ભારતમાં ગુનાખોરી સંબંધિત તમામ ડેટા એકઠો કરીને જાળવવાની જવાબદારી જેના શીરે છે તે નેશનલ ક્રાઇમ રેકોર્ડસ બ્યુરોએ તેના તમામ ડેટાના એનાલિસિસને આધારે પ્રીડિક્ટિવ પોલીસિંગ તરીકે ઓળખાતી પદ્ધતિનો અમલ કરવાનું નક્કી કર્યું છે.
આ માટે હૈદ્રાબાદની એડવાન્સ્ડ ડેટા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એક એવો સોફ્ટવેર તૈયાર કરી રહી છે જે ભારતા ક્રાઇમ ડેટાનું એનાલિસિસ કરીને ગુનાની આગાહી કરી શકશે અને એ મુજબ સ્થાનિક પોલીસ જે તે વિસ્તારમાં પોલીસ ફોર્સ વધારી કે ઘટાડી શકશે. આ પદ્ધતિનો માર્ચ ૨૦૧૮થી કેરળ, ઓરિસ્સા, મહારાષ્ટ્ર, હરિયાણા તથા ત્રિપુરામાં અમલ શરૂ કરશે અને ૨૦૨૦ના અંત સુધીમાં આખા દેશને આવરી લેવાશે.
પ્રીડિક્ટિવ પોલીસિંગ શું છે એ સમજવા એક ઉદાહરણ લઇએ તો આ સોફ્ટવેર અત્યાર સુધીમાં કોઈ ચોક્કસ શહેરમાં, ક્યા વિસ્તારમાં, દિવસ કે રાતના ક્યા સમયમાં, કેવા પ્રકારના ગુનાઓ નોંધાયા છે તે તથા જે તે શહેરની વસતી, લોકોની જીવનશૈલી, સામાજિક પ્રશ્નો વગેરે બાબતોનો એકમેક સાથે તાળો મેળવીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી આ બધી માહિતીને આધારે જે તે વિસ્તારમાં ભવિષ્યમાં ગુનો થવાની કેટલી સંભાવના છે તે નક્કી કરી શકશે.
નિષ્ણાતો કહે છે કે, આ પદ્ધતિથી ગુનાખોરીની એક ચોક્કસ પેટર્ન ઓળખી શકાશે, ગુનો થવાની આગાહી થઇ શકશે તથા એ વિશે સ્થાનિક પોલીસને એલર્ટ આપીને પોલીસ સંસાધનોની એ મુજબ ફાળવણી કરી શકાશે. આ બધા માટે સોશિયલ મીડિયાના મોનિટરિંગ અને ન્યૂઝ એનાલિસિસની પણ મદદ લેવામાં આવશે.
અહેવાલો કહે છે કે, અમેરિકાના લોસ એન્જેલેસ પોલીસ ડિપાર્ટમેન્ટ કે ઉપરની તસવીરમાં બતાવ્યા મુજબ યુકેના માન્ચેસ્ટરની પોલીસે પાછલાં અનેક વર્ષના ક્રાઇમ ડેટાને આ પ્રકારના સોફ્ટવેરમાં ફીડ કર્યા પછી પ્રીડિક્ટિવ પોલીસિંગ પદ્ધતિ અમલમાં મૂકી તો ચોરી, લૂંટ વગેરે ઘટનામાં નોંધપાત્ર ઘટાડો મેળવી શકાયો છે!
