માઇક્રોસોફ્ટ વર્ડ દુનિયાનો કદાચ સૌથી વધુ વપરાતો પ્રોગ્રામ હશે, છતાં તેની કેટલીય ખૂબીઓ આપણી જાણ બહાર રહે છે. અહીં જાણી લો વર્ડમાં તમારું કામ વધુ ઝડપી અને સરળ કેવી રીતે બની શકે?
આગળ શું વાંચશો?
- શબ્દ, વાક્ય કે ફકરાને ખસેડો, સહેલાઈથી
- ટેકસ્ટને ડબલ અન્ડરલાઈન કરો
- ડોક્યુમેન્ટમાં તારીખ ઉમેરો
- ફોન્ટ સેટ કરો, ફટાફટ
શબ્દ, વાક્ય કે ફકરાને ખસેડો, સહેલાઈથી
વર્ડ ડોક્યુમેન્ટમાં જો તમારે કોઈ શબ્દ કે વાક્ય કે આખા ફકરાને એક જગ્યાએથી ખસેડીને બીજી જગ્યાએ લઈ જવો હોય તો તમે શું કરો છો? મોટા ભાગના લોકો એ શબ્દ, વાક્ય કે ફકરાને કોઈ રીતે સિલેક્ટ કરશે (સિલેક્શનની જુદી જુદી રીતો આપણે અગાઉ વિગતવાર જાણી ચૂક્યા છીએ), પછી તેને Ctrl+c કીથી કટ કરશે અને પછી જ્યાં પેસ્ટ કરવાનું હશે ત્યાં Ctrl+v કરીને પેસ્ટ કરશે. આ રીત ખોટી નથી, પણ કામ હજી વધુ ઝડપી કરવું હોય તો, ધારો કે આપણે કોઈ શબ્દને બીજે લઈ જવાનો હોય તો માઉસની ડબલક્લિકથી એ શબ્દને સિલેક્ટ કરો અને માઉસના ડાબા બટનને પ્રેસ કરીને રાખી એ શબ્દને ડ્રેગ કરી, જ્યાં લઈ જવો હોય ત્યાં લઈ જઈને માઉસનું ડાબું બટન છોડી દો એટલે એ શબ્દ ત્યાં પેસ્ટ થઈ જશે!
ટેક્સ્ટને ડબલ અન્ડરલાઇન કરો
તમારે લખાણમાં કોઈ શબ્દ પર ભાર મૂકવો હોય કે વાંચનારનું તેના તરફ ખાસ ધ્યાન ખેંચવું હોય તો તેને બોલ્ડ કરી શકાય, અન્ડરલાઇન (‘નીચે અન્ડરલાઇન’ એ ખોટો શબ્દપ્રયોગ છે!) કરી શકાય કે ઇટાલિક કરી શકાય. સામાન્ય રીતે, આ ત્રણમાંથી કોઈ એક રીતનો જ ઉપયોગ કરવો યોગ્ય ગણાય છે, શબ્દને બોલ્ડ પણ કરો અને અન્ડરલાઇન પણ કરો તો વાત જરા વધુ પડતી બોલ્ડ થઈ જાય! તેમ છતાં, હજી એક ચોથો રસ્તો પણ છે – શબ્દને ડબલ અન્ડરલાઇન કરવાનો! તમે કોઈ શબ્દને સિલેક્ટ કરીને કે શબ્દની વચ્ચે કર્સર રાખીને Ctrl+u કી પ્રેસ કરો એટલે એ શબ્દ અન્ડરલાઇન થાય એ તો તમે જાણો જ છો. તેના બદલે તમે Ctrl+Shift+d કી પ્રેસ કરશો તો એ શબ્દ ડબલ અન્ડરલાઇન થશે.
