(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ઓનલાઇન રિઝર્વેશનની અંદર-બહાર

વેકેશન નજીક આવતાં જ આપણે પ્રવાસ માટે રેલવે રિઝર્વેશનની તપાસમાં લાગી જઈએ છીએ. તમારે એજન્ટના ભરોસે ન રહેવું હોય તો ઘેરબેઠાં રિઝર્વેશન કરાવવું સહેલું છે, જો કેટલીક ખાસ વાત જાણી લઈએ તો!

આગળ શું વાંચશો?

  • આઈઆરસીટીસી શું છે?
  • ઓનલાઈન બુકિંગનું તંત્ર
  • ઓનલાઈન બુકિંગની શરુઆત
  • ટિકિટનું બુકિંગ
  • ઝડપ જરુરી
  • કાગળની બચત

તમને પ્રવાસનો શોખ હોય તો ચોક્કસપણે રેલવેમાં પ્રવાસની વાત માત્રથી તમે ખુશ થઈ ઉઠતા હશો. અસલી ભારતને નજીકથી જોવું હોય તો ગાંધીજીની જેમ આપણે પણ ભારતીય રેલવેમાં પ્રવાસે નીકળવું પડે. એટલે તો વર્ષો પહેલાંની, મોટા ભાગે ટ્રેનના ડબ્બામાં જ શૂટ થયેલી ‘યાત્રા’ સિરિયલ પણ ખાસ્સી લોકપ્રિય થઈ હતી.પણ, લગભગ સૌ કોઈનો અનુભવ છે કે ભારતીય રેલવેમાં પ્રવાસની જેટલી મજા છે, એટલું જ કંટાળાજનક, ગૂંચવાડાભર્યું, મુશ્કેલ અને તકલીફદાયક કામ છે આપણને જોઈતા દિવસે, જોઈતી ટ્રેનમાં, જોઈતા ક્લાસમાં રિઝર્વેશન મેળવવાનું.

અગાઉ આપણે મુસાફરીના પૂરા ૧૨૦ દિવસ પહેલાં રિઝર્વેશન કરાવી શકતા હતા, પણ પછી રેલવે તંત્રને તેના અનુભવને આધારે સમજાયું કે મોટા ભાગના લોકો મુસાફરીના બે મહિના પહેલાં જ બુકિંગ કરાવે છે અને રિઝર્વેશન જેટલું વહેલું ખૂલે એટલો ગેરકાયદે ટિકિટ એજન્ટ્સનો તેનો વધુ લાભ ઉઠાવે છે, એટલે હવે મુસાફરી પહેલાંના ૬૦ દિવસમાં જ રિઝર્વેશન શક્ય બને છે. એ સિવાય, ટ્રેન ઉપડવાના એક દિવસ અગાઉ, વધુ રકમ ચુકવીને તત્કાલ ક્વોટામાં ટિકિટ મેળવી શકાય છે.

સામાન્ય કે તત્કાલ પ્રકારનું રિઝર્વેશન કરાવવાનું કામ તમે એજન્ટના ભરોસે છોડવાને બદલે જાતે, પોતાની ઓફિસ કે ઘેરબેઠાં ઓનલાઇન રિઝર્વેશન કરાવી લેવા માગતા હો તો આઇઆરસીટીસી આ કામ એક રીતે જોઈએ તો અભિમન્યુની જેમ સાત કોઠા ભેદવા જેવું છે,

પણ કેટલાક મુદ્દા અગાઉથી જાણતા હો અને કેટલીક તૈયારી અગાઉથી કરી રાખી હોય તો કામ લાગે છે એટલું મુશ્કેલ પણ નથી.

આ આઇઆરસીટીસી શું છે?

