ડ્રાઈવરલેસ કાર આવી રહી હોવાની વાતો ઘણા સમયથી ચર્ચાઈ રહી છે, પરંતુ આવી કાર વાસ્તવિકતાથી હજી દૂર હોવાનું માનવામાં આવે છે. ડ્રાઇવરલેસ કારના માર્ગમાં સૌથી મોટો અવરોધ ધુમ્મસથી ઊભો થઈ રહ્યો હોવાનું મનાય છે.
આપણે સૌ જાણીએ છીએ કે સેલ્ફડ્રાઇવિંગ કાર મૂળભૂત રીતે વિવિધ પ્રકારના સેન્સર્સથી પોતાની આજુબાજુની સ્થિતિ તપાસીને કારની ગતિ અને દિશા સંબંધિત નિર્ણયો લે છે. આ પ્રકારના સેન્સર ‘ટાઇમ ઓફ ફ્લાઇટ’ તરીકે ઓળખાતા સિદ્ધાંત આધારિત હોય છે. જેમાં સેન્સરમાંથી નીકળતાં કિરણો કોઈ પદાર્થને અથડાઇને સેન્સર સુધી પરત આવે તેમાં જે સમય લાગે તેની ગણતરી કરીને એ પદાર્થ સેન્સરથી કેટલો દૂર છે તેમ નક્કી કરવામાં આવે છે.
ધુમ્મસવાળા વાતાવરણમાં આવી ગણતરી મુશ્કેલ બની જાય છે. પરંતુ મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં હવે ચાલી રહેલાં નવાં સંશોધનોથી આ પ્રકારના સેન્સરની ચોકસાઇ એક હજાર ગણી વધી જાય તેમ છે. જો આ શક્ય બનશે તો ડ્રાઇવરલેસ કાર આડેનો એક સૌથી મોટો અવરોધ દૂર થઇ જશે.
