(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ઉકેલીએ બેકઅપ અને સિન્કની ગૂંચ

સ્માર્ટફોનનો નવો સવો ઉપયોગ શરુ‚ કર્યો હોય તો તેમાંની ઘણી વાતો ગૂંચવણ ઊભી કરી શકે છે. આવો એક મુદ્દો છે વેબબેઝ્ડ સર્વિસીઝ અને આપણા મોબાઇલમાંના ડેટાનું સિન્કિંગ. જાણીએ તેની ખૂબીઓ.

‘અરે યાર… બહુ મસ્ત ગેમ હતી, ભૂલથી ડિલીટ કરી નાખી ને હવે નામ પણ યાદ નથી!’ આવું તમારી સાથે થયું છે? સ્માર્ટફોન ધીમો પડવા માંડે કે તેમાં સ્પેસ ઓછી થવા લાગે ત્યારે આપણે છેલ્લા ઉપાય તરીકે ઇન્સ્ટોલ કરેલી એપ્સ અને તેના ઉપરાંત બીજું ઘણું બધું અનઇન્સ્ટોલ કે ડિલીટ કરવા માંડીએ છીએ અને એ ઉત્સાહમાં ઘણી વાર કામની બાબત પણ ડિલીટ કરી નાખીએ છીએ.

સ્માર્ટફોનનાં સેટિંગ્સનો થોડો અભ્યાસ કર્યો હોય તો મોટા ભાગે આવી સ્થિતિમાં તમે હૈયે હાથ મૂકીને કહી શકો છો કે ‘ડોન્ટ વરી, આલ ઇજ વેલ!’ કારણ એ છે કે જાણકારો જાણે છે કે આપણે એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં કોઈ પણ એપ – પેઇડ કે ફ્રી – ડાઉનલોડ કરીએ તે પહેલાં આપણે ગૂગલ પ્લે સ્ટોરમાં આપણા ગૂગલના એકાઉન્ટમાં લોગ-ઇન થવું પડે છે. પરિણામે આપણે જે કંઈ ડાઉનલોડ કે ખરીદ કરીએ તેની વિગતો પ્લે સ્ટોરના આપણા એકાઉન્ટમાં સચવાઈ રહેતી હોય છે.

ઇનફેક્ટ, આપણે જે એપ ઇન્સ્ટોલ કરી, વાપરીને સમજી-વિચારીને અનઇન્સ્ટોલ કરી હોય એ બધી પણ એપ્સમાં માય એપ્સ વિભાગમાં જઈને બેકઅપ થયેલી જોઈ શકાય છે. એના પર નજર ફેરવતાં આપણે ડિલીટ કરી નાખેલી એપ મળી આવશે અને ફરી ઇન્સ્ટોલ પણ કરી શકાશે. આપણી બુક કે મૂવીની હિસ્ટ્રી પણ માય બુક્સ કે માય મૂવીઝમાં જતાં મળી જાય છે. મતલબ કે શરૂઆતમાં લખેલા પ્રશ્નનો પ્રોબ્લેમ તો ઉકેલાયો.
છતાં સ્માર્ટફોનમાં બેકઅપ અને સિન્ક વિશે ઘણા લોકોને પતંગની દોરી જેટલી ગૂંચવણ હોય છે. આપણે એને ઉકેલવાનો પ્રયાસ કરીએ.

પહેલી વાત એ કે એન્ડ્રોઇડ સ્માર્ટફોનના કિસ્સામાં, એનો આપણા ગૂગલ એકાઉન્ટ સાથે ગાઢ સંબંધ હોવાથી આપણે બેકઅપ કે સિન્કની બહુ ચિંતા કરવાની રહેતી નથી. જે રીતે આપણે અલગ અલગ કમ્પ્યુટરમાંથી આપણા જીમેઇલ એકાઉન્ટમાં લોગ-ઇન થઈએ અને આપણા મેઇલ્સ, કોન્ટેક્ટ્સ વગેરે બધું એક સરખું જોવા મળે, લગભગ એ જ રીતે, સ્માર્ટફોન વધુ એક કમ્પ્યુટર તરીકે જ વર્તે છે. ફેર એટલો પડે છે કે જેમ આપણે ઓફિસના કમ્પ્યુટરમાં કોઈ ફાઈલ સેવ કરીએ એ ઘરના કમ્પ્યુટરમાં ન દેખાય એ જ રીતે, સ્માર્ટફોનમાં કોઈ પરિચિત વ્યક્તિની કોન્ટેક્ટ ડિટેઇલ સેવ કરીએ એ ગૂગલ એકાઉન્ટને બદલે ફોનમાં જ સેવ કરી હોય તો પછી કમ્પ્યુટરમાં પણ જીમેઇલમાં એ જોવા મળે નહીં.