ઇન્ડિયન રેલવે નવા સમય સાથે તાલ મિલાવી શકે એ માટે ભારતીય રેલ મંત્રાલયે ૧૯૯૯માં ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ (આઇઆરસીટીસી) નામે એક જાહેર ક્ષેત્રના સાહસની રચના કરી. આવા અલગ તંત્રની જરૂર કેમ પડી? એટલા માટે છેક ૧૮૫૩માં છૂક છૂક કરતી શરૂ થયેલી ભારતીય રેલવે અત્યારે વિશ્ર્વનાં સૌથી વિશાળ રેલવે નેટવર્કમાં સ્થાન પામે છે. ભારતમાં કુલ ૬૫,૦૦૦ કિલોમીટરના રુટ પર ૭,૫૦૦ સ્ટેશનો પથરાયેલાં છે અને ભારતમાં રોજના ૩ કરોડ અને વર્ષે લગભગ ૧૦ અબજ લોકો રેલવેમાં મુસાફરી કરે છે (જેમાં મુંબઈ જેવાં શહેરોની લોકલ ટ્રેન્સનો પણ મોટો ફાળો છે).

આટલા મોટા કારભારને યોગ્ય રીતે સંભાળવા, તંત્રને અપગ્રેડ કરવા અને તેને પ્રોફેશનલ બનાવવા માટે આઇઆરસીટીસીની સ્થાપના કરાઈ છે. આ આઇઆરસીટીસી ઓનલાઇન ટિકિટ બુકિંગ ઉપરાંત બીજા ઘણા કારભાર સંભાળે છે.

આપણે આઇઆરસીટીસીની વેબસાઇટ ધીમી હોવાની અને રિઝર્વેશન કરાવવામાં ઘણી તકલીફ પડતી હોવાની ફરિયાદ કરીએ છીએ, પણ એ જાણી લેવા જેવું છે કે વેકેશન નજીક આવે ત્યારે આ સાઇટ પર એટલો ધસારો રહે છે કે ગયા મહિને, માર્ચની ૧૯મી તારીખે આઇઆરસીટીસીની વેબસાઇટ પરથી એક જ દિવસમાં ૫.૮૦ લાખ ટિકિટના બુકિંગનો રેકોર્ડ સર્જાયો. એ સિવાયના દિવસોમાં સરેરાશ રોજના ૯.૪૭ લાખ પેસેન્જર્સ સાથે ૪.૬૩ લાખ ટિકિટ આ સાઇટ પરથી બુક થાય છે. ભારતમાં ઓનલાઇન ટિકિટ બુકિંગનું પ્રમાણ સતત વધી રહ્યું છે અને અત્યારે ૪૫થી ૫૦ ટકા ટિકિટ્સ ઓનલાઇન બુક થાય છે.

આઇઆરસીટીસીની વેબસાઇટ પર વર્ષ ૨૦૧૩માં રોજના લગભગ રૂ. ૩૭ કરોડની આવક થતી હતી, જે આ વખતની સીઝનમાં રોજના રૂ. ૫૩ કરોડથી પણ વધી ગઈ છે. આ જ કારણે આઇઆરસીટીસી આખી દુનિયાની સૌથી વિશાળ ઇ-કોમર્સ સાઇટ્સમાં સ્થાન પામે છે.

સાઇટ પર વધુ લોકોને સેવા આવી શકાય એ માટે તત્કાલ બુકિંગ દરમિયાન, ટિકિટ બુકિંગમાં જરૂરી ન હોય એવી દરેક લિંક, ઇમેજ, એડ્સ વગેરે દૂર કરી દેવામાં આવે છે. આઇઆરસીટીસી લાઇટ નામની આ સર્વિસ પહેલાં તત્કાલ બુકિંગના પહેલા એક કલાકમાં લગભઘ ૪૮,૦૦૦ ટિકિટ બુક થતી હતી, હવે લગભગ ૫૮,૦૦૦ ટિકિટ બુક થઈ શકે છે.


