સવાલ મોકલનાર : માધવ જે. ધ્રુવ – જામનગર
આ સવાલના જવાબમાં ઊંડા ઊતરતા પહેલાં એસએઆર વેલ્યૂ શું છે એ બરાબર જાણી લઈએ. એસએઆર શબ્દનું આખું સ્વરૂપ છે સ્પેસિફિક એબ્સોર્પ્શન રેટ.
આપણે સ્માર્ટફોનનો ઉપયોગ કરીએ ત્યારે સ્માર્ટફોન અને મોબાઇલ ટાવર વચ્ચે રેડિયો સિગ્નલ્સની આપ-લે થાય છે અને એક વીજચુંબકીય ક્ષેત્ર રચાય છે. આવા વીજચુંબકીય ક્ષેત્રના સંપર્કમાં આવવાથી માનવ શરીર જે ઊર્જા શોષે તેનો દર માપવાનું એકમ એટલે સ્પેસિફિક એબ્સોર્પ્શન રેટ (એસએઆર-સાર).
સાર વેલ્યૂ મોબાઇલ ફોન ઉપરાંત રેડિયો સિગ્નલ્સનો ઉપયોગ કરતાં અન્ય સાધનોને પણ લાગૂ પડે છે. પરંતુ અહીં આપણે મોબાઇલ ફોનના સંદર્ભમાં વાત કરીએ.
મોબાઇલ ફોનની માનવ સ્વાસ્થ્ય પર અસર હંમેશા ચર્ચાનો વિષય રહી છે અને તેને કારણે ફોન ઉત્પાદકોએ તેમના ફોનના ઉપયોગથી શરીરમાં કેટલું રેડિએશન એટલે કે કિરણોત્સર્ગ શોષાઇ શકે છે તે દર્શાવવું ફરજિયાત છે. આ નિયમ સમગ્ર વિશ્વના મોબાઇલ ફોન ઉત્પાદકોને લાગૂ પડે છે.
આટલે સુધી તો વાત સ્પષ્ટ છે પરંતુ ફોનની વાસ્તવિક સાર વેલ્યૂનો મુદ્દો આવે ત્યારે વાત ધૂંધળી અને અસ્પષ્ટ બનતી જાય છે.
એ માટે નીચેના કેટલાક મુદ્દાઓ પર ધ્યાન આપવા જેવું છે.
ફોન એક સિમનો હોય કે ડ્યૂઅલ સિમનો, ફોનના બોક્સ પર જે સાર વેલ્યૂ દર્શાવવામાં આવે છે તે ‘ખરાબમાં ખરાબ’ સંજોગમાં ફોનની મહત્તમ સાર વેલ્યૂ દર્શાવે છે.

‘ખરાબમાં ખરાબ સંજોગ’નો અર્થ એ થાય કે અત્યંત ઓછી બેટરી સાથે, અત્યંત નબળાં સિગ્નલ સાથે, બેઝમેન્ટમાં કે લિફ્ટમાં ફોનનો ઉપયોગ કરવામાં આવે અને બંને સિમ ઇનેબલ્ડ હોય એવી સ્થિતિમાં ઉપયોગ કરવામાં આવે, એવા સંજોગો.
ભારતમાં ફોન માટેની મહત્તમ સાર વેલ્યૂ એક ગ્રામ ટીસ્યુ પર સરેરાશ ૧.૬ ડબલ્યુ/કેજી સુધીની સ્વીકાર્ય ગણવામાં આવી છે. આ કેન્દ્ર સરકારે નિશ્ચિત કરેલું ધોરણ છે. મતલબ કે ભારતમાં વેચાતા કોઈ પણ ફોનની કુલ સાર વેલ્યૂ ૧.૬ ડબલ્યુ/કેજી કરતાં ઓછી હોવી જોઈએ.
