એક સમયે ઇન્ટરનેટ પર ફક્ત એક તરફી કમ્યુનિકેશન હતું. જુદી જુદી વેબસાઇટ પર ઢગલાબંધ કન્ટેન્ટ જ હોય, જે જુદા જુદા યૂઝર્સ એટલે કે આપણે ફક્ત વાંચી શકીએ. તેનાથી આગળ કંઈ કરી ન શકીએ.
એ પછી જમાનો બદલાયો અને ઇન્ટરનેટ એક જબરદસ્ત ઇન્ટરએક્ટિવ માધ્યમ બની ગયું. આ નવા પ્રકારના ઇન્ટરનેટમાં આપણે સૌ પોતપોતાની રીતે યોગદાન આપી શકીએ છીએ. કોઈના બ્લોગ પરનો લેખ ગમે તો તેની નીચે આપેલા કમેન્ટ બોક્સની મદદથી આપણે તેમાં તે વિશે આપણો અભિપ્રાય આપી શકીએ. સોશિયલ મીડિયા પર તો બધું જ પૂરેપૂરું, યૂઝરે ઉમેરેલા કન્ટેન્ટ જ આધારિત છે. વિવિધ સાઇટ્સ પર ઓનલાઇન સર્વેક્ષણમાં આપણે ભાગ લઈ શકીએ છીએ એ પણ ઇન્ટરએક્ટિવિટીનો એક ભાગ છે.

આ બધાને કારણે ઇન્ટરનેટ વધુ જીવંત માધ્યમ બન્યું. પરંતુ તેની મોટી એક આડઅસર પણ થઈ. ઇન્ટરનેટ પર જુદી જુદી વેબસાઇટ પર યૂઝર્સની એક્ટિવિટી જેમ વધારે તેમ એ સાઇટની કમાણીની તક પણ વધુ. ઇન્ટરનેટ પર કમાણીના અનેક રસ્તાઓ છે, પણ એ બધાનો અંતિમ આધાર વિવિધ સાઇટ પર એક્ટિવિટીનું પ્રમાણ છે. આ કારણે કેટલાક ભેજાબાજોએ શોર્ટકટ શોધી કાઢ્યા –
જો સાઇટ પર જીવતા જાગતા માણસો કમેન્ટ લખવા જેવી એક્ટિવિટી ના કરે તો તેને બદલે એ કામ કમ્પ્યુટર પ્રોગ્રામ્સ પાસે કરાવી લેવું!

‘બોટ’ તરીકે ઓળખાતા આ પ્રોગ્રામ્સે ઇન્ટરનેટ પર રીતસર ઉત્પાત મચાવ્યો છે. એક અંદાજ મુજબ હવે ઇન્ટરનેટ પર જેટલો પણ ટ્રાફિક જોવા મળે છે તેમાં અડધાથી વધુ સાચા માણસો નહીં પણ આ પ્રકારના બોટથી જનરેટ થયેલો નકલી ટ્રાફિક હોય છે. ઓનલાઇન શોપિંગ સાઇટ્સ પર બોટ્સથી બનાવટી ઓર્ડર પણ મોટી સમસ્યા સર્જી શકે.
કેપ્ચાનું આગમન
બોટ આધારિત બનાવટી ટ્રાફિકથી ઇન્ટરનેટના સમગ્ર અર્થતંત્રને ગંભીર અસર થાય છે. આથી નકલી એક્ટિવિટીનું પ્રમાણ ઘટાડવાની તાતી જરૂર ઊભી થઈ.
એટલે જ, હવે મોટા ભાગની સાઇટ પર કમેન્ટ લખતી વખતે કે બીજો કોઈ ઇનપુટ આપતી વખતે આપણે પુરવાર કરવું પડે છે કે આપણે જીવતા જાગતા માણસ છીએ, કમ્પ્યુટર પ્રોગ્રામ નહીં.

