(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

પરદેશમાં ભણવાના પ્રશ્નો : કેમ, ક્યારે અને શું?

ઉચ્ચ અભ્યાસ માટે પરદેશ જવાનું વિચારી રહ્યા હો તો અહીં ટોપ ફાઇવ કન્ટ્રીઝ અને તેમનાં જમા-ઉધાર પાસાં તારવી આપ્યાં છે.

આગળ શું વાંચશો?

  • અમેરિકા – ટોપ કોર્સ : એન્જિનીયરિંગ, મેનેજમેન્ટ, હેલ્થકેર, ફાર્મસી, માનવ વિજ્ઞાન અને કળાઓ
  • યુનાઈટેડ કિંગડમ – ટોપ કોર્સ : એન્જિનીયરિંગ, મેનેજમેન્ટ, હેલ્થકેર, હોટેલ મેનેજમેન્ટ, માનવ વિજ્ઞાન અને કળાઓ
  • ઓસ્ટ્રેલિયા – ટોપ કોર્સ : આઇટી, હેલ્થકેર, મેનેજમેન્ટ અને એકાઉન્ટિંગ
  • કેનેડા – ટોપ કોર્સ : ટેકનોલોજી અને એન્જિનીયરિંગ, મેનેજમેન્ટ, મેડિકલ, એનિમેશન, માનવ વિજ્ઞાન અને કળાઓ
  • ન્યુઝીલેન્ડ – ટોપ કોર્સ : હોટેલ મેનેજમેન્ટ, ટુરીઝમ મેનેજમેન્ટ, શિક્ષણ વ્યવસ્થા, આઇટી અને એન્જિનીયરિંગ

મિત્રો ગયા અંકમાં આપણે પરદેશમાં ભણવા અંગે વિવિધ મુદ્દાની ચર્ચા કરી હતી. આ વખતે પરદેશમાં અભ્યાસ માટે ટોચના ગણાતા પાંચ દેશોની ચર્ચા કરીએ.

અમેરિકા

ટોપ કોર્સ : એન્જિનીયરિંગ, મેનેજમેન્ટ, હેલ્થકેર, ફાર્મસી, માનવ વિજ્ઞાન અને કળાઓ.

યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાનું નામ પડતાં જ ઘણાના રુંવાડા ઊભા થઈ જાય છે, આપણા ગુજરાતીઓના તો ખાસ! અમેરિકામાં ભણતા વિદેશી મૂળના વિદ્યાર્થીઓમાં આ વર્ષે લગભગ ૧ લાખ એડમિશન સાથે ભારત બીજા નબરનું રાષ્ટ્ર છે. ભારત અને ચીન વિદ્યાર્થીઓની સંખ્યામાં દર સાલ એક બીજાની આગળ પાછળ જ હોય છે. ઇન્ડિયાથી ફોરેન ભણવા જતા વિદ્યાર્થીઓમાં પહેલાથી જ અમેરિકા ખૂબ પ્રચલિત છે. આ માટેનાં પ્રમુખ કારણો આ પ્રમાણે છે :

  1. અમેરિકામાં બધી જ યુનિવર્સિટી, કોલેજ અને અન્ય સંસ્થાઓનો સરવાળો કરીએ તો ૪૨૦૦ની આસપાસ થાય છે. જે ખૂબ જ મોટો આંકડો છે અને જેમાં વિશ્વના લગભગ દરેક કોર્સ ઉપલબ્ધ હોય છે.
  2. વિશ્વની ટોચની ૧૦ યુનિવર્સિટીમાં પણ એકલા અમેરિકાની જ પાંચ યુનિવર્સિટી છે.
  3. જો સ્કોર્સ સારા હોય તો સરેરાશ ૨૦-૨૫ ટકા સુધીની સ્કોલરશીપ મળી શકે છે.
  4. ભણી રહ્યા પછી નોકરી મળવાની અને ત્યાં સેટલ થવની તકો સારી છે.
  5. ટોચની મલ્ટીનેશનલ કંપનીઓ એપલ, ગૂગલ, યાહૂ, માઇક્રોસોફ્ટ, ફેસબુક જેવી ટેકનોલોજી કંપનીઓ અને અનેક રીસર્ચ સંસ્થાઓનાં વડામથક અમેરિકામાં છે. માટે ત્યાં કામ મેળવવું હોય તો અમેરિકામાં ભણવું ખૂબ કામ આવે છે.