ઓનલાઇન બુકિંગનું તંત્ર

પહેલાં ફટાફટ એ જાણી લઈએ કે રેલવેમાં બુકિંગ પદ્ધતિ કેવી રીતે કામ કરે છે. વહીવટની સગવડતા ખાતર ભારતીય રેલવેને જુદાં જુદાં ઘણાં ડિવિઝન વચ્ચે વહેંચી નાખવામાં આવેલ છે, પણ એ સૌની રિઝર્વેશન વ્યવસ્થા સેન્ટ્રલાઇઝ્ડ છે. અગાઉ ફક્ત રેલવે સ્ટેશન રૂબરૂ જઈને જ રિઝર્વેશન થઈ શકતું, પણ હવે ઇન્ટરનેટ કનેક્શન ધરાવતા કોઈ પણ કમ્પ્યુટર પરથી રિઝર્વેશન થઈ શકે છે.હવે કેટલીક પોસ્ટ ઓફિસમાં જઈને પણ રેલવે રિઝર્વેશન કરાવી શકાય છે. ઇન્ટરનેટ પર આઇઆરસીટીસીની પોતાની વેબસાઇટ પર અને તેની સાથે કનેક્ટેડ અધિકૃત મેઇન એજન્ટ્સ (જેમ કે યાત્રા.કોમ, મેકમાયટ્રીપ.કોમ, ક્લિયરટ્રીપ.કોમ વગેરે)ની વેબસાઇટ પર પણ બુકિંગ થાય છે.

ઇન્ટરનેટ કનેક્શનની સુવિધા ન ધરાવતા લોકો માટે દેશનાં ૫૦૦ જેટલાં શહેર અને ગામમાં ૧.૦૬ લાખ એજન્ટ્સ પાસેથી ઇ-ટિકિટ મેળવી શકાય છે. એકલા અમદાવાદમાં આઇઆરસીટીસી માન્ય ૪૦૧ એજન્ટ છે. ગયા વર્ષથી મોબાઇલ પર – નેટ કનેક્શન વિના – ફક્ત બે એસએમએસથી ટિકિટ બુક કરાવવાની વ્યવસ્થા પણ શરુ થઈ ગઈ છે.

એજન્ટ્સની મદદ વિના બુકિંગ કરાવતા મુસાફરોને ટિકિટ મળવાના ચાન્સ વધે તે માટે સવારના ૮થી ૧૨ના પીક અવર્સમાં માત્ર ડાયરેક્ટ પેસેન્જર્સ જ બુકિંગ કરી શકે છે, આ સમયમાં એજન્ટ બુકિંગ કરી શકતા નથી.ગયા વર્ષના રેલવે બજેટમાં આઇઆરસીટીસીની  વેબસાઇટ એક સાથે ૪૦,૦૦૦ યુઝર્સને બદલે ૧.૨૦ લાખ યુઝર્સને હેન્ડલ કરી શકે અને દર મિનિટે ૨,૦૦૦ ટિકિટને બદલે ૭,૨૦૦ ટિકિટનું બુકિંગ થઈ શકે એ રીતે અપગ્રેડ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

ઓનલાઇન બુકિંગની શરૂઆત

આગળ જોયું તેમ આપણે ડાયરેક્ટ https://www.irctc.co.in  વેબસાઇટ પર જઈને અથવા તેની સાથે કનેક્ટેડ યાત્રા.કોમ, મેકમાયટ્રીપ.કોમ કે ક્લિયરટ્રીપ.કોમ જેવી સાઇટ પર જઈને ટિકિટ બુકિંગ કરાવી શકીએ છીએ. આઇઆરસીટીસીની વેબસાઇટની સરખામણીમાં આ વેબસાઇટ્સ વધુ સારી રીતે ડિઝાઇન થયેલી હોવાથી તેના પર બુકિંગ કરવામાં વધુ સરળતા રહે છે.

અલબત્ત, એ ધ્યાને રાખશો કે  આપણે આઇઆરસીટીસીની સાઇટ પરથી બુકિંગ કરીએ કે તેની સાથે કનેક્ટેડ બીજી સાઇટ્સ પરથી, પહેલું પગથિયું આઇઆરસીટીસી પર આપણું વ્યક્તિગત રજિસ્ટ્રેશન કરાવવાનું છે. આપણે બીજી સાઇટ્સ પરથી પહેલી વાર બુકિંગ કરાવીએ ત્યારે એ સાઇટ પર એકાઉન્ટ ખોલાવવું પડે છે અને પછી ત્યાંથી આઇઆરસીટીસીની સાઇટ પર પણ રજિસ્ટ્રેશન કરાવવું પડે છે.

