માની લો કે તમારે કોઈ એક પ્રોજેક્ટ તૈયાર કરવાનો છે અને તેના વિશે જુદી જુદી માહિતી એકઠી કરવા તમે ઇન્ટરનેટ પર જુદી જુદી સાઇટ્સ ફેંદી રહ્યા છો. તમે નોંધ્યું હશે કે હવે ઘણી સાઇટ્સ પર આવું થાય છે… જેવા તમે બીજી કોઈ વેબસાઇટ પર જવા માટે બ્રાઉઝરમાં નવી ટેબ પર માઉસ લઈ જાઓ, એટલે તરત પહેલી વેબસાઇટને જાણ થઈ જાય કે તમે તેને છોડીને જઈ રહ્યા છો, એટલે એ તાબડતોબ કોઈ ફ્રી ઇ-બુક કે ફ્રી ન્યૂઝલેટર પર સાઇન-અપ થવા માટે તમને તમારું ઈ-મેઇલ એડ્રેસ આપવા સૂચવે. આમાં કંઈ ખોટું નથી, આ વેબ ટેક્નોલોજીનો એક સ્માર્ટ ઉપયોગ જ છે. તેમ ઘણી સાઇટ પર, તમને જોઈતી ઉપયોગી માહિતી હોય ખરી, પણ એ માટે તમારે સાઇટ પર એકાઉન્ટ ખોલાવીને પછી લોગ-ઇન થવું પડે.
એક તરફ, પેલી ફ્રી ઇ-બુક કે લોગ-ઇન થયા પછીનું કન્ટેન્ટ તમને ઉપયોગી લાગી રહ્યું હોય, પણ વધુ એક સાઇટ પર એકાઉન્ટ ખોલાવવું કે એક ફ્રી ઇ-બુક ડાઉનલોડ કરવા માટે ઈ-મેઇલ એડ્રેસ એ સાઇટને આપવું એનો અર્થ એ થાય કે ભવિષ્યમાંતમને એ સાઇટ પરથી ઢગલાબંધ ઈ-મેઇલ આવવાનું શરૂ થઈ શકે છે!
તો કરવું શું? પોતાનું ઈ-મેઇલ શેર કરીને જફા વહોરવી કે પછી ઉપયોગી કન્ટેન્ટ જતું કરવું?
આ દ્વિધાનો એક સહેલો રસ્તો ડિસ્પોઝેબલ ઈ-મેઇલ એડ્રેસ વાપરવાનો છે. પેનથી માંડીને ચાના કપ ડિસ્પોઝેબલ – વાપરીને ફેંકી દઈ શકાય તેવા – હોઈ શકે તો ઈ-મેઇલ એડ્રેસ શા માટે નહીં?
હવે પછી તમે આ રીતે ઈ-મેઇલ એડ્રેસ આપવું કે નહીં એવી દ્વિધામાં મુકાઓ ત્યારે ડિસ્પોઝેબલ ઈ-મેઇલનો ઉપયોગ કરી શકો, જેથી આપણું કામ પણ સરે અને જમ ઘર ભાળી જાય નહીં!
ડિસ્પોઝેબલ ઈ-મેઇલ એડ્રેસ બનાવવાનું કામ જુદી જુદી રીતે થઈ શકે છે. એક રસ્તો, આવા ઉપયોગ માટે જ એક અલગ ઈ-મેઇલ ક્રિએટ કરી લેવાનો છે, પણ પછી એને અલગથી સંભાળવાની ઝંઝટ રહે. આ માટે કેટલીક ખાસ સર્વિસનો ઉપયોગ કરવો એ કદાચ વધુ સહેલો રસ્તો બની શકે.
અહીં આવા કેટલાક રસ્તા સમજીએ.
સ્લીપરી ઈ-મેઇલ (https://slippery.email)
જ્યારે પણ આપણે કોઈ સાઇટને કામચલાઉ ઈ-મેઇલ એડ્રેસ આપવાની જરૂર ઊભી થાય ત્યારે આ સર્વિસની વેબસાઇટ પર પહોંચવાનું અને ‘હૂક મી અપ’ બટન પર ક્લિક કરતાં, ફટાક કરતું, આપણું કંઈક આવું ઈ-મેઇલ એડ્રેસ બની જાય છે: hu2g8slipry.net એ સાથે, એ પેજ આપણા કામચલાઉ ઇનબોક્સ તરીકે કામ કરે. આપણે એ પેજને ફરી એક્સેસ કરવા માટે બુકમાર્ક કરી રાખવાનું.
આમાં કોઈ પણ પ્રકારનાં એટેચમેન્ટ આપણને મળી ન શકે, પણ મેઇલમાં કોઈ લિંક આવે તો તેને આપણે ફોલો કરી શકીએ (મોટા ભાગે, આપણું ઈ-મેઇલ એડ્રેસ માગતી સર્વિસ ઈ-બુક આપવા માગતી હોય તો તેનું એટેચમેન્ટ આપવાને બદલે, ડાઉનલોડની લિંક જ મોકલતી હોય છે). તેમ, આ ફક્ત રીડ ઓન્લી એડ્રેસ છે, એટલે આપણે માત્ર ઈ-મેઇલ મેળવી શકીએ, કોઈને આ એડ્રેસ પરથી મેઈલ કરી શકીએ નહીં. ઉપરાંત આ કામચલાઉ ઇનબોક્સ આઠ દિવસ પછી આપોઆપ ડીલિટ થાય!
