ભારતની સૌથી જાણીતા ઇ-કોમર્સ સાઇટ્સમાંના એક ફ્લિપકાર્ટે હવે મોબાઇલના માર્કેટમાં ઝંપલાવ્યું છે. ફ્લિપકાર્ટે તેના પોતાની બ્રાન્ડના અને સૌને પરવડે તેવા દરના સ્માર્ટફોન સાથે હેન્ડસેટના બિઝનેસમાં ઝુકાવ્યું છે – નામ છે બિલિયન કેપ્ચર પ્લસે. ફ્લિપકાર્ટ.કોમ પર આ ફોન બે વેરઇન્ટમાં ઉપલબ્ધ છે.
૩જીબી રેમ+૩૨ જીબી સ્ટોરેજવાળા ફોનની કિંમત રૂ.૧૦,૯૯૯/- અને ૪જીબી રેમ+૬૪ જીબી રેમ સ્ટોરેજવાળા ફોનની કિંમત રૂ.૧૨,૯૯૯/- છે. બહુ ઓછા બજેટ સ્માર્ટફોનમાં યુએસબી ટાઇપ સી કનેકટર જોવા મળે છે. ફ્લિપકાર્ટનો ફોન તેમાંનો એક છે. સ્માર્ટફોનનો સ્ક્રીન ૫.૫ ઇંચનો છે અને ૧૯૨૦x૧૦૮૦ પિક્સેલનું રેઝોલ્યુશન છે.
આ સ્માર્ટફોનનું સૌથી મોટું જમાપાસુ એ છે કે તેમાં લગભગ કોઈ ફેરફાર વિનાનું એન્ડ્રોઇડ ૭.૧ વર્ઝન મળે છે અને ઓરિયો અપડેટની ખાતરી છે. આ ફોનમાં સ્નેપડ્રેગન ૬૨૫ ઓક્ટાકોર પ્રોસેસર છે. ફોનની બેટરી ૩૫૦૦ એમએચની છે. જોકે ફોનમાં હાઇબ્રિડ સીમ ટ્રે હોવાથી સીમ કાર્ડ અને માઇક્રો એસડી કાર્ડ બંનેનો એક સાથે ઉપયોગ થઈ શકતો નથી.
બજેટ સ્માર્ટફોનની રેન્જમાં ફ્લિપકાર્ટના આ ફોન સ્પેશિફિકેશન્સની દૃષ્ટિએ ચોક્કસ નોંધપાત્ર છે.

