ભારતમાં સ્માર્ટફોનનું સેકટર સતત બદલાઈ રહ્યું છે અને ગયા મહિને ભારતમાં વોટ્સએપની હરીફ હાઇક કંપનીએ એક બિલકુલ નવા પ્રકારની પહેલ કરી, કંપનીએ તેને નામ આપ્યું છે – ટોટલ.
આ કંપનીએ એન્ડ્રોઇડના નોગટ વર્ઝનમાં ફેરફાર કરીને એક એવા પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ વિક્સાવી છે, જેની મદદથી યૂઝર્સ પોતાના ફોનમાં ઇન્ટરનેટ ડેટા કનેકશન વિના પણ મેસેજની આપ-લે કરી શકશે, પેમેન્ટ્સ કરી શકશે અને વિવિધ પ્રકારની માહિતી મેળવી શકશે!
ટોટલ એ કોઈ નવી એપ નથી પરંતુ એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમનું જ એક મોડીફાઇડ વર્ઝન છે એટલે કે આપણે પ્લે સ્ટોરમાંથી ટોટલ નામની કોઈ એપ ડાઉનલોડ કરી શકીશું નહીં, પરંતુ કેટલાક ફોનમાં આ સિસ્ટમ પહેલેથી સામેલ હશે.
આગળ શું વાંચશો?
- આ ‘ચમત્કાર’ કેવી રીતે થશે?
- આપણે ‘ટોટલ’નો ઉપયોગ કેવી રીતે કરી શકીશું?
- બધી સર્વિસ ખરેખર ઇન્ટરનેટ વિના ચાલશે?
આ ‘ચમત્કાર’ કેવી રીતે થશે?
સ્માર્ટફોનમાં ઇન્ટરનેટના ડેટા પ્લાન કે વાઇ-ફાઇ વિના, વિવિધ વેબ સર્વિસનો લાભ લઈ શકાય એ પહેલી નજરે ભલે, ચમત્કારી ટેક્નોલોજી લાગે, વાસ્તવમાં એ બહુ જૂની ટેક્નોલોજી છે.
તમને યાદ હશે કે અગાઉ અને હમણાં પણ, આપણે ફોનમાં *૧૨૧ જેવો નંબર ડાયલ કરીને પોતાના પ્રીપેઇડ પ્લાનનું બેલેન્સ જાણી શકીએ છીએ. મોબાઇલ ફોન અને મોબાઇલ કંપનીની સિસ્ટમ વચ્ચે મેસેજની આપલે શક્ય બનાવતી આ ટેક્નોલોજી કે પ્રોટોકોલ અનસ્ટ્રકચર્ડ સપ્લિમેન્ટરી ડેટા (યુએસએસડી) તરીકે ઓળખાય છે. સ્માર્ટફોન ચલણી બન્યા તે પહેલાં, સાદા ફોનના જમાનાથી તેનો ઉપયોગ થતો આવ્યો છે.
હાઇક કંપનીએ આ જ જૂની પદ્ધતિને નવેસરથી કામે લગાડી છે. હાઇકે જે નવી સિસ્ટમ વિક્સાવી છે તેને ‘યુનિવર્સલ ટ્રાન્સફર પ્રોટોકોલ’ નામ આપ્યું છે.
હાઇકની કેટલીક સર્વિસ નેટ કનેક્શન વિના ચાલશે
આ સર્વિસીઝ ૧ એમબી કરતાં ઓછી સાઇઝની છે
કેટલીક મર્યાદા સાથે આ સર્વિસ નેટ વિના ચાલશે
જરૂર મુજબ ૧ રૂપિયાથી શરૂ થયા ડેટા પ્લાન ખરીદી શકાશે
આપણે ‘ટોટલ’નો ઉપયોગ કેવી રીતે કરી શકીશું?
આ કોઈ એપ નથી, એન્ડ્રોઇડ આધારિત ઓપરેટિંગ સિસ્ટમ છે. એટલે આપણે તેનો લાભ લેવો હોય તો આવી ઓપરેટિંગ સિસ્ટમ ધરાવતો નવો ફોન લેવો પડશે!