હવે મૂળ સવાલ પર પાછા વળીએ. માત્ર થીયરીની રીતે જોઈએ તો એક સિમ ધરાવતા ફોનની સાર વેલ્યૂ કરતાં ડ્યૂઅલ સિમ ધરાવતા ફોનની સાર વેલ્યૂ બમણી થાય. દરેક સેલફોનમાંનું સિમકાર્ડ ફોન ઉપયોગમાં ન હોય ત્યારે પણ નજીકના સેલ ટાવર્સ સાથે સિગ્નલ્સની આપ-લે કરતું રહે છે. આ કારણે જો ફોનમાં બે સિમ હોય તો દેખીતી રીતે બંને સિમ પોતપોતાની રીતે ટાવર્સ સાથે સિગ્નલ્સની આપ-લે કરતાં હોવાથી તેને કારણે પેદા થતું રેડિએશન પણ બમણું થઈ જાય.
જો ફોનમાં માત્ર એક સિમકાર્ડ નાખ્યું હોય તો પણ, તમે ક્યારેક જોયું હશે તેમ ફોનમાં કોઈ સિમકાર્ડ ન હોય તો પણ ઇમરજન્સી નંબર પર કોલ કરવાની સુવિધા હોય છે. આથી સ્પષ્ટ છે કે ફોન સિમકાર્ડની ગેરહાજરીમાં પણ સેલ ટાવર સાથે સિગ્નલની આપ-લે કરે છે.
આ બધાં કારણોસર એ દેખીતું છે કે એક સિમવાળા ફોન કરતાં બે સિમવાળા ફોનમાં રેડિએશનનું પ્રમાણ બમણું થઈ જાય.
પરંતુ એ યાદ રાખવું જોઈએ કે ફોનના બોક્સ પર જે સાર વેલ્યૂ દર્શાવેલી હોય છે તે, જો ફોન ડ્યુઅલ સિમનો હોય તો બે સિમને ધ્યાનમાં રાખીને જ લખવામાં આવી હોય છે. ઉપરાંત એ ધ્યાનમાં લેવું જોઈએ કે ફોનના વિવિધ કોમ્પોનન્ટસ અને તેમની ગોઠવણીનું ફોન મેન્યુફેકચરિંગ કંપની એવું ઓપ્ટિમાઇઝેશન કરે છે કે સામાન્ય રીતે ડ્યૂઅલ સિમનું રેડિએશન સિંગલ સિમવાળા ફોન કરતાં ૧૦૦ ટકા વધવાને બદલે ૪૦થી ૮૦ ટકા જેટલું વધે છે.
આ બધી થીયરીની વાત થઈ, પ્રેક્ટિકલી જોઈએ તો, ફોનની સાર વેલ્યૂ બાબતે નિશ્ચિત બનતાં પહેલાં, વિશે નીચેના કેટલાક મુદ્દાઓ પણ ધ્યાનમાં લેવા જેવા છે :
- ફોન મેન્યુફેક્ચરરે ફોનના બોક્સ પર ફોનની સાર વેલ્યૂ દર્શાવવી ફરજિયાત છે પરંતુ એક જ કંપનીના એક જ મોડેલના બે અલગ અલગ ફોનમાં જુદા જુદા સમયે સાર વેલ્યૂ જુદી જુદી નોંધાય એવું બની શકે છે.
- સાર વેલ્યૂ નિયમિત રીતે મોનિટર કરવાનું કોઈ માળખું નથી. આથી ફોનની સાર વેલ્યૂ સંજોગ પ્રમાણે વધે કે ઘટે એવું પણ બની શકે છે.
- ફોનનો તમે કેવો, કેટલો ને કઈ જગ્યાએ ઉપયોગ કરો છો તે મુજબ સાર વેલ્યૂમાં વધઘટ થઈ શકે છે.
- સાર વેલ્યુ વિશે સૌથી વધુ ધ્યાનમાં રાખવા જેવો મુદ્દો એ છે કે જે તે ફોનની સાર વેલ્યૂનું પરિક્ષણ કોઈ જીવતી જાગતી વ્યક્તિના માથા પર નહીં પરંતુ તેના જેવી કૃત્રિમ રચના પર કરવામાં આવે છે. ઘણા નિષ્ણાતો માને છે કે, આ પદ્ધતિ પોતે જ ખામી ભરી છે અને સ્માર્ટફોનની માનવ મગજ પર વાસ્તવિક અસર દર્શાવી શકતી નથી.
