સવાલ લખી મોકલનારઃ વિનોદ અગ્રવાલ
વિનોદભાઈનો આખો સવાલ કંઈક આવો છે, “મારી પાસે મોબાઇલમાં ઘણા ફોટા અને વીડિયો સંગ્રહ થયેલા છે. ફોનમાં અમુક કોલ રેકર્ડ છે અને એમએમએસ પણ છે, જે મારા માટે બહુ અગત્યના છે, પણ ફોનની મેમરી ફૂલ થઈ ગઈ છે, તો આ બધું મારે ક્યાં સંગ્રહ કરવું? ઘણી વખત તમારા લેખમાં ક્લાઉડમાં સંગ્રહ કરવાની વાત કરેલી છે, પણ એમાં કંઈ ગડ પડતી નથી. તમે કહો છો તેમ ક્લાઉડમાં સંગ્રહ કરી લીધા પછી, જ્યારે જોઈએ ત્યારે કઈ રીતે મેળવી શકાય અને કેટલા સમય સુધી રહે તે પણ જણાવશો…
વિનોદભાઈ જેવો સવાલ ઘણા લોકોને સતાવતો હશે. આપણે પાયાની વાત જાણીએ.
આપણે જાણીએ છીએ તેમ આપણા કમ્પ્યુટરમાં આપણા કામકાજની ફાઇલ સેવ કરી હોય કે મોબાઇલમાં ફોટોગ્રાફ, ગીતો, વીડિયો, એસએમએસ વગેરે સેવ્ડ હોય તો તે ફાઇલ આપણા કમ્પ્યુટર અથવા મોબાઇલ, જે તે સાધનમાં જ સેવ થયેલી હોય. આ સામાન્ય સ્ટોરેજનો પ્રકાર થયો અને આપણે ઈ-મેઇલ કે ફેસબુકની સાઇટ ઓપન કરીને તેમાં બીજા લોકોએ અપલોડ કરેલ લખાણ, ફોટોગ્રાફ કે વીડિયો જોઈએ છીએ તે ક્લાઉડ સ્ટોરેજ થયું.
ટૂંકમાં, જે કંઈ ફક્ત આપણા કમ્પ્યુટર કે મોબાઇલની અંદર સેવ થયેલું હોય તે સામાન્ય સ્ટોરેજ અને જે કંઈ જુદાં જુદાં સાધનોમાંથી જોઈ શકાય એ ક્લાઉડ સ્ટોરેજ.
ક્લાઉડ સ્ટોરેજ શું છે?
ઇન્ટરનેટનો વપરાશ વધ્યા પછી, ‘ક્લાઉડ કમ્પ્યુટિંગ’ અને ‘ક્લાઉડ સ્ટોરેજ’ શબ્દ ચર્ચાવા લાગ્યા છે. વાસ્તવમાં આ ક્લાઉડ એટલે કેવાદળ શબ્દ પણ ગેરસમજ કરે એવો છે. હવે આપણે બરાબર જાણીએ છીએ તેમ, ઇન્ટરનેટ અસંખ્ય કમ્પ્યુટર્સ એકમેક સાથે જોડાવાથી બનેલું નેટવર્ક છે અને આ નેટવર્ક મોટા ભાગે મહાસાગરોમાં પથરાયેલા કેબલ્સથી ગૂંથાયેલું છે, તેને વાદળ સાથે ખરેખર કોઈ લેવાદેવા નથી અને આ શબ્દ ક્યાંથી અને કેવી રીતે જન્મ્યો એ વિશે પણ ખાસ સ્પષ્ટતા મળતી નથી.
મુદ્દાની વાત એટલી કે ઘણા લાંબા સમયમથી આપણે સૌ ક્લાઉડ કમ્પ્યુટિંગ કે ક્લાઉડ સ્ટોરેજનો જાણેઅજાણે ઉપયોગ કરતા જ આવ્યા છીએ. આપણે જીમેઇલ કે યાહૂની વેબસાઇટ ઓપન કરીને કોઈ મિત્રને મેઇલ મોકલવા માટે તેનું એડ્રેસ લખવાનું શરૂ કરીએ છીએ, ત્યારે તે ઓટોમેટિક આખું લખાઈ જાય છે, આવું કમ્પ્યુટર કે મોબાઇલ બંનેમાં થાય છે, કેમ કે આપણા મિત્રોનાં બધાં ઈ-મેઇલ એડ્રેસ ફક્ત આપણા કમ્પ્યુટર કે ફક્ત આપણા મોબાઇલમાં સ્ટોર થયેલાં નથી, પણ જે તે ઈ-મેઇલ સર્વિસનાં સર્વરમાં (બીજા શબ્દમાં, ક્લાઉડમાં, જ્યાં તમામ યુઝર્સનો ડેટા સ્ટોર થયેલો હોય છે) સચવાયેલાં હોય છે.
