ઇન્ટનેટ પર એવી સંખ્યાબંધ મેપ ગેમ્સ ઉપલબ્ધ છે, જેની મદદથી આપણે દુનિયાની ભૂગોળ વિશે આપણે કેટલુંક જાણીએ છીએ એ તપાસી શકીએ છીએ. જાણીએ આવી કેટલીક મજાની ગેમ્સ!
આગળ શું વાંચશો?
- પોતાના દેશને જાણવાની અનોખી રીત
- ભારત વિશે તમે કેટલું નથી જાણતા?
- ગેમ કરતાં કંઈક વિશેષ
- ભારતની જિગ્સો પઝલ
- દુનિયાની સફર,નકશા પર
- સ્માર્ટફોનમાં મેપ ગેમ્સ
- વર્લ્ડ સિટિઝન
- જ્યોગ્રાફી લર્નિંગ
- કંટ્રીઝ લોકેશન
માર્ચ અને એપ્રિલ મહિનામાં મલેશિયન પ્લેન ગાયબ થયાના સમાચાર અખબારોમાં છવાયેલા રહ્યા. દુનિયાના નકશા પર આ મલેશિયા દેશ ક્યાં આવ્યો એ તમે બતાવી શકો? (ગૂગલ મેપમાં શોધવાની વાત નથી!) અચ્છા, એ કહી શકો તો મલેશિયાની રાજધાની કઈ અને તેને નકશા પર બતાવી શકો? ભારતના નકશામાં લક્ષદ્વીપના ટાપુ જમણી તરફ છે કે ડાબી તરફ? મોરેશિયસ કે માલદીવ્સ નકશા પર શોધી શકો? કમ્બોડિયા દેશ કયા ખંડમાં છે? દુનિયાના બધા દેશોમાં કયો એકમાત્ર દેશ છે જેનો ધ્વજ લંબચોરસ નથી? બરાબર, નેપાળ. તો એ કહો કે કમ્બોડિયા કે સ્પેનનો ધ્વજ કેવો છે?
સોરી, સવાલોનો ઝાઝો મારો થઈ ગયો, પણ વેકેશનમાં આપણે પોતે ક્યાંય ફરવા ન જઈએ શકીએ તો એનો મતલબ એવો નથી કે ટીવીનું રિમોટ હાથમાં લઈને મૂવી ચેનલ્સના પ્રવાસે નીકળી પડવું. એમાંય કશું ખોટું નથી, પણ એનાથી કંટાળો તો તમે ઇન્ટરનેટ પર દુનિયાની સફરે નીકળી શકો છો. ટીવી કરતાં અહીં ફેર એ છે આખી વાત ઇન્ટરએક્ટિવ બને છે! નેટ પર ભૂગોળની વાત નીકળે એટલે પહેલો વિચાર ગૂગલ મેપ્સ અને ગૂગલ અર્થનો આવે, એ બંને તો જબરજસ્ત છે જ, પણ મંઝિલે ઔર ભી હૈં!
જાતે કરેલું અને જાતે જોયેલું સહેલાઈથી ભૂલાતું નથી એ ન્યાયે ઘણું બધું યાદ પણ રહેવા લાગશે. પછી ગેમનાં વધુ ને વધુ લેવલ પાર કરવાની ચાનક ચઢશે, ગૂગલ મેપ્સમાં જઈને પહેલેથી તૈયારી કરી લેવાની કવાયત શરૂ થશે અને એમ કરતાં કરતાં નેશનલ જ્યોગ્રાફિકની વેબસાઇટ પરની ગેમ્સથી માંડીને બીજી અનેક સાઇટ પરની ખરેખર રોમાંચક અને છતાં એજ્યુકેશનલ ગેમ્સ સુધી પણ પહોંચી શકાશે.આ બધી કસરત દરમિયાન કદાચ તમે એક નવાઈની વાત પણ જાણી શકશો – ગૂગલ અર્થની મદદથી ગણિત શીખવનારા લોકો પણ આ દુનિયામાં પડ્યા છે! માન્યામાં ન આવતું હોય તો થોડું ગૂગલિંગ કરી જુઓ! વીશ યુ હેપ્પી નેટ ટ્રાવેલિંગ!
