આપણે દરરોજ ગૂગલના સર્ચબોક્સમાં કંઈક ને કંઈક લખીને સર્ચ કરીએ છીએ અને પછી સંખ્યાબંધ પરિણામો જોઈને ગૂંચવાઈએ છીએ. સર્ચ કરવાની કેટલીક ચોક્કસ રીત જાણી લઈએ તો આપણું કામ ઘણું આસાન બની શકે છે.
આગળ શું વાંચશો?
- સર્ચના મૂળ
- તમારા જન્મદિને, વિશ કરશે ગૂગલ
- સેફસર્ચ કેવી રીતે કરાય?
- પ્રાઈવેટ સર્ચ એન્જિનની વધતી લોકપ્રિયતા
- ગુજરાતીમાં સર્ચ કેવી રીતે કરાય?
- ફોન ઓટોમેટિક અનમ્યૂટ કરવા માટે
- ધારદાર નોલેજ માટે…
તમને ગૂગલમાં સર્ચ કરતાં કેવુંક આવડે છે? ગુસ્સે ના થશો, આજના સમયમાં આ સવાલ કોઈને ‘તમને લખતાં-વાંચતાં કે બોલતાં આવડે છે કે નહીં?’ એવું પૂછવા જેવો છે. આમ જુઓ તો ગૂગલમાં સર્ચ કરવામાં કશું આવડવા કે ન આવડવા જેવું પણ નથી. ગૂગલ.કોમ સાઇટ પર જઈને સર્ચ બોક્સમાં કશુંક લખો અથવા ગૂગલ ક્રોમ કે ફાયરફોક્સ જેવા બ્રાઉઝરમાં એડ્રેસબારમાં જ કશુંક લખીને સર્ચ કરો એટલે ગૂગલ તેનો કંઈક તો જવાબ આપશે જ. પરંતુ જો તમે વધુમાં વધુ સચોટ જવાબો મેળવવા ઇચ્છતા હો તો તમારે ગૂગલ સર્ચની કેટલીક સાવ સાદી, પણ ઓછી જાણીતી જાણકારી મેળવી લેવી જોઈએ.
તમે તમારો પોતાનો અનુભવ કહેજો, તમારી સાથે એવું કેટલી વાર બન્યું છે કે તમે ઇન્ટરનેટમાંથી કંઈક શોધવા માટે ગૂગલના સર્ચબોક્સમાં કેટલાક કીવર્ડ નાખો અને તેના પરિણામે, રીઝલ્ટ્સનું જે લાંબું લચક લિસ્ટ મળે તે જોઈને તમે વધુ ગૂંચવાઈ જાવ કે આમાંથી કયા વેબપેજમાં આપણને જોઈતી માહિતી મળશે?
ગૂગલ પોતાના સર્ચ એન્જિનને વધુ ને વધુ પાવરફૂલ બનાવે છે અને આપણને જોઈતાં પરિણામો વધુ ને વધુ ચોક્સાઈથી મળતાં થાય એવા પ્રયાસો કરે છે, છતાં આવું થાય છે. કેમ? કેમ કે લગભગ અત્યાર સુધી ગૂગલની સર્ચ કરવાની પદ્ધતિ એવી કંઈક હતી કે તેના સર્ચબોક્સમાં આપણે જે શબ્દો લખીએ તે શબ્દો ધરાવતાં વેબપેજીસ શોધી, ગૂગલે નક્કી કરેલા વિવિધ માપદંડો અનુસાર તેમને ચઢતો-તરતો ક્રમ આપીને ગૂગલ સર્ચ રીઝલ્ટની યાદી આપણને આપે છે. મતલબ કે આપણે ગૂગલ પાસેથી આપણને જોઈતા જવાબો પૂછતા હોઈએ છીએ, પણ ગૂગલ ખો આપીને કહે છે કે આ બધાં પેજમાં તમારો જવાબ મળી જશે, શોધી લો!
આ સ્થિતિ ગૂગલને પણ ખૂંચતી હતી. કેમ ખૂંચતી હતી, એના પણ જવાબો છે. પહેલી વાત, ગૂગલ સ્પષ્ટપણે સમજે છે કે તે આપણા સવાલોના જેટલા વધુ સચોટ અને વધુ ઝડપી જવાબો આપી શકશે એટલો એને જ લાંબા ગાળે ફાયદો છે. બીજી વાત, હવે લોકો વધુ ને વધુ ગૂગલિંગ કરતા થયા છે અને એ સાથે વધુ ને વધુ રીતે ગૂગલિંગ કરતા થયા છે. માત્ર વેબ બ્રાઉઝર ખોલીને ગૂગલ સર્ચબોક્સમાં ટાઇપ કરીને સર્ચ કરાય એવું રહ્યું નથી, હવે તો લોકો પોતાના મોબાઇલ ફોનમાં માઇક પર ક્લિક કરી, બોલીને ગૂગલને સવાલો પૂછતા થઈ ગયા છે (જુઓ ‘સાયબરસફર’ના સપ્ટેમ્બર ૨૦૧૩ અંકની કવરસ્ટોરી).
