કોઈ પણ વેબ સર્વિસમાં લોગ-ઇન થતી વખતે તમે જોયું હશે કે બ્રાઉઝર આપણને પાસવર્ડ સેવ કરી રાખવાની ઓફર કરે છે. આ સુવિધા કેટલી ઉપયોગી અને કેટલી જોખમી એ જાણી લો.
આગળ શું વાંચશો?
- ગૂગલ ક્રોમઃ દરવાજા મોકળા
- ઈન્ટરનેટ એક્સપ્લોરરઃ પ્રમાણમાં વધુ સલામત
- મોઝિલા ફાયરફોક્સઃ સરળ અને સલામત

કલ્પના
કરો કે તમે ઘરમાં કે ઓફિસના કમ્પ્યુટરમાં ફેસબુક ઓપન કરીને તેમાં સ્ટેટસ અપડેટ કરો છો. કામ પૂરું થતાં તમે બરાબર યાદ રાખીને ફેસબુકમાંથી લોગ-આઉટ થાવ છો અને બ્રાઉઝર પણ બંધ કરી દો છો. પછી તમે કોઈ કારણસર કમ્પ્યુટરથી દૂર જાવ છો. હવે તમારા કોઈ પરિચિત કમ્પ્યુટરનો હવાલો સંભાળે છે. એ તમારું બ્રાઉઝર ઓપન કરી, એડ્રેસબારમાં ફેસબુક.કોમ લખે છે. યુઝરનેમ અને પાસવર્ડમાં તમારી વિગતો જેમની તેમ લખાયેલી – રેડિમેડ – મળે છે. તમારા પરિચિતે ફક્ત લોગ-ઇનનું બટન ક્લિક કરવાનું છે અને એ તમારા ફેસબુક એકાઉન્ટમાં સાઇન-ઇન થઈ જાય છે!
વાત બરાબર સમજાઈ જશે તો તમારાં રુવાડાં ઊભાં થઈ ગયાં હશે. પરંતુ વાત આટલે અટકતી નથી. એ વ્યક્તિ ઇન્ટરનેટ પર તમે જેટલી વેબસર્વિસીઝમાં એકાઉન્ટ ઓપન કર્યા હશે તેમાં બરાબર આ જ રીતે, ઓલરેડી લખાયેલા મળતા તમારા યુઝરનેમ-પાસવર્ડની મદદથી લોગ-ઇન થઈને ધારે તે કરી શકે છે.
એ વ્યક્તિ જરા વધુ જાણકાર હશે તો તમારા બ્રાઉઝરના સેટિંગ્સમાં જઈને તમારા બધા એકાઉન્ટના યુઝરનેમ અને પાસવર્ડ એક સાથે જોઈ શકે છે!
હવે રુવાડાં ઊભાં થયાં? ન થયાં હોય તો તમે પોતે તમારા બ્રાઉઝરના સેટિંગ્સમાં જાઓ. બ્રાઉઝર અનુસાર ગોઠવણ જુદી હશે પણ સિક્યુરિટીના ઓપ્શન્સમાં જશો તો ત્યાં તમને યાદ પણ ન હોય એવા તમારા એકાઉન્ટ્સના પાસવર્ડ મળી શકે છે!
આવું થવાનું કારણ ફક્ત એટલું કે અગાઉ ક્યારેક તમે નાનકડી ભૂલો કરી હશે.
આપણે વિગતવાર સમજીએ.ઇન્ટરનેટ એક્સપ્લોરર, ગૂગલ ક્રોમ અને મોઝિલા ફાયરફોક્સ સહિત લગભગ બધાં બ્રાઉઝર ઇન્ટરનેટ પર આપણે કોઈ પણ ફોર્મ ભરીએ ત્યારે તેમાં આપણે ભરેલો ડેટા યાદ રાખવાની સગવડ આપતાં હોય છે. આ ફીચર આપણે ઓન રાખ્યું હોય તો ફેસબુક કે જીમેઇલમાં સાઇન-ઇન થતી વખતે આપણે યુઝરનેમ અને પાસવર્ડ લખીએ એટલે બ્રાઉઝર આપણને પૂછે છે કે ‘હું આ પાસવર્ડ યાદ રાખી લઉં?’ જો આપણે હા કહીએ તો આપણી વિગતો બ્રાઉઝરમાં એક જગ્યાએ સ્ટોર થઈ જાય છે, જેનો બીજી કોઈ પણ વ્યક્તિ લાભ લઈ શકે છે.