સીધું જ આઇઆરસીટીસીની સાઇટ પર જઈને રજિસ્ટ્રેશન કરવું હોય તો તેની સાઇટ પર જઈ, સાઇન-અપ લિંક પર ક્લિક કરતાં વ્યક્તિગત રજિસ્ટ્રેશનનું પેજ ખૂલે છે. અહીં આપણે આપણું યુઝર-આઇડી, સિક્યોરિટી ક્વેશ્ચન, પસંદ કરી શકીએ છીએ અને આપણું નામ, સરનામું વગેરે વિગતો આપવાની રહે છે. આ વિગતો સાચી ભરવી જરૂરી છે, અમુક બોક્સમાં આડી-અવળા અક્ષરો ટાઇપ કરી નાખવાની રજિસ્ટ્રેશન રદ થઈ શકે છે. ખાસ તો, આપણું સાચું ઈ-મેઇલ એડ્રેસ અને મોબાઇલ નંબર આપવા ખાસ જરૂરી છે.

આ પેજ પરનું ફોર્મ ભર્યા પછી, આપણા ઈ-મેઇલ એડ્રેસ પર આપણું યુઝર-આઇડી, પાસવર્ડ અને એકાઉન્ટ એક્ટિવેટ કરવાની લિંક મોકલવામાં આવે છે. એ જ રીતે આપણા મોબાઇલ પર પણ મોબાઇલ વેરિફાય કરવાનો કોડ મોકલવામાં આવે છે.

આપણા ઇ-મેઇલમાં મોકલવામાં આવેલી એક્ટિવેશન લિંક પર ક્લિક કરીને આપણે આઇઆરસીટીમાંનું આપણું નવું એકાઉન્ટ એક્ટિવેટ કરાવવાનું રહે છે. એ સાથે, મોબાઇલમાં આવેલો કોડ લખીને મોબાઇલ નંબર પણ વેરિફાય કરવાનો રહે છે. આટલું થયા પછી આપણે આઇઆરસીટીસીની સાઇટ પર નવા યુઝરનેમ અને પાસવર્ડથી લોગ-ઇન થઈ શકીએ છીએ. એ પછી, આપણા પ્રોફાઇલમાં જઈને પાસવર્ડ બદલી નાખવો હિતાવહ છે.

આ સાઇટ પરનું આપણું યુઝરનેમ અને પાસવર્ડ ક્યાંક લખી રાખો તો સારું, બાકી વારંવાર રિઝર્વેશન કરાવવાનું ન થતું હોય અને યુઝરનેમ પણ ભૂલી ગયા હશો તો ઉપાધિ થશે (તમારા ઇમેઇલમાં @irctr.co.in સર્ચ કરશો તો આ વિગત મળી શકશે).

ટિકિટનું બુકિંગ

આઇઆરસીટીસીમાં રજિસ્ટ્રેશન થઈ ગયા પછી, ટિકિટ બુક કરવાની વિધિ સરળ છે (ફક્ત, સાઇટમાં જરૂરી પેજ ફટાફટ ખૂલવાં અને ટિકિટ મળવી એ બંને મુશ્કેલ છે!). સાઇટમાં લોગ-ઇન થઈ, પ્લાન માય ટ્રાવેલ પર ક્લિક કરીને તમારા પ્રવાસના શરૂઆતના સ્ટેશન અને અંતિમ સ્ટેશનનાં નામ આપી, અન્ય વિકલ્પો પસંદ કરો. આપણે માટે અનુકૂળ ટ્રેનમાં ઉપલબ્ધ ક્લાસ પર ટિક કરશો એટલે ટ્રેનની યાદી, તેના સમય, કયા કા વારે ઉપડે છે વગેરેની સાથે તેમાં ઉપલબ્ધ ક્લાસ જોવા મળશે. ક્લાસ પર ક્લિક કરતાં, ટિકિટની ઉપલબ્ધતા અને ભાડું જાણવા મળશે. આઇઆરસીટીસીએ તેની સાઇટમાં ટેબ્ડ બ્રાઉઝિંગ શક્ય બનાવ્યું હોવાથી, આપણે જુદી જુદી ટ્રેનના ક્લાસને પસંદ કરતા જઈએ તેમ તેમ જુદી જુદી ટેબમાં દરેક ટ્રેનની વિગતો ખૂલે છે. આથી આપણે જુદાં જુદાં ટેબની વિગતો સરખાવીને અનુકૂળ ટ્રેનની પસંદગી ઝડપથી કરી શકીએ છીએ.

