નેટ એક્સેસ ધરાવતા લોકોની સંખ્યાની દૃષ્ટિએ ચીન અને ભારત જેવા દેશો ભલે દુનિયામાં આગળ હોય, પણ કુલ વસતિમાંના નેટ કનેક્ટેડ લોકોની ટકાવારીની દૃષ્ટિએ દુનિયાના નાના દેશો આપણાથી બહુ આગળ છે.
‘સાયબરસફર’ જ્યારે માત્ર અખબારની કોલમ હતી ત્યારે જે વાતનો અંદાજ આવતો નહોતો, એ પ્રિન્ટેડ મેગેઝિન શરુ કર્યા પછી આવ્યો – મેગેઝિનના લવાજમના ચેક/ડીડી કે મનીઓર્ડર લઈ આવતા ટપાલી કે કુરિયર પર્સન પણ ઘણી વાર પૂછે છે કે આ ‘સાયબરસફર’ શું છે? અને મેગેઝિન જોયા પછી કહે છે કે ‘અરે વાહ, આ તો અમારાં છોકરાંને પણ કામનું છે, હમણાં જ કમ્પ્યુટર લીધું છે!’ આપણા દેશમાં કમ્પ્યુટર અને ઇન્ટરનેટનો વ્યાપ કેટલો વધી રહ્યો છે એનો અંદાજ આ વાતચીત પરથી આવે છે!
જોકે ઇન્ટરનેટના ઉપયોગની બાબતે, દુનિયાના બીજા ઘણા દેશો કરતાં આપણે ઘણા પાછળ છીએ. માત્ર ઇન્ટરનેટના વપરાશકારોની સંખ્યાની રીતે જોઈએ તો ચીન દુનિયામાં સૌથી આગળ હોય એ સમજી શકાય એવી વાત છે. એક અંદાજ મુજબ, ફક્ત બે વર્ષમાં ચીનમાં ઇન્ટરનેટના યુઝર્સની સંખ્યા ૭૩ કરોડ થઈ જશે, જે યુએસની વસતી કરતાં બમણી છે. પરંતુ ટકાવારીની રીતે જોઈએ તો ચીનની કુલ વસતિમાંથી ૪૦.૧ ટકા લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે (ભારતમાં આ પ્રમાણ ફક્ત ૧૧-૧૨ ટકા જેટલું જ છે).
દુનિયામાં એવા દેશો પણ છે, જ્યાં વસતિના ૮૦-૯૦ ટકા લોકો ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ છે! આવો જાણીએ આવા ટોપ-૧૦ દેશો અને તેમની ખાસિયતો…
૧. આઇસલેન્ડ : ૯૬.૨ ટકા વસતિ નેટ-કનેક્ટેડ
આ યુરોપિયન દેશની કુલ વસતિમાંથી ૯૬.૨ ટકા લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે! પરંતુ આટલી નેટ કનેક્ટેડ વસતિ કરતાંય ઘણી વધુ રસપ્રદ વિશેષતા આ દેશ ધરાવે છે. આ દેશમાં ઇન્ટરનેટ કે મોબાઇલની સ્પીડ ખાસ નોંધપાત્ર નથી, પણ આ દેશના બધા જ લોકો મોટા ભાગે ખર્ચાળ વીજળીના બદલે સૌથી કિફાયતી રીન્યુએબલ એનર્જીની મદદથી ઇન્ટરનેટ સાથે કનેક્ટ થાય છે. આખી દુનિયામાં અત્યારે વધતા જતા વીજળીના વપરાશ સામે ઘટતા જતા કુદરતી ગેસ, કોલસા અને ઇંધણની સમસ્યા ઘેરી બની રહી છે ત્યારે આ દેશ કાળા વાદળામાં સોનેરી કિનાર બતાવે છે. આ દેશ યુરોપિયન દેશ ગણાય છે, પણ તે યુરોપના ભૂખંડનો ભાગ નથી. વિશ્ર્વના નક્શામાં જોઈએ તો આ દેશ યુરોપના વાયવ્ય છેડે આવેલા આયર્લેન્ડ, યુકે, નોર્વે અને સ્વીડનથી આગળ ઉત્તર એટલાન્ટિક અને આર્કટિક ઓશન વચ્ચે આવેલો ટાપુ છે. આ ટાપુનો વિસ્તાર ગુજરાત કરતાં અડધો છે, પણ તેની વસતિ ગાંધીનગર કરતાં દોઢેક ગણી છે! એ રીતે આ દેશ યુરોપમાં સૌથી વધુ છૂટીછવાઈ વસતિ ધરાવતો દેશ છે.