પણ આ સાથે અમેરિકામાં સારી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવો પણ એટલો જ અઘરો છે. પ્રવેશ મેળવવા માટે SAT, GREઅને મેનેજમેન્ટમાં એડમિશન લેવા માટે GMAT જેવી કઠીન પરીક્ષાઓ આપવી પડે છે. હવે ઘણી યુનિવર્સિટી TOEFLને બદલે IELTSનો સ્કોર સ્વીકારે છે.

ઇન્ડો-અમેરિકન એજ્યુકેશન સોસાયટી, અમેરિકા ભણવા જવા ઇચ્છુક વિદ્યાર્થીઓને સચોટ માર્ગદર્શન આપવાના ઉમદા હેતુથી ચાલતી એક બિન-નાફાપાત્ર સંસ્થા છે. આ લખનારે આ સંસ્થાની મુલાકાત લીધી અને મુખ્ય કાઉન્સેલર શ્રી કામ્યાબેન સુરી સાથે ચર્ચા કરી. તેમના મતે અમેરિકા જવા ઇચ્છતા વિદ્યાર્થીઓ સૌથી મોટી ભૂલ યુનિવર્સિટી કે કોલેજ સિલેક્ટ કરવામાં કરે છે.

ફક્ત વેબસાઇટ કે ઓનલાઇન પોર્ટલ્સ પર આધાર રાખીને યુનિવર્સિટી કે કોલેજ સિલેક્ટ કરવું જોખમભર્યું હોઈ શકે છે,  કારણ કે તેમાં પૂરતો ડેટા હોતો નથી. આ ઉપરાંત કેટલાક વિધાર્થીઓ SAT/GRE જેવી પરીક્ષાઓ આપ્યા વિના પણ  ચીલાચાલુ યુનિવર્સિટીમાં એડમિશન લઈ લે છે અને કારણે વિઝા રિજેક્શનના ચાન્સ વધી જાય છે.

અમેરિકામાં ભણતર જેટલું સારું છે એટલું જ મોંઘું પણ છે. વળી ત્યાં ફક્ત બેચલર ડિગ્રીની ભાગ્યે જ કોઈ વેલ્યુ છે. આને કારણે મોટે ભાગે અમેરિકામાં માસ્ટર્સ કે પોસ્ટ-ગ્રેજ્યુએટ ભણવાનું ચલણ વધુ છે.

જો તમે અમેરિકા ભણવા જવાનું આયોજન કરતા હો તો તમને આ વેબસાઇટ ખૂબ કામ લાગી શકે.

https://educationusa.state.gov/


https://sat.collegeboard.org/home

https://bigfuture.collegeboard.org/

ઇન્ડો-અમેરિકન એજ્યુકેશન સોસાયટી , Phone: 079-26872826 / 26872391 ૯ સપ્ટેમ્બરે પ્રાઈડ હોટેલ, અમદાવાદમાં અમેરિકન યુનિવર્સિટીમાં યોજાનારા મેળાની મુલાકાત લેવા જેવી છે.

યુનાઈટેડ કિંગડમ

ટોપ કોર્સ : એન્જિનીયરિંગ, મેનેજમેન્ટ, હેલ્થકેર, હોટેલ મેનેજમેન્ટ, માનવ વિજ્ઞાન અને કળાઓ.

ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, વેલ્સ અને ઉત્તર આયર્લેન્ડ એમ ચાર દેશોનો સમૂહ ભેગો થઈને યુનાઈટેડ કિંગડમ કહેવાય છે, ટૂંકમાં યુકે. વિશ્વની કેટલીક સૌથી ટોચની અને આગળ પડતી યુનિવર્સિટી યુકેમાં છે. યુકે વિશ્વની સૌથી વિકસિત અને મજબુત અર્થવ્યવસ્થાઓમાંની છે.

આ બધાં કારણો અને ભારતીઓની ઘણી વસતી (ખાસ તો ગુજરાતીઓ અને પંજાબીઓની) હોવાના લીધે ઇન્ડિયન વિદ્યાર્થીઓમાં યુકે પહેલેથી લોકપ્રિય છે.

યુકેમાં પણ ઇન્ડિયાની જેમ જ ધોરણ ૧૨ પછી ૩ વર્ષનો બેચલર પ્રોગ્રામ હોય છે અને એ પછી બે કે ત્રણ વર્ષનો પોસ્ટ-ગ્રેજ્યુએટ પ્રોગ્રામ. યુકેમાં પ્રવેશ માટે સારા IELTS સ્કોરની જરૂ‚ર પડે છે.