આ બધું ધ્યાને રાખતાં અને ભારતમાં વેચાતા લગભગ ૮૦થી ૯૦ ટકા ફોન ડ્યૂઅલ ડ્યૂઅલ સિમવાળા હોવાથી આપણે આ બાબતોનું અચૂક ધ્યાન રાખવું જોઇએ :
- જો તમારે ખરેખર બે સિમનો ઉપયોગ કરવાનો ન હોય તો ડ્યૂઅલ સિમવાળો ફોન લેવાનું ટાળો.
- જોઇતી સગવડોવાળો ફોન ડ્યૂઅલ સિમનો જ હોય તો પ્રતિષ્ઠિત બ્રાન્ડનો ફોન લેવાનો આગ્રહ રાખો.
- બહુ ઓછી જાણીતી કે શંકાસ્પદ ચાઇનીઝ ઉત્પાદકોના મોબાઇલ ફોન ખરીદવામાં, સારની દૃષ્ટિએ દેખીતું જોખમ છે.
- મોટા ભાગે દરેક ફોનમાં સિમકાર્ડ માટે અલગ અલગ સેટિંગ્સની વ્યવસ્થા હોય છે. તેનો લાભ લઈને, ફોનમાં બે સિમ હોય પણ સામાન્ય રીતે ફક્ત એક સિમકાર્ડનો તમે ઉપયોગ કરતા હો તો બીજું સિમ સ્વિચ ઓફ રાખો.
- ફોનનો ઉપયોગ કરતી વખતે તેને માથા ને શરીરથી બને એટલો દૂર રાખો.
- જો ફોન પર લાંબી વાત કરવાની થતી હોય તો અચૂકપણે વાયરવાળા ઇયરફોનનો ઉપયોગ કરવો સલાહભર્યો છે.
આગળ જોયું તેમ ભારતમાં સાર વેલ્યૂની મર્યાદા ૧.૬ ડબલ્યુ/કેજી છે પરંતુ શક્ય હોય ત્યાં સુધી ૧ ડબલ્યુ/કેજી કે તેનાથી ઓછી સાર વેલ્યૂવાળો ફોન લેવાનો આગ્રહ રાખો.
છેલ્લે બીજો એક મુદ્દો. તમારા સ્માર્ટફોનમાં ફોન કોલ એપ ઓપન કરીને તમે *#07# નંબર ડાયલ કરીને તમે તમારા ફોનની સાર વેલ્યૂ જાણી શકો છો!
યાદ રહે, આ વેલ્યૂ તમારા ફોનના મોડેલના ટેસ્ટિંગ સમયની વેલ્યૂ છે, તમે જ્યારે તપાસી રહ્યા હો, તે સમયની નહીં!
સ્માર્ટફોનમાંથી ઇમરજન્સી કોલિંગ
સાર વેલ્યૂ વિશેના સવાલના જવાબમાં એક ઉલ્લેખ એવો છે કે ‘ફોનમાં સિમકાર્ડ વગર પણ ઇમરજન્સી નંબર પર કોલ થઇ શકે છે’. આ વાક્ય વાંચીને તમારી જિજ્ઞાસા સળવળી અને આવું કેવી રીતે શક્ય બને એવો સવાલ જાગ્યો હોય તો જાણો જવાબ!
જ્યારે આપણે કોઈ ટેલિકોમનું કનેકશન મેળવીએ ત્યારે એ કંપની આપણા ફોનને પોતાના નેટવર્ક સાથે કનેક્ટ થવાની છૂટ આપે છે.
હવે સવાલ એ થાય કે બે વ્યક્તિ પાસે અલગ અલગ કંપનીના મોબાઇલ કનેકશન હોય તો કંપનીનું નેટવર્ક કેવી રીતે નક્કી કરે કે તેણે એક મોબાઇલ ધારકને કનેકશન કરવા દેવાનું છે અને બીજાને નહીં?