પરિણામે ગૂગલને પણ હવે (ખરેખર તો છેલ્લા કેટલાય સમયથી) લાગે છે કે સર્ચમાં પૂછવામાં આવતા કીવર્ડ અને તેને અનુપ પેજરેન્કિંગ ધરાવતા વેબપેજ તારવવા માટે કરવામાં આવતી ગણતરીઓ (જેને નિષ્ણાતોની ભાષામાં અલ્ગોરિધમ કહે છે)માં હજી પણ કંઈક કચાશ છે.
આ કચાશ દૂર કરવા માટે, ગયા વર્ષે ઓક્ટોબરમાં ગૂગલ સર્ચના પંદરમા જન્મદિનની ઉજવણી નિમિત્તે ગૂગલે તેના સર્ચ માટેના અલ્ગોરિધમમાં એક મેજર અપડેટની જાહેરાત કરી. આ બહુ મોટો ફેરફાર ગણાય છે કેમ કે છેલ્લે આટલા મોટા પાયા પરનો ફેરફાર ગૂગલે છેક ૨૦૦૧માં કર્યો હતો. આ વખતના ફેરફારને ગૂગલે નામ આપ્યું છે – હમિંગબર્ડ!
એક કંપની તરીકે ગૂગલની સેન્સ ઓફ હ્યુમર ખરેખર સરસ છે, એન્ડ્રોઇડનાં જુદાં જુદાં વર્ઝનને એ મોંમાં પાણી લાવતી સ્વીટ ડીશીઝનાં નામ આપે છે એ તો આપણે જાણીએ છીએ, હવે ખબર પડે છે કે સર્ચ એન્જિનમાં અપડેટનાં પણ એ અનોખાં નામ આપે છે, આ પહેલાંના અપડેટસને ગૂગલે ‘પેંગ્વિન’ અને ‘પાંડા’ નામ આપ્યાં હતાં – આ વખતે ‘હમિંગબર્ડ’ નામ આપવા પાછળનું કારણ આપતાં કંપની કહે છે કે આ મજાનું પંખી એકદમ ઝડપી છે અને બહુ કાર્યક્ષમ છે! લાગે છે કે એક કંપની તરીકે ગૂગલ પોતાના કામને તો સિરિયસલી લે જ છે, પરંતુ કામને હળવાશભર્યું બનાવવાના મહત્ત્વને પણ એટલું જ સિરિયસલી લે છે!
ગૂગલે હમિંગબર્ડથી ગૂગલ સર્ચમાં શું ફેરફાર આવશે એની બહુ ચોખવટ કરી નથી, પણ આપણા માટે મહત્ત્વની વાત એ છે કે ગૂગલ હવે આપણા પ્રશ્નોના જવાબમાં પરિણામોની યાદી આપવાના બદલે, જવાબ જ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
‘સાયબરસફર’ના વાચક તરીકે તમે જાણતા જ હશો કે ગૂગલે નોલેજ ગ્રાફ નામે સર્ચમાં ક્રાંતિકારી ફેરફારો કરવાની શરુઆત કરી છે (જુઓ ફેબ્રુઆરી ૨૦૧૩નો અંક), હમિંગબર્ડ અપટેડ એ જ દિશામાં આગેકદમ છે.
