દિવાળી વીતી ગઈ છે. દિવાળી પહેલાંના દિવસોમાં અખબારોમાં આખેઆખાં પાનાંની જાહેરાતોમાં શોપિંગ સાઇટ્સમાં મોબાઇલ પર મળતા ધરખમ ડિસ્કાઉન્ટથી તમે લલચાયા હો, પણ કોઈ કારણસર મોબાઇલ ખરીદી શક્યા ન હો તો નિરાશ થવાને બદલે રાજી થજો – હવે તમને વધુ સારા મોબાઇલ મળશે!
આ વર્ષે શરૂઆતથી સ્માર્ટફોનમાં ડિસ્પ્લે પર સૌથી વધુ ધ્યાન અપાયું છે. મોટા ભાગની કંપનીએ તેના નવા સ્માર્ટફોનમાં, જુદાં જુદાં બજેટ માટે સ્પેસિફિકેશન્સ ભલે જુદાં જુદાં હોય, પણ સાઇઝ ૫.૫ ઇંચની આપવાનું મુનાસિબ માન્યું છે. એક સમયે આઇફોન માટે ૩.૫ ઇંચની સાઇઝને જ પરફેક્ટ માનનાર એપલે પણ હવે મોટા સ્ક્રીન આપવાનું શરૂ કરી દીધું છે.
કારણ બિલકુલ સમજી શકાય તેવું છે. સ્માર્ટફોન હવે ફક્ત ફોન રહ્યા નથી. સ્માર્ટફોનમાં ઇન્ટરનેટ સર્ફિંગ, વીડિયો, ગેમિંગ ઉપરાંત ઓફિસનું કામકાજ પણ થવા લાગ્યું હોવાથી મોટો સ્ક્રીન હવે અનિવાર્ય બની ગયો છે, પરંતુ સ્ક્રીન મોટો કરવા જતાં આખા ફોનની સાઇઝ વધે, જે લોકો માટે અગવડભર્યું છે.
આના ઉપાય તરીકે આ વર્ષની શરૂઆતથી સ્માર્ટફોન મેન્યુફેકચરિંગ કંપનીઓએ બેઝલલેસ કે ઇન્ફિનિટી ડિસ્પ્લે પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

આ પ્રકારના સ્ક્રીનમાં મોબાઇલમાં ફ્રન્ટ સાઇડ પર ડિસ્પ્લે સ્ક્રીન સિવાયની હાર્ડવેરની જગ્યા શક્ય એટલી ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવે છે. એપલના લેટેસ્ટ આઇફોન એક્સમાં ૫.૮ ઇંચના ડિસ્પ્લે સાથે ફ્રન્ટ સાઇડ પર પૂરેપૂરો ડિસ્પ્લે આપીને ઉપરનો ફક્ત થોડા ભાગ વિવિધ પ્રકારના કેમેરા અને સેન્સર્સ માટે ફાળવવામાં આવ્યો છે, બાકી ઉપરની બાજુએ કોઈ બટન નથી. આથી આખા ફોનની સાઇઝ વધાર્યા વિના ડિસ્પ્લે મોટો કરી શકાયો છે (જુઓ ઇમેજ).
આ ટ્રેન્ડ સતત વિસ્તરી રહ્યો છે એ જોતાં એવી પૂરી શક્યતા છે કે હવે આવી રહેલા લગભગ તમામ સ્માર્ટફોનમાં ડિસ્પ્લે સાઇઝ ૬ ઇંચની સામાન્ય થઈ જશે છતાં ફોન ખિસ્સામાં સહેલાઈથી સમાશે.
આ તો નવા સ્માર્ટફોનમાં મળતો દેખીતો લાભ છે, પરંતુ એ ઉપરાંત સ્માર્ટફોનની અંદર પણ એક મોટો ફેરફાર આવી રહ્યો છે. અલબત એ લાભ આપણા સ્માર્ટફોન સુધી પહોંચતાં ૨૦૧૮નું નવું વર્ષ આવી જશે.
એન્ડ્રોઈડ કે એપલ જેવી ઓપરેટિંગ સિસ્ટમ લગભગ દર વર્ષે નવું વર્ઝન આપે છે અને એપલથી વિપરિત, એન્ડ્રોઇડમાં એ નવું વર્ઝન આપણા સ્માર્ટફોન સુધી પહોંચતાં ઘણી વાર લાગે છે. પરંતુ અહીં જે વાત કરીએ છીએ તે પરિવર્તન ઓપરેટિંગ સિસ્ટમ પૂરતું નથી. આ પરિવર્તન છે ફોનમાંની જીપીએસ ચીપમાં આવી રહેલો ફેરફાર.
અત્યારના સ્માર્ટફોનમાં જે જીપીએસ ચીપ હોય છે તેને કારણે આપણું સાચું લોકેશન અને સ્માર્ટફોનમાં મેપ્સમાં દેખાતા લોકેશનમાં પાંચ મીટર જેટલો તફાવત હોઈ શકે છે. જ્યારે હવે જે ચીપ વિકસી રહી છે અને આવતા વર્ષમાં જે નવા સ્માર્ટફોન્સમાં આવી જવાની છે તે ચીપમાં આ તફાવત માંડ એક ફૂટ જેટલો મર્યાદિત થઈ જશે.
એ ઉપરાંત, બીજો મોટો લાભ એ છે કે આ નવી ચીપ, અત્યારની ચીપ કરતાં બેટરીનો લગભગ ૫૦ ટકા જેટલો ઓછો ઉપયોગ કરશે!
આ કારણે આપણે ગૂગલ મેપ્સ જેવી નેવિગેશન જેવી સિસ્ટમનો ઉપયોગ કરીશું ત્યારે આપણને બહુ સચોટ પરિણામ જોવા મળશે, એ પણ ઝાઝો બેટરી ચાર્જ ગુમાવ્યા વિના.
જો તમે સ્માર્ટફોનમાં મેપ્સ જેવી સુવિધાનો બહુ લાભ ન લેતા હો તો આ ફેરફાર તમારા માટે બહુ મહત્ત્વનો ન હોય, પરંતુ સ્માર્ટફોનના સ્ક્રીનમાં જે ફેરફાર આવી રહ્યા છે તેનાથી ફોનના સ્માર્ટ ઉપયોગમાં દેખીતો ફેરફાર જોવા મળશે.

