સૌથી પહેલાં તો એ જાણી લો કે તમારું ફેસબુકનું એકાઉન્ટ હેક થાય અને તમને તેની જાણ પણ ન થાય એવું બની શકે છે! કોઈ વ્યક્તિ, કોઈ પણ રીતે તમારું ફેસબુક એકાઉન્ટ એક્સેસ કરી લે અને પછી તેમાં કોઈ દેખીતા ફેરફાર ન કરે ત્યાં સુધી, બીજી કોઈ વ્યક્તિ આપણા એકાઉન્ટમાં લોગ-ઇન થઈ શકે છે એવી આપણને ખબર પણ ન પડે – જો એવી જાણ થાય એ માટે જરૂરી કેટલાંક સેટિંગ્સ આપણે કર્યાં ન હોય તો.
પોતાનું એકાઉન્ટ હેક થયાની ત્યારે ખબર પડે, જ્યારે એ વ્યક્તિ આપણા નામે ફેસબુકમાં સ્ટેટસ પોસ્ટ કરવા લાગે કે આપણો પાસવર્ડ જ બદલી નાખે, જેથી આપણે પોતે પોતાના એકાઉન્ટમાં લોગ-ઇન થઈ ન શકીએ.
એવું પણ બને કે કોઈએ તમારું એકાઉન્ટ હેક કર્યું ન હોય પણ તમે પાસવર્ડ ભૂલી ગયા હો અને હવે તમારા એકાઉન્ટમાં લોગ-ઇન થઈ ન શકતા હો.
આવું થાય તો સમયસર કેટલાંક પગલાં લઈને તમે ફરીથી તમારા ફેસબુક એકાઉન્ટ પર અંકુશ મેળવી શકો છો. અહીં આપણે એ જોઈએ કે કેવા સંજોગોમાં આપણે પોતાના ફેસબુક એકાઉન્ટ પરનો અંકુશ ગુમાવી શકીએ છીએ અને તેને પાછો કેવી રીતે મેળવી શકાય.
ટૂંકમાં કારણ ગમે તે હોય, આપણે પોતાના ફેસબુક એકાઉન્ટમાં લોગ-ઇન ન થઈ શકીએ ત્યારે એ એકાઉન્ટ આપણું પોતાનું હોવાની ફેસબુકને ખાતરી કરાવવી પડે છે અને એ કામ ઘણું મુશ્કેલ બની શકે છે. એટલું ખાસ ધ્યાને લેવા જેવું છે કે કાયદેસર રીતે જોઈએ તો ફેસબુકનું એકાઉન્ટ, પોતાના નામ અને અટક સાથે, માત્ર મોબાઇલ નંબર અથવા માત્ર ઈ-મેઇલ આપીને ક્રિએટ કરી શકાય છે. ફક્ત એ બંને આપણા પોતાના હોવાની ખાતરી કરાવવા માટે, એ મોબાઇલ નંબર કે ઈ-મેઇલ પર મોકલવામાં આવેલો એક ખાસ કોડ ફેસબુકને જણાવવો પડે છે. ફેસબુકને તમે તમારું ઈ-મેઇલ એડ્રેસ અને મોબાઇલ નંબર બંને જણાવશો તો તેને વધુ સલામત બનાવી શકાય છે.
આગળ શું વાંચશો?
- પાસવર્ડ ભુલાઈ ગયો અથવા કોઈએ પાસવર્ડ બદલી નાખ્યો?
- પાસવર્ડ ભુલાઈ ગયો/બદલાઇ ગયો અને તમે ફેસબુકને આપેલા ઈ-મેઇલ એકાઉન્ટ કે મોબાઇલ નંબરને હવે એક્સેસ કરી શકતા નથી?
- હેકરે પાસવર્ડ અને ઈ-મેઇલ એડ્રેસ બદલી નાખ્યાં હોય તો?
પાસવર્ડ ભુલાઈ ગયો અથવા કોઈએ પાસવર્ડ બદલી નાખ્યો?
જો તમે પોતાનો પાસવર્ડ ભૂલી ગયા હો કે કોઈએ જાણી જોઇને તમારો પાસવર્ડ બદલી નાખ્યો હોય અને હવે તમે લોગ-ઇન ન થઈ શકતા હો તો આ પગલાં લઈ શકાય.
www.facebook.com પર જાઓ ને તેમાં ફરગોટન એકાઉન્ટ? લિંક પર ક્લિક કરો.
ટેકસ્ટ બોક્સમાં તમારું ઈ-મેઇલ એડ્રેસ અથવા મોબાઇલ નંબર આપીને તમારું એકાઉન્ટ શોધો.