ફેસબુકમાં પણ આ જ પ્રકારે બધા યુઝર્સની બધી સામગ્રી ફેસબુકનાં સર્વરમાં હોય છે, જેના સુધી આપણે આપણા મોબાઇલ કે કમ્પ્યુટર દ્વારા પહોંચીએ છીએ. માત્ર ઈ-મેઇલ કે ફેસબુક નહીં, તમામ વેબસાઇટનું કન્ટેન્ટ પણ આ રીતે અસંખ્ય સર્વરમાં સ્ટોર થયેલું હોય છે. આ ક્લાઉટ સ્ટોરેજની સાદી સમજ.
આપણા માટે ક્લાઉડ સ્ટોરેજ
હવે આ જ બાબતનો, આપણે આપણા કન્ટેન્ટ માટે પણ લાભ લઈ શકીએ છીએ. આપણે માટે મહત્વની ફાઇલ્સનું ક્લાઉડ સ્ટોરેજ કરવા માટે ઇન્ટરનેટ પર ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે, તેમાં સૌથી જાણીતા ત્રણ વિકલ્પ છે ગૂગલ ડ્રાઇવ, માઇક્રોસોફ્ટ વન ડ્રાઇવ અને ડ્રોપબોક્સ.
અત્યારે ગૂગલ ડ્રાઇવમાં ૧૫ જીબી (જીમેઇલ અને ગૂગલ પ્લસ ફોટોઝ સહિત), વન ડ્રાઇવમાં ૧૫ જીબી અને ડ્રોપબોક્સમાં ૨ જીબીની સ્પેસ મફત એકાઉન્ટમાં મળી શકે છે. આમાંની કોઈ પણ સર્વિસમાં ફ્રી એકાઉન્ટ ખોલાવીને આપણે અલગ અલગ પ્રકારની ફાઇલ તેમાં અપલોડ કરી શકીએ છીએ.
મોબાઇલ કે કમ્પ્યુટરમાંની કોઈ ફાઇલ આ સર્વિસમાંના આપણા એકાઉન્ટમાં અપલોડ કરી દઈએ એ પછી તે ફાઇલ, એ સર્વિસના સર્વરમાં સચવાઈ રહે છે.
જો તમે જીમેઇલનો ઉપયોગ કરી રહ્યા હો, તો ગૂગલ ડ્રાઇવ તમારા માટે સૌથી સહેલો રસ્તો છે. મોબાઇલમાં તેનો ઉપયોગ કરવો હોય તો સૌથી પહેલાં ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને ગૂગલ ડ્રાઇવ એપ શોધીને ઇન્સ્ટોલ કરી લો, એ સાથે તમે તમારા જીમેઇલ એકાઉન્ટથી તેમાં સાઇન-ઇન પણ થઈ જશો.
મોબાઇલમાં ઉપયોગ :
ધારો કે, તમારે મોબાઇલમાંના તમારા ફોટોગ્રાફને ગૂગલ ડ્રાઇવમાં ટ્રાન્સફર કરવા છે. તો એ માટે, મોબાઇલમાં ફોટોગેલેરીમાં જાઓ. તેમાં તમારે જે ફોટોગ્રાફ મોબાઇલમાં જગ્યા ન રોકે, પણ સચવાઈ રહે ખરા, એવું ઇચ્છતા હો તેમને એક પછી એક સિલેક્ટ કરો. હવે તેમને શેર કરવાનો વિકલ્પ મળશે. તેના પર ક્લિક કરતાં, તમારા મોબાઇલમાંની જે તે એપ્લિકેશનથી આ ફોટોગ્રાફ્સ શેર થઈ શકે તેમ હોય તે બધી એપની યાદી જોવા મળશે. તેમાં ગૂગલ ડ્રાઇવ પણ હશે. તેને સિલેક્ટ કરીને સેવ કરશો એટલે ગૂગલ ડ્રાઇવમાં એ ત્રણેય ફોટોગ્રાફ અપલોડ થઈ જશે.
હવે આ ફોટોગ્રાફ આપણા મોબાઇલની ગેલેરીમાં તો દેખાશે જ, સાથોસાથ ગૂગલ ડ્રાઇવ ઓપન કરીને જોશો તો તેમાં પણ દેખાશે. આ ફોટોગ્રાફ્સ ગૂગલ ડ્રાઇવમાં છે તેની ખાતરી કર્યા પછી મોબાઇલમાંથી તેને ડિલીટ કરી શકો છો.
