[vc_row][vc_column][vc_column_text]તમે ઇંગ્લિશ ગ્રામર શીખવતી કોઈ વેબસાઇટ પર હો અને અને એ વેબસાઇટ તૈયાર કરનાર વ્યક્તિના કોન્ટેક્ટ પેજ પહોંચતાં, પહેલું જ વાક્ય એવું જોવા મળે કે “આ સાઇટ પર લખાણમાં તમને કોઈ ભૂલ દેખાય તો પ્લીઝ મને તેની પૂરી વિગતો સાથે મેઇલ કરજો… અને સાથે એવું પણ લખ્યું હોય કે “યસ, ભૂલ તો મારી પણ થાય છે તો તમને કેવું લાગે? યાદ રહે, એ વેબસાઇટ ઇંગ્લિશ ગ્રામર શીખવતી જ વેબસાઇટ છે! તમને એ સાઇટ પર વિશ્વાસ રહે?
તમારો જવાબ શું છે એ તો ખબર નથી, પણ આ લખનારના મતે તો, એ સાઇટ પર વિશ્વાસ બેસવો જોઈએ, પૂરો વિશ્વાસ બેસવો જોઈએ! આખરે, આવી નિખાલસતા સહેલાઈથી ક્યાં મળે છે? ખરેખર તો, જે શિક્ષક પોતે પોતાની ભૂલો સ્વીકારીને તેને સુધારવા કે નવું શીખવા તૈયાર હોય એ જ ખરા શિક્ષક છે.
આવા એક ટીચર છે જેનિફર ફ્રોસ્ટ અને એમની વેબસાઇટ છે ઇંગ્લિશગ્રામર.ઓઆરજી (www.englishgrammar.org)
આ ટીચરની સાઇટ તમારે જોવા જેવી છે કે નહીં એ જાણવા માગતા હો, તો આ સવાલનો જવાબ આપો – તમને ‘ઓબ્વિયસ’ અને ‘ઓબ્લિવિયસ’ વચ્ચેના તફાવતની ખબર છે? ન હોય, તો ઓબ્વિયસ છે કે તમે તમારા નબળા ઇંગ્લિશ વિશે ઓબ્લિવિયસ છો! મતલબ, સ્પષ્ટ છે કે કાં તો તમને તમારા નબળા ઇંગ્લિશ વિશે જાણ નથી અથવા તમને પરવા નથી!
આ બંને શબ્દો આ સાઇટ પરની જ એક મજાની ક્વિઝમાંથી લીધેલા છે, પણ તમને સમજાઈ ગયું હશે કે જો તમે ઇંગ્લિશ પરની પકડ વધારવા માગતા હો તો આ સાઇટ પર તમને મજાનો ખજાનો મળે તેમ છે.
અલબત્ત, એક સ્પષ્ટતા ખાસ જરૂરી છે. આ સાઇટ પર તમે ઇંગ્લિશ એકડેએકથી શીખી શકશો નહીં કારણ કે આખી સાઇટ જ ઇંગ્લિશમાં છે અને તેમાં લખેલી સૂચનાઓ સમજવા જેટલું ઇંગ્લિશ આવડવું અનિવાર્ય છે.
પરંતુ તમે અંગ્રેજી ભાષાની બારીક ખૂબીઓ સમજવા માગતા હો કે તમારાં ઇંગ્લિશ મીડિયમમાં ભણતાં સંતાનો ખરેખર સાચું ઇંગ્લિશ બોલતાં થાય એવું ઇચ્છતા હો તો આ સાઇટ તમારા ‘ડેઇલી મસ્ટ સી, મસ્ટ રીડ’માં સામેલ કરવા જેવી છે (જેમ કે ‘એનીવેઝ’ ભલે અત્યારે વાતવાતમાં બોલાતો અને સ્વાભાવિક એક્સપ્રેશનમાં વણાઈ ગયેલો શબ્દ હોય, પણ ફોર્મલ ઇંગ્લિશ પ્રમાણે ‘એનીવે’ જ સાચું છે. એનીવેઝ, આપણે મૂળ વાત આગળ વધારીએ!)
આ સાઇટ પર તમે ઇંગ્લિશ એકડેએકથી શીખી શકશો નહીં કારણ કે આખી સાઇટ જ ઇંગ્લિશમાં છે અને તેમાં લખેલી સૂચનાઓ સમજવા જેટલું ઇંગ્લિશ આવડવું અનિવાર્ય છે. પરંતુ તમે અંગ્રેજી ભાષાની બારીક ખૂબીઓ સમજવા માગતા હો…
આ સાઇટ પર એડજેક્ટિવ, એડવર્બ, નાઉન, પ્રોનાઉન, પ્રેપોઝિશન, કન્જંક્શન્સ વગેરેની ખાસ્સી ઊંડી છતાં સરળ સમજ મળશે. એ ઉપરાંત, બિઝનેસ રાઇટિંગ, ક્રિએટિવ રાઇટિંગ, ઇઝી રાઇટિંગ વગેરેને લગતી પણ ઘણી સામગ્રી મળશે.
આગળ કહ્યું તેમ, આ સાઇટનો એપ્રોચ પાયાથી ઇંગ્લિશ ગ્રામર શીખવવાનો નથી, પણ જે આવડે છે તેમાંની ગૂંચવણો દૂર કરવાનો છે એટલે તેમાં ભાષાનાં જુદાં જુદાં પાસાં વિશે શરૂઆતમાં થોડી સમજ આપીને, સંખ્યાબંધ સવાલોથી પ્રેક્ટિસ કરાવવામાં આવે છે. દરેક મુદ્દાની એક્સરસાઇઝને તમે પીડીએફ સ્વરૂપે ડાઉનલોડ પણ કરી શકશો.
તેમ છતાં, વ્યાકરણના નિયમો વિશે તમે ગૂંચવણો અનુભવતા હો તો ગ્રામર રૂલ્સ વિભાગથી શરૂઆત કરશો તો બની શકે કે ઠેકઠેકાણે તમને ખુશીની ટ્યુબલાઇટ થતી જશે અને પછી સાઇટના અન્ય સેક્શન્સમાં ખાબકશો તો વધુ મજા આવશે.
ફરી એક વાર, જેવું આવડે એવું ઇંગ્લિશ લખીને કે બોલીને તમને સંતોષ હોય તો જુદી વાત છે, પણ ‘યે દિલ માંગે મોર’ જેવો મિજાજ હંમેશા રાખતા હો તો આ સાઇટના પ્રેમમાં પડવા જેવું છે![/vc_column_text][/vc_column][/vc_row]

