ગુજરાતની શાળાઓ અને શિક્ષકો પાસેથી એક અપેક્ષા છે. સાથે એવો વિશ્વાસ પણ છે કે ગુજરાત આ અપેક્ષા પૂરી કરી જ શકશે, કેમ કે ઘણી શાળાઓમાં આવી પહેલ થવા પણ લાગી છે.
પણ આ અપેક્ષાનો ફોડ પાડતાં પહેલાં, થોડી બીજી વાત કરી લઈએ. સર્ચ એન્જિનથી શરૂઆત કરીને બીજી અનેક રીતે આપણા જીવનમાં રીતસર ઊંડો પગપેસારો કરી ચૂકેલી ગૂગલ કંપનીએ ખાસ ભારતની યુનિવર્સિટીઓ અને કોલેજોના વિદ્યાર્થીઓ માટે એક પ્રોગ્રામ શરૂ કર્યો છે – નામ છે ગૂગલ સ્ટુડન્ટ એમ્બેસેડર પ્રોગ્રામ (‘સાયબરસફર’ના ઓગસ્ટ ૨૦૧૩ અંકમાં આપણે ગુજરાતમાંથી પસંદ થયેલા ૬ સ્ટુડન્ટ એમ્બેસેડરના અનુભવો જાણ્યા હતા). આમ તો ગૂગલ વિશ્ર્વના અન્ય દેશોમાં પણ આ કાર્યક્રમનો અમલ કરી રહી છે. જેમ વિવિધ કંપનીઓ પોતાનાં ઉત્પાદનો માટે અલગ અલગ ફિલ્મ સ્ટાર કે ક્રિકેટ પ્લેયર્સને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવીને તેમના મારફત પોતાનાં ઉત્પાદનોની જાહેરાત કરે છે કંઈક એવી જ રીતે, ગૂગલ પોતાની વિવિધ સેવાઓના પ્રસાર માટે વિદ્યાર્થીઓને પોતાના એમ્બેસેડર બનાવે છે, પણ અહીં વાત જુદી છે. ગૂગલ આખરે એક વ્યાવસાયિક કંપની છે અને તેણે પણ પોતાના નફાનો વિચાર કરવાનો છે એ વાત સાચી, પણ તેની દરેકેદરેક સેવાઓ શિક્ષણમાં અત્યંત ઉપયોગી થાય તેમ છે. ગૂગલ તેની દરેક પ્રોડક્ટનો શિક્ષકો અને વિદ્યાર્થીઓ વધુમાં વધુ લાભ લે એ માટે ખાસ પ્રયાસો પણ કરે છે.
એ દૃષ્ટિ જોઈએ તો ગૂગલના આ સ્ટુડન્ટ એમ્બેસેડર પ્રોગ્રામનું મહત્ત્વ ઘણું થાય છે.
ગૂગલની વિદ્યાર્થીઓ પસંદ કરવાની ક્રિયા પણ સમજવા જેવી છે. વિદ્યાર્થીઓ સામેથી તેમાં અરજી કરી શકતા નથી. ગૂગલની ભારતની ઓફિસના અધિકારીઓએ ભારતની બધી યુનિવર્સિટીઓમાંથી પોતાના માપદંડો અનુસાર કોલેજો અલગ તારવીને તેમને આમંત્રણ મોકલ્યું કે ‘તમારી દૃષ્ટિએ કોલેજના સૌથી તેજસ્વી અમુક વિદ્યાર્થીઓની યાદી અને તેમની વિગતો અમને મોકલો, અમે તેમાંથી અમુક વિદ્યાર્થીઓના ફોન પર ઇન્ટરવ્યૂ કરીશું અને પછી તેમાંથી એક વિદ્યાર્થી પસંદ કરીશું.’