પોતાના દેશને જાણવાની અનોખી રીત
ભારતનાં વિવિધ રાજ્યોનાં લોકેશન તમે બરાબર જાણો છો કે નહીં એ ચકાસવું હોય કે કયાં વિખ્યાત સ્થળો, શહેરો, નેશનલ પાર્ક, મ્યુઝિયમ વગેરે ભારતમાં બરાબર ક્યાં આવેલાં છે એ જાણવું હોય તો મેપ્સઓફઇન્ડિયા.કોમની ઇન્ટરએક્ટિવ ગેમ્સ તમને ગમશે.
આ બધી ગેમમાં આપણે સમય સાથે રેસ લગાવવાની છે અને પૂછવામાં આવેલા સ્થળ, રાજ્ય કે શહેર વગેરેનું નક્શા પર સ્થાન બતાવવાનું છે.
ગેમ સરસ રીતે ડિઝાઇન થયેલી છે અને એક વાર રસ પડ્યા પછી બધું જ જાણી લેવાની તાલાવેલી પણ જાગશે. ગેમનો હેતુ એ જ તો છે!
ભારત વિશે તમે કેટલું નથી જાણતા?
ગેમનું નામ છે આઇકેએએઆઇ (આઇકાઇ) લેન્ડ! આઇકેકેઆઇ એટલે આઇ નો ઓલ અબાઉટ ઇન્ડિયા – હું ભારત વિશે બધું જ જાણું છું! આઇકાઇ લેન્ડ નામનો એક ગ્રહ છે. તેના કેટલાક રહેવાસીઓ ભારતમાં આવી પડ્યા છે. તેમને શોધતા બીજા પરગ્રહવાસીઓ આવે છે અને તેઓ ભારતનાં જુદાં જુદાં સ્થળો, રાજ્યો વગેરેને પ્રવાસ ખેડે છે…
આ સાઇટ પર પહોંચ્યા પછી સૌથી પહેલાં આપણે આપણું એકાઉન્ટ ખોલાવવું પડે છે અથવા ફેસબુક કે ટવીટરના યુઝરનેસ પાસવર્ડથી પણ ક કનેક્ટ થઈ શકાય છે. સાઇન-ઇન થઈને આગળ વધીએ એટલે આખી દુનિયાનો નક્શો નજર સામે આવે છે અને એક યુએફઓ ઊડતો આવીને ભારત પર લેન્ડ કરે છે. તેને ક્લિક કરીએ એટલે પરગ્રહવાસીની સાથેસાથે શરુ થાય આપણી ભારતયાત્રા.
સૌથી પહેલું લેવલ રાજ્યો અને કેન્દ્ર શાશિત પ્રદેશોનું છે. ભારતના કોરા નક્શા સાથે વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાશિત વિસ્તારો પૂછવામાં આવે અને આપણે તેમનું સ્થાન ક્લિક કરવાનું. જવાબ ખોટો પડે કે નિર્ધિરિત સમયમાં જવાબ આપી ન શકીએ એટલે જે તે રાજ્યનો ભાગ લાલ રંગે રંગાઈ જાય, સાચા જવાબના પોઇન્ટ મળતાં જાય.
