આજના સ્માર્ટફોન ધીમે ધીમે પર્સનલ કમ્પ્યુટર જેટલા જ પાવરફૂલ બનવા લાગ્યા છે. ઘણા લોકો ઇન્ટરનેટનો પહેલો પરિચય પોતાના સ્માર્ટફોનમાં જ મેળવે છે. તેમ છતાં, પર્સનલ કમ્પ્યુટરની ઉપયોગિતા હજી પણ બહુ ઓછી થઈ નથી.
સ્માર્ટફોન અને પીસી બંનેમાં એક સ્પષ્ટ તફાવત છે. વિવિધ કન્ટેન્ટ જોવા-વાંચવા માટે સ્માર્ટફોન વધુ સગવડભર્યા છે, પણ કન્ટેન્ટ જ સર્જવા માટે પીસી કે લેપટોપ વધુ સગવડદાયક અને પાવરફૂલ છે.
ઓફિસ વર્કમાં હજી પણ પીસી કે લેપટોપ વગર ચાલે તેમ નથી, એ જ રીતે કોલેજ સ્ટુડન્ટ્સને પોતાના પ્રોજેક્ટ રિપોર્ટ, અસાઇન્મેન્ટ્સ વગેરે તૈયાર કરવા માટે લેપટોપ વધુ ઉપયોગી થાય છે. એ પ્રકારના કામ માટે સ્માર્ટફોનનો સ્ક્રીન ઘણો નાનો પડે છે અને તેનું કી-બોર્ડ પણ અગવડભર્યું લાગે છે.
આવી સ્થિતિમાં જો તમે, એક સ્ટુડન્ટ તરીકે લેપટોપ લેવાનો વિચાર કરી રહ્યા તો, લેપટોપ ખરીદવાનું બજેટ નક્કી કરતાં પહેલાં તમારી જરૂરિયાત બરાબર નક્કી કરો. તમારે ગ્રાફિક ડિઝાઇનિંગ કે એન્જિનીયરિંગ ડિઝાઇનિંગનાં ‘હેવી’ સોફ્ટવેર પર કામ કરવાનું ન હોય અને ફક્ત માઇક્રોસોફ્ટ ઓફિસના પ્રોગ્રામ્સ અને ઇન્ટરનેટના બ્રાઉઝરમાં જ મોટા ભાગનું કામ કરવાનું હોય તો તમે ફક્ત રૂ. ૧૫૦૦૦ની આસપાસના બજેટમાં પ્રમાણમાં સારું લેપટોપ લઈ શકો છો! અલબત્ત, એ ફૂલફ્લેજ્ડ લેપટોપ નહીં હોય, આપણે તેને લેપબુક કે નોટબુક ગણી શકીએ.
અહીં જે વિકલ્પો આપ્યા છે તે કિંમત અને સ્ટોરેજની દૃષ્ટિએ આજના સ્માર્ટફોન જેવા છે, ફેર ફક્ત વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ, ફોન/ટેબલેટ કરતાં ઘણી મોટી સ્ક્રીન સાઇઝ અને કીબોર્ડનો છે.
Micromax Canvas Lapbook L1161
કિંમત : ૧૩,૯૯૯/-
ઇન્ટેલ ક્વોડ કોર પ્રોસેસર (ઇન્ટેલ એટમ ફોર્થ જનરેશન) (૧.૮૩ ગીગાહર્ટ્ઝ સુધી)નું પ્રોસેસર અને ૨જીબી રેમ છે, જે રોજિંદા કામકામ માટે પૂરતી છે. વિન્ડોઝ ૧૦ ઓપરેટિંગ સિસ્ટમ (૩૨ બિટ અને ૬૪ બિટના બે વિકલ્પ) પહેલેથી ઇન્સ્ટોલ્ડ છે. ડિસ્પ્લે સાઇઝ ૧૧.૬ ઇંચ છે.
લેપબુકની સ્ટોરેજ કેપેસિટી ૩૨ જીબીની છે, જે સામાન્ય ઓફિસ ફાઇલ્સ માટે પૂરતી ગણાય. જોકે આમાં પણ સ્માર્ટફોનની જેમ એક્સ્ટ્રા કાર્ડ ઉમેરીને ૬૪ જીબી સ્પેસ ઉમેરી શકાય છે. કનેક્ટિવિટી માટે વાઇ-ફાઇ અને બ્લુ ટૂથ તેમ જ ૨ યુએસબી સ્લોટ્સ છે.
વજન ૧.૩ કિલો છે. બેટરી ૫૦૦૦ એમએએચની છે, જે કંપનીના દાવા મુજબ ૧૧ કલાક સુધી ચાલી શકે છે (જે શંકાસ્પદ છે, કારણ કે અન્ય કંપની ૧૦,૦૦૦ એમએએચ બેટરી સાથે ૮.૫ કલાક સુધી ચાલવાનો દાવો કરે છે!)