જો તમે પહેલેથી પ્રમાણમાં સારો સ્માર્ટફોન અને તેમાં ઇન્ટરનેટ ડેટા એક્સેસ ધરાવતા હો તો તમારે ટોટલની કોઈ જરૂર નથી પરંતુ ટોટલ એવા લોકો માટે છે જે સ્માર્ટફોનનો નવો નવો ઉપયોગ શરૂ કરી રહ્યા છે અને ઇન્ટરનેટનો સાદો પ્લાન પણ તેમને પોસાય તેમ નથી.
હાઇક કંપનીએ કાર્બન અને ઇન્ટેક્સ જેવી ભારતીય સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગ કંપની સાથે જોડાણ કર્યું છે. આ બંને કંપનીના કુલ ચાર નવા સ્માર્ટફોનમાં ટોટલ સિસ્ટમ હશે. આ ફોન આવતા મહિને માર્ચ ૨૦૧૮માં લોન્ચ થઈ જશે, જેની કિંમત રૂ. ૩૫૦૦થી રૂ. ૫૦૦૦ જેટલી રહેશે.
આ ફોન બીજી બધી રીતે અન્ય એન્ડ્રોઇડ ફોન જેવા જ હશે, ફક્ત તેમાં હાઇકની વિવિધ સર્વિસ ‘ટોટલ’ નામે સામેલ હશે અને દરેક સર્વિસ સાથે એક સ્ટાર દેખાશે.
આપણે પોતાના ફોનનંબરથી, આ બધી સર્વિસમાં એક સાથે લોગ-ઇન થઈ શકીશું. આ હાઇકની ભેટ છે એટલે દેખીતી વાત છે કે તેમાં હાઇક મેસેન્જર સૌથી પહેલાં સામેલ છે. તેના ઉપરાંત, હાઇક વોલેટ, ક્રિકેટ સ્કોર, ફોન રીચાર્જ, ન્યૂઝ, ડેટા પેક્સ, રેલ ઇન્ફો અને હોરોસ્કોપની સર્વિસ તેમાં આવરી લેવામાં આવી છે.
એન્ડ્રોઇડનું આ વર્ઝન ભવિષ્યમાં કસ્ટમ રોમ તરીકે પણ મળશે, એટલે જાણકાર લોકો પોતાના ફોનને રુટ કરીને તેમાં આ ઓપરેટિંગ સિસ્ટમ નાખી શકશે.
બધી સર્વિસ ખરેખર ઇન્ટરનેટ વિના ચાલશે?
હા અને ના! હાઇક ટોટલ યુએસએસડી આધારિત સિસ્ટમ છે એટલે તેમાં માત્ર ટેક્સ્ટની આપલે ઇન્ટરનેટ કનેક્શન વિના થઈ શકશે, પણ એથી વધુ કંઈ કરવું હોય તો ઇન્ટરનેટ કનેક્શન જોઈશે અને એના માટે ડેટા પેક પણ જોઈશે!


ઉદાહરણ સાથે વાત કરીએ તો, અત્યારે આપણે ફોનમાં નેટ કનેક્શન બંધ હોય ત્યારે વોટ્સએપ ઓપન કરીને તેમાં કોઈ મેસેજ લખી તો શકીએ, પણ એ સેન્ડ થાય નહીં.
જ્યારે ટોટલ સિસ્ટમવાળા ફોનમાં, હાઇક મેસેન્જર ઓપન કરીને, મેસેજ ટાઇપ કરીશું તો એ મિત્રને તરત સેન્ડ થશે અને તેનો જવાબ પણ આવી શકશે – ઇન્ટરનેટ કનેક્શન વિના.
પણ, હવે વાતમાં ટવીસ્ટ છે!