આ કોલેજોની યાદી તપાસીએ તો સમજાય છે કે તેમાં ફક્ત ઇન્ફર્મેશન ટેક્નોલોજી કે કમ્પ્યુટર કે એન્જિનિયરિંગની કોલેજ જ નથી. એમાં તો એગ્રિકલ્ચર, પ્લાનિંગ, મેનેજમેન્ટ, મેડિકલ, ફાર્મસી, હોટેલ મેનેજમેન્ટ વગેરે વિષયોની કોલેજ પણ સામેલ છે. ગૂગલ તેની આ પ્રોગ્રામ વિશેની વેબસાઇટ પર લખે છે કે તેનું કાર્યક્ષેત્ર ભલે ઇન્ફર્મેશન ટેક્નોલોજી રહ્યું, તેની સર્વિસીઝ તો સૌ કોઈને ઉપયોગી છે અને તેને બહેતર બનાવવા માટે તેને વધુ ને વધુ, વિવિધ પ્રકારનું બેકગ્રાઉન્ડ ધરાવતા લોકો પાસેથી આઇડિયા એકઠા કરવા છે!ગૂગલે સ્ટુડન્ટ એમ્બેસેડર તરીકે પસંદ કરેલા વિદ્યાર્થીઓ પોતાની કોલેજમાં અભ્યાસ ચાલુ રાખે છે, પરંતુ કોલેજમાં રહીને તેઓ ગૂગલના સંકલનમાં કામ કરે છે. ગૂગલ પોતાની વિવિધ સર્વિસ વિશે જાણકારી ફેલાવવા કે સર્વેક્ષણો કરવા જેવી કોઈ પ્રવૃત્તિ કરેે ત્યારે કોલેજના અન્ય વિદ્યાર્થીઓ અને ગૂગલ વચ્ચે, સ્ટુડન્ટ એમ્બેસેડર કડી તરીકે કામ કરે છે.
ગૂગલના આ પ્રોગ્રામમાં ગુજરાતની ૧૫-૧૬ કોલેજ-યુનિવર્સિટીને પણ વિદ્યાર્થીઓની યાદી સૂચવવા માટે આમંત્રણ મોકલાયું છે. આ સંદર્ભે, ગુજરાતની એક અગ્રગણ્ય કોલેજના પ્રોફેસર સાથે વાતચીત થઈ ત્યારે તેમણે બહુ નોંધપાત્ર વાત કરી.
ગુજરાતની શાળાના શિક્ષકો, આચાર્યો અને ટ્રસ્ટીઓને હવે વધુ ધ્યાન આપવા ખાસ વિનંતી!એ પ્રોફેસર સાથેની વાતચીતમાં મુદ્દો એ ચર્ચાઈ રહ્યો હતો કે ગુજરાતના વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાત્મક ઓમાં પાછળ રહે છે એવી એક સામાન્ય છાપ છે. ગુજરાતી વિદ્યાર્થીઓનું ઇંગ્લિશ બહુ કાચું હોય છે એવી પણ છાપ છે. ગુજરાતી માધ્યમ સારું કે ઇંગ્લિશ મીડિયમ વધુ સારું એ મુદ્દો તો અવારનવાર ઊછળતો રહે છે. એ સંદર્ભમાં, એ પ્રોફેસરને આ લખનારે પૂછ્યું કે ગુજરાતમાં કમ્પ્યુટર ટેક્નોલોજી કે અન્ય વિષયનું ટેક્નિકલ શિક્ષણ આપતી કોલેજોમાં ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી માધ્યમમાં ભણેલા વિદ્યાર્થીઓના સ્તરમાં કોઈ ફેરફાર લાગે છે ખરો?
પ્રોફેસરે કહ્યું કે આવડત કે વિષયના જ્ઞાનની વાત કરીએ તો ગુજરાતી માધ્યમમાં ભણેલા વિદ્યાર્થીઓ બિલકુલ ઊણા ઊતરે તેવા હોતા નથી. ફક્ત, જ્યાં પોતાનું જ્ઞાન ઇંગ્લિશમાં વ્યક્ત કરવાની વાત આવે કે બીજા લોકો સાથે ઇંગ્લિશમાં ચર્ચા કરવાની વાત આવે ત્યારે તેમનામાં આત્મવિશ્વાસ થોડો અભાવ જોવા મળે છે.
આ વાતમાં બે મુદ્દા અગત્યના છે – ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ બીજા કરતાં સહેજ પણ પાછળ નથી, માત્ર આત્મવિશ્વાસનો અભાવ છે! શિક્ષણ સાથે સંકળાયેલા હોઈએ કે ન હોઈએ, આ સ્થિતિથી આપણે સૌ પરિચિત તો છીએ જ, પરંતુ ગુજરાતની એક આગળ પડતી કોલેજમાં, સતત ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ સાથે સંપર્કમાં રહેતા પ્રોફેસર જ્યારે આ જ વાત કહે ત્યારે તેનું મહત્ત્વ વધી જાય છે.