ઝડપ જરૂરી

તમે સ્ક્રીન પર જમણા ખૂણે જોશો તેમ ટ્રેન પસંદ કરવા માટે આપણને ફક્ત ૪૬૦ સેક્ધડનો સમય મળે છે. આપણે જુદી જુદી ટ્રેન પસંદ કરતા હોઈએ ત્યારે આપણી પાસે કેટલો સમય બચ્યો છે તે જોઈ શકાય છે. જો નિર્ધારિત સમયમાં આપણે ટ્રેન પસંદ કરી ન શકીએ તો આપણે આપોઆપ લોગ-આઉટ થઈ જઈએ છીએ અને ફરી લોગ-ઇન થઈ, બધી જ કસરત ફરી કરવી પડે છે.

જો ટ્રેન સમયસર પસંદ કરી લઈએ તો ટિકિટ રિઝર્વેશનના પેજ પર આગળ વધી શકીએ છીએ. અહીં મુસાફરીની વિગતો તપાસી, પ્રવાસીઓની વિગતો આપીને પેમેન્ટ તરફ આગળ વધો. અહીં પણ ઝડપ કરવી જરૂરી છે કેમ કે લાંબો સમય લેતાં ફરી સિસ્ટમ આપણને લોગ-આઉટ કરી દેશે. બધી  વિધિ ફરી કરવાની અગવડ તો આપણે વેઠી લઈએ, પણ બુકિંગ જેટલું મોડું થાય એટલા ક્ન્ફર્મ ટિકિટ મળવાના ચાન્સીઝ ઘટતા જાય!

બધું બરાબર પાર ઉતરે તો તમે પેમેન્ટ માટે તમને અનુકૂળ વિકલ્પ પસંદ કરીને પેમેન્ટ કરી શકો છો!

કાગળની બચત

રેલવે પ્રવાસ માટે ઓનલાઇન રિઝર્વેશન કરાવતાં, આપણે ત્રણ પ્રકારે રિઝર્વેશનનું કન્ફર્મેશન પ્રવાસ વખતે સાથે રાખી શકીએ છીએ :

  • ઇલેક્ટ્રોનિક રિઝર્વેશન સ્લીપ :  રિઝર્વેશન માટેનું પેમેન્ટ પૂરું થતાં, આપણા રજિસ્ટર્ડ ઈ-મેઇલ એડ્રેસ પર ચોક્કસ ફોર્મેટમાં વિગતો સાથેની ઇ-ટિકિટ મેસેજ મળે છે. આપણે તેની પ્રિન્ટ સાથે રાખી શકીએ છીએ.
  • વર્ચ્યુઅલ રિઝર્વેશન મેસેજ : આઇઆરસીટીસી તરફથી ઈ-મેઇલમાં જે ઇ-ટિકિટ મળી હોય, તેનો સ્ક્રીનશોટ લઈને લેપટોપ/પામટોપ/મોબાઇલ ફોનમાં સાચવી રાખીએ તે વીઆરએમ કહેવાય છે.
  • એસએમએસ : આઇઆરસીટીસી તરફથી આપણા રજિસ્ટર્ડ મોબાઇલ પર રિઝર્વેશનની વિગતો સાથે એસએમએસ પણ મળે છે.

આઇઆરસીટીસી ભારપૂર્વક કહે છે કે ઇ-ટિકિટની પ્રિન્ટ કાઢવી જરૂરી નથી. મુસાફરી વખતે માત્ર મોબાઇલ પરનો એસએમએસ કે લેપટોપ/ફોનમાં ટિકિટ બતાવી શકાય છે. અલબત્ત, આપણું માન્ય આઇડેન્ટિટી પ્રૂફ સાથે હોવું ફરજિયાત છે.