પોતાનું અંગત લેપટોપ હોય જેનો તમે પોતે કે પરિવારના સભ્યો જ ઉપયોગ કરતા હોય તો આ સુવિધા કામની છે, પણ ઓફિસમાં કે બીજા લોકો પણ જેના પર કામ કરી શકતા હોય તે કમ્પ્યુટરમાં આ સગવડ જોખમી બની શકે છે.
તમને સહેજે વિચાર આવ્યો હશે કે નેટબેન્કિંગના પાસવર્ડ આ રીતે સેવ થતા હોય અને ત્રાહિત વ્યક્તિ સહેલાઈથી જોઈ શકે તો તો બહુ ગંભીર વાત કહેવાય. પરંતુ એમાં ચિંતાની જરૂર નથી કેમ કે બેન્કિંગની સાઇટ્સનાં વેબફોર્મ સામાન્યપણે એ રીતે ડિઝાઇન થયેલાં હોય છે કે તેમાં ડેટા કોપી પેસ્ટ થતો નથી, ઓટોકમ્પ્લીટ થતો નથી કે લખાયેલો ડેટા બ્રાઉઝરમાં સેવ થતો નથી. આટલું સમજ્યા પછી, ત્રણેય મુખ્ય બ્રાઉઝરમાં પાસવર્ડ ક્યાં સેવ થાય છે અને તેને કેમ ચાલુ કે બંધ કરી શકાય તે સમજી લઈએ.
ગૂગલ ક્રોમ : દરવાજા મોકળા!
ગૂગલનું ક્રોમ બ્રાઉઝર અત્યારે સૌથી વધુ લોકપ્રિય છે, વિવિધ સુવિધાઓ અને સલામતીની રીતે પણ એ બીજા કરતાં ચઢિયાતું મનાય છે, પણ પાસવર્ડ સેવ કરવાની બાબતમાં એ સૌથી વધુ જોખમી છે કેમ કે તેમાં જો આપણે પાસવર્ડ સેવ કર્યા હોય તો કોઈ પણ વ્યક્તિ આપણા બધા જ પાસવર્ડ કોઈ અવરોધ વિના જોઈ શકે છે.
ક્રોમમાં ઉપર જમણે ખૂણે ત્રણ આડી લિટીની નિશાની પર ક્લિક કરી, સેટિંગ્સમાં જાઓ. તેમાં છેક નીચે ‘શો એડવાન્સ સેટિંગ્સ…’ પર ક્લિક કરતાં પાસવર્ડ્સ અને ફોર્મના વિકલ્પો જોવા મળશે. અહીં તમે અગાઉ ભરેલાં વેબફોર્મમાંની માહિતી – જો તમે જે તે સમયે સેવ કરી હશે તો જોવા મળશે (રીઝર્વેશન કે શોપિંગ જેવા અમુક હેતુ માટે નામ સરનામા જેવી વિગતો સેવ કરી રાખવામાં વાંધો નથી). એ સાથે અહીં વેબસાઇટ, યુઝરનેમ સીધાં જોવા મળશે અને પાસવર્ડ પાસેના શો બટન પર ક્લિક કરતાં વાંચી શકાશે!
આ સુવિધા અંગે ગૂગલ માને છે કે કોઈ અજાણી વ્યક્તિ તમારા કમ્પ્યુટર સુધી પહોંચી જાય તો પછી સલામતી છે જ ક્યાં? પરંતુ સાયબરકાફે કે ઓફિસમાં આ સુવિધા જોખમી બની શકે.
હંમેશા દરેક સાઇટમાં જુદા જુદા પાસવર્ડ જ આપો. ભલે યાદ રાખવા મુશ્કેલ બને.
