સવાલ લખી મોકલનારઃ ધીરજ પરીખ, અમદાવાદ
હા, આવી સગવડ છે. એ માટે જીમેઇલમાં લોગ-ઇન થઈને જમણી તરફના ગિયર આઇકન પર ક્લિક કરી, જીમેઇલના સેટિંગ્સમાં જાઓ.
તેમાં સૌથી પહેલા ‘જનરલ’ ટેબમાં ‘અનડુ સેન્ડ’ વિકલ્પ દેખાશે. તેને પહેલાં ઇનેબલ કરો અને પછી તમે કેટલા સમયની મર્યાદામાં સેન્ડનો કમાન્ડ અટકાવી રાખવા ઇચ્છો તે નક્કી કરો. આપણને જીમેઇલ પાંચથી ૩૦ સેકન્ડ સુધીનો સમય આપે છે.
મતલબ કે જો આપણે આ સુવિધા ચાલુ કરીને ૩૦ સેકન્ડની સમયમર્યાદા નક્કી કરીએ, તો પછી જ્યારે પણ કોઈ મેઇલ મોકલીશું ત્યારે જીમેઇલના ઉપરના ભાગે, આપણો મેસેજ મોકલાઈ ગયો છે એવી જાણ કરતા સંદેશની બાજુમાં, ‘અનડુ’ની લિંક પણ જોવા મળશે.
આપણે ઈ-મેઇલ સેન્ડ કરવાના બટન પર ક્લિક કર્યા પછી ૩૦ સેકન્ડની અંદર આ અનડુ લિંક ક્લિક કરી દઈએ તો આપણે મોકલેલા મેઇલને બ્રેક લાગે છે અને તે ફરી ડ્રાફ્ટ તરીકે ઓપન થાય છે. આપણે જરુરી સુધારા કરીને પછી તેને ધરપત સાથે મોકલી શકીએ છીએ.
સેટિંગ્સમાં ફેરફાર કર્યા પછી તેને સેવ કરવાનું ભૂલશો નહીં.

જીમેઇલની બીજી સગવડો તપાસો
વાસ્તવમાં, જીમેઇલમાં આ પ્રકારની જુદી જુદી ઘણી જાતની સગવડો આપણે ઉમેરી શકીએ છીએ – જીમેઇલ લેબ્સ નામની સગવગડથી.
જીમેઇલમાં થોડા થોડા સમયે જે વિવિધ સુવિધાઓ ઉમેરાય છે, તે શરુઆતમાં ટ્રાયલ તરીકે લેબ્સમાં રજૂ થાય છે, લોકો તેનો ઉપયોગ કરે, તેમાં જરુરી સુધારા-વધારા થાય અને પછી તે સુવિધા જીમેઇલમાં સત્તાવાર સુવિધા તરીકે ઉમેરાય.
આપણે મોકલેલા ઈ-મેઇલને બ્રેક મારવા માટેની અનડુની સુવિધા શરુઆતમાં જીમેઇલ લેબમાં જ જોવા મળી હતી અને પછી તે કાયમી બની.
તમે જીમેઇલના સેટિંગ્સમાં ‘લેબ્સ’ વિભાગમાં જઈને આવી સંખ્યાબંધ નવી સુવિધાઓ જોઈ-તપાસીને, તમને ઉપયોગી લાગે તે સુવિધાઓને ઇનેબલ કરી શકો છો.
અલબત્ત, જ્યાં સુધી આ સુવિધાઓ લેબ્સમાં હોય ત્યાં સુધી એટલું યાદ રાખશો કે આ સુવિધા ગમે ત્યારે અટકી પડી શકે છે અને થોડા સમય માટે કે કાયમ માટે સદંતર ગાયબ થાય એવું પણ બની શકે છે!

