ગૂગલ ક્રોમના પાંચમાં જન્મદિને મળેલી આ નવી સોગાતથી, ઓફલાઇન અને ઓનલાઇન વચ્ચેનું અંતર ઘટ્યું છે અને હવે, પીસી લેપટોપ કે સ્માર્ટફોન પર કામ કરવાની આપણી ઢબ ફરી એક વાર બદલાઈ શકે છે!
ગયા વર્ષે, ૨૨ નવેમ્બરે ગૂગલ ક્રોમ બ્રાઉઝરનો પાંચમો જન્મદિન ઉજવાયો અને એ દિવસે આપણને ગૂગલ જેવી ઓનલાઈન દુનિયાની જાયન્ટ તરફથી જે મળવાની કલ્પના ન હોય એવી ભેટ મળી – ઓફલાઇન એપ્સની! એવી એપ્લિકેશન્સ જેનો આપણે ઇન્ટરનેટ કનેક્શન ચાલુ ન હોય ત્યારે પણ લાભ લઈ શકીએ!
આપણા ઘણા સમયથી જોતા આવ્યા છીએ તેમ, અત્યારે ઓફલાઇન અને ઓનલાઇન કામકાજનો મિશ્ર સમય ચાલી રહ્યો છે. થોડાં વર્ષ પહેલાં, આપણું બધું જ કામકાજ આપણા પીસીમાં થતું હતું, ત્યાં જ સ્ટોર થતું હતું અને એ કામ બીજા કોઈને મોકલવાનું થાય, ફક્ત ત્યારે આપણને ઇન્ટરનેટ સાથે કનેક્ટ થઈ, ફાઇલની આપલે કરતા હતા. એ પછી ઇન્ટરનેટનો વ્યાપ વધતો ગયો અને ઘણું બધું કામકાજ ડાયરેક્ટ નેટ પર થવા લાગ્યું.
તાજો દાખલો ગૂગલ ડ્રાઇવ કે ડોક્સનો છે. આ ઓનલાઇન સુવિધામાં આપણે માઇક્રોસોફ્ટ ઓફિસની જેમ વર્ડ, પાવરપોઇન્ટ કે એક્સેલ જેવી ફાઇલ ઓપન કરી તેમાં કામ કરી, મિત્રો કે સાથી કર્મચારીઓ સાથે તેને શેર કરી, એક સાથે એ ફાઇલ પર કામ કરી શકીએ છીએ અને એકબીજાને કમેન્ટ પણ મોકલી શકીએ છીએ. માઇક્રોસોફ્ટ ઓફિસનું ઓનલાઇન સ્વરુપ પણ કંઈક આવું જ છે.
આમ ઘણું બધું હવે ઓનલાઇન થવા લાગ્યું છે,છતાં, માઇક્રોસોફ્ટ વર્ડનો જ દાખલો લઈએ તો તેના ઓફલાઇન વર્ઝન એટલે કે આપણા પીસીમાં ચાલતા પ્રોગ્રામમાં જેટલી સુવિધાઓ અને ફીચર્સ આપણને મળે છે એટલાં ગૂગલ ડોક્સમાં મળતાં નથી. ઉપરાંત, નેટ કનેક્શનની સ્પીડ હવે વધી હોવા છતાં, સૌને ચોવીસે કલાક નેટ કનેક્શન ઉપલબ્ધ હોય એવું બનતું નથી.
એટલે કે, એક તરફ ઓફલાઇન પ્રોગ્રામ્સમાં આપણને પાવરફૂલ ફીચર્સ મળે છે, તો ઓનલાઇન એપ્સમાં આપણને ગમે ત્યાંથી એક્સેસ કે એડિટ કરવાની આઝાદી અને એક જ સમયે બીજા લોકો સાથે મળીને કામ કરવાની આઝાદી મળે છે. બંનેના જુદા જુદા લાભ છે અને જુદી જુદી ખૂટતી કડીઓ છે.
આ બંનેનો એક સાથે લાભ લેવો હોય તો? બસ, આ જ વિચારના પાયા પર સર્જાઈ છે ગૂગલની ઓફલાઇન એપ્સ. એવી એપ્સ જે મોડર્ન વેબ ટેક્નોલોજીનો પૂરો લાભ લઈ શકાય એ રીતે ડિઝાઇન થઈ છે અને છતાં, જરુર પડે ત્યારે નેટ કનેક્શન વિના, આપણા પીસીમાંના જ કોઈ પ્રોગ્રામની ચાલી શકે છે!
ઓફલાઇન એપ્સ કેવી રીતે ચલાવશો?
આ બધી ઓફલાઇન ચાલી શકે તેવી એપ્સનો લાભ લેવા માટે આપણા કમ્પ્યુટરમાં ગૂગલ ક્રોમ બ્રાઉઝર હોવું જરુરી છે. હાલમાં ગૂગલે મોટા ભાગે પ્રોડક્ટિવિટી અને ક્રિએટિવિટીમાં ઉપયોગી એપ્સ કે વિવિધ ગેમ્સનાં ઓફલાઇન વર્ઝન્સ આપ્યાં છે.
