(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

દૂર કરીએ એક્સટેન્શનનું ટેન્શન!

ડિજિટલ ફાઇલનાં એક્સટેન્શન જે તે ફાઇલ કયા પ્રકારના ફોર્મેટની છે તે બતાવે છે. જો તમારા કમ્પ્યુટરના વિન્ડોઝ એક્સપ્લોરરમાં ફાઇલનેમના છેડે તેનાં એક્સટેન્શન ન દેખાતાં હોય તો આટલું કરો….

તમે તમારા મોબાઇલથી કોઈ ફોટોગ્રાફ ક્લિક કરો અને પછી તમારા કમ્પ્યુટરમાં એ ઇમેજને ટ્રાન્સફરો કરો અને વિન્ડોઝ એક્સપ્લોરરમાં જઈને જે તે ફોલ્ડરમાં જઈને એ ફાઇલ તપાસો તો નામના છેડે તમને .jpg કે .jpeg જેવું કંઈક વાંચવા મળે. ઇમેજ ફાઇલ જુદા ફોર્મેટની હોય તો તેની પાછળ .gif,  .png કે .tiff વાંચવા મળે. મ્યુઝિકની ફાઇલ હોય તો .mp3 અને વીડિયો ફાઇલ હોય તો .mov કે .flv જેવું વાંચવા મળે. વર્ડની ફાઇલ હોય તો .doc કે .docx અને એક્સેલની ફાઇલ હોય તો xls કે પછી .xlsx  લખેલું હોય છે.

આ બધું, જે તે ફાઇલ કયા ફોર્મેટમાં છે તે જણાવે છે. તેને ફાઇલ એક્સટેન્શન કહે છે, માહિતીને ડોક્યુમેન્ટ, સ્પ્રેડશીટ, પ્રેઝન્ટેશન, ડિઝાઇન, પબ્લિકેશન, ઇમેજ, મ્યુઝિક, વીડિયો વગેરે વગેરે અસંખ્ય સ્વરૂપે ડિજિટલ ફોર્મેટમાં સાચવતી ઇન્ફર્મેશન ટેક્નોલોજી અત્યારે એટલી આગળ વધી ગઈ છે કે આવાં હજારો ફાઇલ એક્સટેન્શન અસ્તિત્વમાં છે.

આગળ કહ્યું તેમ, આપણે વિન્ડોઝ એક્સપ્લોરરમાં જઈને ફાઇલના છેડે લાગેલાં આ લટકણિયાં તપાસીએ ત્યારે આપણને ખબર પડે કે અચ્છા, આ ફાઇલ મ્યુઝિક ફાઇલ છે કે વીડિયો છે કે ડોક્યુમેન્ટ છે. એ તપાસવાના બીજા રસ્તા પણ છે, જેમ કે વિન્ડોઝ એક્સપ્લોરરનો વ્યૂ આપણે ‘ડિટેઇલ્સ’ મુજબનો રાખ્યો હોય તો ફાઇલ નેમ પછીની  એક કોલમમાં ફાઇલ ટાઇપ જણાવેલી હોય છે, પરંતુ એક્સપ્લોરરનો વિન્ડો બીજા કોઈ પ્રકારનો હોય તો આવી માહિતી મળતી નથી (એક્સપ્લોરરનો વ્યૂ સેટ કરવા માટે વિન્ડોની જમણી તરફ ઉપરની બાજુએ આપેલા ઓપ્શન્સ તપાસો (જુઓ આ સાથેનો સ્ક્રીનશોટ).પરંતુ કેટલાક સંજોગમાં, તમારા કમ્પ્યુટરના વિન્ડોઝ એક્સપ્લોરરમાં ફાઇલનું ફક્ત નામ જ વાંચવા મળે, તેનું એક્સટેન્શન નહીં, એવી ગોઠવણ હોઈ શકે છે. જો તમારા કમ્પ્યુટરમાં ફાઇલના છેડે તેનું એક્સટેન્શન ન દેખાતું હોય તો સેટિંગ બદલીને તે દેખાય એવું કરી લેવું હિતાવહ છે.

કેમ? આપણને તો સવાલ થાય કે જે તે ફાઇલને ક્લિક કરવાથી એ જે તે પ્રોગ્રામમાં ઓપન થવાની જ છે, જેમ કે ડોક ફાઇલ હશે તો એ વર્ડમાં જ ઓપન થવાની છે, પછી આપણે તેનું એક્સટેન્શન પહેલેથી ખબર હોય કે ન હોય, શું ફરક પડે છે? પરંતુ આજકાલ બહુ ગાજે છે એવી પેલી ડિઓડરન્ટની જાહેરાતમાં કહે છે એમ, ફર્ક પડતા હૈ!

આવો સમજીએ. ધારો કે તમે ઇન્ટરનેટ પરથી કશુંક ડાઉનલોડ કર્યું એક પછી એક ખૂલતી વિન્ડોઝમાં, તમે બેધ્યાનપણે કોઈ બોક્સમાં સંમતિ સૂચવું ટિક કર્યુ અને તમારા કામની ફાઇલ સાથોસાથ બીજું કંઈક પણ તમારા કમ્પ્યુટરમાં ડાઉનલોડ થઈ ગયું.