આવી ખાતરી કરવા માટે વપરાતી વ્યવસ્થા ‘કેપ્ચા’ તરીકે ઓળખાય છે. બ્લોગ કે સાઇટમાં માણસને બદલે કમ્પ્યુટર પ્રોગ્રામ સ્પામ કમેન્ટનો મારો ન ચલાવી શકે એ માટે કેપ્ચાનો ઉપયોગ થાય છે.
કેપ્ચાનું અંગ્રેજીમાં આખું નામ છે CAPTCHA (Completely Automated Public Turing Test to Tell Computers and Humans Apart).
આ કેપ્ચાના આખા અંગ્રેજી નામમાં ‘ટ્યુરિંગ ટેસ્ટ’ શબ્દ ન સમજાયો? એલન ટ્યુરિંગ નામના એક અંગ્રેજ ગણિતશાસ્ત્રીએ છેક ૧૯૪૦ અને ૧૯૫૦ના દાયકામાં, કમ્પ્યુટર માણસની જેમ વિચારી શકે કે નહીં એ તપાસવાની એક પદ્ધતિ આપી હતી, જે પાછળથી, તેમના માનમાં ટ્યુરિંગ ટેસ્ટ તરીકે ઓળખાઈ!

એલન ટ્યુરિંગ મોડર્ન કમ્પ્યુટિંગના પિતા ગણાય છે અને આજની બહુ ગાજતી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેક્નોલોજીના પાયામાં પણ તેમનાં સંશોધનોનો ઉપયોગ થાય છે! તેમનાં સંશોધનો આધારિત કેપ્ચા પદ્ધતિમાં આપણને વાંચવા મુશ્કેલ એવા અક્ષર કે અંક ફરી લખવાનું કહેવામાં આવે છે, જેને આપણે માણસ તો ઓળખી લઈએ, પણ બોટ ઓળખી શકતા નથી.
જોકે આ પ્રકારના ગરબડિયા અક્ષર બરાબર ઉકેલીને લખવાનું મોટાભાગના લોકોને બહુ અગવડભર્યું લાગે છે. જો અક્ષર ઉકેલવામાં ગરબડ થાય તો નવેસરથી એ કસરત કરવી પડે.

પરિણામે કેટલાય લોકો ફક્ત કમેન્ટ લખવા જેવું સીધું સાદુ કામ હોય તો પછી કેપ્ચા ઉકેલવાની જફા વહોરવાને બદલે ઇન્ટરનેટ પર બીજી સાઇટ પર આગળ વધી જાય. પરિણામે જે તે સાઇટ પર જોઇતી ઇન્ટર એક્ટિવિટી ન મળે.
આના ઉપાય તરીકે કેટલીક સાઇટ પર બહુ નજીવા સરવાળા, બાદબાકીના દાખલા પૂછવામાં આવે છે અને જો તેનો જવાબ મળે તો તે માણસ હોવાનું પૂરવાર થાય અને સાઇટ પર કમેન્ટ મૂકી શકાય. આ પદ્ધતિઓ માણસ માટે સરળ છે, તેમ માણસની નકલ કરતા બોટ માટે પણ સહેલી બની જાય છે!