જો તમારા મિત્રે માત્ર ટેક્સ્ટમાં જવાબ મોકલ્યો હશે તો એ વાંચી શકાશે, પણ જો તેણે જવાબમાં ફોટો મોકલ્યો હશે, તો તેને જોવા માટે ડેટા પેક જોઈશે! મેસેજમાં ફોટો આવતાં, ટોટલ સિસ્ટમ તરત તમને ડેટા પેક ખરીદવાનું સૂચન પણ કરશે.
અલબત્ત, ટોટલ માટે કંપનીએ એરટેલ, એરસેલ અને બીએસએનએલના સાથમાં, અલગ પ્રકારના ડેટા પ્લાન્સ વિક્સાવ્યા છે, જેની કિંમત ફક્ત એક રૂપિયાથી શરૂ થાય છે.
આજે રોજના ૧ જીબી ડેટા પેકવાળો પ્લાન સામાન્ય થઈ ગયો છે ત્યારે હાઇક કંપનીએ ૧ રૂપિયામાં ૨૦ એમબી ૩ રૂપિયામાં ૬૦ એમબી અને ૫ રૂપિયામાં ૧૦૦ એમબીના પ્લાન તૈયાર કર્યા છે! આ ડેટા ટુજી, થ્રીજી અને ફોરજી નેટવર્કમાં ચાલશે.
સ્માર્ટફોનના નવા યૂઝર્સને ધ્યાને રાખીને, આ પ્લાનથી શું શું થઈ શકશે એ પણ સમજાવવામાં આવશે, જેમ કે ૧ રૂપિયામાં ૨૦ એમબીનો પ્લાન ખરીદીએ તો તેનાથી ૧૦૦ ફોટોગ્રાફ સેન્ડ/રીસિવ થઈ શકે, ૫ ગીત સાંભળી શકાય અને ૪ મિનિટનો વીડિયો જોઈ શકાય એવી સમજ અપાશે.
હાઇકના વોલેટની મદદથી, ઇન્ટરનેટ કનેક્શન વિના જ આ ડેટા પેક્સ ખરીદી શકાશે.
હાઇક ટોટલની સર્વિસ ગુજરાતી સહિત આઠ ભારતીય ભાષામાં મળશે.
અત્યારે નેટ કનેક્શન સખત સસ્તું થવું લાગ્યું છે, તો આવી સર્વિસની જરૂર ખરી?
ભારતમાં ૪૦ કરોડ સ્માર્ટફોન યૂઝર્સ હોવાનો અંદાજ છે પણ તેમાંથી માંડ અડધા લોકો ઇન્ટરનેટના એક્ટિવ યૂઝર્સ છે! એ જોતાં, નવો નવો અને સસ્તો સ્માર્ટફોન લેનારા લોકોને ઇન્ટરનેટ સાથે જોડવાનો આ સરસ રસ્તો છે.
રિલાયન્સ જિઓ અને એરટેલ જેવી ટેલિકોમ કંપની સાદા ફિચર ફોન સાથે કંઈક આવું જ પરિવર્તન લાવી રહી છે. હાઇક કંપનીએ ફોનની ઓપરેટિંગ સિસ્ટમના સ્તરે આ ફેરફાર લાવવાનું વિચાર્યું છે.
ઉપરાંત, એન્ડ્રોઇડગો ઓપરેટિંગ સિસ્ટમને કારણે આવતા ૬-૮ મહિનામાં સ્માર્ટફોન હજી વધુ સસ્તા થશે.
ઉપરાંત, અત્યારે આ સર્વિસ ફક્ત હાઇક કંપનીની ગણીગાંઠી સર્વિસ માટે ઉપલબ્ધ છે, પણ કંપની એપ ડેવલપર્સને આ સિસ્ટમ આધારિત એપ્સ વિક્સાવવા પ્રોત્સાહન આપી રહી છે, એ જોતાં આવા ફોનમાં, ઇન્ટરનેટ ડેટા વિના ચાલે તેવી વધુ સુવિધાઓ મળી શકે છે.