આ રીતે એક પછી એક લેવલ પાર કરવાનાં. આખી ગેમમાં રાજ્યો અને પાટનગર, વિખ્યાત સ્થળો, નદીઓ, પહેરવેશ, નૃત્યો, સ્થાનિક ભાષા, રાજ્યપાલો, મુખ્ય મંત્રીઓ તહેવારો, વિવિધ પ્રદેશોના આહાર વગેરેનાં ખરેખર રસપ્રદ લેવલ આપેલાં છે. વિવેકાનંદ રોક મેમોરિયલ જેવાં સ્થળો નક્શા પર સહેલાઈથી બતાવી શકાય, પણ કોણાર્ક કે સાંચીના સ્તૂપની વાત આવતાં માથું ખંજવાળવું પડે. આ ગેમને બાળકોની ગેમ સમજવાની ભૂલ બિલકુલ ન કરશો, ભારત વિશે આપણે કેટલું નથી જાણતા એ આ ગેમથી જરૂર જાણી શકશો!
આ ગેમ એન્ડ્રોઇડ અને આઇપેડ, આઇફોન માટે પણ ઉપલબ્ધ છે.
ગેમ કરતાં કંઈક વિશેષ
આને ગેમ કહેવાય કે નહીં એક સવાલ છે, પણ વાત છે રસપ્રદ. નેશનલ જ્યોગ્રાફિક સોસાયટીની વેબસાઇટ (//national@geographic.com“>http://national@geographic.com) પર જુદા જુદા વિભાગમાં બાળકો અને મોટેરાંને રસ પડે એવી સંખ્યાબંધ ગેમ્સ છે. અલબત્ત વાત નેશનલ જ્યોગ્રાફિકની છે એટલે તેમાં મજાની સાથોસાથ દુનિયાનાં કેટકેટલાંય પાસાં ખુલ્લાં થવાની પૂરી શક્યતા.
આવી એક ગેમ છે જીઆઇએસ ઇન એક્શન. જીઆઇએસ એટલે કે જ્યોગ્રાફિક ઇન્ફર્મેશન સિસ્ટમ, નક્શાના વિવિધલક્ષી ઉપયોગ માટે વિક્સેલું વિજ્ઞાન છે. જીઆઇએસ સાદી ભાષામાં સમજવું હોય તો એમ કહેવાય કે કોઈ એક જ સ્થળ વિસ્તાર કે દુનિયાના નક્શાને ટેટેબલ પર મૂકી, તેના પર કાચનાં વિવિધ લેયર મૂકતા જઈએ અને એ દરેક લેયર પર આરપાર જોઈ શકાય એ રીતે વિવિધ માહિતી મૂકતા જઈએ તો નક્શા અને માહિતી ધરાવતાં જુદાં જુદાં લેયર્સની મદદથી ઘણી નવી જાણકારી મેળવી શકાય.
જીઆઇએસ ઘણી બધી રીતે આપણા રોજબરોજના જીવનમાં ઉપયોગી છે. જેમ કે, શહેરી વિકાસની સ્થિતિનો અભ્યાસ કરવો હોય તો જે તે શહેરના નક્શા પર, હાલના સમયમાં કેટલા વિસ્તારમાં ઝૂંપડપટ્ટી છે તે દશર્વિતું એક લેયર તૈયાર કરવામાં આવે અને બીજા લેયરમાં, ૧૦ વર્ષ પહેલાં અને ત્રીજા લેયરમાં એની પહેલાંનાં ૧૦ વર્ષ પહેલાં કેટલાક વિસ્તારમાં ઝૂંપડપટ્ટી હતી એ માહિતી દશર્વિવામાં આવે અને આ બધી જ માહિતી એક નક્શા પર એક સાથે મૂકવામાં આવે તો શહેરમાં ક્યાં ઝૂંપડપટ્ટી ઓછી થઈ અને ક્યાં વધી તે સ્પષ્ટ રીતે જાણી શકાય. કોઈ સ્થળે આગ લાગે ત્યારે ત્યાં સૌથી વધુ ઝડપથી કયા રસ્તે પહોંચી શકાય તે જાણવા માટે ફાયરબ્રિગેડ પણ જીઆઇએસની મદદ લે છે.