જો તમે આપેલા ઈ-મેઇલ એડ્રેસ કે મોબાઇલ નંબરવાળું કોઈ એકાઉન્ટ ફેસબુકમાં હશે (એટલે કે હેકરે તે બદલી નહીં નાખ્યાં હોય), તો ફેસબુક તમને બે વિકલ્પ આપશે. એક, તમારા એ ઈ-મેઇલ એકાઉન્ટમાં લોગ-ઇન થઈને ફેસબુકને તમારી ખરાઈ કરાવો, અથવા, એ ઈ-મેઇલ/મોબાઇલ નંબર પર એક કોડ મેળવો.
જો તમે ફેસબુક પરથી ઈ-મેઇલ એકાઉન્ટમાં લોગ-ઇન થવાની ગૂંચવણ ઊભી કરવા ન માગતા હો, તો કોડ મેળવવાનો બીજો વિકલ્પ પસંદ કરી, ‘કન્ટીન્યૂ’ પર ક્લિક કરી આગળ વધો.
તમારા ઇ-મેઇલ અથવા મોબાઇલમાં એક રીકવરી કોડ આવશે, એ રીકવરી કોડ ફેસબુકના લોગ-ઇન પેજ પર આપ્યા પછી તમે નવો પાસવર્ડ પસંદ કરી શકશો અને ફરીથી તમારા ફેસબુક એકાઉન્ટ પર અંકુશ મેળવી શકશો.
પાસવર્ડ ભુલાઈ ગયો/બદલાઇ ગયો અને તમે ફેસબુકને આપેલા ઈ-મેઇલ એકાઉન્ટ કે મોબાઇલ નંબરને હવે એક્સેસ કરી શકતા નથી?
આ જુદા પ્રકારની સ્થિતિ થઈ, જેમાં હેકરે ફક્ત પાસવર્ડ બદલ્યો છે (કે આપણે પોતે ભૂલી ગયા છીએ!) અને ફેસબુકમાં એકાઉન્ટ ખોલાવતી વખતે જે ઈ-મેઇલ કે મોબાઇલ નંબર આપ્યાં હતાં, તે હવે તમે બદલી નાખ્યાં છે. આવા સંજોગોમાં નીચેનાં પગલાં લઈ શકાય.
- આગળ કહ્યા મુજબ, ફેસબુકના લોગ-ઇન પેજ પર ફરગોટન એકાઉન્ટ? લિંક પર ક્લિક કરી, તમે પહેલેથી ફેસબુકને આપેલ ઈ-મેઇલ કે મોબાઇલ નંબર આપી સર્ચ પર ક્લિક કરો.
- હવે જે ડાયલોગ બોક્સ ખુલે તેમાં નીચેની તરફ ‘કાન્ટ એક્સેસ યોર ઈ-મેઇલ એકાઉન્ટ ઓર ફોન?’ એવી લિંક પર ક્લિક કરો.
- હવે બધી વાત ફેસબુકની મરજી પર આધાર રાખે છે! આ તબક્કે, ફેસબુક ફક્ત ‘સોરી, તમે તમારું ઈ-મેઇલ એકાઉન્ટ એક્સેસ કરી શકતા નથી એ જાણીને દુ:ખ થયું, પરંતુ હવે અમે તમારી ઓળખની કોઈ રીતે ખરાઈ કરી શકીશું નહીં’ એમ કહીને હાથ ઊંચા કરી દે એવું બની શકે છે. આ સાથે ફેસબુક હવે શું કરવું તેની માહિતી આપતા પેજ પર લઈ જશે, પણ ત્યાં એ જ બધું લખેલું જોવા મળશે, જે બધું આપણે કરી ચૂક્યા છીએ!
- પરંતુ જો આપણે આ વિધિ એ પીસી કે મોબાઇલ પરથી કરી રહ્યા હોઈએ, જેમાં અગાઉ ઘણી વાર ફેસબુકમાં લોગ-ઇન થયા હોઈએ, તો ફેસબુક આપણને વધુ એક તક આપી શકે છે!
- એ મુજબ, ફેસબુક આપણને આપણું નવું ઈ-મેઇલ એડ્રેસ કે નવો મોબાઇલ નંબર પૂછશે, જેના પર એ આપણને કેટલીક માહિતી પૂછશે (યાદ રહે, હવેની પ્રક્રિયામાં બધું ફટાફટ ન થાય એવું બની શકે છે).
- ફેસબુક આપણો સંપર્ક કરીને આપણી પાસેથી, આપણી ઓળખના પુરાવા તરીકે કોઈ સરકારી દસ્તાવેજની કોપી માગી શકે છે.
- આપણી જન્મ તારીખ પૂછી શકાય છે.
