(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ન્યૂઝપેપર્સના ઉપયોગી લેખ, જાહેરાત, વિઝિટિંગ કાર્ડ વગેરે ડિજિટલ સ્વરૂપમાં કેવી રીતે સાચવી શકાય?

સવાલ મોકલનાર : જીતેશ પટેલ

વાચકમિત્રે મોકલેલો મૂળ પ્રશ્ન ઘણો લાંબો છે, પણ અન્ય વાચકો પણ એમના જેવી જ કે જરા જુદી જરૂરિયાત અનુભવી રહ્યા હોય એવું બની શકે છે.

જીતેશભાઈએ પૂછ્યું છે કે “ન્યૂઝ પેપરમાંથી વિવિધ લેખો, ઉપયોગી જાહેરાતો કટ કરીને તેને અલગ અલગ વિષય પ્રમાણે સાચવવામાં બહુ તકલીફ પડે છે, એક તો જગ્યા બહુ રોકે અને સમય જતાં કાગળ પીળા અને નાજુક થઈ જાય, જલ્દી ફાટી જાય તેવા થઈ જાય છે, તો એનો મોબાઇલથી ફોટો પાડીને તેને વિવિધ ફોલ્ડર બનાવીને સારી રીતે સાચવી શકાય અને જરૂર પડે ત્યારે સરળતાથી શોધી શકાય એવો ઉપાય મોબાઇલ દ્વારા કયો તે બતાવવા વિનંતી છે.એમ કરવામાં સ્પેસનો પ્રશ્ન ઊભો થાય તો તેનો શું રસ્તો કરવો તેનું માર્ગદર્શન આપશો, સાથે, મોબાઇલથી પાડેલ ફોટા થોડા ડાર્ક રહેતા/લાગતા હોય છે તેનો કોઈ ઉપાય હોય તો તે પણ બતાવવા વિનંતી…’’

ટૂંકમાં આખો પ્રશ્ન કાગળ પરના લખાણને ઇમેજ સ્વરૂપે એવી રીતે સાચવી લેવાનો છે, જેથી તે ફરી વાંચવા અને શોધવામાં સરળતા રહે.

આ કામ કરવા માટે આપણે મુખ્ય બે પગલાં લેવાં જરૂરી છે.

  1. યોગ્ય રીતે ડિજિટાઇઝેશન અખબારમાંના આપણા મનગમતા લેખ કે જાહેરાત કે વિઝિટિંગ કાર્ડને યોગ્ય રીતે ડિજિટલ ઇમેજના સ્વરૂપમાં ફેરવવાં.
  2. યોગ્ય રીતે સ્ટોરેજ આપણે લીધેલી ઇમેજને એવી રીતે સાચવવી, જેથી આપણે જ્યારે જોઈએ ત્યારે તેને ઝડપથી શોધી શકીએ.

આ બંને પગલાં માટે આપણે બે ફ્રી એપનો ઉપયોગ કરી શકીએ છીએ.

  1. કેમસ્કેનર
  2. ગૂગલ કીપ

ડિજિટાઇઝેશનનાં પગલાં

‘કેમસ્કેનર’ એક એવી એપ છે જેની મદદથી આપણે કોઈ પણ પ્રિન્ટેડ મટીરિયલને આપણે ઇચ્છીએ તે રીતે સ્કેન કરી શકીએ છીએ. એટલે કે અખબારમાંથી કોઈ લેખ સ્કેન કરવો હોય તો મોબાઇલમાં આ એપ ઓપન કરીને તેની મદદથી અખબારના જે તે  લેખ પૂરતો ભાગ સેન્ટરમાં રહે તે રીતે તેનો ફોટોગ્રાફ લેવાનો થાય. એ પછી આપણે મોબાઇલના સ્ક્રીન પર જોવા મળતા કંટ્રોલ્સની મદદથી જોઈતા લેખ સિવાયના બાકીના ભાગને ક્રોપ કરી શકીએ છીએ.