ભણી રહ્યા બાદ જો યુકેમાં સ્થાયી થવાનો વિચાર હોય તો થોડું સાવચેત રહેવું કારણ કે છેલ્લાં થોડાં વર્ષોમાં વર્ક પરમીટ અને પી.આર.ના નિયમો ખાસ્સા બદલાયા છે. આમ તો યુકે ખૂબ મોંઘું પણ છે, જોકે મોટા ભાગના સ્ટુડન્ટને ભણવા સાથે પાર્ટટાઇમ કામ કરવાની છૂટ હોય છે, માટે ખાસ વાંધો નથી આવતો.

યુકેમાં અભ્યાસ વિશેની અધિકૃત માહિતી જોઈતી હોય કે અન્ય સંસાધનો મેળવવા હોય તો લો-ગાર્ડન સ્થિત બ્રિટીશ લાઇબ્રેરીનો સંપર્ક કરી શકાય છે. અહીં ક્યારેક બ્રિટીશ એજ્યુકેશનને લાગતો કરિયર ફેર પણ યોજાય છે. બ્રિટીશ લાઇબ્રેરીમાં IELTSની પણ ખૂબ મદદ મળી શકે છે. ફોન : ૧૮૦૦ ૧૦૨ ૪૩૫૩ / ૦૭૯ ૨૬૪૬ ૨૩૯૮, ફેક્સ : +૯૧ ૭૯ ૨૬૪૬ ૯૪૯૩

ઈ-મેઇલ : mumbai.enquiryin.britishcouncil.org

ઓસ્ટ્રેલિયા

ટોપ કોર્સ : આઇટી, હેલ્થકેર, મેનેજમેન્ટ અને એકાઉન્ટિંગ.

એક અંદાજ પ્રમાણે ઓસ્ટ્રેલિયાને જેટલી આવક ટુરીઝમથી થાય છે એટલી જ આવક આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓથી થાય છે. થોડાં વર્ષો પહેલાં ભારતીય વિદ્યાર્થીઓ સાથે અહીં રંગદ્વેષના પણ બનાવો બન્યા હતા. આમ છતાં ૨.૫ કરોડની વસતી ધરાવતો ઓસ્ટ્રેલિયા દેશ વિશ્વ આખાના વિદ્યાર્થીઓને આકર્ષે છે, કારણ? ગુણવત્તા!

આ વર્ષે એકલા ઇન્ડિયાથી જ ૫૦,૦૦૦ વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયા ગયા છે. ઓસ્ટ્રેલિયા અને ત્યાંના એજ્યુકેશનને લઈને કેટલીક ગેરમાન્યતાઓ પ્રવર્તે છે, પણ જાણકારોના મતે એ માન્યતાઓ મોટા ભાગે બિન પયાદાર છે. હા! કેટલાક છુટાછવાયા બનાવો બન્યા હશે, પણ એ ઉપરથી કોઈ ધારણા બાંધવી ન જોઈએ. વાસ્તવિકતા તો એ છે કોઈ ઇતિહાસનો કોઈ ભાર ન ધરાવતો ઓસ્ટ્રેલિયા દેશ એ અત્યંત વૈજ્ઞાનિક રીતે ચાલતો સુવ્યવસ્થિત દેશ છે અને એ ગુણ સ્વાભાવિક જ એજ્યુકેશનમાં પણ ઉતાર્યો છે.

વિશ્વની ટોચની ૫૦માંની કેટલીક યુનિવર્સિટીઓ ઓસ્ટ્રેલિયામાં આવેલી છે. કુલ યુનિવર્સિટીનો આંકડો ૪૦-૪૨ જેટલો છે. ઓસ્ટ્રેલિયાની સરકાર ફોરેન સ્ટુડન્ટસ દર વર્ષે ૩૦૦ મિલિયનડોલર જેટલી તો સ્કોલરશીપ આપે છે. ઇન્ડિયા અને યુકેની જેમ ઓસ્ટ્રેલિયા પણ ૧૦+૨+૩ની પદ્ધતિ અનુસરે છે.

