વર્ડમાં કામ કરતી વખતે ન્યૂઝ વેબસાઇટ પર નજર રાખવી છે? કે પછી સર્ફિંગ કરતાં કરતાં યુટ્યૂબ પર મસ્ત ગીતોની મજા માણવી છે? તો ટ્રાય કરવા જેવું આ એક એક્સપરિમેન્ટલ એક્સટેન્શન.
જમાનો મલ્ટિટાસ્કિંગનો છે. ભણતાં ભણતાં સેવ-મમરા ફાકવા કે રેડિયો સાંભળવો એ તો જૂનું થયું. હવે ભણતાં ભણતાં હેડફોનમાં ગીતો સાંભળવાં અને એની સાથે વાઇબર કે હાઇક (વોટ્સએપ પણ હવે જૂનું થયું!) પર ચેટ ચલાવવાનું ઇન-વોગ છે! કાર કે બાઈક ચલાવતાં મોબાઇલ પર વાત કરવી, ફિલ્મ જોતાં જોતાં નેટ સર્ફિંગ કરવું, ઓફિસનું કામ કરતાં કરતાં ફેસબુક પર સ્ટેટસ અપડેટ કરવાં કે બીજાનાં ચેક કરવાં… મલ્ટિટાસ્કિંગ ઘણી બધી રીતે થઈ શકે છે.
બ્રાઉઝિંગની વાત કરીએ તો આપણા ફેવરિટ બ્રાઉઝરમાં પણ આપણે એક સાથે કેટલી ટેબ્સ ઓપન કરીને કામ કરીએ છીએ. એટલું ઓછું હોય તેમ બ્રાઉઝરની જ એકથી વધુ વિન્ડો ઓપન કરવામાં આવે અને વળી એ દરેકમાં અનેક ટેબ્સ ઓપન કરવાનો સિલસિલો ચાલુ થાય. તમને આટલાથી સંતોષ ન હોય તો ક્રોમમાં મલ્ટિટાસ્કિંગ માટે હજી વધુ એક સગવડ ઉમેરી શકો છો.
અલબત્ત, આ સગવડ પ્રયોગાત્મક એટલે કે એક્સપરિમેન્ટલ છે, ક્રોમમાં આ સગવડ ઓફિશિયલી ઉમેરાઈ નથી અને ગમે ત્યારે બદલાઈ શકે છે કે બંધ થઈ શકે છે અને ક્યારેક ક્રોમને ક્રેશ પણ કરી શકે છે, પણ જો તમને નવી આવી રહેલી સગવડો બીજા કરતાં વહેલી ટેસ્ટ કરી લેવામાં રસ હોય અને અખતરા કરવામાં ખાસ જોખમ ન લાગતું હોય તો આ સગવડ ટેસ્ટ કરી શકો છો.
વાત પિક્ચર ઇન પિક્ચર સુવિધાની છે. એક સમયે પીઆઇપી ટીવીની હવા ચાલી હતી, બરાબર એવી જ આ સગવડ છે. તેનો લાભ લેવા માટે ક્રોમસ્ટોરમાંથી એક એક્સટેન્શન ક્રોમમાં એડ કરવાનું છે, પણ એ પહેલાં, એક નાનકડી વિધિ કરવી પડશે.
ક્રોમ ઓપન કરીને તેના એડ્રેસ બારમાં chrome://flags/#enable-panels લખો અને એન્ટર કી પ્રેસ કરો. આથી ક્રોમ એક્સપરિમેન્ટ્સનું પેજ ઓપન થશે. તેમાં સૌથી ઉપર લખેલી ચેતવણી બરાબર વાંચી લો. હવે હામ હોય તો આગળ વધો અને યલો કલરથી હાઇલાઇટ થયેલ ‘ઇનેબલ પેનલ્સ’વાળા મુદ્દાને ઇનેબલ કરીને છેક નીચે આપેલ ‘રીલોન્ચ નાઉ’ પર ક્લિક કરી દો. ક્રોમ રીસ્ટાર્ટ થશે.
હવે વેબસ્ટોર (https://chrome.google.com/webstore/માં જાઓ. અહીં Picture in Picture સર્ચ કરો. એક્સટેન્શનમાં ‘પિક્ચર ઇન પિક્ચર વ્યૂઅર’ મળી જશે. તેને ક્રોમમાં એડ કરી દો. હવે ક્રોમમાં એડ્રેસબારના છેડે, એક ચોરસની અંદર બીજા ચોરસ જેવો આઇકોન દેખાશે.