જીઆઇએસનું વિજ્ઞાન આ સાદી સમજથી ઘણું વધુ જટિલ છે, પણ તેને સમજવું સરળ બનાવે છે નેશનલ જ્યોગ્રાફિકની આ એક્ટિવિટી કમ ગેમ – જીઆઇએસ ઇન એક્શન. આપણે આ ગેમના પેજ પર પહોંચીએ એટલે પૃથ્વીના નક્શા પર વિવિધ પ્રાણીઓના ફોટોગ્રાફ જોવા મળે છે. ધારો કે આપણે આફ્રિકન એલિફન્ટ પર ક્લિક કરીએ એટલે તેને લગતી માહિતી ધરાવતો એક નક્શો ખૂલે. અહીં જમણે ખૂણે ઉપર વ્હોટ ઇઝ જીઆઇએસ એવા સવાલ સાથે જીઆઇએસની સાદી સમજ આપવામાં આવી છે.
મધ્ય આફ્રિકાના આ નક્શાની જમણી પેનલમાં, વિવિધ માહિતી ધરાવતાં લેયર્સ દશર્વ્યિાં છે. જેમ કે, પહેલું લેયર મધ્ય આફ્રિકામાં હાથીઓ ક્યાં વસે છે તે દશર્વિે છે. તેના પર ક્લિક કરીએ એટલે વર્ષ ૧૯૯૦ અને વર્ષ ૨૦૦૦ના આંકડા પ્રમાણે નક્શા હાથીઓના વસવાટવાળા વિસ્તાર જુદા જુદા રંગમાં જોવા મળે છે. નક્શાની ડાબી તરફની પેનલમાં આ વિશે વધુ માહિતી છે, જેમ કે, ૧૯૯૦માં હાથીઓના વસવાટના જેટલા વિસ્તાર હતા તે વર્ષ ૨૦૦૦માં ઘટ્યા. હાથીઓની વસતી ૭૫,૦૦૦ જેટલી છે, તેમના શિકાર પર પ્રતિબંધ છે, છતાં ગેરકાયદે શિકારને કારણે હાથીઓ ઓછા થઈ રહ્યા છે તે નક્શા પરથી સ્પષ્ટ સમજાય છે.
હવે આપણે જમણી તરફ, લોકો ક્યાં વસે છે એ લેયર ક્લિક કરીએ એટલે, હાથીઓના વસવાટવાળા લેયરની ઉપર માનવવસવાટવાળા વિસ્તારનું લેયર જોવા મળે છે. નક્શો બતાવે છે કે માનવીઓ હાથીઓના વિસ્તાર પર કબજો જમાવી રહ્યા છે પરિણામે હાથીઓને રહેવા માટે જગ્યા અને ભોજન બંને ઘટવા લાગ્યાં છે.પહેલાં કહ્યું એમ આ કોઈ ગેમ નથી, પણ નક્શાના ઉપયોગના કંઈક અલગ પ્રકારના વિજ્ઞાનની મદદથી અહીં રમત રમતમાં બાળકો પોતાની દુનિયા વિશે ઘણી ઊંડી સમજ કેળવી શકે છે.
ભારતની જિગ્સો પઝલ
નક્શા પર ભારતનાં રાજ્યોનું સ્થાન દશર્વિતી આ ગેમ એક જિગ્સો પઝલ છે, એટલે તેમાં કયું રાજ્ય ક્યાં આવ્યું એ જાણવા કરતાં, કયો પીસ ક્યાં ફીટ થશે એ નક્કી કરવું વધુ અગત્યનું બની જાય છે. છતાં, ફુરસદનો સમય જરા બીઝી રહીને પસાર કરવો હોય તો આ ગેમ મોટાંને પણ ગમશે. ગેમમાં નાના નાના પીસનો ખીચડો તો છે, પીસને યોગ્ય રીતે બેસાડવા સ્પેસબારથી રોટેટ પણ કરવા પડે છે, એટલે ગેમ ધાર્યાકરતાં ઘણી વધુ મુશ્કેલ બની જાય છે.http://www.mapsofworld.com/games/puzzle/india/
દુનિયાની સફર, નક્શા પર
નક્શા પર દુનિયાની સફર કરાવતી આ ગેમ મૂળ તો એક ટ્રાવેલર્સના બ્લોગિંગ પ્લેટફોર્મનો એક ભાગ છે.
