અમદાવાદના રીલિફ રોડ પર કંઈ કામ હોય તો કાર ધરાવતા મોટા ભાગના લોકો ત્યાં જવા માટે રીક્ષા પસંદ કરે છે, કારણ પાર્કિંગ પ્રોબ્લેમ! આપણાં શહેરોના આવા ભરચક વિસ્તારોની સ્થિતિ ક્યારે સુધરશે એ તો ખબર નહીં, પણ એરપોર્ટ, ફાઇવસ્ટાર હોટેલ કે મોલ જેવી જગ્યાએ, જ્યાં પ્રમાણમાં વ્યવસ્થિત પાર્કિંગ પ્લોટ્સ હોય ત્યાં આ સ્થિતિની કલ્પના કરી જુઓ…
તમે પોતાની કાર ડ્રાઇવ કરીને, મોલના પાર્કિંગ પ્લોટના એન્ટ્રન્સ પાસે પહોંચ્યા. કારમાંથી નીચે ઉતર્યા અને ખિસ્સામાંથી સ્માર્ટફોન જેવું ટચૂકડું સાધન કાઢી, કારનો ‘ઓટો પાર્કિંગ મોડ’ એક્ટિવેટ કર્યો અને તમે મોલમાં દાખલ થઈ ગયા.
હવે કારમાં કોઈ ડ્રાઇવર નથી, પણ એ આપમેળે પાર્કિંગ પ્લોટમાં આગળ વધશે, રસ્તામાં બીજી કોઈ કાર આડી આવશે તો બ્રેક લગાવશે, કોઈ વ્યક્તિ પસાર થશે તો પણ ઊભી રહી જશે, પાર્કિંગ માટેની જગ્યા પોતાની મેળે શોધશે, ત્યાં સુધી જશે અને ગીયર રીવર્સમાં નાખી, પાછળ પાર્ક થયેલી કારને ટચ ન થાય એવી યોગ્ય રીતે પાર્ક થઈ જશે.
તમે તમારું કામ પતાવી મોલની બહાર આવી, પિક-અપ ઝોનમાં જશો અને પેલા કાર-રિમોટથી કારને આવી જવાનું કહેશો અને કાર ઓટોમેટિકલી સ્ટાર્ટ થઈ, તમારી પાસે આવીને ઊભી રહી જશે!
આવું આપણે જેમ્સ બોન્ડની ફિલ્મ્સમાં જોયું હતું, પણ હવે ડ્રાઇવરલેસ કાર અને સ્માર્ટ સિટી જેવા કન્સેપ્ટ્સથી આ બધું હકીકત બની રહ્યું છે. ડ્રાઇવરલેસ કાર વિવિધ પ્રકારનાં સેન્સર્સથી વ્યક્તિ વિના ચાલે છે અને સ્માર્ટ સિટીમાંના પાર્કિંગ પ્લોટ્સ પણ વિવિધ પ્રકારનાં સેન્સર્સથી સજ્જ થવા લાગ્યા છે, જે કયો પાર્કિંગ બ્લોક ખાલી છે તેના મેસેજ કારને મોકલી શકે છે. આ બંને કન્સેપ્ટ ભેગા થઈને આપણે ઉપર કરેલી કલ્પનાને સાકાર કરે છે.
પણ એક મિનિટ, આપણી કલ્પના સાવ કલ્પના નથી! મૂળ સ્વીડનની ઓટો કંપની વોલ્વોએ યુ-ટ્યુબ પરની તેની ઓફિશિયલ ચેનલ પર આવી સેલ્ફ-પાર્કિંગ કારનો ડેમો દર્શાવતો વીડિયો મૂક્યો છે. આવી કારના ટેસ્ટિંગ સમયે અકસ્માત સર્જાયાના વિવાદો પણ થયા છે અને આવી સિસ્ટમને મેઇનસ્ટ્રીમની સિસ્ટમ બનતાં વાર પણ લાગશે, પરંતુ આપણો કાર ઉદ્યોગ દોડી રહ્યો છે આ દિશામાં!
યુટ્યુબ પર વીડિયો જુઓ : https://youtu.be/GIa1mWr1kNs અથવા યુટ્યૂબ પર સર્ચ કરોઃ Volvo Car Group demonstrates the self-parking car
