(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

નોટ્સ ટાઇપ કરો, ટાઇપ કર્યા વિના

આજકાલ હાથેથી લખવાનું તો જાણે ભૂલાઈ જ ગયું છે. જેમને ખૂબ લખવાનું થાય છે એમને કમ્પ્યુટર કે મોબાઇલમાં ટાઇપ કરવું પણ કંટાળાજનક લાગે છે. એમને માટે ખરેખર ઉપયોગી છે આ સર્વિસ… આજે તો લખી લખીને આંગળાં દુખી ગયાં! આવું કાં તો તમે પોતે ક્યારેક ને ક્યારેક બોલ્યા હશો, કાં વારંવાર બોલતા હશો અથવા બીજાને આવું કહેતાં સાંભળતા હશો. જેમનું કામ જ લખવાનું છે એમને લખી લખીને હાથ કે આંગળાં દુખે એ ક્યારેય પાલવે નહીં, પણ આવું થતું હોય છે એ જાતઅનુભવ છે!

તો શું કરવું? જેમ સાચેસાચા કાગળ પર છપાયેલાં પુસ્તક અને ટેબલેટ કે ઈ-રીડર પરની ઈ-બુકની તરફેણ કે વિરુદ્ધમાં દલીલ કરનારા છે એમ પેનથી કાગળ પર લખવાની તરફેણ કરનારા છે અને સટાસટ કી-બોર્ડથી સીધું જ કમ્પ્યુટર પર લખવા તરફી જોરદાર દલીલ કરનારા પણ ઘણા છે. જોકે આંગળી તો બંનેમાં દુખતી હોય છે.

અલબત્ત, એક હકીકત સ્વીકારવી પડે કે આજે નોટબુકમાં લખનારા વિદ્યાર્થીઓ સિવાયબીજા લગભગ બધા લોકો જે કંઈ લખે છે એ અંતે તો કમ્પ્યુટરના સ્ક્રીન પર ડિજિટલ અવતાર જ ધારણ કરે છે. તમે મોટા સાહેબ હો, જાતે ઈ-મેઇલ ન ટાઇપ કરતા હો અને પીએને બોલાવીને તેને ડિક્ટેશન આપતા હો તો એ પીએ પણ અંતે તો પોતાના કમ્પ્યુટર પર જઈને ટાઇપ જ કરશે. વિદ્યાર્થીઓને પણ તેમણે બંક કરેલાં લેક્ચર્સની નોટ્સ તૈયાર કરવી હોય તો ફ્રેન્ડ્સ પાસેથી નોટ મેળવીને તેને કમ્પ્યુટર પર ફટાફટ ટાઇપ કરી લેવામાં સરળતા રહે છે.ટૂંકમાં ગમે તે કારણસર તમારે કમ્પ્યુટર પર ટાઇપ કરવાનું અવારનવાર થતું હોય અને તેમ કરતાં તમને હાથ કે આંગળી દુખતી હોય તો શું કરવું? પીએ રાખવા પોસાય તેમ ન હોય તો સીધા કમ્પ્યુટર મહાશયને જ ડિક્ટેશન આપો!

ભારતમાં બ્લોગિંગને લોકપ્રિય બનાવનાર અને હવે તો વિદેશના ટેક-બ્લોગર્સમાં પણ સારી નામના મેળવનારા અમિત અગ્રવાલે (www.labnol.org) ડિક્ટેશન.આઇઓ (https://dictation.io/) નામની એક સાઇટ બનાવી છે, આ સાઇટ પર જઈને તમે કમ્પ્યુટરને ડિક્ટેશન આપી શકો છો. તકલીફની વાત એ છે કે અત્યારે આ સાઇટ ગુજરાતી કે હિન્દી કે બીજી કોઈ ભારતીય ભાષાને સપોર્ટ કરતી નથી, પણ એટલી વાતની મોટી રાહત છે કે આ સાઇટ ઇન્ડિયન ઇંગ્લિશને સપોર્ટ કરે છે.