હવે જ્યારે પણ અલગ અલગ ટેબ ઓપન કરીને જુદી જુદી વેબસાઇટ ઓપન કરો, ત્યારે તમને જે વારંવાર જોવા જેવી લાગે તે વેબસાઇટ, મુખ્ય વિન્ડો ઉપર જ સેટ થાય એવી નવી વિન્ડોમાં ઓપન કરવા માટે પિક્ચર ઇન પિક્ચરના પેલા આઇકોન પર ક્લિક કરી દો. તમે જુદી જુદી ઘણી ટેબને આ રીતે નવી વિન્ડોમાં ઓપન કરી શકો છો, જે બધી જ સ્ક્રીન પર ટાસ્કબારને સમાંતર જમા થતી જશે અને મુખ્ય વિન્ડો તેની પાછળ દેખાશે. અલબત્ત, એક સાથે ઘણી બધી વિન્ડો ઓપન કરવાથી કામ સહેલું બનવાને બદલે મુશ્કેલ બની જશે – વધુ પડતું મલ્ટિટાસ્કિંગ ના કરશો! જીમેઇલ, ફેસબુક, યુટ્યુબ કે કોઈ ન્યૂઝ સાઇટ જેવી એકાદ સાઇટને જ પિક્ચર ઇન પિક્ચર વિન્ડો તરીકે ઓપન કરશો તો તમે તમારું બીજું કામ યથાવત ચાલુ રાખીને જીમેઇલ કે ફેસબુક કે સમાચારો પર નજર રાખી શકશો.
આ સગવડની બે-ત્રણ ખાસ ખૂબીઓ છે. એક તો, નવી વિન્ડોને સામાન્ય વિન્ડોની જેમ તમે ખૂણેથી પકડીને નાની-મોટી કરી શકો છો. ઉપરાંત, જે સાઇટનું મોબાઇલ વર્ઝન ઉપલબ્ધ હશે તેનું મોબાઇલ વર્ઝન તે નવી વિન્ડોમાં ઓપન થશે. એટલે કે જો તમે એનડીટીવીની સાઇટ નવી વિન્ડોમાં ઓપન કરો તો નવી નાની વિન્ડોમાં ડેસ્કટોપ વર્ઝન જોવું મુશ્કેલ બને તેના બદલે મોબાઇલ વર્ઝન (બીજા શબ્દોમાં કહીએ તો રીસ્પોન્સિવ લેઆઉટવાળું વર્ઝન) ઓપન થવાથી તેમાંના સમાચારો પર નજર રાખવી એકદમ સહેલી બનશે. એટલું જ નહીં, તમે વર્ડમાં કામ કરી રહ્યા હો ત્યારે પણ આ વિન્ડો સાઇડમાં ઓપન રાખી શકો છો.
મોબાઇલ વર્ઝનવાળી વાત બરાબર સમજવા માટે ક્રોમના એક ટેબમાં એનડીટીવી.કોમ ઓપન કરી, આખા ક્રોમની વિન્ડોને નાની કરીને વર્ડની બાજુમાં મૂકી જુઓ. ઘણા સમાચાર અડધા કપાઈ જશે. જ્યારે પિક્ચર ઇન પિક્ચરવાળી ટેબને નાની કરીને મૂકશો તો એ મોબાઇલ વર્ઝનમાં ફેરવાઈ જતી હોવાથી સમાચાર બિલકુલ કપાશે નહીં!
પિક્ચર ઇન પિક્ચર સગવડની ખરી મજા પિક્ચરમાં જ એટલે કે યુટ્યૂબ પરના વીડિયો જોવામાં છે. જો કામ કરતાં કરતાં તમને હની સિંહ કે પછી હેમંતકુમાર (જૈસી જીસકી પસંદ!)નાં ગીતો સાંભળવાં વત્તા જોવાં હોય તો ક્રોમમાં યુટ્યુબ પર એમનો વીડિયો ઓપન કરીને તે ટેબને પિક્ચર ઇન પિક્ચર મોડમાં ઓપન કરો. હવે યુટ્યૂબનું આખું પેજ દેખાવાના બદલે એ નવી વિન્ડોમાં માત્ર વીડિયો જ દેખાશે!
મજાની સગવડ છે, પણ યાદ રહે, હજી એ એક્સપરિમેન્ટલ સ્ટેજમાં છે.
એક વાર ઇન્સ્ટોલ કર્યા પછી તમને આ સુવિધા કામની ન લાગે તો ક્રોમના સેટિંગ્સમાં જઈ, ટૂલ્સમાં એક્સટેન્શન્સમાં જાઓ. અહીં તમારાં બધાં એક્સટેન્શન્સ જોવા મળશે. તેમાં પિક્ચર ઇન પિક્ચર વ્યૂઅર સામેના ટ્રેશબિન પર ક્લિક કરો એટલે કામ પૂરું!