તો હવે આ સ્થિતિનો ઉપાય શો હોઈ શકે?
મારા મતે, ગુજરાતી માધ્યમની શાળાઓની આ દિશામાં બહુ મહત્ત્વપૂર્ણ ભૂમિકા હોઈ શકે. એટલું સ્પષ્ટ છે કે ગુજરાતી માધ્યમમાં ભણતા વિદ્યાર્થીઓ આવડતમાં તો પાછળ નથી જ. રહે પણ નહીં, કેમ કે હવે જગત આખું સ્વીકારવા લાગ્યું છે માતૃભાષામાં મળતું શિક્ષણ વધુ અસરકારક હોય છે. હવે સવાલ ફક્ત આ વિદ્યાર્થીઓની ક્ષિતિજો વિસ્તારવાનો છે, જે કામ શાળાઓથી વધુ અસરકારક રીતે બીજું કોઈ કરી શકે નહીં.
વાતને થોડી આડે પાટે ચઢાવીએ તો, આજકાલ ઇંગ્લિશ મીડિયમ માટે પણ વાલીઓમાં મૂંઝવણ વધી રહી છે – કયું બોર્ડ લેવું? ગુજરાત બોર્ડ કે કેન્દ્ર સરકારનું સીબીએસઈ કે આંતરરાષ્ટ્રીય સ્તરનું આઈસીએસઈ? સામાન્ય છાપ એવી છે ગુજરાત બોર્ડનો અભ્યાસક્રમ પ્રમાણમાં સહેલો છે, સીબીએસઈનો અભ્યાસક્રમ અઘરો છે અને આઈસીએસઈ તો વળી એથીય અઘરું છે.
આ અભ્યાસક્રમ ‘સહેલો’ ને ‘અઘરો’ છે એવું નક્કી કઈ રીતે થાય છે? મોટા ભાગે લોકોની માન્યતા એવી છે (જે કદાચ સાચી પણ હોય) કે ગુજરાત બોર્ડની પરીક્ષામાં પાઠ્યપુસ્તકોમાંથી જ પ્રશ્નો પુછાય, જ્યારે બીજાં બોર્ડની પરીક્ષામાં વિષય અને સ્તર પાઠ્યપુસ્તક મુજબ જ હોય, પણ સવાલ જરા જુદી રીતે પુછાઈ શકે અથવા ‘પાઠ્યપુસ્તક બહારના’ પણ હોઈ શકે. આથી બીજા બોર્ડની પરીક્ષાની તૈયારી કરવા માટે ઘણું બધું વધુ વાંચવું, જાણવું ને સમજવું પડે!
હવે શિક્ષણને શાળાની બહાર કાઢીને, એકદમ વ્યાપક અર્થમાં જોઈએ તો આ સારી વાત છે – કોઈ પણ વિષયનું બધું જ્ઞાન ફક્ત એક પાઠ્યપુસ્તકમાંથી જ મળી જાય એવું તો શક્ય નથી. જો બીજા રાજ્યોના વિદ્યાર્થીઓ જુદા જુદા સ્રોતોમાંથી શિક્ષણ મેળવી શકતા હોય તો એ જ ઉંમરના આપણા વિદ્યાર્થીઓ કેમ મેળવી ન શકે?
આપણે એ સ્વીકારવું રહ્યું કે આજે કોઈ પણ બાબત માટેનું શિક્ષણ મેળવવા માટેના સ્રોત અનેક રીતે વિકસી રહ્યા છે. શાળામાંનું ઔપચારિક અને પાઠ્યપુસ્તક આધારિત શિક્ષણ ચોક્કસ મહત્ત્વનું છે, તેનો કોઈ વિકલ્પ ન હોઈ શકે, પણ તેને પૂરક હોય એવાં ઘણાં માધ્યમો હવે વિકસી રહ્યાં છે.
