કમ્પ્યુટરમાં ખડકાતી જતી બિનજરુરી ફાઇલ્સને સાફ કરવાનું કામ કરતા ‘સીક્લિનર’ સોફ્ટવેર વિશે તમે જાણતા જ હશો. હવે તેનું ઓટેમેટિક શેડ્યુલિંગ કરતાં શીખીએ.
કમ્પ્યુટર સમયાંતરે ધીમું થઈ જવાનું એક મોટું કારણ – તેમાં જમા થતો ડિજિટલ કચરો હોય છે. આવી બિનજરુરી બાબતોની નિયમિત સફાઈ જરુરી હોય છે. આ કામ તો જ અસરકારક થાય જો એ નિયમિત રીતે થાય.આ વાતના મહત્ત્વ વિશે અને તે માટેના એક બહુ લોકપ્રિય ફ્રી સોફ્ટવેર ‘સીક્લિનર’ વિશે આપણે એપ્રિલ ૨૦૧૨ના અંકમાં ઘણી વિગતવાર વાત કરી છે. હવે એ જાણીએ કે આપણું કમ્પ્યુટર નિયમિત રીતે, આપોઆપ સીક્લિનરનો ઉપયોગ કેવી રીતે કરે.
- સ્ટેપ-૧:
સૌથી પહેલાં, સીક્લિનર પ્રોગ્રામ શરુ કરો અને નક્કી કરી લો કે કમ્પ્યુટરના કયા કયા ભાગની તમારે નિયમિત સફાઈ કરવી છે? એ ભાગોમાં ટિક કરી દો. - સ્ટેપ-૨ઃ
હવે એક વાર ‘એનેલાઇઝ’ બટન પર ક્લિક કરો, વિગતો તપાસો અને ‘રન ક્લિનર’ ક્લિક કરી, કમ્પ્યુટરની સફાઈ કરી લો. કમ્પ્યુટરમાંથી શું શું સાફ થયું એ ફરી એક વાર જોઈ તપાસી લો. - સ્ટેપ-૩ઃ હવે ‘ઓપ્શન્સ’માં ‘એડવાન્સ્ડ’ પર ક્લિક કરો. અહીં ‘સેવ ઓલ સેટિંગ્સ ટુ આઇએનઆઇ ફાઇલ’ના ખાનામાં ટિક ન હોય તો કરી દો (સેવનું બટન શોધવાની જરૂર નથી). હવે આપણે જે સેટિંગ્સ કરીશું તે આ ફાઇલમાં સેવ થશે અને સીક્લિનર ઓટોમેટિકલી રન થશે ત્યારે આ ફાઇલમાંની સૂચનાનું પાલન કરશે. ભવિષ્યમાં તમે કોઈ સેટિંગ્સ બદલશો તો ઓટેમેટિક રન વખતે તે નવાં સેટિંગ્સનું પાલન થશે તે યાદ રાખશો. આટલું કરી સીક્લિનર બંધ કરી દો.
- સ્ટેપ-૪ઃ
હવે સમય છે સફાઈનું ટાઇમટેબલ સેટ કરવાનો. કંટ્રોલ પેનલમાં સ્મોલ આઇક્ધસનો વ્યૂ કરી, ‘એડમિનિસ્ટ્રેટિવ ટૂલ્સ’ ઓપન કરો. તેમાં ‘ટાસ્ક શેડ્યુલર’માં ડાબે ‘ટાસ્ક શેડ્યુલર લાઇબ્રેરી’ પર ક્લિક કરો. તેમાં ‘ક્રિએટ બેઝિક ટાસ્ક’ પર ક્લિક કરો. - સ્ટેપ-૫ઃ
અહીં આપણા ટાસ્કનું નામ લખો, જેમ કે ‘સીક્લિનર વીકલી ક્લિનિંગ’. આપણી સમજ પૂરતું આ ટાસ્કનું કંઈ વર્ણન લખવું હોય તો લખો. આ પછી ‘નેક્સ્ટ’ પર ક્લિક કરો. - સ્ટેપ-૬ઃ
અહીં આપણે આપણું ટાસ્ક ક્યારે ક્યારે શરુ કરવું છે તે નક્કી કરીશું. આપણે દર અઠવાડિયે આપોઆપ ક્લિનિંગ કરવા, ‘વીક્લી’ વિકલ્પ પસંદ કરી ‘નેક્સ્ટ’ ક્લિક કરીએ. - સ્ટેપ-૭ઃ
