(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આંખો મીંચીને જૂનો ફોન વેચશો નહીં!

આગળ શું વાંચશો?

  • જૂના ફોનમાંના ડેટાનો બેકઅપ કેવી રીતે લેશો?
  • જૂના ફોનમાંનો ડેટા કેવી રીતે ખાલી કરશો?
  • ફેક્ટરી રીસેટથી ડેટા ભૂંસાવાની ખાતરી નથી
  • ફેક્ટરી રીસેટ પ્રોટેક્શન વિશે જાણો
  • ફોન વેચવો જ હોય કે એક્સચેન્જમાં આપવો જ હોય તો?
  • એક્સચેન્જમાં આપેલા જૂના ફોનનું શું થાય છે?

તમે નવો સ્માર્ટફોન ખરીદવાનું નક્કી કર્યું? વાહ, સરસ, અભિનંદન! હવે જૂના સ્માર્ટફોનનું શું કરશો?

મોટા ભાગના લોકોનો આ પ્રશ્નનો જવાબ એક જ હોય છે, “સારી કિંમત મળતી હોય તો કોઈને પધરાવી દેવાનો!

નવો સ્માર્ટફોન જો તમે ઓનલાઇન શોપિંગ સાઇટ્સ પરથી ખરીદતા હો તો તેમાં ઘણી કંપની તરફથી એક્સચેન્જ ઓફર મળતી હોય છે. ક્યારેક તો નવા સ્માર્ટફોનની કિંમત નવેક હજાર હોય અને એક્સચેન્જમાં, જૂના ફોન માટે છહજાર સુધીની રકમ પરત આપવાની ઓફર હોય, જોકે વિગતોમાં ઊંડા ઊતરીએ તો ખબર પડે કે ગૂગલ પિક્સેલ કે એપલનો આઇફોન એક્સચેન્જમાં આપીશું તો આટલો લાભ મળશે!

ઘણી વાર આપણા જૂના અને જાણીતા દુકાનદાર પણ જૂના મોબાઇલ પર આકર્ષક એક્સચેન્જ ઓફર આપતા હોય છે. અથવા કોઈ ઓળખીતા-પાળખીતા આપણો જૂનો સ્માર્ટફોન આવી એક્સચેન્જ ઓફર કરતાં પણ વધુ સારી કિંમતે ફોન ખરીદી લેવા તૈયાર હોય તો આપણે જૂનો સ્માર્ટફોન વેચી નાખવા તલપાપડ થઈ જઈએ!

પણ એક મિનિટ! તમારો જૂનો સ્માર્ટફોન કોઈ પણ વ્યક્તિને સોંપતાં પહેલાં નીચેની બાબતોની ખાતરી કરી લો :

  1. જૂના સ્માર્ટફોનમાંના તમામ ડેટાનો યોગ્ય રીતે બેકઅપ લઈ લીધો છે?
  2. આ તમામ ડેટા સહેલાઇથી નવા સ્માર્ટફોનમાં આવી જાય એ માટે જરૂરી પગલાં લીધાં છે?
  3. તમે જેને જૂનો સ્માર્ટફોન સોંપો એના હાથમાં તમારો કોઈ મહત્ત્વનો ડેટા ન જાય એની ખાતરી કરી?
  4. તમે જેને જૂનો સ્માર્ટફોન સોંપ્યો એ વ્યક્તિ કોઈ અડચણ વિના તમારા સ્માર્ટફોનનો પોતાની રીતે ઉપયોગ કરી શકે એની ખાતરી કરી?

ઉપરના ચારેય સવાલના જવાબ સ્પષ્ટપણે હામાં આપી શકો છો? તો ચિંતાની વાત નથી, પણ હા કહેતાં ખચકાતા હો, તો આ ચારેય મહત્ત્વનાં પગલાં વિશે તમારે જાણી લેવું બહુ જરૂરી છે.

હવે સ્માર્ટફોનમાં આપણી અનેક અગત્યની બાબતો સચવાયેલી પડી હોય છે અને આપણે ભલે એમ માનતા હોઈએ કે તેમાંનો બધો ડેટા ભૂંસી નાખ્યો છે, તેમ છતાં કોઈ જાણકાર વ્યક્તિ આપણા જૂના સ્માર્ટફોનમાંથી આપણો ડેટા પરત મેળવી શકે છે. એટલે જ એક્સચેન્જ ઓફર આપતી ઓનલાઇન કંપની પોતાની શરતોમાં સ્પષ્ટપણે લખે છે કે તમારા જૂના ફોનમાંનો બધો ડેટા ભૂંસીને જ આપશો અને તેમાં કોઈ ડેટા રહી ગયો હોય તો તેના માટે કોઈ જવાબદાર રહેશે નહીં.

