વેકેશન પડી ગયું છે. ક્યાંય ફરવા જવા માટે આયોજન ન થઈ શક્યું હોય કે રીઝર્વેશન ન મળતું હોય તો બહુ ચિંતા કરવાની જરૂર નથી. હજુ મોડું થયું નથી.
તમે ઇચ્છો તો પરિવારને અમેરિકાના ડિઝનીલેન્ડ પાર્કસની મુલાકાતે લઈ જઈ શકો છો – એ પણ એક રૂપિયાનો ખર્ચ કર્યા વિના!
ગૂગલ મેપ્સના સ્ટ્રીટ વ્યૂ સેકશનમાં અમેરિકાના ફ્લોરિડા સ્ટેટસમાંના ડિઝની પાર્કના સ્ટ્રીટ વ્યૂ ઉમેરાઈ ગયા છે. આ સેકશનમાં કુલ ૧૧ પાર્ક્સ અને રીસોર્ટ્સની મુલાકાત લઈ શકાય છે.
એ માટે તમારા પીસીમાં ગૂગલ મેપ્સ કે સ્માર્ટફોનમાં સ્ટ્રીટ વ્યૂ એપ લોન્ચ કરો અને તેમાં ડિઝનીલેન્ડ રીસોર્ટ સર્ચ કરી જુઓ અથવા બ્રાઉઝરમાં નીચે આપેલી આખી લિંક આપો.
આ લિંક પર તમે ડિઝનીલેન્ડનાં સંખ્યાબંધ વિવિધ આકર્ષણોના ૩૬૦ ડિગ્રી પેનોરમા માણી શકશો.
આ પેનોરમા કેપ્ચર કરવા માટે ગૂગલના જુદા જુદા ઓપરેટર્સ તેમના માથા પર કેમેરા રહે એવો બેકપેક પહેરીને આખા ડિઝનીલેન્ડમાં ઘૂમતા રહ્યા અને તેમની કેમેરા સિસ્ટમે જે ઇમેજીસ કેપ્ચર કરી તેને એકબીજા સાથે સાંકળીને ૩૬૦ ડિગ્રી પેનોરમા વ્યૂઝ તૈયાર કરવામાં આવ્યા. સ્ટ્રીટ વ્યૂમાં તમે કોઈ પણ જગ્યા પસંદ કરીને માઉસ કે આંગળીની મદદથી ઇમેજને આમતેમ ઘૂમાવી શકશો.
દેખીતી વાત છે કે આ સ્ટ્રીટ વ્યૂઝ જે તે જગ્યાએ રૂબરૂ જે અનુભવ મળે તેવો અનુભવ તો ન જ આપી શકે, પરંતુ તેની નજીકનો અનુભવ ચોક્કસ આપે.
દુનિયાનાં જે સ્થળો બિલકુલ આપણી પહોંચની બહાર હોય ત્યાં પહોંચવાનો આનંદ આપણે આ રીતે પણ માણી શકીએ છીએ!

