જાણી લઈએ વિન્ડોઝ એક્સપ્લોરરમાં જુદી જુદી ફાઇલ્સ સિલેક્ટ કરીને તેની બીજા ફોલ્ડરમાં લઈ જવાના સહેલા રસ્તા
સાચું કહેજો, તમે તમારા કમ્પ્યુટરમાં ક્યારેય વિન્ડોઝ એક્સપ્લોરર વિન્ડોને ધ્યાનથી તપાસી છે? મોટા ભાગે, વિન્ડોઝ એક્સપ્લોરર વિન્ડોનો આપણે જમ્પબોર્ડ તરીકે જ ઉપયોગ કરતા હોઈએ છીએ કેમ કે આપણને જોઈતી ફાઇલ શોધવા પૂરતા આપણે આ વિન્ડોમાં જઈએ અને પછી તરત ફાઇલને સંબંધિત પ્રોગ્રામમાં આગળ વધી જઈએ, પરંતુ ક્યારેક થોડી ફુરસદ કાઢીને આ વિન્ડોમાં, આપણી નજર જ્યાં પરોવાયેલી હોય છે એ ફાઇલ્સની સ્પેસની આજુબાજુ અને ઉપરનીચે પણ નજર ફેરવશો તો ઘણી સુવિધાઓ નજરમાં આવશે. વિન્ડોઝ ૨૦૦૭થી એક્સપ્લોરર વિન્ડોમાં ખરેખર ઉપયોગી એવી ઘણી સુવિધાઓ ઉમેરાઈ છે, જે તમારું કામ ઘણું સહેલું બનાવશે.
જેમ કે ફોલ્ડરમાંની ફાઇલ્સ જોવાના અને સિલેક્ટ કરીને તેની હેરફેર કરવાના ઘણા રસ્તા એક્સપ્લોરર વિન્ડો આપણને આપે છે.
વાત બિલકુલ રોજબરોજના કામકાજની છે, પણ તમારા ધ્યાન બહાર રહી હોવાની શક્યતા છે. વિન્ડોઝમાં તમે જુદી જુદી ફાઇલ્સનું સિલેક્શન કેવી રીતે કરો છો? નેચરલી, માઉસથી ક્લિક કરીને, રાઇટ? કોઈ પણ ફાઇલ ઓપન કરવાની હોય ત્યારે એ જ સૌથી સહેલો રસ્તો છે, પણ જ્યારે આપણે એકથી વધુ ફાઇલ્સ સિલેક્ટ કરવાની હોય ત્યારે તેના એકથી વધુ રસ્તા છે. એકથી વધુ ફાઇલ સિલેક્ટ કરવાના એકથી વધુ કારણો પણ હોઈ શકે. જેમ કે અમુક ફોલ્ડરમાંની નકામી ફાઇલ્સ શોધીને આપણે તેને ડિલીટ કરવા માગતા હોઈએ અથવા ફાઇલ્સને યોગ્ય રીતે ગોઠવવા માગતા હોઈએ કે એક ડ્રાઇવમાંથી બીજીમાં કે એક ફોલ્ડરમાંથી બીજામાં લઈ જવા માગતા હોઈએ. આજે એ જાણી લઈએ.
- સૌથી પહેલાં તો વિન્ડોઝ એક્સપ્લોરરમાં ફોલ્ડર પહોંચ્યા પછી તેમાંની ફાઇલ્સને કેટલી અલગ અલગ રીતે જોઈ શકાય એ જોઈ લઈએ. તમારા કમ્પ્યુટરમાં વિન્ડોઝ એક્સપી ઓપરેટિંગ સિસ્ટમ હોય તો ટોચના મેનુમાં વ્યૂના ઓપ્શન્સ જોવા મળશે. જો વિન્ડોઝ ૨૦૦૭ હોય તો જમણી તરફના એક ડ્રોપડાઉન મેનુમાં ફોલ્ડર વ્યૂના ઓપ્શન્સ જોવા મળશે. અહીંથી આપણે ફોલ્ડરમાંની ફાઇલ્સને માત્ર ફાઇલનેમના લિસ્ટ સ્વરૂપે, ટાઇલ સ્વરૂપે, નાના-મોટા કે ખૂબ મોટા આઇકન સ્વરૂપે વગેરે અલગ અલગ રીતે જોઈ શકીએ છીએ. વધુ એક રસ્તો ફાઇલ્સની ડિટેઇલ્સ સાથેનું લિસ્ટ જોવાનો છે. એ વ્યૂમાં ફાઇલનેમ, ડેટ, ટાઇપ, સાઇઝ, ટેગ્સ (વિન્ડોઝ ૨૦૦૭માં ઉમેરાયેલી સુવિધા) વગેરે સહિત ફાઇલનું લિસ્ટ જોઈ શકાય છે.