૨. નોર્વે :૯૫ ટકા વસતિ નેટ-કનેક્ટેડ
અમેરિકામાં સંરક્ષણ માટેના પ્રોજેક્ટ માટે આપર્નિેટ પ્રોજેક્ટ અને ત્યાર પછી વર્લ્ડ વાઇડ વેબની રચના થઈ ત્યારે તેની સાથે કનેક્ટ થનાર નોર્વે પહેલો બિનઅંગ્રેજીભાષી દેશ હતો. આજે આ યુરોપિયન દેશ પીસી અને મોબાઇલમાં ઇન્ટરનેટની સ્પીડની રીતે દુનિયાના ટોપ-૧૦ દેશોમાં સ્થાન ધરાવે છે. આ બર્ફીલા દેશમાં કેટલાક વિસ્તારોમાં હજી પાણીની મુશ્કેલી છે, પણ ફાયબર-ઓપ્ટિક બ્રોડબેન્ડથી અહીં ઇન્ટરનેટનો પ્રવાહ સતત વહેતો રહે છે.
૩. સ્વીડન : ૯૪ ટકા વસતિ નેટ-કનેક્ટેડ
નોર્વે અને આઇસલેન્ડથી પ્રમાણમાં નજીક આવેલા આ દેશમાં પણ ડેસ્કટોપ અને મોબાઇલની સ્પીડ દુનિયામાં અનુક્રમે આઠમા અને પાંચમા ક્રમની છે અને દેશની ૯૪ ટકા વસતિ તેનો ભરપૂર લાભ ઊઠાવે છે. સ્વીડન બિલકુલ કોઈ અંકુશ વિના ઇન્ટરનેટ એક્સેસ માટે જાણીતો દેશ છે. લોકો અનેક પેઇડ સોફ્ટવેર, હોલીવૂડ-બોલીવૂડની લેટેસ્ટ ફિલ્મ્સ અને તેના જેવી બીજી અઢળક, કોઈની માલિકીની સામગ્રીની ઇન્ટરનેટ પર ગેરકાયદે હેરફેર કરવા માટે ટોરેન્ટ સાઇટ્સનો ઉપયોગ કરતા હોય છે, તેમાં શિરમોર જેવી ‘ધ પાઇરેટ બે’ નામની સાઇટનાં મૂળ આ જ દેશમાં છે.
૪. નેધરલેન્ડ્સ : ૯૩ ટકા વસતિ નેટ-કનેક્ટેડ
ફિફા વર્લ્ડકપ ચેમ્પિયન જર્મનીની અડોઅડ આવેલો અને વર્લ્ડ કપમાં ત્રીજા ક્રમે આવેલો આ દેશ ડેસ્કટોપ પર ઇન્ટરનેટની સ્પીડ બાબતે લગભગ વર્લ્ડ ચેમ્પિયન છે. અહીંની સરકારે ૨૦૧૦માં દેશમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી વધારવાના પ્રયાસો હાથ ધર્યા પછી સાત લાખમાંથી લગભગ ૭૦ લાખ ઘરોમાં ફાયબર ઓપ્ટિકથી ઇન્ટરનેટ પહોંચી ગયું છે.
૫. ડેન્માર્ક : ૯૩ ટકા વસતિ નેટ-કનેક્ટેડ
દુનિયામાં મોબાઇલ પર ઇન્ટરનેટની સ્પીડ બાબતે દક્ષિણ કોરિયા નંબર વન છે, તેના પછી બીજો નંબર ડેન્માર્કનો છે. ડેસ્કટોપ પર નેટની સ્પીડ બાબતે પણ આ દેશ સ્વીટ્ઝર્લેન્ડની સાથોસાથ, દુનિયામાં છઠ્ઠા ક્રમે છે. જોકે આ દેશમાં ૯૩ ટકા વસતિ નેટ કનેક્ટેડ હોવાથી, બાળકોને લગતી અશ્લીલ સામગ્રી, ડ્રગ્સનું વેચાણ, નેટ પર જુગાર તથા ટોરેન્ટ સાઇટ્સ જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓ વિશે ડેન્માર્કમાં ચિંતા વધવા લાગી છે.