મેઇલડ્રોપ (https://maildrop.cc/)
સ્લીપરી ઈ-મેઇલ જેવી સર્વિસ ત્યારે કામની છે, જ્યારે આપણે ખરેખર કામચલાઉ હેતુ માટે જ નવા ઈ-મેઇલ એડ્રેસનો ઉપયોગ કરવા માગતા હોઈએ. આવી સાઇટમાં જનરેટ થતું એડ્રેસ આપણને યાદ ન રહે એવું હોય છે અને તેના ઇનબોક્સ અમુક દિવસ પછી આપોઆપ ડિલીટ થાય છે.
જો તમે સહેલાઈથી યાદ રહે એવું કામચલાઉ ઈ-મેઇલ એડ્રેસ તૈયાર કરવા માગતા હો અને લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરવા માગતા હો તો મેઇલડ્રોપ જેવી સર્વિસનો લાભ લઈ શકો.
બાકી બધી રીતે, આ સર્વિસ અન્ય સર્વિસની રીતે જ કામ કરે છે. તેમાં કુલ ૧૦ મેસેજ સ્ટોર થઈ શકે છે અને જો ૨૪ કલાક સુધી ઇનબોક્સનો કોઈ ઉપયોગ ન થાય તો તેમાંના બધા મેસેજ આપોઆપ ડિલીટ થાય છે. જોકે તમારું કામચલાઉ એડ્રેસ ચાલુ રહેશે.
ડિસ્પોઝેલબલ ઈ-મેઇલ આઇડી આપતી અમુક સર્વિસ જરા વધુ સ્માર્ટ હોય છે, તેને આપણે આપણા મુખ્ય, કાયમી ઈ-મેઇલ પ્રોગ્રામ સાથે જોડી શકીએ છીએ, પણ એને મેનેજ કરવું કદાચ થોડું મુશ્કેલ બની શકે.
એટલું યાદ રાખશો કે આવી સર્વિસમાં આપણા ઈન-બોક્સ સુધી પહોંચવા માટે કોઈ પાસવર્ડ કે લોગ-ઇનની પ્રક્રિયા ન હોવાથી, જો કોઈ વ્યક્તિ તમારું ઈ-મેઇલ એડ્રેસ જાણી જાય તો તેમાંના ઈ-મેઇલ સુધી સહેલાઈથી પહોંચી શકે છે!
જીમેઇલમાં ઉપનામનો રસ્તો
હજી એક સહેલો રસ્તો, આપણા જીમેઇલના એડ્રેસમાંથી જ કામચલાઉ એડ્રેસ બનાવી લેવાનો છે. ‘સાયબરસફર’ના છેક જૂન ૨૦૧૩ અંકમાં આપણે જાણી ગયા છીએ કે જીમેઇલમાં ઉપનામ બનાવી શકાય છે.
આમ તો, તમારા જુદા જુદા પ્રકારના મેઇલ્સ અલગ તારવવા માટે આ સર્વિસ ઉપયોગી છે. જેમ કે, જો તમારું ઈ-મેઇલ એડ્રેસ yourname@gmail.com હોય તો તમે તમારા કામકામ સંબંધિત લોકોને yourname+work@gmail.com એવું નવું એડ્રેસ આપી શકો છો. આ પછી આ એડ્રેસ પર આવતા મેઇલ્સને તમે સહેલાઈથી ફિલ્ટર કરી શકો છો.
એ જ તરકીબ, કોઈ સાઈટને કામચલાઉ એડ્રેસ આપવા માટે કામે લગાડી શકાય. એ માટે, જે તે સાઇટનું નામ તમારા મૂળ એડ્રેસમાં ઉમેરી દો. જેમ કે yourname+sitename@gmail.com હવે આ એડ્રેસ એ સાઇટને આપો અને તમારું કામ પૂરું થાય (લોગ-ઇન કે કન્ટેન્ટ ડાઉનલોડ કરવાની લિંક મેળવવાનું કામ) તે પછી, જીમેઇલમાં આ એડ્રેસ પર આવતા તમામ મેઇલ આપોઆપ ડિલીટ થાય એવું સેટિંગ કરી લો!
અલબત્ત, જો પેલી સાઈટ તમારું એડ્રેસ બીજી કોઈ કંપનીને વેચે અને એ થોડી સ્માર્ટ હોય તો તમારું મૂળ એડ્રેસ જાણી શકે છે! જીમેઇલમાં એલિયાસ (ઉપનામ)ની સુવિધા તમારા અલગ અલગ પ્રકારના મેઇલ્સને તારવવા માટે વધુ કામની છે, કામચલાઉ એડ્રેસ તૈયાર કરવા માટે નહીં.

