પહેલાં નીચેનાં અવતરણો શાંતિથી વાંચી લો, પછી એ કયા મહાનુભાવનાં છે એની વાત કરીએ…
- તમારી નબળાઈઓ માટે જાતને દોષ દીધા કરો એના કરતાં જાત પર હસી લેશો, તો તમે વધુ સુખી જશો. પરફેક્ટ તો કોઈ નથી!
- તમારા કમ્ફર્ટ ઝોનની બહાર નીકળો. કશુંક જુદું કરશો કે અનુભવશો જ નહીં તો ક્યારેય કંઈ નવું મેળવશો જ નહીં. જે બાબતોમાં તમે સૌથી વધુ ગૂંચવાયેલા રહો કે અટકેલા રહો, એ જ બાબત આખરે તમે સૌથી આગળ લઈ જાય છે. કોઈ પડકાર પાર કરો તો જ જિંદગીના નવા લેવલે પહોંચો.
- તમારું ભાવિ તમારા જ અંકુશમાં છે. એને સાકાર કરવા કોઈ જાદુની જરૂર નથી.
- ભૂતકાળ ક્યારેક તમને દુ:ખ પહોંચાડી શકે, પણ તમે કાં તો એના દૂર ભાગતા ફરો, અથવા એમાંથી પણ કંઈક શીખતા રહો.
- જિંદગી જ્યારે તમને તળિયા તરફ ખેંચે ત્યારે શું કરવાનું ખબર છે? આપણે તરતા રહેવાની કોશિશ કરવાની, બસ!
- તમે શું છો કે શું કરી શકો એ બીજાને નક્કી ન કરવા દો. તમારી મર્યાદા ફક્ત તમે પોતે જ નક્કી કરી શકો.
- પરીકથાઓ પણ સાચી પડી શકે. તમારે એને સાચી સાબિત કરવી પડે. એ તમારા જ હાથમાં છે.
- જે ફૂલ સૌથી વિપરિત સંજોગોમાં પણ ખીલી શકે, એ જ સૌથી દુર્લભ અને સૌથી સુંદર ફૂલ હોય.
- જો તમે જે પાછળ છૂટી ગયું એની ઉપર જ નજર ખોડી રાખશો, તો આગળ જે છે એ ક્યારેય જોઈ નહીં શકો. ઊભા થાવ અને આગળ વધો!
- કોઈ વાતના સાધારણ દેખાવથી છેતરાશો નહીં. બહાર શું છે એ અગત્યનું નથી, મહત્વ તો અંદર જે હોય તેનુ છે.
- દરેક ચમત્કારને સાકાર થતાં થોડી વાર તો લાગે છે.
પહેલી નજરે દુનિયાને નવા વિચાર આપનારા મહાન તત્વચિંતકોનાં આ અવતરણો હોય એવું લાગે છેને?
વાસ્તવમાં, બાળકો માટેની ડિઝની ફિલ્મ્સની વિવિધ એનિમેશન મૂવીઝમાં કાર્ટૂન કેરેક્ટર્સના મોંએ કહેવાયેલા આ શબ્દો છે!