રેલવે કહે છે કે ઇ-ટિકિટની પ્રિન્ટ કાઢવામાં ન આવે તો રોજના ૩ લાખ જેટલા એ-૪ સાઇઝના કાગળ બચી શકે છે!

આઇઆરસીટીસીની વેબસાઇટ પરથી આપણે બે પ્રકારની ટિકિટ મેળવી શકીએ છીએ :

ઇ-ટિકિટ : ઇન્ટરનેટ પરથી મેળવી શકાતી સાદી ટિકિટ, જે આપણી ટ્રેનની તારીખ પહેલાંના ૬૦ દિવસમાં અને ટ્રેનનો ચાર્ટ તૈયાર થાય ત્યાં સુધીમાં આપણે બુક કરાવી શકીએ છીએ.

ઇ-ટિકિટ ક્ન્ફર્મ્ડ, રિઝર્વેશન અગેઇન્સ્ટ કેન્સલેશન કે વેઇટલિસ્ટના સ્ટેટસમાં મેળવી શકાય છે. ખાસ કરીને વેકેશનના દિવસોમાં મુસાફરોનો ધસારો વધુ હોય ત્યારે કોઈ ચોક્કસ ટ્રેનમાં વેઇટલિસ્ટ કે આરએસી બુકિંગ વધુ પ્રમાણમાં થાય તો રેલવેતંત્ર ટ્રેનમાં વધુ કોચ જોડી શકે છે કે આખી નવી ટ્રેન ઉમેરી શકે છે.

ઇ-ટિકિટ બુક કરાવતાં તે ટિકિટ આપણને આપણે પહેલેથી આપેલા ઈ-મેઇલ એડ્રેસ પર મળે છે અને મોબાઇલમાં પણ તેની વિગતો મળે છે.

આઇ-ટિકિટ : આ પ્રકારની ટિકિટ પણ ઇન્ટરનેટ પર બુક કરાવી શકાય છે, પણ તેની ૨-૩ દિવસમાં હાર્ડ કોપી આપણે આપેલા એડ્રેસ પર પહોંચાડવામાં આવે છે. આઇ-ટિકિટ મુસાફરીના ઓછામાં ઓછા ૨ દિવસ પહેલાં બુક કરાવવી પડે છે. તેમાં પણ કન્ફર્મ્ડ, રિઝર્વેશન અગેઇન્સ્ટ કેન્સલેશન કે વેઇટલિસ્ટના સ્ટેટસમાં મેળવી શકાય છે.

તત્કાલ ક્વોટામાં માત્ર ક્ન્ફર્મ કે વેઇટલિસ્ટેડ ઇ-ટિકિટ મળી શકે છે. ફર્સ્ટ ક્લાસ એસીમાં તત્કાલ ક્વોટા હોતો નથી.

વિવિધ પ્રકારની ટ્રેનમાં ઉપલબ્ધ અલગ અલગ ક્લાસ

  • ૧એ : ફર્સ્ટ ક્લાસ એસી (શતાબ્દી અને રાજધાની જેવી ટ્રેનમાંનો એક્ઝિક્યુટિવ ક્લાસ)
  • ૨એ : એસી ૨-ટાયર સ્લીપર ક્લાસ.
  • એફસી : ફર્સ્ટ ક્લાસ.
  • ૩એ : એસી ૩-ટાયર ક્લાસ.
  • ૩એચ : હાઇ-કેપેસિટી એર-કંડિશન્ડ ૩-ટાયર સ્લીપર ક્લાસ.
  • સીસી : એસી ચેર કાર.
  • સીએચ : હાઇ-કેપેસિટી એસી ચેર કાર.
  • ઇસી : એસી કે એક્ઝિક્યુટિવ ક્લાસ ચેર કાર.
  • એસએલ : સ્લીપર ક્લાસ.
  • એસએચ : હાઇ-કેપેસિટી સ્લીપર ક્લાસ.
  • ટુએસ : સેકન્ડ ક્લાસ સીટિંગ

રેલવેમાં પ્રવાસ વખતે કયા કયા ઓળખ પુરાવા માન્ય ગણાય?

