(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ખિસ્સામાં લઈને ફરો તમારું કમ્પ્યુટર!

આવનારા સમયમાં કમ્પ્યુટર કેવાં હશે? આપણે એ આજે જાણી શકીએ છીએ. એટલું જ નહીં, તેને ખરીદી પણ શકીએ છીએ! બજારમાં આવી ગયેલાં પેનડ્રાઇવ જેવડાં સીપીયુ હજી પ્રાથમિક છે, પણ ભાવિનો અણસાર જરૂર આપે છે.

કમ્પ્યુટર આ એક નાના અમથા શબ્દમાંથી, હજી નાનો અમથો, છેલ્લો ર કાઢી નાખીએ તો શું થાય? કમ્પ્યુટરની સાઇઝ અને વજન બંનેમાં ધરખમ ઘટાડો થઈ જાય! માન્યામાં નથી આવતુંને? હમણાં હમણાં, કમ્પ્યુટરના પ્રાણ સમાં પ્રોસેસર બનાવતી કંપની ઇન્ટેલ અને સ્માર્ટફોન-ટેબલેટના ક્ષેત્રે નામ જમાવી રહેલી આઇ-બોલ કંપનીએ બિલકુલ એક પેનડ્રાઇવની સાઇઝનાં કમ્પ્યુટર લોન્ચ કર્યાં છે. આઇ-બોલે પોતાની પ્રોડક્ટનું નામ સ્પ્લેન્ડો રાખ્યું છે, જ્યારે ઇન્ટેલે રની બાદબાકી કરીને નામ પાડ્યું છે કમ્પ્યુટ!

છેલ્લા થોડા સમયથી કમ્પ્યુટિંગના ક્ષેત્રે જે ઉથલપાથલ ચાલી રહી છે એ ખરેખર રસપ્રદ છે. કમ્પ્યુટર આખેઆખા રૂમ જેટલી જગ્યા રોકતાં એ જૂના જમાનાને બાદ કરીએ તો હજી થોડા સમય પહેલાં એવી સ્થિતિ હતી કે કમ્પ્યુટર એટલે સીપીયુ, મોનિટર, કી-બોર્ડ અને માઉસનો જમેલો. પછી લેપટોપ, મેકબુક વગેરે આવ્યાં અને પર્સનલ કમ્પ્યુટર જરા વધુ પર્સનલ બન્યાં. પછી, વળી લેપટોપની નાની બહેન જેવી નેટબુક આવી ને પછી અલ્ટ્રાબુક પણ આવી. બીજા છેડે સ્માર્ટફોન કમ્પ્યુટરનું ઘણું બધું કામ કરવા લાગ્યા અને એનો સ્ક્રીન નાનો પડ્યો એટલે આઇપેડ, ટેબલેટ, ફેબલેટ વગેરે આવ્યાં. પછી લેપટોપ અને ટેબલેટ બંનેની જેમ કામ આપે જેવી કન્વર્ટીબલ અલ્ટ્રાબુક્સ પણ આવી. વચ્ચે ગૂગલે ક્રોમબુક નામે નવો ચીલો ચાતરવાની કોશિશ કરી.

આ બધી કસરતના મૂળમાં, કમ્પ્યુટરનું વજન અને કદ શક્ય એટલું ઘટાડીને રોજિંદું કામકાજ વધુ ને વધુ સહેલું બનાવવાની મથામણ રહેલી છે. પેનડ્રાઇવ જેવડું કમ્પ્યુટર આ જ મથામણનું એક નવું પરિણામ છે.

આપણા કમ્પ્યુટરમાં પેન ડ્રાઇવ જેવું ડોંગલ લગાવીને નેટ કનેક્શન મેળવી શકાય છે, એમ આ પેનડ્રાઇવ જેવા કમ્પ્યુટરને એચડીએમઆઇ પોર્ટ ધરાવતા ટીવી (હવે મોટા ભાગનાં સારાં ટીવીમાં આ સુવિધા હોય છે) કે મોનિટર સાથે કનેક્ટ કરીને તેને કમ્પ્યુટરના મોનિટર તરીકે વાપરી શકાય છે.

ગૂગલે ક્રોમકાસ્ટ નામે આવું એક સાધન વિક્સાવ્યું છે, પણ એ જરા જુદા પ્રકારનું છે. તેને ટીવી સાથે કનેક્ટ કરતાં, સ્માર્ટફોન કે ટેબલેટના સ્ક્રીન તરીકે મોનિટરનો ઉપયોગ કરી શકાય છે, એ અર્થમાં ક્રોમકાસ્ટ મોનિટર અને મોબાઇલ ડિવાઇસને ફક્ત કનેક્ટ કરવાનું કામ કરે છે, એથી વધુ નહીં. જ્યારે આ પીસી ઇન એ સ્ટિક, પોતે જ એક કમ્પ્યુટર તરીકે કામ કરે છે, એ પણ સ્ટ્રેઇટ આઉટ ઓફ ધ બોક્સ!