એક સાદું ઉદાહરણ લઈએ. તમે ગૂગલ.કોમ પર જઈને ગૂગલને પૂછશો કે ‘વ્હોટ ઈઝ હાઇટ ઓફ અમિતાભ બચ્ચન’ તો તે આ માહિતી ધરાવતાં વેબપેજીસની યાદી તો હજી આપશે જ, પણ એ સાથે એ યાદીની ઉપર એક બોક્સમાં, બચ્ચન સાહેબની કેટલી ઊંચાઈ છે એ મીટરમાં લખીને જણાવી દેશે. સાથોસાથ અભિષેક બચ્ચન, શાહરુખ ખાન અને આમીર ખાનની હાઇટ પણ જણાવી દેશે! આપણે બીજાં વેબપેજ ફેંદવાની જરુર નથી. આ બંને બાબત (રીઝલ્ટ પેજમાં નીચેની લાંબી યાદી અને ઉપરના બોક્સમાં સીધા જવાબ) વચ્ચેનો ફર્ક બરાબર સમજજો. રીઝલ્ટની યાદી તૈયાર કરવા માટે ગૂગલ ‘હાઇટ’, ‘અમિતાભ’ અને ‘બચ્ચન’ એ ત્રણેય શબ્દો ધરાવતાં વેબપેજીસ શોધશે, એમને પોતાના વિવિધ માપદંડોથી સરખાવશે અને પછી તેની યાદી બનાવીને આપણી સામે મૂકશે. આ આખી કસરતમાં તેને માટે આ બધા કોરા શબ્દો જ છે. જ્યારે ઉપરના બોક્સ અને બાજુમાં અમિતાભ વિશે વધુ માહિતી આપતી વખતે ગૂગલ ‘કોઈક રીતે ‘સમજી’ જાય છે કે અમિતાભ એક વ્યક્તિ છે, જેને જન્મતારીખ, ઊંચાઈ, માતા-પિતા વગેરે બધું હોય – એ બધું જ જુદાં જુદાં વેબપેજમાંથી અલગ તારવી ગૂગલ આપણને જણાવે છે!
આ વાતને આગળ ધપાવતાં ગૂગલ નોલેજ ગ્રાફની મદદથી આપણને જુદી જુદી બાબતોની સરખામણી પણ કહેશે, જેમ કે અત્યાર સુધી આપણે ગૂગલને પૂછતા કે બટર કે ઓલિવ ઓઇલમાંથી હેલ્થ માટે શું વધુ સારું તો ગૂગલ પાસેથી તેનો સીધો જવાબ નહોતો મળતો. ગૂગલ ફક્ત, જેમાંથી જવાબ મળી શકે એવાં પેજીસ બતાવતું હતું. હવે આપણને સીધું જ એક ટેબલ જોવા મળશે, જેમાં બટર અને ઓલિવ ઓઇલમાં કેલરીઝ, કોલેસ્ટરોલ, ફેટ વગેરેના પ્રમાણની સરખામણી આપી હશે. પછી આપણે ફક્ત જવાબ તારવવાની જ મહેનત કરવાની.
તો આખી વાતનો સાર એ છે કે ગૂગલ હવે માત્ર કોરા શબ્દો નહીં, પણ કોણ, શું, કેમ, ક્યારે, ક્યાં, કેટલું, વગેરે સવાલો બરાબર સમજીને સીધા જવાબો આપતાં પણ શીખે છે. શરત ફક્ત એટલી કે આ સવાલોના સ્પષ્ટ જવાબ હોવા જોઈએ
.
તમને થશે કે ગૂગલ સર્ચમાં શું ઉથલ-પાથલ કરે છે એ જાણીને આપણે શું કામ છે? પણ ગૂગલ કેવી રીતે સર્ચ કરે છે એ સમજશો તો ગૂગલને કેવી રીતે સવાલો પૂછવા એ તમે સમજી શકશો – ફર્ક એટલી વાતથી જ પડે છે! તમે ગૂગલનો વધુમાં વધુ ઉપયોગ કરતા હો કે નવીસવી દેસ્તી કેળવી રહ્યા હો, અહીં આપેલા મુદ્દા તમને જરુર કામ લાગશે :
- ગૂગલને કશું પણ પૂછતી વખતે સ્પેલિંગની ચિંતા કરવાની જર નથી. આપણે ભૂલ કરીએ તો પણ ગૂગલ સાચા સ્પેલિંગ અનુસાર સર્ચ કરીને રીઝલ્ટ્સ બતાવશે અને સાથે આપણને જાણ પણ કરશે કે તમારો મતલબ આ સાચો શબ્દ હતોને? જો તમે જાણી જોઈને ખોટો શબ્દ લખ્યો હોય તો તે અનુસાર પણ સર્ચ કરી શકો છો.
- સર્ચ કરતી વખતે પહેલી-બીજી એબીસીડીની ચિંતા કરવાની પણ જર નથી. આપણે NDTV લખીને સર્ચ કરીએ કે ક્ષમદિં રીઝલ્ટ સરખાં જ મળશે.
- ગૂગલ આપણા સર્ચમાં પંક્ચ્યુએશન માર્ક્સ એટલે કે પ્રશ્નાર્થ ચિહ્ન, આશ્ચર્ય ચિહ્ન વગેરેને ધ્યાનમાં લેશે નહીં. એટલે best restaurant in Ahmedabad લખ્યા પછી પ્રશ્ર્નાર્થ લખવાની જરુર નથી.