જેમાંનું મુખ્ય માધ્યમ છે ઇન્ટરનેટ. આપણા વિદ્યાર્થીઓની ક્ષિતિજો વિસ્તારવી હશે, તેમને એકથી વધુ માધ્યમોમાંથી જે તે વિષયની જાણકારી અને સમજ મેળવતાં શીખવવું હશે, તો તેમને ઇન્ટરનેટ તરફ વાળવા જ રહ્યા. આજે ઇન્ટરનેટનો વ્યાપ એટલો અસીમ રીતે વિસ્તરી રહ્યો છે કે કોઈ પણ વિષયની પ્રાથમિકથી માંડીને તલસ્પર્શી માહિતી મેળવવી હોય તો ઇન્ટરનેટથી વધુ અસરકારક બીજું કોઈ માધ્યમ નથી.
ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ સંકુચિતતામાંથી બહાર નીકળીને આખી દુનિયા સાથે કદમ મિલાવતા થશે તો સારું અંગ્રેજી ન આવડતું હોવાની લઘુતાગ્રંથિ ચોક્કસ દૂર થશે.
અત્યારે સ્થિતિ એવી છે કે બાલમંદિરમાં પ્રવેશ માટે થનગની રહેલા બાળકને તેની મમ્મી એકડો-બગડો શીખવવા માગતી હોય તો તેનું આ કામ એકદમ રસપ્રદ બનાવી શકે એવી મસ્ત મજાની શૈક્ષણિક રમતો બતાવતી અનેક વેબસાઇટ્સ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. બીજી તરફ, શાળા-કોલેજ પાર કરીને કોઈ વિદ્યાર્થી કોઈ ચોક્કસ વિષયમાં ખરેખરો નિષ્ણાત બનવા મથી રહ્યો હોય તો તેને માટે વિશ્વની અનેક યુનિવર્સિટી હવે તેના ક્લાસરૂમમાં લેવામાં આવતાં લેક્ચર્સના વીડિયો તૈયાર કરીને બિલકુલ નિ:શુલ્ક ઇન્ટરનેટ પર વહેંચી રહી છે.
દુનિયાના સંખ્યાબંધ શિક્ષકો ગણિત, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, અંગ્રેજી વગેરે અનેકવિધ વિષયોના પોતાના જ્ઞાનને પોતાના બ્લોગ દ્વારા દુનિયા આખી માટે સુલભ બનાવી રહ્યા છે. દુનિયાભરના અનેક વિષયનિષ્ણાતો ઇન્ટરનેટ થકી પોતાના જ્ઞાનની ગંગા વહાવી રહ્યા છે. વિકિપીડિયા જેવો અત્યંત સમૃદ્ધ જ્ઞાનકોષ બિલકુલ મફતમાં આપણને ઉપલબ્ધ છે. સમગ્ર પૃથ્વીની ભૂગોળ વિશે જાણકારી મેળવવી હોય તો ગૂગલ મેપ્સ અને ગૂગલ અર્થ જેવાં સાધનો હવે આપણી પાસે હાથવગાં છે.
અને આ બધું ફક્ત અમેરિકા-ઇંગ્લેન્ડના વિદ્યાર્થીઓ માટે જ છે એવું નથી – બધું જ આખી દુનિયામાં સૌને માટે સમાન રીતે ઉપલબ્ધ છે – શરત માત્ર એટલી કે આપણી પાસે કમ્પ્યુટર અને ઇન્ટરનેટ કનેક્શન હોવું જોઈએ. આપણી રાજ્ય સરકારે વિવિધ ખાનગી કંપનીઓ સાથે હાથ મિલાવીને વિરાટ પાયે આ કામ હાથ ધર્યું છે, રાજ્યના ખૂણેખૂણાનાં ગામડાંની શાળાઓ સુધી પણ કમ્પ્યુટર અને બ્રોડબેન્ડ ઇન્ટરનેટ કનેક્શન પહોંચાડી દીધાં છે.