જેમ કે તમને ગમે ત્યારે દિમાગમાં ઝબકે એવો કોઈ મુદ્દો નોંધ સ્વરુપે ટપકાવી લેવાની આદત હોય તો ગૂગલની કીપ નામની એક સર્વિસ ઉપયોગી છે. રોજબરોજનું કામકાજ યાદ રાખવા માટે એકદમ સરળ છતાં, કામઢું ટુ-ડુ લિસ્ટ રાખવાની ટેવ હોય તો વન્ડરલિસ્ટ નામની એક એપ હવે ઓફલાઇન પણ ઉપયોગી છે (આ એક ખરેખર બહુ ઉપયોગી એપ છે, આપણે આગામી અંકમાં એની વિગતવાર વાત કરીશું). ઇન્ટરનેટ પર વાંચવા જેવા અઢળક લેખોને ફુરસદે વાંચવામાં ઉપયોગી એવી પોકેટ સર્વિસ પણ હવે ઓફલાઇન એપ તરીકે ઉપલબ્ધ છે, એ રીતે, તમારા ફોટોગ્રાફમાં નાનું મોટું ટચિંગ કરવું હોય તો પિક્સલર નામની એપ પણ ઉપલબ્ધ છે.
ક્રોમ ઓપન કરી, ક્રોમ વેબ સ્ટોરમાં જાઓ (નવી બ્લેન્ક ટેબ ઓપન કરતાં સ્ક્રીન પર નીચે જમણા છેડે વેબ સ્ટોરની લિંક મળશે, અથવા એડ્રેસબારમાં સીધું જ વેબસ્ટોરનું એડ્રેસ લખો :https://chrome.google.com/webstore).
હવે ડાબી પેનલમાં કલેક્શન્સ લિંક પર ક્લિક કરો.
હવે ફોર યોર ડેસ્કટોપ કે ઓફલાઇન એપ્સમાં જાઓ.
અહીં જુદી જુદી એપ્સ જોવા મળશે, જે ઓફલાઇન પણ ચાલશે. તમારા ગૂગલના એકાઉન્ટથી લોગ-ઇન થઈને આમાંની કોઈ પણ એપ તમે પહેલી વાર ઇન્સ્ટોલ કરશો એટલે તમારા પીસીના નીચેના ટાસ્કબારમાં એક ગૂગલ ક્રોમ એપ લોન્ચરનું બટન ઉમેરાઈ જશે. આ બટન પર ક્લિક કરીને આપણે ઇન્સ્ટોલ કરેલી બધી ઓફલાઇન એપ ઇન્ટરનેટ કનેક્શન વિના ચલાવી શકાશે.
જેમ મોબાઇલમાં આપણે ઘણી એપનો નેટ કનેક્શન વિના લાભ લઈ શકીએ અને નેટ કનેક્શન મળતાં તેમાંનો ડેટા અપડેટ થાય એ જ રીતે, પીસીમાં ચાલતી આ બધી એપનાં ઓનલાઇન વર્ઝન પણ છે, એટલે કે જ્યારે આપણે નેટ સાથે કનેક્ટ થઈએ ત્યારે આ એપ ક્લાઉડમાંના ડેટા સાથે ઝડપથી આપલે કરીને ઓફલાઇન ડેટાને અપડેટ કરી લેશે. પરિણામે આપણે જેના પર ઓફલાઇન કામ કર્યું હોય, તે ડેટા આપણે બીજા કોઈ પીસીમાં ક્રોમ બ્રાઉઝરથી કે સ્માર્ટફોનમાં એ એપના મોબાઇલ વર્ઝનમાં પણ તેનો લાભ લઈ શકીએ છીએ.
વાત થોડી ગૂંચવણભરી લાગે છે? મેઇલ માટે તમે માઇક્રોસોફ્ટ આઉટલૂકનો ઉપયોગ કર્યો હશે તો આ વાત તરત સમજાશે. જેમ, નેટ કનેક્શન ન હોય ત્યારે આઉટલૂક ઓપન કરી, મેઇલ લખીને તેને સેન્ડ કરી દઈએ અને નેટ કનેક્શન મળતાં, આઉટલૂક પ્રોગ્રામ આપણે લખેલો મેઇલ સેન્ડ કરી દે અને આપણા પર આવેલા નવા મેઇલ ડાઉનલોડ કરી દે છે, બરાબર એ જ રીતે આ ઓફલાઇન એપ્સ કામ કરે છે.
આ અંકની કવરસ્ટોરીમાં પોકેટ નામની એક અફલાતૂન એપ્લિકેશન વિશે મુદ્દાસર માહિતી મેળવશો એટલે ઓફલાઇન એપ્સનો કન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જશે!
અત્યારે લગભગ પ૦ જેટલી એપ્સનાં જ ઓફલાઇન વર્ઝન ઉપલબ્ધ છે, પરંતુ સમય સાથે આવી એપ્સનું પ્રમાણ વધવાનું એ નક્કી છે.