આ સાઇટ પર જઈને તમે ભાષામાં ઇન્ડિયન ઇંગ્લિશ પસંદ કરો અને ઉપર આપેલા નોટબુક જેવા પેજ પર નજર માંડીને ‘સ્ટાર્ટ’ ડિક્ટેશન બટન પર ત્રાટકો. હવે બીજું કશું જ કરવાનું નથી, તમારે જે ટાઇપ કરવાનું તે સ્પષ્ટ ઉચ્ચારોમાં બોલવાનું શરૂ કરો. આપણે જેમ બોલતા જઈએ તેમ તેમ સ્ક્રીન પર લખાણ ટાઇપ થતું જશે – ફટાફટ! કામ પૂરું થાય એટલે આપણી ટેક્સ્ટને ડ્રોપબોક્સ, ગૂગલ ડ્રાઇવ કે પોતાના કમ્પ્યુટરમાં એક્સપોર્ટ કરી શકીએ છીએ કે પછી ઈ-મેઇલમાં મોકલી શકીએ છીએ.

આ કરામત કેવી રીતે થાય છે? સાઇટ પર જ સ્પષ્ટતા કર્યા મુજબ ગૂગલ ક્રોમમાંની સ્પીચ રેકગ્નિશન ટેક્નોલોજીની મદદથી કમ્પ્યુટર આપણું બોલેલું સાંભળે છે, સમજે છે અને પછી ટાઇપ કરી આપે છે. એટલે જ આ સાઇટ પર ફક્ત ગૂગલ ક્રોમમાં કામ આપે છે. વાસ્તવમાં ગૂગલ ક્રોમ અને ઇન્ટરનેટ કનેક્શન બંને હાથવગાં હોય તો તમારે આ ચોક્કસ સાઇટ પર જવાની પણ જરૂર નથી.

તમે ‘સાયબરસફર’ના નિયમિત સહપ્રવાસી હશો તો તમને ખ્યાલ હશે જ કે ડેસ્કટોપ અને મોબાઇલ બંનેમાં ગૂગલને હવે વોઇસ કમાન્ડ આપી શકાય છે. એટલે કે ગૂગલ ક્રોમમાં કોઈ પણ જગ્યાએ ટાઇપ કરવાનો પ્રસંગ ઊભો થાય તો તમે માઇક પર ક્લિક કરી, બોલવાનું શરુ કરો એટલે ક્રોમમાં ટાઇપિંગ શરુ થઈ જશે.

આ કામ કમ્પ્યુટર પર કરવું હોય તો થોડી કડાકૂટ છે કેમ કે તેમાં સારું માઇક હોવું જરુરી છે, પણ જો તમારી પાસે સ્માર્ટફોન હોય તો તેમાં તમે આ કામ હજી વધુ સહેલાઈથી કરી શકો છો. સ્માર્ટફોન માટે ગૂગલ ડ્રાઇવની બે અલગ એપ પણ હવે આવી ગઈ છે – ગૂગલ ડોક્સ અને ગૂગલ શીટ્સ. આ બંને એપ અલગથી ઇન્સ્ટોલ કરી લેશો તો તેમાં તમે ઓફલાઇન એડિટિંગ પણ કરી શકશો.

જોકે સ્માર્ટફોનમાં ગૂગલના સ્પીચ રેકગ્નિશન એન્જિનમાં ઇન્ડિયન ઇંગ્લિશનો ઉપયોગ કરવો હોય તો તે માટે સતત ઇન્ટરનેટ કનેક્શન હોવું જરુરી છે.કોમા, ફૂલ સ્ટોપ, ક્વેશ્ચન માર્ક કે ન્યૂ પેરેગ્રાફ જેવા કેટલાક કમાન્ડ તમે સહેલાઈથી શીખી જશો અને પછી તો આ રીતે ટાઇપિંગ કરવાની મજા પડી જશે. ઇન્ડિયન ઇંગ્લિશમાં નરેન્દ્ર મોદી, લાલ કૃષ્ણ અડવાણી કે સુષમા સ્વરાજ જેવા આજે વધુ કાને પડતા શબ્દો પણ ગૂગલ સ્પીચ રેકગ્નિશન ઓળખી લે છે અને બરાબર ટાઇપ કરી બતાવે છે.

આગળ લખ્યું તેમ આજના વધુ ટેકસેવી સ્ટુડન્ટ્સને આ સગવડ વધુ કામની છે અને તેમને ફાવટ પણ વધુ આવશે, પણ ‘આ સગવડ છેને, લાંબાં લેક્ચર્સ ફ્રેન્ડની નોટમાંથી ડિક્ટેટ કરી લઈશું’ એમ કહીને લેક્ચર્સ બંક ના કરશો!


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!