ગયા મહિને અખબારમાં ‘સાયબરસફર’ કોલમે ૧૦ વર્ષ અને આ મહિને, આ મેગેઝિને ૬ વર્ષ પૂરાં કર્યાં! વેબસાઇટ પર લેખોની સંખ્યા બે હજાર સુધી પહોંચી છે.
કોલમનો બિલકુલ પહેલો લેખ ગૂગલ સર્ચ વિશે હતો. એ સમયે પહેલો આઇફોન લોન્ચ થયાને હજી એક જ વર્ષ થયું હતું અને એન્ડ્રોઇડવાળા સ્માર્ટફોન આપણા હાથમાં તો ઠીક, દુનિયામાં આવવાને જ પૂરા નવ મહિનાની વાર હતી!
અત્યારે સ્માર્ટફોન આપણા જીવનમાં એવા વણાઈ ગયા છે કે એ માત્ર દસેક વર્ષ જૂના છે એ માનવું મુશ્કેલ છે.
આ દસ વર્ષમાં ઘણું બધું બદલાયું છે. નથી બદલાઈ ફક્ત એક વાત – સ્માર્ટ ટેક્નોલોજીનો ઉપયોગ શીખ્યા વિના કોઈને નહીં ચાલે અને શીખ્યા પછી, તેનો યોગ્ય અને ખરેખર સ્માર્ટ ઉપયોગ સમજ્યા વિના નહીં ચાલે.
‘સાયબરસફર’નું હંમેશા આ જ લક્ષ્ય રહ્યું છે. એટલે જ આ અંક વાંચવાનું છેલ્લા પાનેથી શરૂ કરીને યુટ્યૂબ પર એક વીડિયો જોવાની ભલામણ છે! હવે રોજનો ૧ જીબી ડેટા મળવાને કારણે જેને જુઓ તે વીડિયોમાં ગળાડૂબ જોવા મળે છે. આ જ યુટ્યૂબ પર એવું ઘણું બધું છે જે કોઈ પણ યુવાનને તેના અભ્યાસ અને કારકિર્દીમાં અનેકગણી નવી ઊંચાઈ આપી શકે છે. જરૂર માત્ર ક્યાંથી શરૂ કરવું તેના નાના ઇશારાની હોય છે.
આ મેગેઝિનમાં બધી વાતો બહુ વિગતવાર સમાવવાનો અવકાશ નથી, પણ અમને ખરો રસ, આંગળી ચિંધ્યાનું પૂણ્ય કમાવામાં જ છે! આ સફરમાં, આટલે સુધી સાથ આપવા બદલ તમારો દિલથી ઋણસ્વીકાર!
– હિમાંશુ