જો તમે પરિવારમાં જ કે કોઈ વિશ્વસનીય વ્યક્તિને તમારો જૂનો ફોન સોંપી રહ્યા હો તો ઉપર જણાવેલા ચારેય પ્રશ્નમાંથી ફક્ત પહેલા બે સવાલ મહત્ત્વના રહે છે કારણ કે અહીં સવાલ ફક્ત આપણો ડેટા નવા ફોનમાં સહેલાઇથી મેળવવાનો છે.

પરંતુ જો તમે કોઈ અજાણી વ્યક્તિને જૂનો ફોન વેચી રહ્યા હો તો ચારેય સવાલ બહુ અગત્યના છે. આપણે આ લેખમાં આ ચારેય બાબતો વિશે વિગતવાર માહિતી મેળવીશું અને એ દરમ્યાન તમને એન્ડ્રોઇડની એવી ઘણી ખૂબીઓ અને ખામીઓ જાણવા મળશે જે તમને કદાચ નવાઇમાં ગરકાવ કરી દેશે!


ઉપરાંત આ લેખના અંતે તમે તમારો જૂનો ફોન ક્યારેય કોઈ અજાણી વ્યક્તિને ન વેચવાનો નિર્ણય લો એવું પણ બની શકે છે!

જૂના ફોનમાંના ડેટાનો બેકઅપ કેવી રીતે લેશો?

આપણો સ્માર્ટફોન અને આપણું ગૂગલ એકાઉન્ટ બહુ ગાઢ રીતે સંકળાયેલા છે એટલે જો તમે ગૂગલની વિવિધ સર્વિસીઝનો એપ્સ સ્વરૂપે સ્માર્ટફોનમાં ઘણો ઉપયોગ કરતા હો, તો સૌથી પહેલું કામ એ કરો કે ગૂગલના તમારા એકાઉન્ટની તમામ એપ્સમાંનો ડેટા ગૂગલ એકાઉન્ટ સાથે સિન્ક્ડ કરો. એ માટે…

  • ફોનના સેટિંગ્સમાં એકાઉન્ટ્સ વિભાગમાં જાઓ અને તેમાં ગૂગલ પર ક્લિક કરો.
  • અહીં તમે ફોનમાં જેટલી ગૂગલ એપ્સનો ઉપયોગ કરતા હશો તેની યાદી જોવા મળશે.
  • એ દરેક માટે સિન્કનું બટન ઓન હોવાની ખાતરી કરી લો.
  • આ રીતે આપણો સ્માર્ટફોનમાંની એપ્સમાંનો ડેટા ગૂગલના સર્વર પર સિન્ક્ડ રહેશે. પરિણામે આપણે જ્યારે પણ નવા સ્માર્ટફોનમાં એ જ ગૂગલ એકાઉન્ટથી સાઇન-ઇન થશું ત્યારે આ તમામ ડેટા નવા સ્માર્ટફોનમાં આપોઆપ આવી જશે.

આટલું કરવા ઉપરાંત,

  • ફોનના સેટિંગ્સમાં ‘બેકઅપ એન્ડ રીસેટ’ વિભાગમાં જાઓ.
  • અહીં ‘બેકઅપ માય ડેટા’ ઓન હોવાની ખાતરી કરી લો.
  • અહીં બેકઅપ એકાઉન્ટ તરીકે તમારું ગૂગલ એકાઉન્ટ બતાવવામાં આવશે.
  • હવે આપણી એપ્સનો ડેટા નિયત સમયાંતરે આપણા ગૂગલ એકાઉન્ટમાં બેકઅપ થતો રહેશે.
  • અહીં આપણે ઓટોમેટિક રીસ્ટોરનો વિકલ્પ પસંદ કરી શકીએ છીએ, જેને કારણે કોઈ એપ અનઇન્સ્ટોલ કરીને એ જ ફોનમાં અથવા નવા ફોનમાં એ જ ગૂગલ એકાઉન્ટથી ઇન્સ્ટોલ કરીએ તો તેનો બધો ડેટા આપોઆપ રીસ્ટોર થઇ જાય છે.