- ગૂગલને પૂછતી વખતે, જે તે બાબત માટે ઇન્ટરનેટ પર વધુ કયા શબ્દનો ઉપયોગ થાય છે એ ધ્યાનમાં રાખીએ તો ફાયદામાં રહીએ. જેમ કે my head hurts લખવાને બદલે headache લખીશું તો વધુ સારાં પરિણામ મળશે કેમ કે મેડિકલ વેબસાઇટ્સ હેડએક શબ્દ ઉપયોગમાં લેતી હોય છે. એ જ રીતે, flute souds લખીને સર્ચ કરીશું તો રીઝલ્ટ તો મળશે, પણ ringtones લખીને સર્ચ કરીશું તો આપણે જે શોધીએ છીએ તે સહેલાઈથી મળશે.
- ગૂગલને લાંબું લાંબું પૂછવાને બદલે શરુઆતમાં શક્ય એટલા ઓછા શબ્દોથી સર્ચ કરી શકાય અને પછી જરુર જણાયે વધુ શબ્દો ઉમેરીને આપણી શોધ વધુ ફોકસ્ડ કરી શકાય.
- સામાન્ય રીતે, ગૂગલ આપણે સર્ચ બોક્સમાં લખેલા દરેક શબ્દને અલગ અલગ તપાસીને તેને સંબંધિત પરિણામ આપે છે, પણ આપણે કોઈ ચોક્કસ શબ્દ સમૂહ અનુસાર જ સર્ચ કરવા માગતા હોઈએ તો તેને ઇન્વર્ટેડ કોમામાં લખીને સર્ચ કરી શકાય. અલબત્ત, સર્ચ ટેક્નોલોજી વધુ ને વધુ વિકસતી જાય છે તેમ તેમ, ઇન્વર્ટેડ કોમા વગર પણ આપણે લખેલા શબ્દોની સૌથી વધુ નજીકનાં પરિણામ મળી જાય છે.
- કોઈ ચોક્કસ સાઇટની અંદર તમે અમુક શબ્દો શોધી રહ્યા હો તો આપણા સર્ચના શબ્દો પછી (કે પહેલાં) એ સાઇટ ગૂગલને જણાવી દો. જેમ કે રાહુલ ગાંધી વિશે એનડીટીવીની સાઇટ પર જે સમાચારો છપાયા હોય તે સર્ચ કરવા માટે rahul gandhi site;ndtv એ રીતે સર્ચ કરો. અહીં તમે સાઇટનો પ્રકાર પણ જણાવી શકો છો. જેમ કે ફક્ત એજ્યુકેશનલ સાઇટ્સમાં સર્ચ કરવા માગતા હો તો site:edu લખો.
- અહીં સામાન્ય રીતે આપણે કેવી ભૂલી કરતા હોઈએ છીએ એની પણ વાત કરી લઈએ. તમે site અને : વચ્ચે કે : અને ndtv.com વચ્ચે સ્પેસ રાખીને સર્ચ કરશો તો પરિણામો બદલાઈ જશે અને માત્ર ndtv.com નાં પરિણામો બતાવવાને બદલે સામાન્ય પરિણામો બતાવશે. એટલે કે ગૂગલને ચોક્કસ સૂચના આપતી વખતે : ની આગળ કે પાછળ જગ્યા રાખવાની હોતી નથી.
- એ જ પ્રકારે ચોક્કસ પ્રકારની ફાઇલ શોધી રહ્યા હો ત્યારે પણ સર્ચના શબ્દો પછી એ ફાઇલ ટાઇપ લખો. જેમ કે કોઈ પ્રેરણાત્મક પ્રેઝન્ટેશન શોધી રહ્યા હો તો motivation filetype:ppt એ રીતે સર્ચ કરતાં માત્ર પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશનની ફાઇલ ધરાવતાં પરિણામ જોવા મળશે.
- અહીં પણ : ની આગળ કે પાછળ સ્પેસ રાખશો તો ગૂગલ તમારી સૂચના ધ્યાને લેશે નહીં.
- સામાન્ય રીતે, ગૂગલ ‘એ’ કે ‘ધ’ જેવા શબ્દો આપણે સર્ચમાં લખીએ તો પણ ધ્યાને લેશે નહીં કેમ કે આ શબ્દો તો ખરેખર પાર વગરનાં વેબપેજીસમાં જોવા મળે. પરંતુ ક્યારેક એવું બને કે આપણે ઇરાદાપુર્વક આ શબ્દો સાથે સર્ચ કરવા માગતા હોઈએ, ખાસ કરીને કોઈ પુસ્તક કે ફિલ્મના નામમાં જ આ શબ્દો આવતા હોય તો ‘એ’ કે ‘ધ’ની આજુબાજુ ક્વોટેશન માર્ક મૂકી દેવાની વધુ સચોટ પરિણામ મળશે. અલબત્ત, સીધું જ ‘ધ લંચબોક્સ મૂવી’ લખીને પણ સર્ચ કરી શકાય!