ગૂંચવણ વધી? સોરી, દોરીની ગૂંચ ઉકેલતાં શરુઆત તો આવી જ થાય! મૂળ વાત એટલી કે આપણા સ્માર્ટફોનમાં ગૂગલની વિવિધ સર્વિસને સંબંધિત બધો ડેટા – જો આપણે ઇચ્છીએ તો – આપણા સ્માર્ટફોનમાંથી ગૂગલના સર્વરમાં પહોંચીને ત્યાં જ સચવાય છે. આપણા મેઇલ્સ, કોન્ટેક્ટ ડિટેઇલ્સ, કેલેન્ડરમાંની એન્ટ્રી, ફોટોગ્રાફ વગેરે બધાનો ઓટોમેટિકલી બેકઅપ લેવાય છે અને એ જુદાં જુદાં સાધનો વચ્ચે સિન્ક થતો રહે છે.એટલું ખાસ યાદ રાખવાનું કે આ બધું જે તે એકાઉન્ટ સંબંધિત હોય છે. મતલબ કે આપણું પર્સનલ અને ઓફિશિયલ જીમેઇલ એકાઉન્ટ અલગ અલગ હોય અને સ્માર્ટફોનમાં આપણે એ બંને એકાઉન્ટ ઉમેર્યાં હોય તો જે તે એકાઉન્ટનો ડેટા જે તે એકાઉન્ટમાં જ દેખાશે.

કોઈ મિત્રનો ફોન નંબર સ્માર્ટફોનમાં સેવ કરીએ ત્યારે સિસ્ટમ આપણને પૂછે છે કે તમે આ નંબર ક્યાં સેવ કરવા માગો છો? તમારા પર્સનલ જીમેઇલ એકાઉન્ટમાં, ઓફિશિયલ એકાઉન્ટમાં કે ફોનમાં? આપણે ફોન સિવાય કોઈ પણ એકાઉન્ટમાં નંબર સેવ કરીએ, તો એ નંબર પછી કમ્પ્યુટરમાં પણ, એ એકાઉન્ટમાં જોઈ શકાશે. એ જ રીતે ઊંધું, કમ્પ્યુટરમાં સેવ કરેલા નંબર, ઈ-મેઇલ આઇડી વગેરે, સ્માર્ટફોનના જે તે એકાઉન્ટમાં જ જોવા મળે છે. સ્માર્ટફોનમાં કોન્ટેક્ટ્સના લિસ્ટમાં આપણે કયા કયા નંબર જોવા ઇચ્છીએ છીએ તે નક્કી કરી શકાય છે. આમાં, આપણાં બધાં એકાઉન્ટને ઇનેબલ રાખ્યાં ન હોય તો અમુક નંબર સેવ કર્યા છે છતાં કેમ દેખાતા નથી એવી ગૂંચવણ થઈ શકે છે.

એ રીતે જો તમે ક્રોમ બ્રાઉઝરનો ઉપયોગ કરતા હો તો તેમાં, કમ્પ્યુટરમાંના ક્રોમમાં ગૂગલ એકાઉન્ટથી લોગ-ઇન થયા પછી સેવ કરેલા બુકમાર્ક તમારા સ્માર્ટફોનના ક્રોમ બ્રાઉઝરમાં પણ જોઈ શકાય છે. એન્ડ્રોઇડના નવા વર્ઝનમાં, કેટલાક ફોનમાં સ્ટોક બ્રાઉઝર (એટલે કે ફોનમાં પહેલેથી ઇન્સ્ટોલ થયેલા બ્રાઉઝર)માં પણ ક્રોમ બુકમાર્ક સિન્ક કરવાની સગવડ હોય છે.

ગૂગલ આ ઉપરાંત પણ આપણા ફોનમાંની કેટલીક બાબતો આપણા ગૂગલ એકાઉન્ટમાં બેકઅપ કરીને તેને વિવિધ ડિવાઇસીઝ વચ્ચે સિન્ક્ડ રાખે છે, અલબત્ત, આપણે ઇચ્છીએ તો. ગૂગલને આપણી મરજી બતાવવા માટે, ફોનના સેટિંગ્સમાં એકાઉન્ટ્સમાં જઈ, જે તે એકાઉન્ટમાં જઈને તેનો કયો ડેટા તમે સિન્ક્ડ રાખવા માગો છો તે કહી શકાય છે. એ રીતે, બેકઅપ એન્ડ રિસેટ વિકલ્પમાં જઈને આપણો ડેટા બેકઅપ કરવો કે નહીં તે જણાવી શકાય છે.

અગાઉ આપણે વાત કર્યા મુજબ, સ્માર્ટફોનમાં ક્લિક કરેલા આપણા ફોટોગ્રાફ ડાયરેક્ટ ગૂગલપ્લસના આપણા એકાઉન્ટમાં ઓટોમેટિકલી સેવ થાય એવી ગોઠવણ પણ કરી શકાય છે. બરાબર આ જ સગવડ હવે ગૂગલે ડેસ્કટોપ પર પણ આપી છે. તમારા કમ્પ્યુટરમાં પિકાસા ન હોય તો તેને ડાઉનલોડ કરી લો, અને કમ્પ્યુટરમાંના, તમે ઇચ્છો તે ફોટોગ્રાફ ઓટોમેટિકલી ગૂગલપ્લસમાં સેવ કરવા લાગો!


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!