દરમ્યાન વર્ષ ૨૦૦૯માં ગૂગલે આ ટેકનોલોજી ખરીદી લીધી. ગૂગલને આ ટેકનોલોજીમાં રસ પડવાનું કારણ બહુ મજાનું હતું.
ગૂગલે બહુ મોટા પાયે વિશ્વભરના પ્રિન્ટેડ લખાણને ડિજીટલ સ્વરૂપ આપવાનું મોટું અભિયાન હાથ ધર્યું છે. આ માટે ઓપ્ટિકલ કેરેકટર રેકોગ્નેશન (ઓસીઆર) તરીકે ઓળખાતી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે તેમાં કમ્પ્યુટર છપાયેલા શબ્દને ઓળખીને તેને એડિટ કરી શકાય તેવા સ્વરૂપમાં ફેરવી નાખે છે. છપાયેલા શબ્દો કોઈ કારણસર ડિસ્ટોર્ટ થયેલા હોય તો મશીન તેને બરાબર ઉકેલી શકે નહીં. આના ઉપાય તરીકે ગૂગલે આવા શબ્દો ઉકેલવાનું કામ દુનિયાભરના લાખો લોકો પાસે કરાવવાનું શરૂ કર્યું. આવા ન ઉકેલાયેલા શબ્દો-અક્ષરો ગૂગલ રીકેપ્ચામાં ઉપયોગમાં લે છે અને આપણે સૌ પોતે માણસ છીએ તેવું સાબિત કરવા માટે તે અક્ષરો ઉકેલીને ગૂગલનું કામ સરળ કરી આપીએ છીએ!
ગૂગલની આગેવાનીમાં રીકેપ્ચા
કેપ્ચાના નવા સ્વરૂપ, રીકેપ્ચામાં ગૂગલની સ્ટ્રીટ વ્યૂ સર્વિસને આધારે, વિવિધ જાહેર સ્થળોના ફોટોગ્રાફ્સ બતાવીને તેમાંથી અમુક ચોક્કસ, જેમ કે કાર ધરાવતા ફોટોગ્રાફ્સ ઓળખી બતાવવાનું કહેવામાં આવે છે. ક્યારેક પહેલી પરીક્ષાના પરિણામથી સંતોષ ન થાય તો આપણે બીજી પરીક્ષા પણ આપવી પડે છે!
ઇન્વિઝિબલ રીકેપ્ચા
મશીન લર્નિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આજના સમયમાં બુદ્ધિની બાબતે કમ્પ્યુટર માણસની હરીફાઈ કરવા લાગ્યા છે અને તેની અસર રીકેપ્ચા પર પણ થઈ છે.
ગૂગલના રીકેપ્ચાને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી હવે આસાનીથી કમ્પ્યુટર પોતે ઉકેલી આપે છે! તમે ઇચ્છો તો તમારા કમ્પ્યુટરના બ્રાઉઝરમાં તે માટેનાં ખાસ એક્સટેન્શન ઉમેરીને જ્યારે પણ રીકેપ્ચા ઉકેલવાનો સવાલ આવે ત્યારે તમારે બદલે બ્રાઉઝરમાંનું એક્સટેન્શન એ કસરત પૂરી કરી આપે એવી ગોઠવણ કરી શકો છો.
એવું માનવામાં આવે છે કે હવે રીકેપ્ચાના લગભગ ૯૯ ટકા સવાલો કમ્પ્યુટર આવી રીતે ઉકેલી શકે છે. મતલબ કે ગૂગલ માટે એનો પણ ઉપાય શોધવાની જરૂર ઊભી થઈ. એ માટે ગૂગલે ‘ઇન્વિઝિબલ’ રીકેપ્ચા એટલે કે સ્ક્રીન પર કોઈ પ્રકારનું ફોર્મ કે સવાલ જોવા ન મળે તેમ છતાં આપણે માણસ હોવાનું પૂરવાર થઈ જાય તેવી ટેકનોલોજી અમલમાં મૂકી છે!
આ પદ્ધતિમાં આપણને કોઈ અક્ષરો ઉકેલવાનું કે ચિત્રો ઓળખવાનું કહેવામાં આવતું નથી પરંતુ વેબસાઇટની અંદર જ આપણી નજરે ન ચઢે એવી રીતે મૂકવામાં આવેલા કોડઝ સ્ક્રીન પર આપણી એક્ટિવિટી તપાસતા રહે છે.
પેજ સ્ક્રોલ કરવાની આપણી ઝડપ, પેજ પર ટાઇપ કરવાની ઝડપ, માઉસ કે ટચની મૂવમેન્ટ વગેરેને આધારે આ કોડ નક્કી કરી લે છે કે વેબસાઇટના જે તે પેજના એ ક્ષણના મુલાકાતી કોઈ માણસ છે કે કમ્પ્યુટર પ્રોગ્રામ.
જો કોડને ખાતરી થાય કે આપણે માણસ જ છીએ તો પછી આપણને કોઈ અક્ષર ઉકેલવા કે ચિત્રો ઓળખવાનું કહેવામાં આવતું નથી અને આપણે કમેન્ટ લખવા જેવું કામ સહેલાઈથી કરી શકીએ છીએ. પરંતુ જો કોડને પેજ પરની ગતિવિધિ જરા પણ શંકાસ્પદ લાગે તો આપણને આ બધી કસરત કહેવાનું કહેવામાં આવે છે!