ભણી રહ્યા પછી વર્ક પરમીટ અને પી.આર. મળવું થોડું જટિલ હશે પણ લાયક વ્યક્તિઓને તો મળી જ રહે છે. મર્યાદિત વસતી અને પુષ્કળ કુદરતી સંસાધનોને લીધે ઓસ્ટ્રેલિયામાં કામ મળવું સરળ છે અને જીવનની ગુણવત્તા ઊંચી છે. હાલમાં ઓસ્ટ્રેલિયાના કેટલાક પ્રદેશો દુકાળનો સામનો કરી રહ્યા છે અને કેટલાક પ્રદેશોમાં પારજાંબલી કિરણોનું પ્રમાણ પણ ઊંચું છે, એ વાતનું થોડું ધ્યાન રાખવું.

કેનેડા

ટોપ કોર્સ : ટેકનોલોજી અને એન્જિનીયરિંગ, મેનેજમેન્ટ, મેડિકલ, એનિમેશન, માનવ વિજ્ઞાન અને કળાઓ.

યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની ઉત્તરે આવેલું કેનેડા વિશ્વના અત્યંત સમૃદ્ધ, વિકસિત અને શાંત દેશોમાં સ્થાન ધરાવે છે.

આમ તો, ઘણાં વર્ષોથી ઇન્ડિયન સ્ટુડન્ટ્સ કેનેડા જાય છે, પણ છેલ્લાં કેટલાંક વર્ષોથી કેનેડા જનારાની સંખ્યામાં ઉછાળો આવ્યો છે :

  1. યુએસએ કે યુકે કરતાં કેનેડામાં ખર્ચો ઓછો આવે છે.
  2. કેનેડામાં ઘણા કોર્સ ચાર વર્ષને બદલે ત્રણ વર્ષના હોય છે, માટે એક વર્ષ અને ઘણો ખર્ચ બચી શકે છે. કેનેડા ૧૦+૨+૩ અને ૧૦+૨+૪ એમ બંને પદ્ધતિ અનુસરે છે.
  3. ટેકનોલોજીની રીતે જોઈએ તો ખાસ કરીને વાયરલેસ અને કમ્પ્યુટરમાં કેનેડા ખાસ્સું આગળ છે. માટે આ ફિલ્ડમાં જવા માગતા લોકો માટે આદર્શ છે.
  4. ઘણું કરીને કેનેડામાં SAT/GRE જેવી પરીક્ષાઓ નથી આપવી પડતી અને એડમિશન પ્રક્રિયા પ્રમાણમાં સરળ છે.
  5. વર્ક પરમીટ અને પી.આર.ના નિયમો હળવા છે અને ખાસ મુશ્કેલી વિના મળી શકે છે.
  6. સ્ટુડન્ટસ માટે પણ મેડિકલ સુવિધાઓ મફત છે. જે સામાન્ય રીતે અન્ય દેશોમાં, ખાસ કરીને અમેરિકામાં ખૂબ મોંઘી હોય છે.
  7. કેનેડામાં સ્થાયી થયા પછી અમેરિકામાં પ્રવેશવું અને કામ કરવું પ્રમાણમાં ઘણું સરળ છે. માટે જે લોકો સીધે સીધા અમેરિકા ન જઈ શકે એ લોકો કેનેડાના રસ્તે પ્રવેશે છે.

કેનેડાનું જો એક નબળું પાસું હોય તો તે છે પુષ્કળ ઠંડી! શિયાળામાં કેટલાંક શહેરોમાં -૩૦ સેલ્શીયસ સુધી પારો નીચે ઉતરે છે. ઠંડી તો યુરોપ અને અમેરિકામાં પણ પડે છે, પણ કેનેડાની ઠંડી આકરી છે. કેટલાક પ્રદેશોમાં ફ્રેંચ ભાષાનું ચલણ છે તે પણ થોડી મુશ્કેલી વધારી શકે.

ન્યુઝીલેન્ડ

ટોપ કોર્સ : હોટેલ મેનેજમેન્ટ, ટુરીઝમ મેનેજમેન્ટ, શિક્ષણ વ્યવસ્થા, આઇટી અને એન્જિનીયરિંગ.

‘લોર્ડ ઓફ ધી રિંગ્સ’ ફિલ્મમાં જો તમે અદભુત લોકેશન જોયાં હોય તો તે મોટે ભાગે ન્યુઝીલેન્ડનાં દ્રશ્યો હતાં. ઓસ્ટ્રેલિયાની દક્ષિણે આવેલું ન્યુઝીલેન્ડ એક ટચુકડો દેશ ભલે હશે પણ શિક્ષણ ક્ષેત્રે તેણે ખાસ્સું કાઠું કાઢ્યું છે. ન્યુઝીલેન્ડનું તંત્ર પણ ઓસ્ટ્રેલિયાની જેમ જ અત્યંત સુવ્યવસ્થિત છે.

