[vc_row][vc_column][vc_column_text]આગળ શું વાંચશો?
- ક્યુઆર કોડનો વધતો વ્યાપ
- આવે છે જિઓ પેમેન્ટ બેન્ક્સ
- કરિયાણાની દુકાનમાં નવું કેલ્સી
- એરટેલમાં યુપીઆઈ
- બેન્કનો ચેટબોટ
ક્યુઆર કોડનો વધતો વ્યાપ
કરિયાણાની દુકાને આપણે અત્યાર સુધી રોકડથી અથવા બહુ બહુ તો બેન્ક કાર્ડથી પેમેન્ટ કરતા આવ્યા છીએ. હવે તેમાં પેટીએમ જેવી મોબાઇલ વોલેટના ક્યુઆર કોડ ઉમેરાયા છે, જેને સ્કેન કરીને આપણે ફટાફટ પેમેન્ટ કરી શકીએ છીએ. પેટીએમ એપના સ્કેનરથી હવે આપણે કોઈ પણ ક્યુઆર કોડ સ્કેન કરીને તેના વિશે વધુ માહિતી મેળવી શકીએ છીએ.
નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઇ)ની ભીમ એપનું નવું વર્ઝન આવી ગયું છે. હવે કોઈ જગ્યાએ તમે ભારત ક્યુઆર કોડ જુઓ તો તેને ભીમ કે અન્ય યુપીઆઇ એપથી સ્કેન કરીને પેમેન્ટ કરી શકશો.
ભીમ એપમાં વેપારીઓ માટે પણ કેટલાક ફેરફાર થયા છે, જે મુજબ વેપારી એજન્ટ દ્વારા પણ, ભીમ મારફત પેમેન્ટ મેળવી શકશે.
આવે છે જિઓ પેમેન્ટ બેન્ક્સ
ભારતની સૌથી મોટી ખાનગી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા હાથ મિલાવી રહ્યાં હોવાના સમાચાર છે. આ બંને મળીને જિઓ પેમેન્ટ બેન્ક્સ લાવી રહ્યાં છે. દેશના ઘણા અંતરિયાળ ગ્રામિણ વિસ્તારોમાં હજી પણ બેન્કિંગ સેવાઓ પહોંચી નથી પરંતુ ત્યાં મોબાઇલ પહોંચી ગયા છે. આથી એસબીઆઈ જિઓના વિશાળ નેટવર્કનો લાભ લઇને આ વિસ્તારો સુધી પહોંચવા માગે છે.
કરિયાણાની દુકાનમાં નવું કેલ્સી
ક્યુઆર કોડથી પેમેન્ટ કરવું તમને હજી મુશ્કેલ લાગતું હોય તો ફ્લિપકાર્ટની માલિકીની ફોનપે કંપનીએ વેપારીઓ માટે કેલ્ક્યુલેટર જેવું એક સાધન લોન્ચ કર્યું છે, જે ઇન્ટરનેટ કનેક્શન વિના અને સાદી બેટરીથી ચાલે છે. ગ્રાહક પોતાના ફોનમાંની ફોનપે એપ ઓપન કરી, ફોન આ કેલ્ક્યુલેટર નજીક લાવશે એટલે એક-બે ક્લિકથી પેમેન્ટ થઈ શકશે. આ ફોનપે યુપીઆઇ પાવર્ડ છે એટલે યુપીઆઇનો ઉપયોગ તમારે શીખવો રહ્યો!
એરટેલમાં યુપીઆઈ
ફોનપે અને એરટેલ કંપનીએ જોડાણ કર્યું છે એટલે એરટેલ ભારતની એવી પહેલી પેમેન્ટ બેન્ક બની છે જેણે પોતાના પ્લેટફોર્મ પર યુપીઆઇની સુવિધા ઉમેરી છે. યુપીઆઇની એપ્સમાં આ રીતે, ભીમ, તેઝ ઉપરાંત હવે માય એરટેલ એપ પણ ઉમેરાઈ ગઈ છે.
બેન્કનો ચેટબોટ
એસબીઆઇની વેબસાઇટ પર ચમકેલા એક સમાચાર મુજબ બેન્કે તેનો સર્વપ્રથમ ચેટબોટ ‘એસબીઆઈ ઇન્ટેલિજન્ટ આસિસ્ટન્ટ’ નામે લોન્ચ કર્યો છે. આ ચેટબોટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર આધારિત હશે અને શરૂઆતમાં માત્ર બેન્કની વેબસાઇટ પરથી તે ગ્રાહકોના પ્રશ્નોના ઉકેલ સૂચવશે.
ચેટબોટ એટલે શું એવો સવાલ થયો? નો પ્રોબ્લેમ! આ એક એવી સુવિધા છે જેમાં આપણી વાત કમ્પ્યુટર સિસ્ટમ સાથે જ થઈ રહી હોય, છતાં, કમ્પ્યુટર તેને પહેલેથી ગોખાવેલા જવાબ આપવાને બદલે, આપણી વાત ‘સમજી’ને જવાબ આપી શકે છે. ફેસબુકની મેસેન્જર એપમાં આવા સંખ્યાબંધ ચેટબોટ્સ આવી ગયા છે અને હવે તે અન્ય સર્વિસીઝમાં પણ ઉપયોગમાં આવવા લાગ્યા છે.
યુપીઆઇની બાબતે તમે ગૂંચવાતા હો, તો એ ગૂંચવણમાં થોડો ઉમેરો કરીએ મોબાઇલ વોલેટ પેટીએમમાં હવે યુપીઆઇ સુવિધા ઉમેરાઈ ગઈ છે!
આટલું વાંચીને સમજાયુંને કે આપણી રોજિંદી જિંદગી કેટલી ઝડપથી બદલાઈ રહી છે? આપણે તો ફક્ત એક પાસાની વાત કરી, પણ ઇન્ફર્મેશન ટેક્નોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બંને સાથે મળીને બહુ ઝડપથી જીવનના દરેક ક્ષેત્રમાં પગપેસારો કરીને પરિવર્તનનો પવન ફૂંકી રહ્યા છે![/vc_column_text][/vc_column][/vc_row]

