વર્ડ, પાવરપોઇન્ટ, એક્સેલ જેવા પ્રોગ્રામ્સની સાથોસાથ માઇક્રોસોફ્ટે ટાબરિયાંઓને મજા પડે એવા એક પ્રોગ્રામ પેઇન્ટની પણ ભેટ આપી છે. આવો જાણીએ આ પ્રોગ્રામની કેટલીક ખાસિયતો અને બનાવીએ એક મજાની રંગોળી.
આજે વાત કરીએ, વેકેશનમાં બાળકોને મજા પડે એવા એક પ્રોગ્રામની. વિન્ડોઝની ઓપરેટિંગ સિસ્ટમ સાથે આવતો પેઇન્ટ પ્રોગ્રામ સામાન્ય રીતે આપણી નજરની બહાર રહે છે, પણ આ બેઝિક ડ્રોઇંગ પ્રોગ્રામની મદદથી બાળકો જાતભાતનું ઘણું નવું નવું સર્જન કરી શકે છે.
વિન્ડોઝ એક્સપી સુધી પેઇન્ટ પ્રોગ્રામ એકદમ બેઝિક હતો, પણ વિન્ડોઝ ૨૦૦૭થી તેમાં ઘણા સુધારા થયા છે અને નાનાં બાળકોને આકાર, રંગ વગેરેનો પરિચય કરાવવો હોય તો આ સરસ પ્રોગ્રામ છે.
તમારા કમ્પ્યુટરના સ્ટાર્ટ બટન પર ક્લિક કરી, ઓલ પ્રોગ્રામ્સમાં એક્સેસરીઝમાં જઈને પેઇન્ટ પ્રોગ્રામ ઓપન કરો. આપણે એમાં એક મજાની રંગોળી જેવી ભૌમિતિક ડિઝાઈન તૈયાર કરતાં શીખીએ.
સૌથી પહેલાં પેઇન્ટમાં આકારો કેવી રીતે દોરાય છે તે સમજી લઈએ. પેઇન્ટમાં એક બ્લેન્ક ડોક્યુમેન્ટ ઓપન કર્યા પછી, ઉપરની મેનુ રીબનમાં શેપ્સ વિભાગ જુઓ. તેમાં સીધી રેખા, વાંકી-ચૂંકી રેખા, વર્તુળ, લંબગોળ, ચોરસ-લંબચોરસ વગેરે આકાર આપેલા છે. આમાંથી સીધી રેખા સિલેક્ટ કરીને તેને કોરી જગ્યામાં દોરી જુઓ. જો શિફ્ટ કી પ્રેસ કરી રાખીને રેખા દોરશો તો તે ફક્ત ૦, ૪૫, ૯૦, ૧૩૫, ૧૮૦, ૨૨૫, ૨૭૦ કે ૩૧૫ના ખૂણો બને તે રીતે જ રેખા દોરશે. વાંકી-ચૂંકી રેખા દોયર્િ પછી, તેના બેમાંથી કોઈએ એક છેડાને માઉસથી ક્લિક કરી માઉસને આમતેમ લઈ જશો તો રેખાનો આકાર પણ બદલાશે. માઉસને કઈ રીતે ખેંચતાં રેખાનો આકાર કેવો બદલાય છે તે બરાબર સમજો. પૂર્ણ વર્તુળ કે ચોરસ દોરવા માટે એ આકાર પસંદ કરી શિફ્ટ કી પ્રેસ કરી રાખીને એ આકાર દોરવાનો રહેશે.
તો આટલું સમજ્યા પછી, આપણે આગળ વધીએ આપણી રંગોળી જેવી ડિઝાઇન દોરવા તરફ.
પેઇન્ટમાં કામ કરવાની બીજી કેટલીક વાત પણ સમજી લઈએ. પેઇન્ટમાં આકારો દોર્યા પછી તેને દૂર કરવા હોય તો, આખા કેન્વાસ પરના બધા આકારને એક સાથે સિલેક્ટ કરીને ડિલીટ કરી શકાય છે, પણ કોઈ એક જ આકાર દૂર કરવો હોય તો તેને આપણે ઉપરના ટૂલબારમાં ઇરેઝર સિલેક્ટ કરીને તેનાથી ભૂંસી શકીએ છીએ.