એટલે કે તેમાં ઓપરેટિંગ સિસ્ટમ, મેમરી કે સ્ટોરેજ ઉમેરવાની જરૂ‚ર નથી. બધું જ આ ટચૂકડા સાધનમાં મોજૂદ છે. ઇન્ટેલની વાત કરીએ તો તેના સાધનમાં વિન્ડોઝ ૮.૧ ઓએસ પ્રીઇન્સ્ટોલ્ડ છે (લિનક્સનું ઉબન્ટુ સાથેનું વર્ઝન પણ તમે આ વાંચતા હશો ત્યાં સુધીમાં કદાચ આવી ગયું હશે). ૧.૮૩ ગીગાહર્ટ્ઝનું ક્વોડ કોર ઇન્ટેલ એટમ પ્રોસેસર છે (જે પેલી નેટબુકમાં હતું), એક ફૂલ સાઇઝ યુએસબી પોર્ટ છે. ૨ જીબી રેમ છે, ૩૨ જીબીની સ્ટોરેજ છે અને એક્સ્ટ્રા સ્ટોરેજ માટે માઇક્રોએસડી કાર્ડનો સ્લોટ છે. તેમાં ઇન્ટેલ એચડી ગ્રાફિક્સ પણ છે, તેની મદદથી ૩ડી ગેમ પણ સારી રીતે ચલાવી શકાય છે. આ ટચૂકડા પીસીમાં વાઈ-ફાઈ અને બ્લુટૂથની સુવિધા પણ છે. એટલે ઇચ્છો તો તેમાં વાયરલેસ કી-બોર્ડ અને માઉસ પણ કનેક્ટ કરી શકાય. એક સમાચાર અનુસાર, પ્લે સ્ટોરમાંથી ઇન્ટેલની એક એપ ડાઉનલોડ કરીને, સ્માર્ટફોનને કમ્પ્યુટ સ્ટિકના કીબોર્ડ તરીકે પણ વાપરી શકાય છે.

આઇ-બોલ સ્પ્લેન્ડોમાં પણ લગભગ આ જ બધી સુવિધા છે, કેમ કે તે ઇન્ટેલના કમ્પ્યુટ પર જ આધારિત છે.

પીસીને તદ્દન નાનું કરી નાખનારી ઇન્ટેલ પહેલી કંપની નથી. અગાઉ ડેલ કંપનીએ પણ આવું જ કંઈક કર્યું હતું, તેમાં વિન્ડોઝને બદલે એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ હતી. ટીવીને કમ્પ્યુટરમાં ફેરવી નાખતાં એન્ડ્રોઇડ આધારિત ડોંગલ ખાસ કરીને દક્ષિણ એશિયામાં ઘણાં લોકપ્રિય છે.

હવે મૂળ મુદ્દાનો સવાલ – આવડું સીપીયુ કેટલામાં મળે? ઇન્ટેલની સ્ટિક રૂ‚. ૯,૯૯૯માં અને આઇ-બોલ સ્પ્લેન્ડો ‚રૂ. ૮,૯૯૯માં ઉપલબ્ધ છે.


હજી તેનાથી વધુ મહત્વનો સવાલ એ છે કે આવું કમ્પ્યુટર આપણે ખરેખર કામનું છે? જવાબ મુશ્કેલ છે. તમે મોટા સ્ક્રીન પર કામ કરવા માગતા હો, બોર્ડ‚મમાં પ્રેઝન્ટેશન કરવા માગતા હો કે બહારગામ જતી વખતે મહત્વની ફાઇલ્સ સાથે રાખવી હોય, પણ આખું લેપટોપ સાથે રાખવું ન હોય… વગેરે વગેરે કારણો હોય તો આ સ્ટિક તમને કામ લાગી શકે છે.

અલબત્ત, અત્યારે પ્રાથમિક અહેવાલો કહે છે કે આ બિલકુલ પ્રાથમિક વર્ઝન છે, તેથી તેનું પર્ફોર્મન્સ આપણી કમ્પ્યુટર પાસેની અપેક્ષાઓ પૂરી ન કરી શકે એવું બની શકે છે.

પરંતુ એ ખાસ યાદ રાખવા જેવું છે કે આખા સીપીયુના ડબ્બામાંની બધી કરામતને હવે એક નાનકડી પેનડ્રાઇવમાં સમાવી લેવામાં આવી છે. આ કોઈ અખતરો નથી, બજારમાં વેચવા માટે મૂકાયેલી પ્રોડક્ટ છે એટલે તેમાં સુધારા ચોક્કસ થશે અને નવી સુવિધાઓ, નવી ક્ષમતા પણ ઉમેરાશે જ!


આમાં પણ ચાઇનીઝ માલ!

મજાની વાત જુઓ, ઇન્ટેલની કમ્પ્યુટ સ્ટિક હવે બજારમાં આવી છે, જ્યારે એક ચાઇનીઝ કંપનીએ મીગોપેડ નામે બરાબર આ જ પ્રકારનું સાધન ગયા વર્ષે લોન્ચ કરી દીધું હતું! એમેઝોન.કોમ (યુએસની સાઇટ, ભારતની નહીં) પર આ સ્ટિક ૯૦ ડોલર એટલે કે લગભગ રૂ‚૫,૪૦૦માં મેળવી શકાય છે! તેમાં વિન્ડોઝ ૮ ઉપરાંત એન્ડ્રોઇડ ૪.૪ બંને ઓપરેટિંગ સિસ્ટમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!