છેલ્લા વર્ષની સરખામણીમાં આ વર્ષે ન્યુઝીલેન્ડ જનારા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ૪૦૦ ટકાનો વધારો થયો છે. આની પાછળનાં કારણોમાં એક તો શિક્ષણની ગુણવત્તા, બીજું પ્રમાણમાં ઓછો ખર્ચો અને ત્રીજું ઉચ્ચ જીવનધોરણ અને નહીંવત્ જેવી ગુનાખોરી.

ન્યુઝીલેન્ડની એક સિદ્ધિ એ છે NZQA. NZQA પ્રોગ્રામ થકી ન્યુઝીલેન્ડ સરકાર દરેક યુનિવર્સિટીમાં કે કોર્સ ઉપર અભ્યાસક્રમ અને ગુણવત્તા માટે ચાંપતી નજર રાખે છે. ન્યુઝીલેન્ડ આમ તો નાનું રાષ્ટ્ર છે એટલે આ કરવું શક્ય છે, પણ તેમ છતાં આ એટલું સહેલું નથી.

મિત્રો, આમ તો પરદેશમાં ભણવા ઉપર એક આખું દળદાર પુસ્તક લખી શકાય એમ છે. આપણે આ લેખમાં પાંચ પ્રમુખ દેશોની ચર્ચા કરી. આ દેશો સિવાય ફ્રાન્સ, જર્મની, રશિયા, ચીન, ફિલિપાઇન્સ, સાઇપ્રસ, પોલેન્ડ, ઇટલી વગેરે અનેક દેશોમાં ભારતીય વિદ્યાર્થીઓ જાય છે, પણ હાલ પૂરતી આપણી ચર્ચા આપણે ટોચના પાંચ દેશો પૂરતી મર્યાદિત રાખીએ.

ઉચ્ચ અભ્યાસ અને પીએચ.ડી. માટે ડેન્માર્ક ખૂબ સારું છે

ઉત્તર યુરોપમાં આવેલા ડેન્માર્કનાં શિક્ષણનું સ્તર ખૂબ જ ઊંચું છે. નાનકડો દેશ હોવા છતાં આ દેશની બે યુનિવર્સિટી વિસ્વની ટોચની ૨૫ યુનિવર્સિટીમાં સ્થાન પામે છે.

મજાની વાત એ છે કે અહીં જો તમે પીએચ.ડી.ના સ્ટુડન્ટ હો તો તમે વિદ્યાર્થી નહીં પણ કર્મચારી ગણાવ છો અને સરેરાશ કર્મચારી કરતાં પણ વધુ સ્કોલરશીપ મળે છે. આ ઉપરાંત મેડિકલ અને બાળકોને સાચવવાની વ્યવસ્થા પણ ખૂબ સારી છે.

હા, અહીં સ્થાઇ થઈને કામ મેળવવું અઘરું છે. એક તો વિદેશી વિદ્યાર્થીઓને સ્થાનિક બોલાતી ડેનિશ ભાષાનો મહાવરો ન હોય, વત્તા સ્થાનિક લોકોનું પણ સ્કીલ લેવલ ખૂબ ઊંચું હોય છે (શિક્ષણનાં ઊંચા સ્તરને આભારી). માટે ભણી રહ્યા પછી ડેન્માર્કમાં તકો મળવી સરળ નથી.

જો તમે ખૂબ સારા એજ્યુકેશનની તલાશમાં હોવ તો ડેન્માર્કને ગણતરીમાં લેવું જોઈએ!

– ડો. પ્રાન્જુલ શાહ, નેનો ટેકનોલોજીમાં પીએચ.ડી. અને પેટન્ટ હોલ્ડર

નોધ : આ લેખ તૈયાર કરવામાં ઇન્ડો-અમેરિકન એજ્યુકેશન સોસાયટી ()ના શ્રી જયદીપ બુચ, રાવ ઓવરસીસ (www.raooverseas.com)ના શ્રી અમિત રાવ, કેનેડાના ગુજરાતી યુવાન હરિત પંચાલ અને ડેન્માર્કથી ડો. પ્રાન્જુલ શાહ ખૂબ મદદરૂપ થયા છે. સૌનો ખૂબ ખૂબ આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!