સવાલ મોકલનાર : વૈશાલી કામદાર, રાજકોટ
તમારું આ મુદ્દા તરફ ધ્યાન ગયું એ માટે અભિનંદન! સાદો જવાબ એ કે એ સમયે સ્માર્ટફોનનો સ્ક્રીન બરાબર અરીસા તરીકે જ કામ કરે છે, ફક્ત જ્યારે સેલ્ફી લેવાઈ જાય ત્યારે જે ઇમેજ જોવા મળે છે એ મિરર ઇમેજ રહેતી નથી!
ગૂંચવાડો થયો? બાજુના સ્ક્રીનશોટમાં પહેલી તસવીર, ‘સાયબરસફર’ મેગેઝિનની સેલ્ફી લેતી વખતે સ્ક્રીન પર જે દેખાય છે તેની છે અને બીજી તસવીર સેલ્ફી ‘પોતાની’ છે.
જાતે પણ ટ્રાય કરી જુઓ. ખાસ તો તમારી પાછળ કોઈ નામ લખેલું બોર્ડ કે પુસ્તક રાખીને સેલ્ફી લઈ જુઓ. તમે સેલ્ફી લેતા હશો ત્યારે એ બોર્ડ કે પુસ્તકનું નામ ઊલટું વંચાશે અને સેલ્ફી લેવાઈ ગયા પછી એ ફોટોગ્રાફ જોશો ત્યારે તેમાં લખાણ સીધુ વંચાશે.
કારણ સીધું સાદું છે. આપણે જ્યારે પોતાને અરીસામાં જોઈએ ત્યારે અરીસામાં આપણને જે દેખાય છે અને બીજી કોઈ વ્યક્તિને આપણે જેવા દેખાઈએ તેમાં ફેર હોય છે.
જ્યારે આપણે સ્માર્ટફોનની પાછળના ભાગમાં રહેલા પ્રાયમરી કેમેરાથી કોઈ તસવીર લઈએ છીએ ત્યારે ફોનના સ્ક્રીન પર સામેનું દ્રષ્ય બરાબર એવું જ દેખાય છે જેવું આપણને પોતાને દેખાય છે અને એ જ પ્રમાણે તે તસવીર લેવાય છે.
જ્યારે સેલ્ફી મોડમાં તસવીર લઈએ ત્યારે દેખીતી રીતે ફ્રન્ટ કેમેરા કામ કરે છે. આ કેમેરા તો તેને જે દેખાય છે તેની જ તસવીર લે છે. એ સમયે ફ્રન્ટ કેમેરાને લખાણ સીધું દેખાતું હોવાથી તસવીરમાં તે લખાણ સીધું જ ઝીલાય છે, પરંતુ એ સમયે સ્માર્ટફોનનો સ્ક્રીન અરીસા જેવું કામ કરતો હોવાથી તેમાંનું લખાણ આપણને ઊલટું દેખાય છે.
ટૂંકમાં આખી વાતનું કારણ એ છે કે સ્માર્ટફોનના સેલ્ફી કેમેરાનો પ્રીવ્યૂ મિરર મોડમાં કામ કરે છે.
એપલ કંપનીએ જૂન ૨૦૧૦માં આઇફોન-૪ લોન્ચ કર્યો અને તેમાં આગળ કેમેરા ઉમેર્યો ત્યારે ફોનનો સ્ક્રીન અરીસાની જેમ વર્તે એ માટે કેમેરાના વ્યૂને ફ્લિપ કરવાનું એટલે કે ઊલટાવીને બતાવવાનું નિશ્ચિત કર્યું, જે હવે સેલ્ફી મોડ સાથે કાયમ માટે વણાઈ ગયું છે!

