તમારા પીસી કે સ્માર્ટફોનને વાઇરસથી સલામત રાખવાનો અને તમારી મહત્ત્વની માહિતી પણ સલામત રાખવાનો એક સાદો ઉપાય આટલો જ છે – કોઈ પણ લિંક પર ક્લિક કરતાં પહેલાં ચાર વાર વિચાર કરવો!
પણ સવાલ એ થાય કે લિંક ક્લિક કરવા યોગ્ય છે કે નહીં એ નક્કી કેવી રીતે કરવું?
ઇન્ટરનેટનું આખું જગત લિંક્સ પર ચાલે છે અને આવી લિંક્સ આપણને જુદી જુદી વેબસાઇટ્સ ઉપરાંત ફેસબુક, ટવીટર જેવી સાઇટ, વોટ્સએપ, મેસેન્જર જેવી મેસેજિંગ એપ અને ઈ-મેઇલ વગેરેમાં મળતી રહે છે.
લિંકના પ્રકાર
સ્રોત ગમે તે હોય, લિંક મુખ્યત્વે ત્રણ સ્વરૂપે આપણને મળે છે :
- કોઈ પણ વેબપેજની આખેઆખી લિંક કોપી-પેસ્ટ કરવામાં આવી હોય.
- સામાન્ય શબ્દો હોય (જેમ કે ‘જુઓ આ લેખ’) અને તેને કોઈ વેબપેજની લિંક આપવામાં આવી હોય.
- કોઈ યુઆરએલ શોર્ટનર સર્વિસની મદદથી લિંક ટૂંકાવી નાખવામાં આવી હોય.
પહેલા પ્રકારની લિંકમાં ખાસ કશું ટેન્શન નથી કેમ કે એવી લિંકમાં, આપણે કયા વેબપેજ પર જઈશું તે આપણે પોતે ત્યાં ને ત્યાં, ક્લિક કર્યા વિના જોઈ શકીએ છીએ. ઉદાહરણ તરીકે, ‘સાયબરસફર’ના ઓક્ટોબર ૨૦૧૫ અંકમાં આપણે શોર્ટન્ડ યુઆરએલ શું છે તેની વાત કરી હતી. આ લેખ ધરાવતા મૂળ વેબપેજની લિંક આવી છે : https://duplics.cybersafar.in/faq/what-is-shortband-url/ આ આખી લિંક વાંચતાં આપણે સમજી શકીએ કે આપણે કયા પેજ પર પહોંચીશું.
બીજા પ્રકારની લિંકમાં, ફક્ત એટલું લખ્યું હોય કે શોર્ટન્ડ યુઆરએલ વિશે ‘વધુ જાણો’ અને આ શબ્દોને તેને મૂળ પેજની લિંક આપવામાં આવી હોય.
આપણે પીસી પર હોઈએ તો લિંકવાળા શબ્દો પર માઉસ લઈ જતાં એ બ્રાઉઝર વિન્ડોમાં છેક નીચે એ લિંકનું આખું યુઆરએલ (વેબ એડ્રેસ) જોઈ શકાય.
સ્માર્ટફોનની વાત કરીએ તો તેના બ્રાઉઝરમાં કોઈ લિંકને પ્રેસ કરી રાખવાથી તેનું આખું એડ્રેસ જોઈ શકાય છે, પણ ઘણી એપ્સમાં આવી સગવડ મળતી નથી.
લિંકના ત્રીજા પ્રકારમાં થોડી મુશ્કેલી છે.
શોર્ટન્ડ યુઆરએલ પોતે લિંક જ હોવાથી, તેના પર માઉસ લઈ જઈએ તો પણ બ્રાઉઝરમાં નીચે એ જ લિંક દેખાય, આખું વેબ એડ્રેસ નહીં! જેમ કે શોર્ટન્ડ યુઆરએલ વિશેના લેખની ઉપર જે આખી લિંક આપણે જોઈ તેને ગૂગલની યુઆરએલ શોર્ટનર સર્વિસની મદદથી ટૂંકી કરવામાં આવે તો તે આવી બની જાય છે : goo.gl/kHCnbs
સોશિયલ સાઇટ્સ પર હવે આવા શોર્ટન્ડ યુઆરએલ્સની જ ભરમાર હોય છે.
ઘણી વાર વેબપેજના યુઆરએલમાં ઇંગ્લિશ સિવાયની ભાષાના શબ્દો હોય તો તેને વોટ્સએપ જેવી સર્વિસમાં શેર કરવામાં આવે ત્યારે તે કારણસર કે બીજા કારણોસર આખું યુઆરએલ બહુ લાંબુંલચક બની જતું હોય છે, આ કારણે પણ યુઆરએલ ટૂંકાવી આપતી સર્વિસની મદદ લેવામાં આવે છે (હવે મળતા સમાચાર મુજબ, ગૂગલ ક્રોમના નવા વર્ઝનમાં આ સમસ્યા રહેશે નહીં).