૬. ફિનલેન્ડ :૯૧ ટકા વસતિ નેટ-કનેક્ટેડ
આ દેશમાં છેક ૨૦૦૯થી, ફક્ત બ્રોડબેન્ડ નહીં પણ ફાસ્ટ બ્રોડબેન્ડને માનવ અધિકાર જાહેર કરવામાં આવેલ છે! આજે આ દેશની બાવન લાખની વસતિમાંથી ૯૧ ટકા લોકો નેટ પર સક્રિય છે અને તેમને ટેલિકોમ કંપનીઓએ ફરજિયાતપણે ઓછામાં ઓછી ૧ મેગાબિટ પર સેકન્ડની સ્પીડે નેટ કનેક્શન આપવું પડે છે. અહીંની સરકારનું લક્ષ્ય ૨૦૧૫ સુધીમાં દેશના તમામ નાગરિકોને ૧૦૦ મેગાબીટ્સ પર સેક્ન્ડની સ્પીડે ઇન્ટરનેટ એક્સેસ આપવાનું છે!
૭. ન્યૂઝીલેન્ડ : ૮૯.૫ ટકા વસતિ નેટ-કનેક્ટેડ
ડાઉનલોડ સ્પીડની રીતે ન્યૂઝીલેન્ડનો ક્રમ દુનિયામાં છેક ૪૬મો છે અને આ સ્થિતિને જડમૂળથી સુધારવા અહીંની સરકારે દેશની ૭૫ ટકા વસતિને દાયકાના અંત સુધીમાં ફાયર ઓપ્ટિકની હાઇસ્પીડ એક્સેસ આપવાનું આયોજન કર્યું છે. અત્યારે દેશની ૮૯.૫ ટકા વસતિ તો નેટ કનેક્ટેડ છે જ, પણ ૨૦૧૯ સુધીમાં તમામ ગ્રામ્ય વિસ્તારોને પણ આવરી લેવાશે અને ત્યારે દેશની ૯૭.૮ ટકા વસતિ નેટ સાથે સંકળાઈ જશે.
૮. યુકે : ૮૭ ટકા વસતિ નેટ-કનેક્ટેડ
છેક ૮૦ના દાયકાથી આ દેશે ડોટયુકેનું ડોમેઇન ચલણી બનાવી લીધું હતું અને અત્યાધુનિક વેબ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપવામાં આ દેશ દુનિયાના અગ્રેસર દેશોની પંગતમાં છે. અહીંની ૮૭ ટકા વસતિ નેટ કનેક્ટેડ છે, પરંતુ નેટ પર અંકુશ રાખવાના ઉત્સાહમાં આ દેશમાં નેટની તટસ્થતા પર અવારનવાર સવાલો ઊઠે છે.
૯. કેનેડા : ૮૬.૮ ટકા વસતિ નેટ-કનેક્ટેડ
આ દેશમાં, ઉપલા લગભગ બધા દેશ કરતાં ગજબનો વિરોધાભાસ જોવા મળે છે. અહીં ૮૬.૮ ટકા વસતિ સુધી ઇન્ટરનેટ તો પહોંચી ગયું છે, પણ સ્પીડની બાબતે જબરા લોચા છે. અહીંના લોકોને આખા વિશ્વની સરેરાશ કરતાં પણ ઓછી અપલોડ સ્પીડ મળે છે, મતલબ કે દેશની ૮૬.૮ ટકા વસતિ ઇન્ટરનેટ માટે જેટલી કિંમત ચૂકવે છે, તેટલી સગવડ ખરેખર તેમને મળતી નથી.
૧૦. સ્વીટ્ઝરલેન્ડ : ૮૫.૨ ટકા વસતિ નેટ-કનેક્ટેડ
જગતના સૌથી રમણીય દેશોમાં અગ્રેસર આ દેશ જગતમાં સૌથી ફાસ્ટ ઇન્ટરનેટની સગવડ ધરાવતા દેશોની યાદીમાં પણ સામેલ છે. મજાની વાત એ છે કે આ દેશમાં લગભગ ત્રીજા ભાગના લોકોની ઉંમર ૫૫ કરતાં વધુ છે અને છતાં, અહીના ૮૫ ટકા જેટલા લોકો નેટ પર સક્રિય છે! સ્વીટ્ઝરલેન્ડની સમગ્ર વસતિ ગણતરીનાં વર્ષોમાં નેટ સાથે કનેક્ટ થઈ જશે એવી શક્યતા છે.