આ પછી જ્યારે સ્કેન કરેલો ભાગ સેવ કરવા કહીશું ત્યારે આ એપ આપોઆપ, એ ઇમેજમાંનું લખાણ બરાબર વાંચી શકાય એ રીતે ઇમેજમાંની લાઇટ તથા ડાર્કનેસનું યોગ્ય સંતુલન કરી આપે છે. એ જ રીતે આપણે ઇમેજ લેતી વખતે મોબાઇલને યોગ્ય રીતે ગોઠવ્યો ન હોય અને લેખની ઇમેજ સહેજ ત્રાંસી કે  વાંકોચૂંકો રહી હોય તો તેને પણ પ્રમાણમાં ઘણી વ્યવસ્થિત કરી આપે છે.

આ રીતે જોઈતા લેખને ડિજિટલ ઇમેજમાં ફેરવવાનું કામ પૂરું થયું.


સ્ટોરેજનાં પગલાં

હવે આપણે આવી ડિજિટલ ઇમેજિસને એવી રીતે સાચવવાની છે જેથી આપણે ઇચ્છીએ ત્યારે બહુ સહેલાઈથી જોઈતો લેખ શોધી શકીએ. એ  માટે આપણે ‘ગૂગલ ડ્રાઇવ’, ‘ગૂગલ કીપ’ કે ‘ગૂગલ ફોટોઝ’ જેવી સર્વિસનો ઉપયોગ કરી શકીએ છીએ.

આવી કોઈ સર્વિસની પસંદગી કરતાં પહેલાં એક આડ વાત.

જો તમે બહુ મોટા પ્રમાણમાં મનગમતા લેખની ડિજિટલ આર્કાઇવ (લાઇબ્રેરી) તૈયાર કરવા માગતા હો તો માત્ર આ હેતુ માટે એક અલગ ગૂગલ એકાઉન્ટ ક્રિએટ કરી લેશો તો સારું રહેશે. એમ કરવાથી તમારા અંગત ફોટોગ્રાફ કે અન્ય ફાઇલ્સ સાથે આ ડિજિટલ લાઇબ્રેરીની ભેળસેળ થશે નહીં.

કેમસ્કેનરમાં લેખોની ઇમેજ બની ગયા પછી આપણે તેને ઇમેજ સ્વરૂપે ફોનની ગેલેરી એપમાં સેવ કરવી પડશે અને ત્યાંથી તેને  ગૂગલ ફોટોઝ, ગૂગલ કીપ કે ગૂગલ ડ્રાઇવ સર્વિસમાં શેર કરવાની રહેશે.

ગૂગલ ફોટોઝ અને ગૂગલ કીપ એ બંને સર્વિસ વિશે ‘સાયબરસફર’ના જુલાઈ ૨૦૧૫ અંકમાં આપણે વિગતવાર વાત કરી ગયા છીએ, ગૂગલ ડ્રાઇવ વિશે પણ આપણે અગાઉ અવારનવાર વાત કરી છે.

એક રીતે જોઈએ તો ગૂગલની આ બધી જ સર્વિસ એટલે કે ફોટોઝ, કીપ અને ડ્રાઇવ લગભગ એક સરખા સિદ્ધાંતથી કામ કરે છે. ફક્ત તેના નિશ્ચિત ઉપયોગ મુજબ તેમાંના ફીચર્સમાં વધઘટ હોઈ શકે છે. આપણે કોઈ એક સર્વિસના બધા પાસા બરાબર સમજી લઈએ તો બધી જ સર્વિસનો ઉપયોગ એકદમ સહેલો થઈ જાય છે.

પરંતુ અત્યારે આ સવાલના સંદર્ભમાં ત્રણેય સર્વિસનાં જમા-ઉધાર પાસાં સાથે એમનો લાભ કેવી રીતે લેવો તેની ટૂંકમાં વાત કરી લઈએ.

ગૂગલ કીપ

આ સર્વિસ આપણા રોજબરોજના કામકાજ, વિચારો, આઇડિયા, ઇન્ટરનેટ પર મળતી માહિતી, ઇમેજીસ વગેરે સાચવી લેવા માટે જ ડિઝાઇન થયેલી છે. આથી લેખોના ક્લિપિંગ્સ સ્ટોર કરવા અને મેનેજ કરવા માટે આ સર્વિસ સૌથી વધુ ઉપયોગી થશે.