હવે આપણે અઠવાડિયાના જે દિવસે, જે સમયે સીક્લિનર રન કરવા માગતા હોઈએ તે સિસ્ટમને જણાવી દો. જેમ કે દર શનિવારે સાંજે પાંચ વાગ્યે. ફરી ‘નેક્સ્ટ’ પર ક્લિક કરો. - સ્ટેપ-૮ઃ
‘સ્ટાર્ટ એ પ્રોગ્રામ’ વિકલ્પ પસંદ કરી ‘નેક્સ્ટ’ ક્લિક કરો. અહીં આપેલા બીજા વિકલ્પો પણ ઊંડા ઊતરવા જેવા છે. જરા નજર ફેરવી લેજો. - સ્ટેપ-૯ઃ
‘બ્રાઉઝ’ પર ક્લિક કરી, તમારા કમ્પ્યુટરમાં સીક્લિનરની એપ્લિકેશન ફાઇલ શોધી કાઢો. મોટા ભાગે તેનું એડ્રેસ Files/CCleaner\CCeaner.exe હશે. આર્ગ્યુમેન્ટના ખાનામાં /auto લખશો તો સીક્લિનર આપણી મંજૂરી પૂછ્યા વિના જે તે સમયે શરુ થઈ જશે. - સ્ટેપ-૧૦ઃ
આગલ તબક્કે નેક્સ્ટ ક્લિક કરતાં જે વિન્ડો ખૂલે તેમાં “Open the Properties dialog for this task when I click Finish” સામે ટિક કરી, ‘ફિનિશ’ ક્લિક કરો. આપણે કેટલીક વાતોની ખાતરી કરવાની છે. - સ્ટેપ-૧૧:
કમ્પ્યુટરના એડમિનિસ્ટ્રેટર હોય તે જ યુઝર સીક્લિનરનો ઉપયોગ કરી શકે તે માટે “Run with highest privileges” સામે ટિક કરી, ઓકે કરી દો. તમે કમ્પ્યુટરના એડમિનિસ્ટ્રેટર તરીકે પાસવર્ડ સેટ કર્યો હશે તો તે પૂછશે, તે આપો એટલે સીક્લિનરનું વીકલી ક્લિનિર સેટ થશે.
આટલું ધ્યાને રાખશો…
સીક્લિનર કમ્પ્યુટરને ચોખ્ખુંચણાક રાખવા માટેની ઉપયોગી સુવિધા છે, પણ તેનો નિયમિત ઉપયોગ યાદ રાખવો મુશ્કેલ છે. એટલે ઉપર જણાવેલી, જરા અઘરી લાગતી વિધિ એક વાર કરી લેશો તો આ કામ નિયમિત અને આપોઆપ થશે. ફરી યાદ અપાવીએ કે આ સેટિંગ્સ કરતી વખતે કમ્પ્યુટરમાંના બીજા ટાસ્ક્સને છંછેડશો નહીં.
ઉપરાંત, એ પણ ધ્યાને લેશો કે જો તમે સીક્લિનરને રીસાયકલ બિન ખાલી કરવાની છૂટ આપી હશે તો એ નિયમિત ખાલી થશે, પણ પછી, ભૂલથી ડિલીટ કરેલી ફાઇલ પાછી મેળવવા પાછલા અંકમાં ચર્ચેલા રીકૂવા જેવા સોફ્ટવેરનો લાભ મળશે નહીં.
બ્રાઉઝરની કૂકિઝ પણ ડિલીટ થવાથી તેમાં સેવ થયેલાં યુઆરએલ ગાયબ થઈ જશે. ઉપરાંત કેટલાંક વેબપેજ ફરી ઓપન કરીએ ત્યારે શરુઆતમાં થોડી વાર લાગે એવું બની શકે છે.
અલબત્ત, આ બધા ગેરફાયદા સામે કમ્પ્યુટરની નિયમિત સફાઈના ફાયદા પણ ઘણા છે, બરાબર સમજી વિચારીને આગળ વધવા જેવું ખરું!