એ પણ ખાતરી કરી લો કે તમારા સ્માર્ટફોનમાં કોન્ટેક્ટસ એપ્સમાં તમારા બધા જ નંબર તમારા ગૂગલ એકાઉન્ટમાં જ સેવ થયેલા છે. જો કોન્ટેક્ટ નંબર ફોનની મેમરીમાં કે સીમકાર્ડમાં સેવ થયેલા હોય તો કોન્ટેક્ટ એપમાં સેટિંગ્સમાં જઈને આ નંબર્સ ગૂગલ એકાઉન્ટમાં એક્સપોર્ટ કરી શકાશે. આ રીતે જૂના ફોનમાંના તમામ ફોન નંબર નવા ફોનમાં આપોઆપ આવી જશે.

જૂના ફોનમાં જે પણ ફોટોગ્રાફ્સ હોય એ તમે ઇચ્છો તો ગૂગલ ફોટોઝ સર્વિસમાં અપલોડ કરી શકો છો અને પછી સ્માર્ટફોનની મેમરીમાંથી તેને ભૂંસી શકો છો. અથવા, આ બધા ફોટોઝ મોબાઇલ ફોનને કેબલથી કે એરડ્રોઇડ જેવી સર્વિસની મદદથી કમ્પ્યુટર સાથે કનેક્ટ કરીને તેમાં ટ્રાન્સફર કરવા પડશે. નવો સ્માર્ટફોન લઈ લીધા પછી ગૂગલની ફાઇલ્સ ગો નામની સર્વિસની મદદથી પણ આપણે જૂના ફોનમાંનો ડેટા નવા ફોનમાં સહેલાઇથી ટ્રાન્સફર કરી શકીએ છીએ.

વોટ્સએપ જેવી  સર્વિસ પોતાની રીતે આપણા ડેટાનો દૈનિક નિયમિત બેકઅપ લે છે. તેનો બેકઅપ આપણે ગૂગલ ડ્રાઇવમાં પણ લઈ શકીએ છીએ.

જો જૂના ફોનમાંના એસએમએસ તમારે માટે મહત્ત્વપૂર્ણ હોય તો એસએમએસનો બેકઅપ લઈ આપતી કોઈ એપની મદદ લઈ શકો છો. અથવા માઇક્રોસોફ્ટ કંપનીની એસએમએસ ઓર્ગેનાઇઝર નામની એક સ્માર્ટ એસએમએસ એપનો ઉપયોગ કરી શકો છો. તેના સેટિંગ્સમાં તમારા એસએમએસનો બેકઅપ ગૂગલ ડ્રાઇવમાં લેવાય તેવું સેટિંગ કરી શકો છો. આ એપ એવી એસએમએસ એપ છે જેનો ઉપયોગ તમને નવા સ્માર્ટફોનમાં કરવાનું ચોક્કસ ગમશે.

આપણે ભલે એમ માનતા હોઈએ કે ફોનને ફેક્ટરી રીસેટ કરીને આપણે તેમાંનો બધો ડેટા ભૂંસી નાખ્યો છે, તેમ છતાં કોઈ જાણકાર વ્યક્તિ આપણા જૂના સ્માર્ટફોનમાંથી આપણો ડેટા પરત મેળવી શકે છે.

આ સિવાય ફેસબુક, ટવીટર વગેરે એપમાંનો આપણો ડેટા જે તે સર્વિસના સર્વરમાં જ સચવાતો હોવાથી તે નવા મોબાઇલમાં આપોઆપ આવી જાય છે.

જૂના ફોનમાંનું એસડી કાર્ડ તમે નવા ફોનમાં પણ ઉપયોગમાં લેવાના હો તો તેનો બેકઅપ લેવાની જરૂર નથી. બાકી, તેમાંના ડેટાનો પણ બેકઅપ લઈને તેને સંપૂર્ણ ખાલી કરવું જરૂરી છે.

આટલું કરવાથી આપણા જૂના ફોનમાંના મહત્ત્વના તમામ ડેટાનો યોગ્ય રીતે બેકઅપ લેવાઈ જશે અને નવા ફોનમાં આ બધો જ ડેટા સહેલાઇથી આવી જશે. આમ લેખની શરૂઆતમાં આપેલા પહેલા બે પ્રશ્નોનો ઉકેલ અહીં આવી ગયો.

હવે ડેટાની સલામતી અંગેના વધુ મહત્ત્વના સવાલો તરફ આગળ વધીએ.

જૂના ફોનમાંનો ડેટા કેવી રીતે ખાલી કરશો?