કેમસ્કેનર એપમાં આપણે જોઈતા લેખને સ્કેન કર્યા પછી તેની ઇમેજ ફોનની ગેલેરીમાં સેવ કરી લઈએ, એ પછી તેને જરા લાંબો સમય પ્રેસ કરતાં ફોનમાંની જે જે એપ્લિકેશનમાં ઇમેજનું શેરિંગ શક્ય હોય એ બધી એપના આઇકન જોવા મળશે. તેમાં ગૂગલ કીપ પસંદ કરી લો (ફોનમાં તે ન હોય તો પહેલાં ઇન્સ્ટોલ કરવી પડશે!).

હવે ગૂગલ કીપ ઓપન કરશો ત્યારે તેમાં આ ઇમેજ જોવા મળશે. કીપ સર્વિસમાં દરેક ઇમેજની સાથે આપણે તેનું શીર્ષક અને એ લેખ વિશેના આપણા વિચારો ટપકાવી લેવાની સગવડ પણ મળશે.

એ સાથે, કીપની લેબલિંગની સુવિધા અત્યંત ઉપયોગી થશે. જેમ કે આપણે જુદા જુદા લેખક કે અખબાર કે વિષય મુજબ કીપમાં લેબલ બનાવી દીધાં હોય તો એક જ લેખની ઇમેજને આ ત્રણેય પ્રકારના લેબલ લગાવી શકાશે (તેનાથી ફોન પર ત્રણ ઇમેજનો ભાર વધશે નહીં).

આ રીતે ભવિષ્યમાં આપણી લાઇબ્રેરી ખાસ્સી મોટી થાય ત્યારે આપણે ઇચ્છીએ તો લેખક મુજબ, અખબાર/સામયિક મુજબ કે વિષય મુજબ લેખો તારવીને મનગમતા લેખની મજા માણી શકીએ છીએ.

અહીંથી તમે ઇચ્છો તો તમારા મિત્રોને વિવિધ રીતે એટલે કે વોટ્સએપ, ફેસબુક પર કે ઇમેઇલ જેવી જુદી જુદી રીતે આ લેખની ઇમેજ શેર પણ કરી શકશો.

કીપમાં જુદા જુદા લેખને પિન કરવાની સગવડ મળે છે. જો આપણે કોઈ લેખને પિન કરીએ તો એ લેખ બધા લેખોની યાદીમાં સૌથી મથાળે સચવાઈ રહેશે. આ રીતે ફેવરિટ લેખ સતત આપણી નજરમાં રહે તેવું સેટિંગ કરી શકાય છે.

કીપમાં સ્થળ કે તારીખ મુજબ રીમાઇન્ડર પણ સેટ કરી શકાય છે. તમે કોઈ લેખ વિશે મિત્રના ઘરે જઇને તેમની સાથે રૂબરૂમાં ચર્ચા કરવા માગતા હો તો કીપમાં, એ લેખના કાર્ડમાં મિત્રના ઘરનું લોકેશન ઉમેરી દો.

હવે તમે જ્યારે પણ એ મિત્રના ઘરે જશો અને તમારા ફોનમાં ઇન્ટરનેટ કનેકશન અને લોકેશન સર્વિસ ઓન હશે તો ગૂગલ કીપ તમને યાદ અપાવશે કે તમારે જે તે લેખની મિત્ર સાથે ચર્ચા કરવાની છે! તારીખ અને સમય મુજબ રીમાઇન્ડર સેટ કરવાથી નિશ્ચિત સમયે આપણને એ લેખ યાદ અપાવવામાં આવે એવું સેટિંગ થઈ શકે છે.

આપણે કીપમાં સ્ટોર કરેલું બધું જ ગૂગલ ક્લાઉડમાં સેવ થાય છે એટલે પોતાના પીસી કે લેપટોપમાં ગૂગલ એકાઉન્ટથી લોગ-ઇન થઈને, આપણે સેવ કરેલા લેખો ત્યાં પણ જોઈ-વાંચી શકાય છે.