- ઇન્ટરનેટ વધતા વ્યાપ સાથે જૂના-નવા શબ્દોની ભેળસેળ થવા લાગી છે. સીડી કે બીડી પાક્કા ગુજરાતી શબ્દો છે એના નવા અર્થ કોમ્પેક્ટ ડિસ્ક એ બ્લુ રે ડિસ્ક છે! ફક્ત ‘પેન’ શબ્દો ઉલ્લેખ થતાં લખવાની પેન ડ્રાઇવ કે યુએસબી પેન ડ્રાઇવ એવો સવાલ હવે થઈ શકે. આપણે ગૂગલ પર વાઇરસ સર્ચ કરીએ તો મેડિકલ એ કમ્પ્યુટર બંને પ્રકારના વાઇરસનાં ભેળસેળિયાં પરિણામ જાણવા મળે! ટૂંકમાં આપણે કોઈ ચોક્કસ અર્થ ધરાવતા શબ્દ સંબંધિત સર્ચ કરવા માગતા હોઈએ એ એ જ શબ્દા બીજા અર્થના સંદર્ભે બાકાત રાખવો હોય તો સર્ચમાં માઇસ નિશાનીનો ઉપયોગ કરી શકાય. ડુંગળી વગરની રેસિપી શોધી રહ્યા હોઈએ તો south indian receipe-onion જેવું કંઈક સર્ચ કરી શકાય. (બીજી વાત, તમે તમારા કોઈ મિત્ર કે સંબંધી નરેન્દ્રભાઈ કે અરવિંદભાઈને લગતી માહિતી શોધી રહ્યા હો અને રીઝલ્ટનાં બધાં પેજમાં એ ક્યાંય શોધ્યા જડતા ન હોય તો તમે modi કે kejriwal કહીને સર્ચ કરી શકો છો! હવે આ સુવિધા બરાબર સમજાઈ ગઈ ને?!)
- તમે અણધાર્યા કોઈ વેબસાઇટ પર પહોંચી ગયા અને તમને એ ગમી ગઈ. હવે એના જેવી જ બીજી સાઇટ્સ શોધવી હોય તો? તો તમે જે સાઇટ ગમી તેની આગળ related શબ્દ ઉમેરીે સર્ચ કરો. જેમ કે related:ndtv.com સર્ચ કરતાં તેા જેવી બીજી સમાચારોની સાઇટ્સ કે વેબપેજીસ જોવા મળશે.
- ટેબલેટ ખરીદવાનું વિચારો છો એ તમારું બજેટ ણ ક્કી છે? તો તમે એ જ પ્રાઇસ રેન્જમાં સારું ટેબલેટ શોધવા માટે કંઈક આ રીતે સર્ચ કરી શકો છો : tablet Rs.8000. Rs.12000
- જુદાં જુદાં એકમોને એકબીજામાં કન્વર્ટ કરવાનું હવે એકદમ સહેલું બની ગયું છે એ તો તમે જાણતા જ હશો. mile to km કે cm to inch લખતાં એક નાનું બોક્સ ખૂલે છે, જેમાં આણે જરુરિયાત અનુસાર ફટાફટ કન્વર્ઝન કરી શકીએ છીએ.
- તમે જ્યાં રહો છો ત્યાં કે વિશ્ર્વમાં બીજે ક્યાંય પણ સૂર્યોદય કે સૂર્યાસ્ત ક્યારે થશે એ જાણવું છે? સર્ચબોક્સમાં બનાસકાંઠા જિલ્લાના થરાદ ગામ માટે sunset tharad સર્ચ કરશો તો ત્યાં આજે સૂર્યાસ્ત ક્યારે થશે એ પણ તમે જાણી શકશો. આ સુવિધાની મદદથી આપણે જાણી શકીએ કે કચ્છના કંડલામાં સૂર્યાસ્તનો સમય સાંજના ૬.૩૧ કલાકનો છે, જ્યારે આસામના ગુવાહાટીમાં સાંજે ૪.૫૯ કલાકે સૂર્ય આથમી જશે!
- ગૂગલું સર્ચ બોક્સ કરન્સી ક્રન્વર્ટર તરીકે પણ કામ આપે છે. (currency 1)in currency 2) એ રીતે સર્ચ કરતાં, કરન્સીના દરમાં વધઘટના ચાર્ટ સાથે આપણે જોઈતું કન્વર્ઝન કરી શકીશું.