સાદી ઇ-ટિકિટના બુકિંગ વખતે કોઈ પ્રૂફની જરૂર હોતી નથી, જ્યારે તત્કાલ ટિકિટના બુકિંગ વખતે જ મુસાફરી વખતે કયું આઇડી-પ્રૂફ સાથે રાખશો તે જણાવવું પડે છે. મુસાફરીમાં નીચેનામાંથી કોઈ પણ પ્રૂફ માન્ય ગણાય છે :

  • વોટર આઇડી કાર્ડ
  • પાસપોર્ટ
  • પાન કાર્ડ
  • ડ્રાઇવિંગ લાઇસન્સ
  • ફોટો આઇડી કાર્ડ (વિવિધ સરકારી વિભાગ દ્વારા જારી)
  • નેશનલાઇઝ્ડ બેન્કની ફોટોગ્રાફવાળી પાસબુક
  • લેમિનેટેડ ફોટોગ્રાફવાળું
  • ક્રેડિટ કાર્ડ
  • આધાર કાર્ડ

ટિકિટ બુક કરો બે એસએમએસથી!

રેલવે મુસાફરી માટે ઇન્ટરનેટ પર ઓનલાઇન બુકિંગ કરાવવું તમને અગવડદાયક લાગતું હોય તો તમે ફક્ત બે એસએમએસ કરીને પણ રેલવે ટિકિટ મેળવી શકો છો. મની ટ્રાન્સફરની સુવિધા આપતી કંપનીઓની મદદથી તમે ફોનથી રેલવે બુકિંગ કરાવી શકો છો અને એમાંય જો તમે આઇસીઆઇસીઆઇ બેન્કમાં ખાતું ધરાવતા હો તો તમારે માટે આ કામ ઘણું વધુ સહેલું બને છે. તમારે આટલું જ કરવાનું રહે છે,

૧. આઇસીઆઇસીઆઇ બેન્ક અને આઇઆરસીટીસીમાં રજિસ્ટર્ડ તમારા મોબાઇલથી ૧૩૯ પર એક મેસેજ મોકલો. મેસેજમાં આટલું લખવાનું છે :

BOOK (Train No) (From City) (To City) (TravelDate (DDMM) (Class) (Passenger1-Name) (Age) (Gender Passenger2-Name) (Age) (upto 6 passengers) ICICIજવાબમાં તમને એક એસએમએસ મળશે, જેમાં ટ્રાન્ઝેક્શન આઇડી, ટિકિટ એમાઉન્ટ, આઇઆરસીટીસીનો સર્વિસ ચાર્જ, કુલ રકમ, સીટની ઉપલબ્ધિ જણાવેલ હશે.

૨. તેના જવાબમાં, ફરી ૧૩૯ પર રકમની ચૂકવણી કરવાનો એસએમએસ મોકલો, આ રીતે :

PAY (Transaction ID as received) (ICICI) (last 6 digits of your ICICI Bank account number) (IRCTC UserID)
જવાબમાં તમને ટિકિટ બુક થયાનો ક્ન્ફર્મેશન સંદેશ મળશે અને તમારે રેલવેને ચૂકવવાની થતી રકમ તમારા ખાતામાંથી ચૂકવાઈ જશે!
દા.ત., Ticket Booked Successfullyઙગછ: ૮૫૦૨૬૧૮૨૨૫PNR : 8502618225Ticket No. 0728109603Booking Status: Rakesh CONFIRM D20084 WSClass : 2STicket Amt : 85.0SC: 11.24 Src Stn. KALYAN JN ist. PUNE JN DOJ: 30-8-2013 Shd Dep: 06:37

આઇસીઆઇસીઆઇ બેન્ક આ સેવા ભારત બીપીઓ સર્વિસીઝ લિમિટેડના સહયોગમાં આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!