ગૂગલ ફોટોઝ

ગૂગલની આ સર્વિસમાં આપણે ક્વોલિટીમાં જરા અમથી બાંધછોડ સાથે અનલિમિટેડ ફોટોઝ સ્ટોર કરી શકીએ છીએ. જો આપણે મોબાઇલ કે પીસીના સ્ક્રીન પર આ ફોટોઝ જોવા માગતા હોઈએ તો તેની ગુણવત્તા ચોક્કસ પૂરતી છે. ફક્ત મોટી સાઇઝમાં પ્રિન્ટ કરાવવા ઇચ્છીએ તો ગુણવત્તા થોડી ઉતરતી લાગી શકે છે.

આ ફોટોઝ ગૂગલના ક્લાઉડમાં સ્ટોર થતા હોવાથી ફોન પર તેનું ભારણ વધતું નથી.

આ સર્વિસ ખરેખર તો વ્યક્તિગત ફોટોઝ સ્ટોર કરવા માટે અને તેનું અસરકારક રીતે મેનેજમેન્ટ કરવા માટે ડિઝાઇન થયેલી છે. આથી તેમાં આપણે વ્યક્તિના ચહેરા, સ્થળ, જુદી જુદી ચીજવસ્તુ વગેરે અનુસાર ફોટોગ્રાફ સહેલાઈથી સર્ચ કરી શકીએ છીએ. આપણે ફક્ત ન્યૂઝપેપરના ક્લિપિંગ્સ સ્ટોર કરવા હોઈએ તો એમાં આ બધી ખૂબીઓ ઉપયોગી થશે નહીં.

આપણે જુદા જુદા વિષયો અનુસાર જેમ કે અધ્યાત્મ, સ્વાસ્થ્ય, રમતગમત, રસોઈ વગેરે મુજબના લેખોના ક્લિપિંગ્સના ફોલ્ડર બનાવવા હોય તો ગૂગલ ફોટોઝમાં દરેક વિષય મુજબ આલ્બમ બનાવી શકાશે. અલબત્ત આ સર્વિસમાં દરેક ક્લિપિંગને સંબંધિત વધારાની માહિતી લખવાનું કામ થોડું મુશ્કેલ બની શકે છે.

એ માટે આપણે દરેક ક્લિપિંગની ઇમેજ ક્લિક કરીને તેમાં ઇન્ફર્મેશન સેકશનમાં જઈને જોઈતી માહિતી ઉમેરી શકીએ છીએ, પરંતુ ફોટોઝમાં ટેગિંગની સગવડ ન હોવાથી લેખોના ક્લિપિંગ્સનું મેનેજમેન્ટ થોડું મુશ્કેલ બનશે.

ગૂગલ ડ્રાઇવ

તમે ઇચ્છો તો ગૂગલ ડ્રાઇવનો પણ તમારા પસંદગીના લેખોની આર્કાઇવ બનાવવા માટે ઉપયોગ કરી શકો છો. અહીં પણ તમે ઇચ્છો તે લેખોની ઇમેજ મોબાઇલમાં ઓફલાઇન ઉપયોગ માટે ડાઉનલોડ કરી શકાય છે.

ડ્રાઇવમાં વિવિધ ફોલ્ડર બનાવીને લેખો સાચવી શકાય છે, પરંતુ તેમાં ગૂગલ કીપની જેમ લેબલિંગ કે રીમાઇન્ડરની સુવિધા મળશે નહીં.

અહીં તમે જોશો તેમ વાત આપણે અખબારના લેખોના કટિંગ સાચવી રાખવાના સંદર્ભે કરી છે પરંતુ વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસમાં તથા અન્ય લોકો પોતપોતાના રસના વિષય અનુસાર આ સર્વિસિઝનો ઉપયોગ કરે તો પોતાની આગવી સરસ મજાની ડિજિટલ લાઇબ્રેરી સર્જી શકે છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!