આ સવાલના જવાબ માટે સિમકાર્ડનો ઉપયોગ થાય છે. જે તે કંપનીનું સિમકાર્ડ આપણે ફોનમાં નાખીએ ત્યારે ફોન કંપનીનું નેટવર્ક એ સિમકાર્ડમાં નોંધાયેલ આપણા ક્રિડેન્શિયલ્સ (એટલે કે ઓળખની વિગતો)ને આધારે નક્કી કરે છે કે આ ફોનને પોતાના નેટવર્ક સાથે કનેક્ટ થવા દેવું કે નહીં.
આમ સિમકાર્ડનો ઉપયોગ માત્ર આપણી ઓળખની ખાતરી કરવા માટે થાય છે. ફોનને કોલ કરવા માટે સિમકાર્ડની જરૂર હોતી નથી.
એ પણ નોધવું રસપ્રદ છે કે દરેક ફોન અને સિમકાર્ડમાં જે તે દેશના ઇમરજન્સી નંબર્સ પહેલેથી સેટ કરવામાં આવ્યા હોય છે. આ કારણે ફોનમાં સિમકાર્ડ ન હોય તો પણ કે સિમકાર્ડ હોય પણ કંપનીએ તેને ડિસકનેક્ટ કરી દીધું હોય કે તેની વેલિડિટી પૂરી થઈ ગઈ હોય તો પણ એ ફોનમાંથી આપણે ઇમરજન્સી નંબર્સ પર કોલ કરી શકીએ છીએ.
જ્યારે આ ઇમરજન્સી નંબર્સ પર કોલ કરવામાં આવે ત્યારે નજીકમાંની કોઈ પણ કંપનીના ટાવર્સનું નેટવર્ક તે કોલને ઇમરજન્સી સર્વિસ સાથે કનેક્ટ કરી આપે છે.
ભારતમાં ઇમરજન્સી નંબર કયો છે?
મોટા ભાગના દેશો ઇમરજન્સી માટે ફક્ત એક જ નંબરનો ઉપયોગ કરે છે, જેમ કે યુએસએમાં ૯૧૧ અને યુકેમાં ૯૯૯ નંબર નાનાં ટાબરિયાં પણ જાણતાં હોય છે, પણ ભારતમાં પોલીસ, એમ્બ્યુલન્સ, અગ્નિશમન વગેરે માટે અલગ અલગ નંબર છે.
મે ૨૦૧૬માં, ભારત સરકારના ટેલિકોમ કમિશને ૧૧૨ નંબરને ઇમરજન્સી નંબર તરીકે અધિકૃત કરવાની ભલામણ સ્વીકારતાં ભારતને પોતાનો એક જ ઇમરજન્સી નંબર મળે તેવી આશા ઊભી થઈ છે. ભારતમાં આ માટે કેન્દ્ર સરકારે નેશનવાઇડ ઇમરજન્સી રીસ્પોન્સ સિસ્ટમ ઊભી કરવામાં આવી છે.
આ નંબર વિશે પૂરતી જાગૃતિ ઊભી થઈ જાય તે પછી ૧૦૦, ૧૦૨ વગેરે નંબરને સ્થાને એક જ, ૧૧૨ નંબર રહે તેવું વિચારવામાં આવ્યું છે. જાન્યુઆરી ૧, ૨૦૧૭થી તેનો અમલ પણ શરૂ થવાનો હતો, પણ વિલંબ થતો ગયો.
ગયા વર્ષે આ નંબરના ટ્રાયલ રન દરમિયાન, રોજિંદા ઇમરજન્સી નંબરની સરખામણીમાં ૧૧૨ પર ખોટા, બ્લેન્ક કોલ્સનું પ્રમાણ સાત ગણું વધી ગયું!
પોલીસ પર બિનજરૂરી ભારણ વધારતા આવા કોલ્સને કારણે, ૧૧૨નો અમલ વધુ ઘોંચમાં પડ્યો છે અને એ જ કારણે અત્યારે આપણે પોતાના સ્માર્ટફોનમાં ઇમરજન્સી કોલિંગની ઉપયોગી સુવિધાનો લાભ લઈ શકતા નથી.