આ વ્યૂમાં હજી વધુ વિગતો પણ ઉમેરી શકાય છે. ફાઇલ લિસ્ટના મથાળાની હરોળમાં માઉસથી રાઇટ ક્લિક કરશો એટલે ફાઇલ ક્રિએટ કર્યાની ડેટ, મોડિફાઇડ કર્યાની ડેટ, તેનાં ડાયમેન્શન્સ વગેરે વિગતો ઉમેરી શકાય છે. એ મેનુમાં મોર પર ક્લિક કરશો તો જોઈ શકશો કે તે ઉપરાંત પણ જે તે ફાઇલ વિશેની ઘણી વધુ માહિતી ઉમેરી શકાશે. જેમ કે તમે એક ફોલ્ડરમાં તમારા ડિજિટલ કેમેરાથી અને મોબાઇલના કેમેરાથી પાડેલા ફોટોગ્રાફ એકઠા કર્યા હોય અને તેને તમે અલગ તારવવા માગતા હો તો ડિટેઇલ્સમાં જઈને કેમેરા મેકર કે કેમેરા મોડેલનો ઓપ્શન ઉમેરી દો તો એની કોલમમાં જે તે ફોટોગ્રાફ ડિજિટલ કેમેરાનો છે કે મોબાઇલનો તેની વિગત જોવા મળશે. ફાઇલના પ્રકાર અનુસાર, મોર ઓપ્શનમાંથી ઘણી બધી જાતની વિગતો વ્યૂમાં ઉમેરી શકાય છે.
હવે મૂળ વાત પર આવીએ. ફોલ્ડરમાંની અમુક ફાઇલ્સને સિલેક્ટ કેવી રીતે કરવી? શરૂઆત સાવ સાદા, પહેલા પગથિયાથી કરીએ. ધારો કે તમે કોઈ એક ફોલ્ડર ઓપન કર્યું અને તેમાંની બધી જ ફાઇલ સિલેક્ટ કરવા માગો છો. તો કશું જ વિચારવાની જરૂર નથી, ફક્ત Ctrl+A પ્રેસ કરશો એટલે એક સાથે બધી જ ફાઇલ સિલેક્ટ થઈ જશે. તમે ચાહો તો ફોલ્ડરમાંની ખાલી જગ્યામાં માઉસના ડાબા બટનથી ક્લિક કરી રાખીને બધી ફાઇલ પર માઉસ ફેરવશો તો પણ બધી ફાઇલ સિલેક્ટ થઈ જશે.- લિસ્ટમાંની બધી નહીં પણ પહેલી ૬ ફાઇલ કે ચોથાથી દસમા ક્રમની બધી ફાઇલ સિલેક્ટ કરવાની હોય, એટલે કે એક સાથે રહેલી એકથી વધુ ફાઇલ્સ સિલેક્ટ કરવી હોય તો પહેલી ફાઇલ પર ક્લિક કરી, શિફ્ટ કી પ્રેસ કરી રાખીને સિલેક્ટ કરવાની હરોળબદ્ધ ફાઇલ્સમાંની છેલ્લી ફાઇલ પર ક્લિક કરશો એટલે પહેલી અને છેલ્લી તથા વચ્ચેની બધી ફાઇલ્સ સિલેક્ટ થઈ જશે.