સામાન્ય રીતે, કમ્પ્યુટર માટે જોખમી ફાઇલ્સનું એક્સટેન્શન .exe હોય છે. એક્ઝિક્યુટેબલ ફાઇલ્સ માટે આ એક્સટેન્શન વપરાય છે. બધી .exe ફાઇલ જોખમી હોતી નથી. આપણા કમ્પ્યુટરમાં કોઈ નવો પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરવો હોય તો તેની ફાઇલ આ .exe એક્સટેન્શનની હોય છે. આવી ફાઇલને ડબલ ક્લિક કરો એટલે તે ‘એક્ઝિક્યુટ’ થાય એટલે કે ચાલુ થાય અને પોતાનું કામ કરવા લાગે. કમ્પ્યુટર માટે જોખમી વાયરસ કે માલવેર વગેરે પણ મોટા ભાગે .exe એક્સટેન્શનવાળા હોય છે. કેટલાક આપોઆપ ચાલુ થાય તેવા હોય અને કેટલાક આપણે ડબલ ક્લિક કરીએ તો ચાલુ થાય. જો કમ્પ્યુટરમાં વિન્ડોઝ એક્સપ્લોરરમાં ફાઇલ્સનેમ સાથે એક્સટેન્શન દેખાતાં ન હોય તો કઈ ફાઇલ વર્ડ ડોક્યુમેન્ટ છે અને કઈ ફાઇલ એક્ઝિક્યુટેબલ પ્રોગ્રામ છે તેની ખબર ન પડે એવું બની શકે છે.

ઉપરાંત, કોઈ વાર મિત્ર પાસેથી તમારી પેન ડ્રાઇવમાં મૂવી કે ગીતોની ફાઇલ્સ લઈને બધી ફાઇલ તમારા કમ્પ્યુટરમાં ટ્રાન્સફર કરો તેમાં કોઈ ફાઇલનું નામ picture_file.jpg જેવું દેખાય તો આપણે માનીએ કે ઇમેજ ફાઇલ છે, પણ આ ફાઇલ નેમમાં .jpg ફાઇલના નામનો જ એક ભાગ હોય અને તેનું એક્સટેન્શન સાથેનું આખું નામ picture.file.jpg.exe હોય એવું બની શકે છે. આપણા વિન્ડોઝ એક્સપ્લોરરમાં એક્સટેન્શન્સ દેખાતાં ન હોવાથી છેલ્લું, ખરું .exe એક્સટેન્શન આપણને દેખાયું જ ન હોય!

આવાં જોખમોથી બચવા માટે વિન્ડોઝ એક્સપ્લોરરમાં હંમેશા ફાઇલ એક્સટેન્શન દેખાય એ પ્રકારનાં સેટિંગ કરવા માટે અહીં આપેલાં પગલાં અનુસરો…

  1. સ્ટાર્ટ બટન પર રાઇટ ક્લિક કરી, વિન્ડોઝ એક્સપ્લોરર ઓપન કરો.
  2. તેમાં ડાબી તરફ ઉપર આપેલા ‘ઓર્ગેનાઇઝ’ ડ્રોપડાઉન એરો પર ક્લિક કરો. તેમાં લેઆઉટ પર ક્લિક કરી, મેનુ બાર પર ક્લિક કરો. આથી ‘ઓર્ગેનાઇઝ’ ડ્રોપડાઉન લખેલા મેનુબારની ઉપર, ફાઇલ, એડિટ, વ્યૂ વગેરે ઓપ્શન ધરાવતો એક મેનુબાર ઓપન થશે. આ મેનુબાર સામાન્ય રીતે બંધ જ હોય છે. આપણે વિન્ડોઝ એક્સપ્લોરરની વિન્ડો બીજી બધી વિન્ડો કરતાં ઉપર હોય (એટલે કે એક્ટિવ હોય) ત્યારે ફક્ત અહિં કી પ્રેસ કરીને પણ આ મેનુબાર ઓપન કરી શકીએ છીએ.
  3. આ મેનુબારમાં ટૂલ્ર પર ક્લિક કરો અને પછી ફોલ્ડર ઓપ્શન્સ પર ક્લિક કરો.
  4. હવે ફોલ્ડર ઓપ્શન્સની જે વિન્ડો ખૂલે તેમાં ‘વ્યૂ’ ટેબ ઓપન કરો. આ ટેબમાં એડવાન્સ્ડ સેટિંગ્સમાં જરા નીચે ‘Hide extensions for known file types’ નો વિકલ્પ દેખાશે. આ વિકલ્પનું બોક્સમાં જો ટિક હોય તો આપણા વિન્ડોઝ એક્સપ્લોરરમાં ફાઇલનાં એક્સટેન્શન દેખાય નહીં. આ ટિક દૂર કરો અને પછી ઓકે કરી બહાર નીકળી જાવ.
  5. હવે તમારા વિન્ડોઝ એક્સપ્લોરરમાં ફાઇલનાં એક્સટેન્શન્સ દેખાશે. એ બરાબરા જોઈ-તપાસીને, યોગ્ય ફાઇલ જ ઓપન કરો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!