આવું કોઈ પણ પ્રકારની ફાઇલ માટે થઈ શકે છે. એસએમએસ કે વોટ્સએપના મેસેજ સેવ કરવા હોય તો તેનો એક સાદો રસ્તો, ગૂગલ ડ્રાઇવમાં એક વર્ડ ડોક્યુમેન્ટ ઓપન કરી લો અને એસએમએસ/વોટ્સએપ મેસેજની ટેક્સ્ટ કોપી કરીને તેમાં પેસ્ટ કરી લો! વોટ્સએપની ઇમેજીસને પણ આગળ કહ્યું તેમ ગૂગલ ડ્રાઇવમાં મોકલી શકાય.
કમ્પ્યુટરમાં ઉપયોગ :
કમ્પ્યુટરમાંની ફાઇલ્સ ગૂગલ ડ્રાઇવમાં અપલોડ કરવી હોય તો બ્રાઉઝરમાં ગૂગલ ડ્રાઇવ ઓપન કરી, તમારા જીમેઇલ એકાઉન્ટથી સાઇન-ઇન થઈને એ ફાઇલ્સ ગૂગલ ડ્રાઇવમાં અપલોડ કરી શકો છો (જુઓ સ્ક્રીનશોટ).
ગૂગલ ડ્રાઇવમાં જઈને જોશો તો તેમાં કમ્પ્યુટરની જેમ જ ફોલ્ડર, તેની અંદર ફોલ્ડર કે ફાઇલ એ પ્રકારની ગોઠવણ થઈ શકે છે. જે તે ફાઇલ પર ક્લિક કરીએ એટલે એ ફાઇલ ગૂગલ ડ્રાઇવમાં ઓપન થઈ શકે તેવી હોય તો તેમાં ઓપન થાય, બાકી આપણે ડાઉનલોડ કરીને તેને ઓપન કરવી પડે.
ફક્ત ફોટોગ્રાફ ક્લાઉડમાં સ્ટોર કરવા હોય તો આપણે ગૂગલ ફોટોઝની સર્વિસ વિશે જુલાઈ ૨૦૧૫ અંકમાં વિગતવાર વાત કરી છે.
ક્લાઉડ સ્ટોરેજના લાભ અને ગેરલાભ
આ તો ક્લાઉડ સ્ટોરેજ કેવી રીતે કરી શકાય, એની વાત થઈ, પરંતુ એ ખરેખર આપણે કામનું છે કે નહીં એ નક્કી કરવું જરૂરી છે.
આપણા ફોટોગ્રાફ કે અન્ય ફાઇલ સંગ્રહ કરવાનું પહેલું કારણ એ હોય કે, આપણે આપણા ડેટાને શક્ય એટલા લાંબા સમય સુધી સાચવી રાખવા માગતા હોઈએ. આ માટે ક્લાઉડ સ્ટોરેજ સૌથી વિશ્વસનીય ગણાય. આપણો ડેટા કમ્પ્યુટર કે મોબાઇલમાં કે પેન ડ્રાઇવ કે મેમરી કાર્ડમાં, સીડી, ડીવીડી, એક્સ્ટ્રા ડ્રાઇવ વગેરેમાં સેવ કરીએ તો બધું ગમે ત્યારે દગો દઈ શકે છે. જ્યારે ક્લાઉડ સ્ટોરેજમાં, આપણા ડેટાનો એકથી વધુ જગ્યાએ બેકઅપ લેવાતો હોવાથી, આપણા સ્ટોરેજ કરતાં, ગૂગલ કે માઇક્રોસોફ્ટ જેવી મોટી કંપનીમાં કરેલું સ્ટોરેજ દેખીતી રીતે વધુ ભરોસાપાત્ર છે. સલામતીની રીતે પણ, આપણે પોતે આપણા એકાઉન્ટને સલામત રાખવા માટે જેટલા વધુ સાવધ રહીએ એટલો આપણો ડેટા સલામત રહે છે.
પરંતુ સંગ્રહ કરવાનું કારણ અને જરૂરિયાત જુદાં જુદાં હોઈ શકે. જેમ કે આપણે ફોટોગ્રાફ સંગ્રહ કરવા હોય તો એ આપણે અવારનવાર જોવા પણ ઇચ્છતા હોઈએ. ક્લાઉડમાં ફોટોગ્રાફ (કે અન્ય ફાઇલ્સ) સ્ટોર કરવાનો ફાયદો એ છે કે તે લગભગ હંમેશ માટે સચવાઈ રહેવાનો ભરોસો રહે છે, પણ તેને વારંવાર જોવા હોય તો આપણી પાસે સારું ઇન્ટરનેટ કનેક્શન હોવું જરૂરી છે.
અલબત્ત, અમુક ફોટોગ્રાફ કે ગૂગલ ડ્રાઇવમાંની અમુક ફાઇલ તમારે મોબાઇલમાં ઓફલાઇન પણ જોવી હોય તો તેને ઓફલાઇન અવેલેબલ કરવાની સગવડ હોય છે, પણ તો એ ફરી તમારા મોબાઇલમાં જગ્યા રોકશે!