ટ્રાવેલપોડની શરુઆત ૧૯૯૭માં થઈ. એ સમયે, વિશ્વના જુદા જુદા ખૂણે પ્રવાસે જતા લોકો પોતાના અનુભવો બ્લોગ પોસ્ટ સ્વરૂપે બીજા લોકો સાથે શેર કરી શકે એવા પ્લેટફોર્મ તરીકે આ સાઇટ રજૂ થઈ હતી. પછી તો આ ક્ધસેપ્ટ જોરદાર ચાલ્યો અને હવે ટ્રાવેલિંગ અને તેને લગતા બ્લોગિંગ અને શેરિંગને લગતી સંખ્યાબંધ સાઇટ્સ શરુ થઈ ગઈ છે.
ટ્રાવેલર્સ દ્વારા, ટ્રાવેલર્સ માટેની આ ફ્રી સાઇટ પર તમે વિશ્વને કેટલી સારી રીતે જાણો છો એ તપાસવામાં મદદ કરતી કેટલીક મજેદાર ગેમ્સ મૂકવામાં આવી છે. વિભાગનું નામ છે ટ્રાવેલર આઇક્યુ ચેલેન્જ!
અહીં તમે એશિયાથી શરુ કરીને આખી દુનિયાને લગતી ક્વિઝમાં ઝંપલાવી શકો છો. આ ઇન્ટરએક્ટિવ ગેમ્સનો આધાર એક જ – દુનિયાનો કોરોધાકોડ નકશો. અહીં ધારો કે તમે એશિયાની ગેમ સિલેક્ટ કરીને આગળ વધો તો એશિયાના દેશોની સરહદો સિવાય બિલકુલ કોરોકટ નકશો બતાવવામાં આવશે. તે પછી પહેલા ઇઝી લેવલ તરીકે એશિયાના વિવિધ દેશોનાં કેપિટલ્સ પૂછવામાં આવશે.
જેમ કે મલેશિયાનું કુઆલાલમ્પુર. આપણે એશિયાના નકશા પર આ શહેરનું લોકેશન ક્લિક કરવાનું. એટલે તરત, એક્ઝેક્ટ સાચું લોકેશન બતાવવામાં આવે અને આપણે બતાવેલા સ્થળ કરતાં સાચું લોકેશન કેટલા કિલોમીટર દૂર છે તે બતાવવામાં આવે. આ અંતરના આધારે આપણને પોઇન્ટ મળે. નેક્સ્ટ પર ક્લિક કરતાં બીજા દેશનું કેપિટલ પૂછવામાં આવે. પહેલા લેવલમાં પાંચ સવાલો પૂછવામાં આવે અને તેમાં જો આપણે ઓછામાં ઓછા ૧૦ હજાર પોઇન્ટ મેળવી શકીએ તો બીજા લેવલમાં જઈ શકીએ.
આ ગેમમાં આપણે વર્લ્ડ કેપિટલ્સ, યુનેસ્કો સાઇટ્સ, દુનિયાના ફ્લેગ્સ, ફોટોઝ ઓફ ધ વર્લ્ડ વગેરે વિભાગમાં ઝંપલાવીને દુનિયાને જુદી જુદી નજરે જોઈ શકીએ છીએ.ગેમની મજા એ છે કે જ્યારે તેમાં ઝુકાવીએ, ઝડપથી બદલાતી સેકન્ડસના પ્રેશર વચ્ચે આપણી ધારણા મુજબ રશિયામાં મોસ્કોનું સ્થાન બતાવીએ અને ગેમ આપણને સાચું સ્થાન બતાવે ત્યારે મગજમાં ઝબકારો થાય કે ઓહો, મોસ્કો યુરોપથી આટલું નજીક છે! એ સ્પષ્ટ થાય એટલે મનમાં બીજો ઝબકારો થાય કે યુરોપ અને એશિયા ખંડના દેશો જ્યાં એકમેકને મળે છે એ વિસ્તારને તો ‘યુરેશિયા’ કહે છે. આ યુરેશિયા ખરેખર છે શું? ચાલો તપાસીએ! એવા બીજા શબ્દો ‘ઓશનિયા’ કે ‘ઓસ્ટ્રેલેશિયા’ પણ છે. એ શું છે? તપાસો ઇન્ટરનેટ પર!
