સવાલ લખી મોકલનારઃ દીપક બારૈયા
તમારા પ્રશ્નના જવાબો આધાર, તમે કયા હેતુથી ગીતો ઇન્ટરનેટ પર અપલોડ કરવા માગો છો તેના પર છે.
જો તમે વિશ્વમાં અલગ અલગ ખૂણે વસતા ફક્ત નજીકના મિત્રો સાથે આ ગીતો શેર કરવા માગતા હો તો સૌથી સહેલો રસ્તો જીમેઇલમાં આ ગીતો એટેચ કરીને મેઇલ કરી દેવા છે. તમારા મિત્રો મેઇલ ઓન કરી, ગીત ડાઉનલોડ પણ કરી શકે અથવા ગૂગલ ડ્રાઇવની મદદથી તેે સીધાં જ સાંભળી શકે.
બીજો રસ્તો, ગૂગલ ડ્રાઇવની મદદ લેવાનો છે. તમારા ગૂગલ એકાઉન્ટ (એટલે કે જીમેઇલ એકાઉન્ટ)ના યુઝરનેમ પાસવર્ડથા https://drive.google.com માં સાઇન થાઓ. અહીં ક્રિએટ બટન પર ક્લિક કરી એક ફોલ્ડર બનાવી લો, જેમ કે ગુજરાતી ગીતો. હવે ક્રિએટની બાજુના અપલોડ બટન પર ક્લિક કરી, તમારા કમ્પ્યુટરમાંના ગીતો આ ફોલ્ડરમાં અપલોડ કરી લો. હવે ચાહો તો આ આખા ફોલ્ડરને મિત્રો સાથે શેર કરો. અે માટે ફોલ્ડર પર રાઇટ ક્લિક કરતાં, શેર કરવાનો વિકલ્પ મળશે. પસંદગીના મિત્રો સાથે આ ફોલ્ડર શેર કરો, અથવા આ ફોલ્ડરને પબ્લિક બનાવીને ફેસબુક કે મેઇલ દ્વારા સૌની સાથે તેની લિંક શેર કરો.
ત્રીજો રસ્તો, https://soundcloud.com જેવી સોશિયલ સાઉન્ડ સાઇટ પર તમારું એકાઉન્ટ ક્રિએટ કરી તેમાં તમારાં ગીતો અપલોડ કરવાનો છે. અહીંથી તમે ફેસબુક, ટવીટર, બ્લોગર, વર્ડપ્રેસ વગેરે પર તમારાં ગીતો શેર કરી શકો છો.
ચોથો રસ્તો, બ્લોગર કે વર્ડપ્રેસમાં તમારો પોતાનો બ્લોગ બનાવીને તેમાં તમે ગમતાં ગીતો સૌની સાથે શેર કરી શકો છો. વર્ડપ્રેસમાં બ્લોગ તો બિલકુલ ફ્રીમાં બનાવી શકાય છે, પણ તેના સપોર્ટ પેજમાં જણાવ્યા અનુસાર, જો તમે તમારા કમ્પ્યુટરમાંથી બ્લોગ પર ગીતો અપલોડ કરવા માગતા હો તો તમારે સ્પેસ અપગ્રેડ ખરીદવાની રહે છે.
વર્ડપ્રેસની મદદી ટહુકો.કોમ (http://tahuko.com) , કે રણકાર.કોમ (http://rankaar.com) જેવા બહુ સુંદર ગુજરાતી ગીતોના બ્લોગ ચાલી રહ્યા છે. આ બ્લોગ્સના સર્જકો કોઈ વ્યાવસાયિક અપેક્ષા વિના ગમતાંનો ગુલાલ કરી રહ્યા છે. આ બ્લોગ્સના સર્જકોનો સંપર્ક કરશો તો તેઓ વધુ માર્ગદર્શન આપી શકશે.
જો કે આ બધી જ રીતમાં, ગીતોનો કોપીરાઇટ એક મહત્ત્વનો મુદ્દો છે. જો ગીતો તમારું પોતાનું સર્જન હોય તો તમે તેે જાહેરમાં ડાઉનલોડ કરી શકાય એ રીતે મૂકી શકશો નહીં. આ વિશે જે તે સાઇટની શરતો અને નિયમો વાંચીને પછી જ આગળ વધશો.