હવે સવાલ ફક્ત, જે હાથવગું છે એનો પૂરેપૂરો લાભ લેવાનો છે. શાળાના વિદ્યાર્થીઓને અનૌપચારિક શિક્ષણના આ અદ્ભુત સ્રોતમાં રસ લેતા કરવાના છે અને એ માટે, સૌથી પહેલા શિક્ષકોએ કમ્પ્યુટર-ઇન્ટરનેટ સાથે દોસ્તી કરીને માઉસને પાંખો આપવાની છે. ઇન્ટરનેટ પર આરએસએસ નામની એક અત્યંત ઉપયોગી સુવિધા છે, જેની મદદથી ફીડલી (www.feedly.com) જેવી સર્વિસમાં શિક્ષકો મફત એકાઉન્ટ ખોલાવીને, પોતાના ગમતા વિષયો અંગે ઇન્ટરનેટની વિવિધ સાઇટ્સ પર રોજેરોજ જે નવી માહિતી મુકાતી હોય તે બધી જ એક જ પેજ પર જોઈ શકે છે. એક રીતે જોઈએ તો ઇન્ટરનેટમાં આપમેળે અપડેટ થતી, આપણી પોતાની લાઇબ્રેરી વિકસાવવા જેવી આ વાત થઈ.
શાળાના શિક્ષકો માટે આવી સેવાઓનો લાભ લઈને પોતાનું જ્ઞાન વિસ્તારવું અને વિદ્યાર્થીઓને તેમાં રસ લેતા કરવા એ તો પહેલું પગથિયું છે. ફેસબુક અત્યારે શેર-શાયરી, જોક્સ કે ચિત્રવિચિત્ર તસવીરો અપલોડ કરવાનું સાધન બની ગયું છે તેને બદલે તેની પ્રચંડ તાકાતનો લાભ લઈને કોઈ શિક્ષક પોતાના વિષયમાં જે નવી જાણકારી મળે તેને ફેસબુકના માધ્યમથી બીજા અનેક લોકોને – આપણી ભાષામાં – પહોંચાડે એવું ન થઈ શકે? હજી એક ડગલું આગળ વધવું હોય તો શાળા કે શિક્ષકો પોતાનો બ્લોગ પણ બનાવી શકે. જીમેઇલ કે યાહૂમાં આપણે આપણું એકાઉન્ટ ઓપન કરીને સંભાળીએ એટલું જ સહેલું આ બ્લોગ બનાવવાનું કામ છે.
જીમેઇલનું એકાઉન્ટ હોય તો તેમાં સાઇન-ઇન થઈને www.blogger.com સાઇટ પર જઈને ફક્ત ત્રણ-ચાર પગલાંમાં, ગણતરીની મિનિટમાં આપણે બ્લોગ બનાવી શકીએ છીએ. www.wordpress.com પર જઈને પણ આપણે સહેલાઈથી, કોઈ ખર્ચ વિના વેબસાઇટ કે બ્લોગ બનાવી શકીએ છીએ – આ માટે કોઈ ટેક્નિકલ જાણકારીની જરૂર નથી, કશુંક નવું શીખવાની અને કશુંક નવું કરવાની ધગશ હોય, અંગ્રેજીમાં અપાયેલી સાદી સૂચનાઓને સમજવાની ક્ષમતા હોય તો આ બિલકુલ સહેલું છે.
શાળાઓ કે શિક્ષકો પોતાના બ્લોગ બનાવે, વિદ્યાર્થીઓને એમાં સાંકળે, જુદા જુદા લેખ, ફોટોગ્રાફ, વીડિયો તેમાં મુકાય, શાળાનો પ્રવાસ યોજાય તો તેમાં આવરી લેવાનાં સ્થળોનો નક્શો ગૂગલ મેપ પર તૈયાર થાય અને એ નક્શો શાળાના બ્લોગ પર જોવા મળે, એની સાથે પ્રવાસના દરેક સ્થળ વિશેનો વિકિપીડિયાનો લેખ જોવા મળે, અન્ય લોકોએ તે સ્થળના લીધેલા ફોટોગ્રાફ, વીડિયો વગેરે જોવા મળે અને આ બધું કામ શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે મળીને કરે… આ બધું કરતાં કરતાં અંગ્રેજી ભાષાની કેવી ઊંડી સમજ કેળવાતી જાય અને જુદા જુદા વિષયોનું જ્ઞાન કેવું પાકું થતું જાય એનો વિચાર કરી જુઓ! આગળ કહ્યું તેમ ઘણી ગુજરાતી શાળાઓ અને શિક્ષકોએ આવી પહેલ કરી છે, બીજી શાળાઓ પણ આગળ વધે તો?