ડોક્યુમેન્ટમાં તારીખ ઉમેરો
જરા વિચાર કરો, દિવસમાં કેટલી વાર તમારે વર્ડ ડોક્યુમેન્ટમાં તારીખ લખવાની થાય છે? લગભગ દરેક નવા ડોક્યુમેન્ટમાં તારીખ લખવાની તો થતી જ હશે. તેનો સૌથી સહેલો ઉપાય છે, જ્યાં તારીખ લખવાની હોય ત્યાં કર્સર રાખીને Alt+Shift+d કી પ્રેસ કરી જુઓ, કમ્પ્યુટરમાં તમે ગોઠવેલા ફોર્મેટ અનુસાર ત્યાં તારીખ લખાઈ જશે.
અચ્છા, આ છેલ્લા વાક્યમાં, ‘તમે ગોઠવેલા ફોર્મેટ અનુસાર’ એ શબ્દોએ તમારું ધ્યાન ખેંચ્યું? એનો મતલબ એ થયો કે વર્ડમાં આપણે તારીખને જુદા જુદા ફોર્મેટમાં લખી શકીએ છીએ. આ અલગ અલગ ફોર્મેટ તપાસવા માટે વર્ડમાં જ ઉપરની રિબનમાં ઇન્સર્ટ ટેબ ઓપન કરો અને તેમાં ટેક્સ્ટ વિભાગમાં ‘ડેટ એન્ડ ટાઇમ’ પર ક્લિક કરો. આથી એક વિન્ડો ખૂલશે, જેમાં વર્ડ કેટલી જુદી જુદી રીતે ડોક્યુમેન્ટમાં તારીખ અને સમય લખી શકે છે તે જોવા મળશે. તેમાંથી તમને જોઈતું ફોર્મેટ સિલેક્ટ કરો. દર વખતે આ જ ફોર્મેટનો ઉપયોગ કરવો હોય તો તેને સિલેક્ટ કરીને ડિફોલ્ટ બટન પણ ક્લિક કરી દો. જો તમારે જે તે તારીખ અનુસાર ડોક્યુમેન્ટમાં ઇન્સર્ટ કરેલી તારીખ પણ ઓટોમેટિકલી અપડેટ થઈ જાય એવું કરવું હોય તો ‘અપડેટ ઓટોમેટિકલી’ના ખાનામાં ટિક કરી દો. પણ ધ્યાન રાખશો, તમે કોઈ પત્રમાં તારીખ ઇન્સર્ટ કરો અને તેને ઓટોમેટિકલી અપડેટ થશે તો ભવિષ્યમાં જ્યારે એ લેટર ઓપન કરશો ત્યારે લેટર લખ્યા તારીખ જૂની નહીં પણ, જે દિવસે લેટર ઓપન કર્યો હશે ત્યારની બતાવશે!
ફોન્ટ સેટ કરો, ફટાફટ!
તમે કોઈ ડોક્યુમેન્ટમાં કામ કરી રહ્યા છો, વચ્ચે બીજા કોઈ ડોક્યુમેન્ટમાંથી કે કોઈ વેબપેજમાંથી ટેક્સ્ટ કોપી કરીને તમારા ડોક્યુમેન્ટમાં સેટ કરવાની થઈ. તમારા કોપી-પેસ્ટના સેટિંગ અનુસાર મોટા ભાગે એવું બનશે કે આપણે કોપી-પેસ્ટ કરેલી ટેક્સ્ટ તેના મૂળ ફોન્ટમાં જ જોવા મળશે. મતલબ કે આપણે તેને આપણા ફોન્ટમાં ફેરવવી પડશે. આના ઉપાય તરીકે, સ્માર્ટ પેસ્ટિંગ મેનુનો ઉપયોગ કરીને આપણે ફોર્મેટિંગ વિના ટેક્સ્ટ પેસ્ટ થાય એવો વિકલ્પ પસંદ કરી શકીએ છીએ, પણ એ સિવાય, મૂળ ફોન્ટમાં રહેલી ટેક્સ્ટને સિલેક્ટ કરી, તમે Ctrl+spacebar પ્રેસ કરશો તો પણ એ નવી ટેક્સ્ટ તેની આજુબાજુની જૂની ટેક્સ્ટના ફોન્ટ મુજબની થઈ જશે!