- ફેસબુક તરફથી તમારા જે સાત મિત્રોના ફોટોગ્રાફ બતાવવામાં આવે તેનાથી પાંચ મિત્રોને ઓળખી બતાવવાનું કહેવામાં આવી શકે.
- હવે ફેસબુક જુદી જુદી રીતે તમારી ઓળખની ખરાઈ કરવાનો પ્રયાસ કરશે.
- આ માટે તમારે નીચે મુજબની માહિતી આપવી પડે તેવું બની શકે છે.
- સિક્યુરિટી ક્વશ્ચન : ફેસબુકના નવા એકાઉન્ટમાં આ વિકલ્પ મળતો નથી પરંતુ તમારું એકાઉન્ટ જૂનું હોય અને તમે પોતે નક્કી કરેલા સિક્યુરિટી ક્વેશ્ચનનો જવાબ આપી શકો તો નવો પાસવર્ડ સહેલાઇથી સેટ કરી શકો છો.
- ટ્રસ્ટેડ કોન્ટેક્ટસ : જો તમે પહેલેથી જ ટ્રસ્ટેડ કોન્ટેક્ટસ પસંદ કર્યા હોય તો તમે આ સુવિધાનો લાભ લઈ શકો છો.
- તમે જેને એક્સેસ કરી શકો તેવું નવું ઈ-મેઇલ એડ્રેસ અને ફોન નંબર આપો અને ‘કન્ટીન્યુ’ પર ક્લિક કરો. હવે ‘રીવીલ માય ટ્રસ્ટેડ કોન્ટેક્ટસ’ ક્લિક કરો અને તમારા કોઈ એક ટ્રસ્ટેટ કોન્ટેક્ટ્સનું આખું નામ લખો.
- જો બધું બરાબર હશે તો તમારા એ ટ્રસ્ટેટ કોન્ટેક્ટને એક ખાસ સિક્યુરિટી કોડ મોકલવામાં આવશે. જેની મદદથી તમે તમારું એકાઉન્ટ ફરી મેળવી શકશો.
હેકરે પાસવર્ડ અને ઈ-મેઇલ એડ્રેસ બદલી નાખ્યાં હોય તો?
જો હેકર તમારો પાસવર્ડ અને ફેસબુક એકાઉન્ટમાં તમે આપેલું ઈ-મેઇલ એડ્રેસ બદલી નાખે તો વાત ઘણી મુશ્કેલ બની જાય છે. સામાન્ય રીતે, કોઈ યૂઝર ફેસબુકમાં પોતાનું એડ્રેસ બદલે તો ફેસબુક તેને એ વાતની જાણ કરે છે અને નવું ઈ-મેઇલ એ જ યૂઝરનું હોવાની ખરાઈ કરે છે, જે હેકર સહેલાઈથી કરી શકે છે
કારણ કે તેણે પોતાના ઈ-મેઇલમાં આવેલો કોડ જ આપવાનો છે!
છતાં, આપણે કેટલાંક પગલાં લઈ શકીએ છીએ, જેમ કે..
- ફેસબુકમાં તમે પોતે જે ઈ-મેઇલ એડ્રેસ આપ્યું હોય તેના પર પણ, તમે (આમ તો હેકરે) ફેસબુકમાં પોતાનું ઈ-મેઇલ એડ્રેસ બદલ્યું હોવાનો મેઇલ આવે છે. આવો કોઈ મેઇલ તમારા ધ્યાનમાં આવે તો તરત પગલાં લો.
- એ ઈ-મેઇલનો વિષય સામાન્ય રીતે ફેસબુક ‘પ્રાયમરી ઈ-મેઇલ ચેઇન્જ્ડ ટુ’ એવો હશે.
- એ ઈ-મેઇલમાં ‘ઇફ યુ ડિડન્ટ ડુ ધીસ, પ્લીઝ સિક્યોર યોર એકાઉન્ટ’ એવી લિંક હોય છે, એટલે કે જો આપણે ઈ-મેઇલ એડ્રેસ બદલ્યું ન હોય તો ફેસબુક આપણને એકાઉન્ટ સિક્યોર કરવાની તક આપે છે.
- પરંતુ આ તબક્કે આપણે ફેસબુકમાં લોગ-ઇન થઈ જ ન શકીએ તો વાત ફરી ત્યાંની ત્યાં આવીને ઊભી રહે છે.
ફેસબુકમાં આપણા એકાઉન્ટનો અંકુશ ગુમાવ્યા પછી પરત મેળવવો એ ઘણી મુશ્કેલ પ્રક્રિયા છે, એટલે નવેમ્બર ૨૦૧૭ના અંકમાં જણાવ્યા મુજબ, એકાઉન્ટ સલામત રાખવા પર ધ્યાન આપવું વધુ સારું!