હવે કોરા કેનવાસ પર એક ચોરસ દોરો. તેના ચારેય ખૂણામાંથી પસાર થાય એવી ૪૫ અંશના ખૂણાવાળી બે રેખાઓ દોરીને, બાજુની આકૃતિમાં બતાવ્યા મુજબ ચોરસમાં ગોઠવો.
હવે ચોરસની અંદર બનતા ત્રિકોણમાં, વાંકી ચૂંકી રેખાનું ટૂલ સિલેક્ટ કરી કોઈ પણ આકાર દોરો, સાથે એક-બે વર્તુળ વગેરે પણ બનાવો. થોડી લીટી ચોરસની બહાર જાય તો ચિંતા કરશો નહીં.
આખી આકૃતિને કોઈ એક બાજુ છેક ઉપરથી ચાલુ કરી, માઉસ ડ્રેગ કરીને સિલેક્ટ કરી લો. તેને કોપી કરી પેસ્ટ કરો. આથી આપણી આકૃતિ જેવી બે આકૃતિ મળશે. તેને ટૂલબારમાં સિલેક્ટ ઓપ્શનની બાજુમાં આપેલા રોટેટ ઓપ્શનથી ૯૦ અંશના ખૂણે રોટેટ કરો. આ બીજી આકૃતિને પહેલી આકૃતિ પર કાળજીથી ગોઠવી દો. આ જ વિધિ ફરી બે વાર કરતાં, બાજુમાં બતાવેલી ડિઝાઇન તૈયાર થશે.
આપણી ડિઝાઇનમાં રંગ પૂરવા માટે કલર ફિલનું ટૂલ સિલેક્ટ કરો. હવે જમણી તરફ આપેલા રંગોમાંથી અલગ અલગ રંગ પસંદ કરતા જાઓ અને આકૃતિ પર ક્લિક કરતાં, બંધ જગ્યામાં એ રંગ પૂરાઈ જશે! આમાં કાળો રંગ ક્યાંય પૂરશો નહીં. કેમ? હમણાં સમજાવું છું!
પણ આ ચોરસની બહાર લટકતાં છોગાંનું શું કરવું એવો સવાલ થયોને? અરે ભાઈ, ધીરજ ધરો! ટૂલબારમાંથી ઇરેઝર ટૂલ સિલેક્ટ કરો. રંગમાં કાળો રંગ સિલેક્ટ કરો. હવે માઉસથી ઇરેઝરને વધારાનાં છોગાં પર લઈ જઈ રાઇટ ક્લિક – યાદ રહે, રાઇટ ક્લિક – કરશો એટલે એટલો ભાગ ભૂંસાઈ જશે!
બસ, તો આપણી રંગોળી તૈયાર!
જાતે શીખો પેઇન્ટ
વિન્ડોઝ ૨૦૦૭ કે તેથી ઉપરના વર્ઝન સાથે આવતા પેઇન્ટ પ્રોગ્રામમાં ઘણાં બધાં ફીચર્સ નવાં ઉમેરવામાં આવ્યાં છે., છતાં તે એટલાં બધાં પણ નથી કે સમજવાં મુશ્કેલ પડે. અહીં આપેલા વીડિયો (http://youtu.be/Gbb_88f9124)માં પેઇન્ટની લગભગ બધી ખૂબીઓ આવરી લેવાઈ છે. બાળકો કે મમ્મી-પપ્પા એક વાર જોશે તો પેઇન્ટ શીખી જશે! એ પછી આ પ્રોગ્રામમાં તમે કોઈ કલરફૂલ ડ્રોઇંગ તૈયાર કરો ને તેની ઇમેજ editor@duplics.cybersafar.in પર મોકલી આપો – તમને સરપ્રાઇઝ ગિફ્ટ મળી શકે છે!