સ્માર્ટફોનમાં મેપ ગેમ્સ
કંઈક અંશે આગળનાં પેજીસ પર આપેલી ગેમ્સ જેવી, પણ ખાસ્સી મુશ્કેલ એવી મેપ ગેમ્સમાં રસ હોય તો સ્માર્ટફોન કામ લાગી શકે છે.
વર્લ્ડ સિટિઝન
આ ગેમ ખરેખર તો જુદા જુદા દેશ, તેમની રાજધાની અને ધ્વજ સાથેની ક્વિઝ છે. શરુઆતમાં ટ્રેનિંગ સેક્શનમાં જઈને તમારું દુનિયાના દેશો વિશેનું – આમ તો સાવ પ્રાથમિક – જ્ઞાન કેટલુંક છે એ ચકાસી શકો છો, જરૂર મુજબ તેને વધુ ને કસીને પછી ચેલેન્જમાં ઝંપલાવશો તો મજા પડશે. ગેમ ઇઝી, મીડિયમ અને હાર્ડ એમ ત્રણ લેવલમાં રમી શકાય છે.
જ્યોગ્રાફી લર્નિંગ
આ ગેમ મેપ પર રમાતી ગેમ છે. સેટિંગ્સમાં જઈને તેમાં હિન્દી ભાષા પણ સેટ કરી શકાય છે. આ ગેમમાં પણ સીધા ગેમમાં ઝંપલાવવાને બદલે પ્રેક્ટિસ કરવાનો વિકલ્પ છે. તેમાં કોઈ એક ખંડ પસંદ કરીને તેના પોલિટિકલ કે ફિઝિકલ મેપમાં, પૂછવામાં આવે તે સ્થળો આપણે બતાવવાનાં હોય છે. સ્થળ પસંદ કરીએ એટલે આપણો જવાબ સાચા સ્થળથી કેટલા કિલોમીટર દૂર છે એ પણ જાણવા મળશે. ખાસ્સી એવી પ્રેક્ટિસ કર્યા પછી મૂળ ગેમમાં કંઈ પત્તો ખાય એવી આ ગેમ છે.
કંટ્રીઝ લોકેશન
આ ગેમ પણ દુનિયાના જુદા જુદા દેશોનું સ્થાન જાણવામાં મદદરુપ થાય છે. એશિયા પસંદ કરીને આગળ વધશો તો પણ આર્મેનિયા, ટર્કી, જોર્ડન, ઇઝરાયેલ, લેબેનોન વગેરે દેશો વિશ્વના નક્શા પર પોઈન્ટ આઉટ કરવામાં રીતસર ચકરાવે ચઢશો!
ત્રણેય ગેમ મુશ્કેલ લાગશે પણ એ જ તો એની મજા છે!
જો સ્કૂલમાં ભણતી વખતે ભૂગોળમાં પૂરો રસ નહીં લીધો હોય તો ઘરનાં ટાબરિયાંઓ સાથે આ બધી ગેમ રમતી વખતે શરુઆતમાં ધબડકો જ થશે અને ટાબરિયાં આપણી ભૂલો બતાવે એવું પણ થશે, પણ એક પછી એક સવાલો ખોટા પડશે, તેમ તેમ તેના સાચા જવાબો પણ જાણી શકાશે.