- ઓકે, હવે સવાલ એ છે કે આપણે સિલેક્ટ કરવાની ફાઇલ્સ ફોલ્ડરમાં લાઇનબંધ નહીં પણ છૂટીછવાઈ હોય તો? તો તેના વળી બે-ત્રણ રસ્તા છે. માની લો કે આપણા ફોલ્ડરમાં ફોટોઝ પણ છે અને વર્ડની ફાઇલ્સ પણ છે. બધી ફાઇલ્સ નામ મુજબ સોર્ટ થયેલી છે એટલે બે-ચાર ફોટો અને વચ્ચે વર્ડ ડોક્યુમેન્ટ્સ એવી બધી ભેળસેળ છે. જો તમારે બધી વર્ડની ફાઇલ્સ સિલેક્ટ કરવી હોય તો ફોલ્ડર વિન્ડોમાંની ખાલી જગ્યામાં રાઇટ ક્લિક કરતાં, ‘ગ્રૂપ બાય’નો એક વિકલ્પ જોવા મળશે. તેમાં ‘ટાઇપ’ પસંદ કરતાં, બધી ફોટો ફાઇલ અને બધી વર્ડ ફાઇલ ગ્રુપ થઈ જશે. હવે વર્ડ ફાઇલ્સના ગ્રુપ પરની લાઇન પર લેફ્ટ-ક્લિક કરતાં, એ ગ્રુપમાંની બધી ફાાઇલ એક સાથે સિલેક્ટ થઈ જશે. આ રીતે તમે મોડિફાઇડ ડેટ મુજબ ફાઇલ્સ ગ્રુપ કરી શકો છો. અહીં તમે મોર ઓપ્શનમાં જઈને બીજી ઘણી વિગત અનુસાર ફાઇલ્સ ગ્રુપ કરી શકો છો.
વિન્ડોઝ એક્સપ્લોરર વિન્ડોની બીજી ખૂબીઓ વિશે આપણે ‘સાયબરસફર’ના નવેમ્બર ૨૦૧૩ના અંકમાં વિગતવાર વાત કરી છે.
ફાઇલ્સની હેરફેર કરતી વખતે આટલું યાદ રાખશો…
સિલેક્ટ કરેલી ફાઇલ (કે ફાઇલ્સ)ને બીજા ફોલ્ડરમાં લઈ જવી હોય તો કોપી કે કટ કરીને બીજા સ્થળે જઈને ત્યાં પેસ્ટ કરી શકાય, પણ વધુ સહેલો રસ્તો આપણા મૂળ ફોલ્ડરને જરા નાનું કરી, તેની બાજુમાં જ્યાં ફાઇલ્સ લઈ જવાની છે તે બીજું ફોલ્ડર પણ ઓપન કરવાનો છે. આ રીતે બે ફોલ્ડર બાજુબાજુમાં રાખવાથી આપણું કામ સહેલું બનશે કેમ કે આપણે ફાઇલ્સને સિલેક્ટ કરી, માઉસથી ડ્રેગ એન્ડ ડ્રોપ કરી શકીએ છીએ. હવે આટલું યાદ રાખો…
જો મૂળ ફોલ્ડર અને નવું ફોલ્ડર બંને એક જ ડ્રાઇવમાં હશે તો માઉસથી ડ્રેગ એન્ડ ડ્રોપ કરવાથી ફાઇલ્સ મૂવ થશે એટલે કે મૂળ ફોલ્ડરમાંથી કટ થશે અને નવા ફોલ્ડરમાં પેસ્ટ થશે.
જો નવું ફોલ્ડર બીજી ડ્રાઇવમાં હશે તો ફાઇલ્સ કોપી થશે, એટલે કે મૂળ ફોલ્ડરમાં જેમની તેમ રહેશે, વત્તા કોપી થઈને નવા ફોલ્ડરમાં ઉમેરાશે.- ડ્રેગ એન્ડ ડ્રોપ કરતી વખતે Ctrl પ્રેસ કરી રાખશો તો ફાઇલ્સ હંમેશા કોપી જ થશે.
- જો તમે Shift પ્રેસ કરી રાખીને ડ્રેગ એન્ડ ડ્રોપ કરશો તો ફાઇલ્સ હંમેશા મૂવ જ થશે.
- જો માઉસના રાઇટ બટને ક્લિક કરીને પછી ડ્રેગ અને ડ્રોપ કરવાનો પ્રયાસ કરશો તો કમ્પ્યુટર પૂછશે કે તમે ફાઇલને કોપી કરવા માગો છો કે મૂવ? વધારાનો એક વિકલ્પ પણ એ પૂછશે, નવા ફોલ્ડરમાં ફક્ત એ ફાઇલનો શોર્ટકટ બનાવવો છે? તો એ પણ શક્ય છે!