ઇન્ટરનેટ એક્સપ્લોરર : પ્રમાણમાં વધુ સલામત

જો તમે ઇન્ટરનેટ એક્સપ્લોરરનો ઉપયોગ કરતા હો તો નીચે આપેલી નોટિસ અવારનવાર જોઈ હશે અને ક્યારેક મન બીજી વાતમાં પરોવાયેલું હશે ત્યારે ઉતાવળમાં યસ પર ક્લિક પણ કરી દીધું હશે.
જોકે ખાસ ચિંતા કરવા જેવું નથી. ક્રોમ કરતાં આઇઇ આ બાબતે ચઢિયાતું છે કેમ કે અહીં આપણે સેવ કરેલા પાસવર્ડ જોવાની કોઈ સુવિધા જ નથી! આઇઇ પાસવર્ડ સેવ કરે છે, પણ આપણને પોતાને તે સહેલાઈથી બતાવતું નથી (જોકે જાણકાર વ્યક્તિ તેના સુધી પહોંચી શકે ખરી). જો તમે અગાઉ ક્યારેય સેવ પાસવર્ડમાં યસ કહ્યું હોય અને હવે તે સેવ્ડ પાસવર્ડ ભૂંસી નાખવા હોય તો ઓપ્શન્સમાં ઓટોકમ્પ્લીટના સેટિંગ્સમાં જઈને જૂની ઓટોકમ્પ્લીટ હિસ્ટ્રી ડિલીટ કરી શકો છો તેમ જ આઇઈ ફરી સેવ કરવાનું પૂછે નહીં એવું સેટિંગ કરી શકો છો. આઇઇ અને વિન્ડોઝના નવા વર્ઝનમાં કંટ્રોલ પેનલમાં જઈને વિન્ડોઝનો પાસવર્ડ આપ્યા પછી આપણા સેવ્ડ પાસવર્ડ આપણે જોઈ શકીએ એવી વ્યવસ્થા છે.
મોઝિલા ફાયરફોક્સ : સરળ અને સલામત


ફાયરફોક્સમાં એવી સગવડ છે કે આપણે બધા પાસવર્ડ સેવ કરવાની હા પાડ્યા પછી,
બધાની ઉપર એક માસ્ટર પાસવર્ડ સેટ કરી શકીએ છીએ. એમ કરવાથી બધા એકાઉન્ટમાં જુદા જુદા પાસવર્ડ યાદ રાખવા નહીં પડે, ફક્ત એક માસ્ટર પાસવર્ડ યાદ રાખવાનો રહેશે.
પછી તમે ફેસબુકના લોગ-ઇન પેજ પર જશો એટલે ફાયરફોક્સ માસ્ટર પાસવર્ડ પૂછશે અને એ આપતાં ફેસબુકના યુઝરનેમ-પાસવર્ડ આપોઆપ લખાઈ જશે.
ફાયરફોક્સમાં પાસવર્ડ સેવ કરવા માટે અને માસ્ટર પાસવર્ડ સેવ કરવાના વિકલ્પ માટે સેટિંગ્સમાં જઈને ઓપ્શન્સ ઓપન કરો. તેમાં સિક્યોરિટી વિભાગમાં જાઓ. અહીં આપણે અમુક ચોક્કસ સાઇટના પાસવર્ડ સેવ ન કરવાનું સેટિંગ પણ કરી શકીએ છીએ.

અહીંથી જ આપણે માસ્ટર પાસવર્ડ સેટ કરી શકીએ છીએ. ફાયરફોક્સમાં ક્રોમની જેમ પહેલાં માત્ર સાઇટ અને યુઝરનેમ દેખાય છે, પણ શો પાસવર્ડ પર ક્લિક કરો તો બધા પાસવર્ડ એક સાથે દેખાય છે, જેનો સ્ક્રીનશોટ ક્રોમ કરતાંય સહેલો બને! પરંતુ માસ્ટર પાસવર્ડ હોય તો આ ચિંતા રહેતી નથી.

