ કરી લે છે. અહીં ગૂગલ સ્પષ્ટતા કરે છે કે સિસ્ટમ વ્યક્તિને ઓળખતી નથી, પણ સરખા ચહેરાને શોધે છે! ફેસ રેકગ્નીશનની આ સગવડ ગૂગલ ફોટોઝમાં અત્યારે ફક્ત યુએસમાં ઉપલબ્ધ છે.

અલબત્ત, ગૂગલ કહે છે કે ફોટોઝની આ હજી શરૂઆત છે. આગળ જતાં હજી ઘણી નવી સગવડો તેમાં ઉમેરાશે!

 ફોટોઝમાંની મુખ્ય સુવિધા

  • આસિસ્ટન્ટઃ અહી આપણા ફોટોમાંથી સિસ્ટમ જે નવું ક્રિએશન કરે તે વખતોવખત જોવા મળે છે.
  • ફોટોઝઃ આપણા તમામ ફોટોગ્રાફ આ હોમપેજમાં વર્ષ-મહિના-તારીખ મુજબ ગોઠવાય છે.
  • કલેક્શન્સઃ સિસ્ટમ જનરેટેડ અથવા આપણે તૈયાર કરેલાં કલેકશન્સ અહીં જોઈ શકાય છે.
  • શેર્ડ લિંક્સઃ  ફોટોગ્રોફ સિલેક્ટ કરી તેમને શેર કરવાની લિંક જનરેટ કરી શકાય છે. આવી બધી લિંક્સ અહીં દેખાય છે.
  • ટ્રેશઃ આપણે ડિલીટ કરેલા ફોટોઝ-વીડિયોઝ અહીં ૬૦ દિવસ સુધી રહે છે, પછી આપોઆપ પરમેનેન્ટલી ડિલીટ થઈ જાય છે.
  • સેટિંગ્સ્રઃ સ્ટોરેજ સંબંધિત સેટિંગ્સ અહીં થાય છે.
  • હેલ્પ એન્ડ ફીડબેકઃ વિવિધ હેલ્પ આર્ટિકલ અહીંથી એક્સેસ કરી શકાશે.
  • એપ ડાઉનલોડ્સઃ ડેસ્કટોપ કે સ્માર્ટ ડિવાઈસની એપ્સની લિંક અહીં મળશે.

ગૂગલ ફોટોઝના ઉપયોગમાં ક્યાંય પણ અટક્યા? તો આપનો પ્રશ્ન himanshu@duplics.cybersafar.in પર ઈ-મેઇલ કરો અથવા 92272 51513 ઉપર વોટ્સએપ કરો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!