અત્યારે ભારતનાં ૨૨૭ સ્ટેશન પર ગૂગલ દ્વારા પબ્લિક વાઇ-ફાઇનો લાભ મળે છે (જુઓ અંક માર્ચ-૨૦૧૭). ૨૦૧૮માં આ સુવિધા હેઠળ ૪૦૦ જેટલાં સ્ટેશન્સને આવરી લેવામાં આવશે.
ગયા વર્ષના અંત ભાગમાં યોજાયેલી ગૂગલ ફોર ઇન્ડિયા ઇવેન્ટમાં ગૂગલના ‘નેકસ્ટ બિલિયન યૂઝર્સ’ પ્રોજેક્ટના વાઇસ પ્રેસિડેન્ટે સી.સેનગુપ્તાએ જણાવ્યું હતું કે ગૂગલ હવે શહેરોમાં પણ ફ્રી વાઇ-ફાઇ સુવિધા શરૂ કરવાનું આયોજન કરે છે.
આ ઉપરાંત ગૂગલના જણાવ્યા અનુસાર યુપીઆઈ આધારિત ગૂગલ તેઝ એપમાં ટૂંક સમયમાં આપણે વિવિધ પ્રકારનાં બિલનું પેમેન્ટ કરી શકીએ તેવી સુવિધા ઉમેરાઈ જશે. તેઝમાં અત્યારે ૭૦ જેટલી વિવિધ કંપની બિલર તરીકે ઉમેરાઈ ગઈ છે, આથી તેમાંથી આપણે ઇલેક્ટ્રિસિટી, ટેલિફોન, ગેસ વગેરે કંપનીનાં પેમેન્ટ સરળતાથી કરી શકીશું.
એ જ રીતે, ગૂગલ આસિસ્ટન્ટની સુવિધા રિલાયન્સ જિઓના ફિચર ફોન જિઓ ફોનમાં ઉમેરાઇ ગઈ છે. આ ફોનના યૂઝર્સ હવે હિન્દી અને ઇંગ્લિશમાં ફોન સાથે વાતચીત કરી શકે છે.