- આપણે કોઈ જાણીતા સ્ટોર, રેસ્ટોરાં કે બિઝનેસનું નામ લખીને સર્ચ કરીશું તો ગૂગલ આપણા લોકેશનને આધારે આપણી નજીકમાં એ જગ્યા દશર્વિતો નક્શો પણ દશર્વિશે.
- સર્ચબોક્સમાં flights from ahmedabad to delhi લખતાં સર્ચ રીઝલ્ટમાં જ એક બોક્સમાં ઉપલબ્ધ બધી ફ્લાઇટ્સની યાદી જોવા મળશે.
- આપણે ત્યાં હવામાન જાણવાનું ખાસ ચલણ નથી, પણ સતત બદલાતી ઋતુઓને પગલે તમને આ વાતમાં રસ પડ્યો હોય તો ગૂગલમાં weather શહેરનું નામ (જેમ કે weather dessa) એ રીતે સર્ચ કરતાં ડીસાનું હવામાન જાણી શકાશે. અહીં ફેરનહીટમાં તાપમાનમાં જોઈ શકાશે, પણ વેધર ચેનલની લિંક પર ક્લિક કરી, તમે વિગતવાર માહિતી આપતી સાઇટ પર જઈને સેલ્શિયસમાં વિગતો મેળવી શકો છો.
- યુપીએસ, ફેડએક્સ કે યુએસપીએસ જેવી સર્વિસમાં મોકલેલાં પાર્સલ ટ્રેક કરવા માટે તમે ગૂગલમાં સીધો જ તેનો ટ્રેકિંગ નંબર લખી શકો છો.
ટૂંકમાં ગૂગલ ઘણું જાણે છે, આપણને સાચી રીતે પૂછતાં આવડવું જોઈએ!
સર્ચનાં મૂળ
સર્ચ એન્જિનનો વિચાર છેક ૧૯૪૫માં મૂળિયાં ધરાવે છે એવું કોઈ કહે તો આપણે માની ન શકીએ,પણ એ સમયે વેનેવર બુશ નામના એક વૈજ્ઞાનિકે ‘એઝ વી મે થિંક’ શીર્ષક સાથે લખેલા એક લખેલામાં સમગ્ર માનવજાતના જ્ઞાનને એકત્ર કરીને, લોકો જ્યારે જરુર પડે ત્યારે તેમાંથી જોઈતું તારવી શકે એવી કોઈક વ્યવસ્થા ઊભીક કરવાની હિમાયત કરી હતી!
જોકે અત્યારના સર્ચ એન્જિન જેવો આકાર ‘આર્ચી’ નામે ૧૯૯૦માં ઉપસ્યો. વેબનો વ્યાપ વધતાં લોકો પોતે તૈયાર કરે એવી વેબડિરેક્ટરીઓ વિકસી, જેમ કે યાહૂ ડિરેક્ટરી. પછી અલ્ટાવિસ્ટા, આસ્ક, યાહૂ સર્ચ, એમએસએન સર્ચ (પછીથી બિંગ) વગેરે જેવાં સર્ચ એન્જિન વિક્સયાં. જોકે ૧૯૯૮માં લોન્ચ થયેલા ગૂગલ સર્ચની લોકપ્રિયતા સતત વધતી રહી છે. જાણીને નવાઈ લાગશે કે મિલિયન શોર્ટ નામનું એક સર્ચ એન્જિન પણ છે, જેમાં આપણે કંઈ પણ સર્ચ કરીએ તો તે ગૂગલ સર્ચમાં સામાન્ય રીતે જોવા મળતાં ૧૦ લાખ રિઝલ્ટ બાદ કરીને તે પછીનાં રિઝલ્ટ બતાવે છે, જેથી આપણને કંઈક નવું મળે!
તમારા જન્મદિને, વિશ કરશે ગૂગલ
ગૂગલ સર્ચ પેજ પર જુદા જુદા પ્રસંગોએ અવનવાં ડૂડલ મૂકે છે એ તમને ખબર છે. અલગ અલગ મહાનાનુભાવોના જન્મદિને ગૂગલ તેમને વિશ કરતાં ડૂડલ મૂકે છે એ પણ તમને ખબર હશે, પણ એ મહાનુભાવોમાં તમે પણ સામેલ છો, એ તમને ખબર છે?