Lava Helium 12 અને 14
કિંમત : ૧૨૯૯૯/- અને કિંમત : ૧૪,૯૯૯/-
પ્રોસેસિંગ પાવરની દૃષ્ટિએ આ લેપબુક માઇક્રોમેક્સની લગભગ બરાબર છે, પણ અન્ય બાબતોમાં તે ચઢિયાતી છે. આ લેપબુક ઇન્ટેલ ક્વોડ કોર પ્રોસેસર (ઇન્ટેલ એટમ સેવન્થ જનરેશન) અને ૨ જીબી રેમ ધરાવે છે. તેમાં બિલ્ટ-ઇન સ્ટોરેજ ૩૨ જીબી છે, પણ એક્સ્ટ્રા કાર્ડથી તેને ૧૨૮ જીબી જેટલી વધારી શકાય છે. લેપબુકનો સ્ક્રીન ૧૨.૫ ઇંચનો છે અને બેટરી ૧૦૦૦૦ એમએએચ છે. ૬૪ બિટ વિન્ડોઝ ૧૦ ઓપરેટિંગ -સિસ્ટમ છે.
જો સ્ક્રીન સાઇઝ હજી જરા વધુ જોઈતી હોય તો તમે લાવા હેલિયમ ૧૪નો વિચાર કરી શકો. તેમાં ફૂલ એચડી ૧૪.૧ ઇંચનો ડિસ્પ્લે છે. બાકીનાં સ્પેસિફિકેશન્સ હેલિયમ ૧૨ જેવાં જ છે. વજન અન્ય વિકલ્પોની સરખામણીમાં જરા વધુ છે, ૧.૪૫ કિલો!
ASUS VivoBook E12
કિંમત : ૧૫,૯૯૦/-થી
અન્ય વિકલ્પો કરતાં કિંમત ઊંચી પરંતુ પ્રોસેસર પણ એક સ્તર ઊંચું. આ લેપબુકમાં ઇન્ટેલના એટમને બદલે સેલેરોન અને પેન્ટિયમ પ્રોસેસરના વિકલ્પ મળે છે.
વિન્ડોઝ ૧૦ ઓપરેટિંગ સિસ્ટમ છે. ૨ જીબી ઓનબોર્ડ મેમરી છે, જેને ૪ જીબી સુધી વધારી શકાય છે. સ્ટોરેજ માટે ૩૨ જીબી, ૬૪ જીબી અને ૧૨૮ જીબીના વિકલ્પો છે, તેમ જ માઇક્રોએસડી કાર્ડ પણ ઉમેરી શકાય છે.
કનેક્ટિવિટી માટે વાઇ-ફાઇ, બ્લુટૂથ, ૨ યુએસબી, એચડીએમઆઇ સ્લોટ્સ છે. વજન માત્ર ૦.૯૮ ગ્રામ છે, પણ ડિસ્પ્લે સ્ક્રીન પણ ફક્ત ૧૧.૬ ઇંચનો છે. આ લેપબુકના સ્ક્રીનને કી-બોર્ડના લેવલે, ૧૮૦ ડીગ્રી સુધી ઓપન કરી શકાય છે. એરપોર્ટ પર ફટાફટ રિપોર્ટ ચેક કરતા પ્રોફેશનલ્સ માટે વધુ ઉપયોગી લેપબુક.
iBall Exemplaire CompBook
કિંમત : ૧૫,૯૯૯/-
આ કોમ્પબુકનાં સ્પેસિફિકેશન્સ લગભગ અન્ય વિકલ્પો જેવાં જ છે, મોટો તફાવત કિંમતનો છે. ૧૪ ઇંચનો ડિસ્પ્લે એ બીજો મોટો તફાવત છે. વિન્ડોઝ ૧૦ ઓપરેટિંગ સિસ્ટમ, ઇન્ટેલ એટમ પ્રોસેસર, ૨ જીબી રેમ અને ૩૨ જીબીની સ્ટોરેજ કેપેસિટી છે, જેને ૬૪ જીબી સુધી વધારી શકાય છે. કનેક્ટિવિટી માટે વાઇ-ફાઇ, બ્લુ ટૂથ, મિનિ એચડીએમઆઇ અને ૨ યુએસબી જેવા વિકલ્પ છે.
ચુકાદો :
ફરી એક વાર સ્પષ્ટ કરી લઈએ કે આ વિકલ્પો માત્ર રોજિંદા ઇન્ટરનેટ સર્ફિંગ અને એમએસ ઓફિસ પ્રોગ્રામ્સ ચલાવવા માટે સક્ષમ છે. તેથી વધુ અપેક્ષા રાખશો નહીં. કિંમત અને સ્પેસિફિકેશન્સ બંને ધ્યાને રાખીએ તો આ વિકલ્પોમાં લાવા હેલિયમ ૧૪ સૌથી ચઢિયાતો વિકલ્પ છે, જો નાનો સ્ક્રીન તમને ચાલે તેમ હોય ને બજેટ સહેજ વધારી શકાય તો એસસ વધુ સારો વિકલ્પ છે.
(કિંમતો અને સ્પેસિફિકેશન્સ જે તે કંપનીની સત્તાવાર વેબસાઇટ મુજબ, આ લેપબુક્સ કંપનીના ડીલર્સ કે ઓનલાઇન સ્ટોર્સમાંથી ખરીદી શકાય છે.)