એક વાર તમારા જૂના ફોનમાંના તમામ ડેટાનો યોગ્ય રીતે બેકઅપ લેવાઈ ગયાની ખાતરી થાય, તે પછીનું પગલું જૂના ફોનને સંપૂર્ણપણે ખાલી કરવાનું છે.

એ માટે…

  • ફોનના સેટિંગ્સમાં ‘બેકઅપ એન્ડ રીસેટ’ વિભાગમાં જાઓ.
  • અહીં ફોનમાંનો તમામ ડેટા ઇરેઝ કરવાનો વિકલ્પ મળશે.
  • આ સુવિધાથી ફોનની ઇન્ટરનલ મેમરીમાંનું તમારું ગૂગલ એકાઉન્ટ, સિસ્ટમ અને એપ ડેટા અને સેટિંગ્સ તથા ડાઉનલોડ કરેલી તમામ એપ્સ ભૂંસાઇ જશે.
  • એ ઉપરાંત ફોનની મેમરીમાં સ્ટોર થયેલ મ્યુઝિક, ફોટોઝ તેમજ અન્ય ડોક્યુમેન્ટ્સ તથા એપ્સનો ડેટા ભૂંસવાનો વિકલ્પ પણ અહીં મળશે.
  • આ વિકલ્પો પસંદ કરી, જરૂરી સૂચનાઓનું પાલન કરીને આગળ વધતાં ફોનમાંનો તમામ ડેટા ભૂંસાઈ જશે અને ફોન નવો ખરીદ્યો હોય એ વખતની સ્થિતિમાં આવી જશે.

આ તબક્કે કેટલીક મહત્ત્વની બાબતો ખાસ જાણી લેવા જેવી છે.

ફેક્ટરી રીસેટથી ડેટા ભૂંસાવાની ખાતરી નથી

નિષ્ણાતો કહે છે કે ફોનને ફેક્ટરી સેટિંગ્સ પર રીસેટ કરવાથી પણ તેમાંનો તમામ ડેટા ભૂંસાતો નથી. કેમ્બ્રિજ યુનિવર્સિટીના સંશોધકોએ સેમસંગ ઇલેક્ટ્રોનિક્સ રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ટેકાથી જૂના એન્ડ્રોઇડ ફોન્સમાં ફેકટરી રીસેટ કેટલી અસરકારક રીતે કામ કરે છે તેનો એક અભ્યાસ હાથ ધર્યો હતો, જેનાં બહુ ચોંકાવનારાં પરિણામો આવ્યાં.

આ સંશોધનમાં બહાર આવ્યું  કે એન્ડ્રોઇડ ૨.૩ થી એન્ડ્રોઇડ ૪.૩ સુધીના વર્ઝનના ફોનને ફેક્ટરી રીસેટ કર્યા પછી પણ સંશોધકો એ ફોનમાંથી ગૂગલ, ફેસબુક અને વોટ્સએપ જેવી સર્વિસમાં લોગઇન થવા માટેના માસ્ટર ટોકન મેળવી શક્યા. એક વાર આ માસ્ટર ટોકન હાથમાં આવી જાય તે પછી કોઈ પણ જાણકાર વ્યક્તિ સહેલાઈથી આપણા ફોનમાંનો, જે તે સર્વિસનો તમામ ડેટા ફરીથી મેળવી શકે છે!

આમ થવાનું એક કારણ એ છે કે ઘણી ફોન મેન્યુફેક્ચરિંગ કંપની ફોનની સ્ટોરેજ સંપૂર્ણપણે ભૂંસવા માટે જરૂ‚રી સોફ્ટવેર ફોનમાં આપતી નથી. ફોનમાં જે પ્રકારની ફ્લેશ સ્ટોરજનો ઉપયોગ થાય છે તેમાં, કમ્પ્યુટરની હાર્ડ ડિસ્કની જેમ ડેટા ખરેખર ભૂંસાતો નથી, પણ ફક્ત તેની જગ્યાએ નવો ડેટા સેવ થઈ શકે છે એવી નોંધ થાય છે. પરિણામે સ્ટોરેજમાં એટલી જગ્યા ‘ખાલી’ હોવાનું લાગે પણ તેના પર નવો ડેટા આવે તો જ જૂનો ડેટા ભૂંસાય!

આ સંશોધન એન્ડ્રોઇડના પ્રમાણમાં જૂના વર્ઝન માટેનું હોવા છતાં નિષ્ણાતો કહે છે કે નવા વર્ઝનમાં પણ સ્થિતિ ખાસ બદલાઈ નથી.