જી હા, તમે ઇચ્છો તો તમારા જન્મદિને ગૂગલ તમને પણ એક ખાસ ડૂડલથી વિશ કરશે! એ માટે, ગૂગલ પ્લસ (plus.google.com)માં જાઓ. અહીં તમારા ગૂગલ એકાઉન્ટથી લોગ-ઇન થાઓ. જો તમે અગાઉ ક્યારેય ગૂગલ પ્લસનો ઉપયોગ કર્યો ન હોય તો અહીં તમારી વિગતો પૂછવામાં આવશે, તેમાં બેઝિક ઇન્ફો સેક્શનમાં તમારી જન્મતારીખ જણાવો. જો તમારું ગૂગલ પ્લસ પ્રોફાઇલ હોય જ, તો ડાબી તરફ ઉપર હોમ પર માઉસ લઈ જાઓ અને ડાબી પેનલમાં ‘પ્રોફાઇલ’ પર ક્લિક કરો. હવે, ‘એબાઉટ’ મેનુ પર ક્લિક કરો અને તેમં બેઝિક ઇન્ફો વિભાગમાં જઈ, તમારી જન્મતારીખ લખેલી છે કે નહીં તે ચેક કરી લો. તારીખ લખેલી ન હોય તો એડિટ કરીને જન્મતારીખ લખી લો. જન્મતારીખ કોણ જોઈ શકે તે તમે નક્કી કરી શકો છો.
બસ, હવે બીજું કશું કરવાનું નથી, ફક્ત જન્મદિવસની રાહ જોવાની છે! એ દિવસે, તમે ગૂગલ.કોમમાં સાઇન ઇન થશો તો તમારું સ્પેશિયલ ડૂડલથી સ્વાગત થશે, મોબાઇલમાં ગૂગલ નાઉ હશે તો એ પણ તમને વિશ કરશે. એ દિવસે તમે તમારા ગૂગલ પ્રોફાઇલ પેજ પર જશો તો ત્યાં પણ બર્થડેની સજાવટ જોવા મળશે!
એક રીતે જોઈએ તો ગૂગલે પોતાની સર્વિસને પર્સનલ ટચ આપ્યો છે અને બીજી રીતે જોઈએ તો લોકો ગૂગલ પ્રોફાઇલમાં બર્થ ડે લખવાનું ભૂલે નહીં એની ગૂગલે ખાતરી કરી લીધી છે!
સેફસર્ચ કેવી રીતે કરાય?
તમારા કમ્પ્યુટરનો પરિવારના નાના-મોટા બધા સભ્યો ઉપયોગ કરે છે? સ્વાભાવિક રીતે તમે એવું ઇચ્છશો કે પરિવારના કોઈ પણ સભ્ય ગૂગલમાં સર્ચ કરે ત્યારે તેમને અયોગ્ય વેબપેજીસ કે ઇમેજીસ જોવા ન મળે. આ સુનિશ્ચિત માગે ગૂગલમાં ‘સેફસર્ચ’ની સુવિધા છે (જોકે ગૂગલ સ્પષ્ટતા કરે છે કે કોઈ ફિલ્ટર ૧૦૦ ટકા એક્યુરેટ નથી હોતાં, પણ આ સગવડની મોટા ભાગની અયોગ્ય સામગ્રી તમે ટાળી શકશો). સેફસર્ચ ઓન કરવા માટે નીચેનાં પગલાં લો : http://www.google.com/preferences પર જાઓ.
અહીં Filter explicit results ના બોક્સમાં ટીક કરીને સેફસર્ચ ઓન કરો. આ સેટિંગ બીજું કોઈ બદલી ન શકે એ માટે તમારા ગૂગલ એકાઉન્ટથી લોગ-ઇન થઈને તેને લોક કરી શકો છો.
હવે ગૂગલ સર્ચના રીઝલ્ટ પેજમાં બિભત્સ વીડિયો કે ઇમેજીસ કે એવા વેબપેજ પર લઈ જતી લિંક જોવા મળશે નહીં.
પેજના તળિયે આપેલા બટનની મદદથી સેટિંગ્સ સેવ કરી લો.
સેફસર્ચ ઓન હશે ત્યારે ગૂગલ પેજીસ પર ઉપર જમણે ખૂણે ઉપર બતાવ્યા મુજબના રંગબેરંગી દડા જોવા મળશે.
પ્રાઇવેટ સર્ચ એન્જિનની વધતી લોકપ્રિયતા
આપણને સૌને વાતવાતમાં કોઈ પણ સવાલ જાગે તો ફટ દઈને ગૂગલને પૂછી લેવાની ટેવ છે, ગૂગલને તેમાં કોઈ વાંધો પણ નથી કેમ કે તેને તો આપણે જેમ વધુ સવાલો પૂછીએ તેમ આપણા વિશે વધુ માહિતી મળે છે. આપણે સર્ચ કરીએ ત્યારે મોટા ભાગે ગૂગલ એકાઉન્ટમાં સાઇન-ઇન હોવાથી ગૂગલ આપણા વિશે વધુ ને વધુ વધુ જાણી શકે છે અને એટલે જ એ આપણને આપણી જરિયાતની વધુ નજીક હોય તેવાં પરિણામો આપી શકે છે.