હવે પ્રશ્ન એ રહ્યો કે આવી ટૂંકી લિંક જ્યારે જોવામાં આવે ત્યારે તેને ક્લિક કરવામાં સલામતી છે કે નહીં એ નક્કી કેવી રીતે કરવું?
તેના બે-ત્રણ ઉપાય છે.
શોર્ટકટ્સ જાણી લો
જો તમારે વારંવાર શોર્ટન્ડ યુઆરએલનો સામનો કરવાનો થતો હોય, તો કેટલાક શોર્ટકટ યાદ રાખી લો. ટાઇની યુઆરએલ, ગૂગલ, બિટલી વગેરે જુદી જુદી સર્વિસ માટે આ શોર્ટકટ જુદા જુદા છે.

જેમ કે, ટાઇની યુઆરએલ કોપી કરી, નવી ટેબમાં પેસ્ટ કરીને તેમાં આગળ preview ઉમેરી દો, તો પહેલાં તેનું આખું એડ્રેસ દર્શાવતું પેજ ખૂલે.
ગૂગલ કે બિટલી માટે શોર્ટન્ડ યુઆરએલમાં છેડે પ્લસ (+) ઉમેરવાથી આવી સગવડ મળે.
ટૂંકાવેલું યુઆરએલ કઈ સર્વિસની મદદથી ટૂંકાવવામાં આવ્યું છે એ જાણવું તો સહેલું છે. શોર્ટન્ડ યુઆરએલમાં આવી જે તે સર્વિસના ટૂંકાક્ષરો હોય છે, જેમ કે ગૂગલના કિસ્સામાં goo.gl/kHCnbs એવું ટૂંકું એડ્રેસ બને છે.
વેબસર્વિસનો લાભ લો
જો જુદી જુદી સર્વિસ માટે આવા શોર્ટકટ યાદ રાખવાની કડાકૂટ ન કરવી હોય તો તમે http://www.getlinkinfo.com જેવી વેબસર્વિસનો પણ લાભ લઈ શકો.
તમે મળેલું ટૂંકું યુઆરએલ કોપી કરીને આ સાઇટ પર પેસ્ટ કરો એટલે તેનું આખું એડ્રેસ તથા એ સાઇટ સલામત છે કે નહીં વગેરે બધી માહિતી જોવા મળે.
આગળ જેનું ઉદાહરણ જોયું તે ‘સાયબરસફર’ના લેખનું ટૂંકું યુઆરએલ આ સાઇટ પર કોપી-પેસ્ટ કરતાં, તે આપણને બાજુના સ્ક્રીનશોટ જેવી માહિતી આપે છે.
આવી જ બીજી એક સાઇટ https://unshorten.it/ પણ છે. આવી સાઇટ પર કોપી-પેસ્ટની કસરત ન કરવી હોય તો તમે પીસીના ક્રોમ અને ફાયરફોક્સ બ્રાઉઝરમાં, આ સર્વિસનું અનશોર્ટન.ઇટ! (Unshorten.It!) નામનું એક્સટેન્શન ઉમેરી શકો છો.
આનો ફાયદો છે કે એક વાર બ્રાઉઝરમાં આ એક્સટેન્શન ઉમેર્યા પછી, જ્યારે પણ કોઈ શોર્ટન્ડ લિંક દેખાય અને તમારે તેને ચેક કરવી હોય તો તેના પર માઉસથી ક્લિક કરી, જે મેનુ ખૂલે તેમાં અનશોર્ટન ઇટ પર ક્લિક કરો. એક નવી ટેબમાં, એ લિંકનું આખું એડ્રેસ અને તે સલામત છે કે નહીં તે જોવા મળશે! એન્ડ્રોઇડમાં આ પ્રકારની સુવિધા માટે તમે યુઆરએલ મેનેજર નામની એપ અને આઇઓએસમાં યુઆરએલ એક્સ-રે એપનો ઉપયોગ કરી શકાય છે. આ એપ બીજી પણ ઘણી સુવિધાઓ આપે છે.
આ બધું તમને ભેજામારી જેવું લાગશે અને બધી જ સાઇટ પરની લિંક્સ તપાસવી જરૂરી નથી, પણ આ બાબતો સમજી લેવી, સલામતી માટે અનિવાર્ય છે!