ફેક્ટરી રીસેટ પ્રોટેક્શન વિશે જાણો

તમે કદાચ જાણતા નહીં હો કે તમારા ફોનમાં ફેક્ટરી રીસેટ પ્રોટેક્શન નામની એક સુવિધા પણ છે!

એન્ડ્રોઇડના ૫.૦ લોલિપોપ વર્ઝનથી રજુ થયેલી આ સુવિધાને કારણે જો તમે ફોનમાંથી તમારું ગૂગલ એકાઉન્ટ જાતે રીમૂવ કર્યા પહેલાં ફોનને ફેકટરી રીસેટ કરી દો અને પછી એ ફોન બીજી કોઈ વ્યક્તિને વેચી દો તો એ ફોન નવી વ્યક્તિ માટે નકામો બની જાય છે.

કારણ એ છે કે ફોનમાં ફેક્ટરી રીસેટ પ્રોટેકશન ચાલુ હોવાથી જ્યારે તેમાં ફરીથી ગૂગલ એકાઉન્ટથી સાઇન-ઇન કરવાનો પ્રયાસ કરવામાં આવે ત્યારે એ ફોનમાં અગાઉ જે ગૂગલ એકાઉન્ટથી લોગ-ઇન કરવામાં આવ્યું હોય એ જ આપવું ફરજિયાત છે. મતલબ કે નવો માલિક પોતાના ગૂગલ એકાઉન્ટથી સાઇન-ઇન કરવાનો પ્રયાસ કરે તો તે સાઇન-ઇન થઇ શકશે નહીં.

ફોનમાં ફેક્ટરી રીસેટ પ્રોટેકશન ચાલુ હોય તે જ્યારે તેમાં ફરી ગૂગલ એકાઉન્ટથી સાઇન-ઇન કરવાનો પ્રયાસ કરવામાં આવે, ત્યારે એ ફોનમાં અગાઉ જે ગૂગલ એકાઉન્ટથી લોગ-ઇન કરવામાં આવ્યું હોય એ જ ફરી આપવું ફરજિયાત છે.

સામાન્ય રીતે આ સગવડ આપણો ફોન ચોરાઈ જાય ત્યારે ઉપયોગી બને છે. ચોર તેમાંનો ડેટા ફેક્ટરી રીસેટ કરે તો પણ ફોનને ફરીથી ઉપયોગમાં લઈ શકતો નથી. આ કારણે કોઈ અજાણી વ્યક્તિ પાસેથી જૂનો ફોન ખરીદતાં પહેલાં પણ ચાર વાર વિચાર કરવો જરૂરી છે, એ વ્યક્તિ ગાયબ થઈ જાય અને તમે ફોનનો ઉપયોગ જ ન કરી શકો એવું બની શકે છે.

જો તમે કોઈ પરિચિત વ્યક્તિને જ ફોન વેચી રહ્યા હો તો આ સુવિધા બંધ કરવી જરૂરી છે. ફોનની કંપની અનુસાર આ પદ્ધતિ જુદી જુદી હોઈ શકે છે, પણ ફોનમાંથી પહેલાં તમારું ગૂગલ એકાઉન્ટ (અને જે તે ફોન કંપનીનું પણ એકાઉન્ટ હોય તો તે પણ) દૂર કર્યા પછી તેને ફેક્ટરી રીસેટ કરવાનું યાદ રાખશો. આ રીતે તેનું ફેક્ટરી રીસેટ પ્રોટેકશન એક્ટિવ રહેશે નહીં અને બીજી વ્યક્તિ પોતાના નવા એકાઉન્ટથી એ ફોનનો ઉપયોગ કરી શકશે.

ફોન વેચવો જ હોય કે એક્સચેન્જમાં આપવો જ હોય તો?

અત્યારની સ્થિતિ મુજબ ફોનને ફેક્ટરી રીસેટ કરી દેવો એ પૂરતું નથી. જાણકાર વ્યક્તિ આપણે ખાલી કરી દીધેલો માનતા હોઈએ એવા ફોનમાંથી પણ આપણી ઘણી વિગતો રીકવર કરી શકે છે. એટલે જો તમે તમારા ફોનમાં મહત્ત્વના દસ્તાવેજો, અંગત ફોટોગ્રાફ્સ વગેરે સ્ટોર કરતા હો કે બેન્કિંગ એપ્સનો ઉપયોગ કરતા હો તો ફોન એક્ચેન્જમાં આપવાની કે કોઈને વેચવાની લાલચ ન રાખો તો સારું, આમ છતાં, એમ કરવું જ હોય તો કેટલાંક વધારાનાં પગલાં લઈ શકાય.