પરંતુ ઘણા લોકો માટે પ્રાઇવસી એક અગત્યનો મુદ્દો છે. તેઓ પોતે શું સર્ચ કરે છે એ વિશે ગૂગલ કે બિંગ કે યાહૂ (કે તેમના દ્વારા યુએસ ગવર્નમેન્ટ) કોઈને કશું જણાવવા માગતા નથી. આવા લોકો માટે મોટા ભાગનાં બ્રાઉઝરમાં ‘ઇન્કોગ્નિટો મોડ’ હોય છે જેનાથી આપણું સર્ફિંગ કે સર્ચિંગ રેકોર્ડ કે ટ્રેક થતું નથી.
છતાં, પ્રાઇવસીપસંદ લોકોમાં તેમના વિશે કોઈ માહિતી મેળવ્યા કે જાળવ્યા વિના ફક્ત રીઝલ્ટ આપે તેવાં સર્ચ એન્જિન લોકપ્રિય થતાં જાય છે. ખાસ ભારતીય લોકોને ધ્યાનમાં રાખીને બનાવાયેલા આપણા ઇન્ડિયન બ્રાઉઝર એપિકમાં આવા ‘પ્રાઇવેટ અને સિક્યોર’ સર્ચ એન્જિનનો ઉપયોગ થાય છે. આવું એક બીજું સર્ચ એન્જિન છે મીભસમીભસ.લજ્ઞ (ધકધકગો નહીં, કેમ કે આ સર્ચ એન્જિનના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે માધુરી દીક્ષિત નહીં પણ એક બતક છે!). આ સર્ચ એન્જિને વર્ષ ૨૦૧૨માં ૫૦ કરોડ ક્વેરી હેન્ડલ કરી હતી અને ફક્ત એક વર્ષમાં તે બમણી થઈ ગઈ છે. ગૂગલ ટ્રેન્ડ પોતે કહે છે કે પ્રાઇવેટ સર્ચ એન્જિનમાં લોકોને રસ વધી રહ્યો છે! (જુઓ ઉપર આપેલો ગ્રાફ).
ગુજરાતીમાં સર્ચ કેવી રીતે કરાય?
ઇન્ટરનેટ પર ગુજરાતી વાંચનસામગ્રીનું પ્રમાણ ઘણું વધી રહ્યુંં ત્યારે સ્વાભાવિક છે કે આપણે એ બધું સર્ચ કરવા માટે ગૂગલને ગુજરાતીમાં જ પૂછવું પડે.
તમને કમ્પ્યુટરમાં ગુજરાતીમાં ટાઇપ કરતાં ન આવડતું હોય તો પણ આ કામ સહેલાઈથી કરી શકાય છે. કોઈ પણ બ્રાઉઝરમાં www.google.co.in પર જાઓ અને ગૂગલના સર્ચ બોક્સમાં નીચે આપેલી વિવિધ ભાષાની લિંકમાં ગુજરાતી પર ક્લિક કરી દો. હવે ગૂગલનો સમગ્ર ઇન્ટરફેસ ગુજરાતી બનશે અને ગૂગલ ગુજરાતીમાં સર્ચ કરવા માટે તૈયાર છે.
સર્ચ બોક્સના છેડે નાના કી-બોર્ડની એક નાની ઇમેજ દેખાશે, તેને ક્લિક કરશો એટલે સ્ક્રીન પર ગુજરાતી ફોનેટિક કી-બોર્ડ ઓપન થશે.
હવે તમે ગુજરાતી શબ્દો તેના ઉચ્ચાર મુજબ અંગ્રેજીમાં ટાઇપ કરશો એટલે સર્ચ બોક્સમાં ગુજરાતીમાં લખાશે. જેમ કે ળફક્ષ ળજ્ઞિ બફક્ષશ એમ ટાઇપ કરશો એટલે સર્ચ બોક્સમાં “મન મોર બની વંચાશે.
આટલું ટાઇપ કરશો ત્યાં ગૂગલ તમારા મનની વાત જાણી લેશે “મન મોર બની થનગનાટ કરે એવી આખી પંક્તિ સજેસ્ટ કરશે અને તેને સર્ચ કરશો એટલે ઝવેરચંદ મેઘાણીની મૂળ પંક્તિઓ સહિત ઘણાં બધાં પરિણામ જોવા મળશે!