આ માટે, ફોનને ફેક્ટરી રીસેટ કરતાં પહેલાં તેને એન્ક્રિપ્ટ કરો. આ સુવિધાથી ડેટા કોઈ વાંચી કે ઉપયોગ ન કરી શકે તેવા સ્વરૂપમાં ફેરવાઈ જાય છે અને ફક્ત ફોનના માલિક પોતાનો પાસવર્ડ આપે તે પછી જ તે વાંચી શકાય તેવા સ્વરૂપમાં આવે છે.

એન્ડ્રોઇડના માર્શમેલો વર્ઝનથી આ કામ ઓટોમેટિક થાય છે, પરંતુ જો તમારા ફોનમાં એ સગવડ ન હોય તો ફોનના સેટિંગ્સમાં સિક્યોરિટી વિભાગમાં તેનો વિકલ્પ મળે છે. ફોનને પહેલી વાર એન્ક્રિપ્ટ કરવાનું કામ એકાદ કલાક જેટલો સમય ચાલી શકે છે અને એ સમયે ફોનને સતત પાવર-પ્લગ્ડ રાખવો જરૂરી છે કારણ કે એન્ક્રિપ્શન હજી ચાલી રહ્યું હોય ત્યારે ફોનની બેટરી ઉતરી જાય તો બધો ડેટા ગુમાવવો પડે એવું બની શકે છે.

ફોનનો ડેટા એન્ક્રિપ્ટ કર્યા પછી, ફોન સંપૂર્ણ સ્વિચ ઓફ કર્યા પછી ઓન કરીએ ત્યારે ફોનના પાસવર્ડથી ડેટાને ડીક્રિપ્ટ કરવો પડે છે.

આ સુવિધાનો લાભ લીધા પછી, ફોનને ફેક્ટરી રીસેટ કરવામાં આવે તો ત્યાર પછી પણ તેમાંથી કોઈ ડેટા રીકવર કરી શકાય તો તે એન્ક્રિપ્ટેડ સ્વરૂપે હોવાથી, તેનો દુરુપયોગ થઈ શકતો નથી.

હજી વધુ સલામતી જોઈતી હોય તો આ રીતે એન્ક્રિપ્શન કર્યા પછી, ફોનને ફેક્ટરી રીસેટ કરો અને ત્યાર પછી તેમાં મોટી ફાઇલ સાઇઝવાળા વીડિયો ડાઉનલોડ કે બીજો કોઈ બિનઉપયોગી ડેટા ઉમેરો. આ કારણે ફોનમાં આપણો રહ્યોસહ્યો જૂનો ડેટા તદ્દન ભૂંસાઈ જશે!

જોકે આ બધું જોતાં એટલું સ્પષ્ટ છે કે જૂના ફોનને એક્સચેન્જ કરવાની કે વેચવાની લાલચમાં આવ્યા વિના, તેનો તોડીને ઇ-વેસ્ટ તરીકે નિકાલ કરવાનો રસ્તો જ, આપણા ડેટાની સલામતી માટે યોગ્ય છે.


એક્સચેન્જમાં આપેલા જૂના ફોનનું શું થાય છે?

વિશ્વભરમાં જૂના ફોનનું બહુ મોટું માર્કેટ છે. મોટી ઓનલાઇન શોપિંગ સાઇટ્સ, એક્સચેન્જમાં મેળવેલા ફોનને કાં તો પોતે રીફર્બિશ કરીને એટલે કે રીપેર કરીને, યોગ્ય ક્વોલિટી ટેસ્ટ્સ કરીને, સેકન્ડહેન્ડ ફોન તરીકે ફરી વેચે છે અથવા બીજી કંપનીઓને વેચી દે છે.

આવી બીજી કંપની પોતાની રીતે ફોનને રીપેર કરીને આફ્રિકા જેવા, સ્માર્ટફોનનાં નવાં ઊભરી રહેલાં બજારોમાં વેચે છે. જે ફોન આ રીતે રીપેર કરીને ફરી વેચી શકાય તેમ ન હોય, પણ તેમાંના ઘણા પાર્ટ્સની કિંમત ઉપજી શકે તેમ હોય તો તે અલગ અલગ વેચવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!