(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ચહેરો જોઈને ફોન અનલોક કરતી ફેસ આઇડી ટેક્નોલોજી

ગયા મહિને, એપલનો લેટેસ્ટ આઇફોન એક્સ લોન્ચ કરવાના સમારંભમાં નવા ફોનની ખૂબીઓનું પ્રેઝન્ટેશન આપતા એપલના એક્ઝિક્યૂટિવ્સને જરા ક્ષોભજનક સ્થિતિમાં મૂકાવું પડ્યું.

થયું એવું કે આ નવા ફોનમાં ફોન અનલોક કરવા માટેની નવી ફેસ આઇડી ઓથેન્ટિકેશન સિસ્ટમ કેવી આધુનિક છે તેની ખૂબીઓ વર્ણવતું પ્રેઝન્ટેશન પૂરું થયા પછી, આ સિસ્ટમનો વાસ્તવિક ડેમો આપવા માટે એપલના સોફ્ટવેર ચીફ ક્રેગ ફેડરીગી સ્ટેજ પર આવ્યા. તેમણે ફોનને પોતાના ચહેરા સામે ધર્યો, હકીકતમાં ફોન તરત જ એનલોક થવો જોઇતો હતો, પણ થયું ઉલટું. ફોને તેમનો આંકડાનો પાસવર્ડ માગ્યો અને મોટા ડિસ્પ્લે સ્ક્રીન પર આ બધાએ જોયું!

જોકે ક્રેગે પછી ફેસ આઇડી સિસ્ટમનો સફળ ડેમો કરી બતાવ્યો.

વાસ્તવમાં આ કોઈ ભૂલ નહોતી. ડેમો પહેલાં, એ ફોન જુદા જુદા લોકોના હાથમાંથી પસાર થયો હતો અને ફોનની સિસ્ટમ એ દરેક વ્યક્તિના ચહેરાને ઓળખીને પોતે અનલોક થવું કે નહીં એની મૂંઝવણ અનુભવતી હતી.

ફોન ફક્ત ક્રેગના ચહેરાને પારખીને અનલોક થવો જોઈતો હતો! પરંતુ જેમ ફિંગર પ્રિન્ટમાં વારંવાર ખોટા પ્રયાસ પછી આંકડાનો પાસવર્ડ આપવો પડે છે એવું આ નવી સિસ્ટમના ડેમો વખતે થયું! એ ભૂલ નહોતી, ખરેખર તો એનાથી સાબિત થયું કે સિસ્ટમ બરાબર કામ કરે છે!

બાયમેટ્રિક રેકગ્નિશન નવી વાત નથી, પણ…

વાસ્તવમાં, સ્માર્ટફોન માર્કેટમાં છેલ્લા કેટલાય સમયથી બાયોમેટ્રિક રેકગ્નિશન એટલે કે આપણી ફિંગર પ્રિન્ટ કે આંખ કે ચહેરાને તપાસીને ફોન અનલોક કરવાની વ્યવસ્થા આપવાની રેસ શરૂ થઈ છે.

સ્માર્ટફોનમાં કેટલાય સમયથી પેટર્ન, પિન કે પાસકોડ આપીને ફોનને લોક રાખવાની સગવડ તો હતી જ, છતાં કેટલાય લોકોને એવું કંઈ યાદ રાખવાનું અને ફોનને અનલોક કરતી વખતે, દરેક વાર એ યાદ રાખીને ફોનને જણાવવાનું કડાકૂટભર્યું લાગતું હતું.

એટલે જ તો પાર વગરના લોકો પોતાના ફોનને લોક્ડ રાખતા નહોતા – કદાચ તમે પણ!

એન્ડ્રોઇડ ફોનમાં ફિંગર પ્રિન્ટ સ્કેનર અને આઇફોનમાં ટચ આઇડી આવતાં આ સ્થિતિ બદલાઈ.


બીજી તરફ સ્માર્ટફોન કંપનીઝ બરાબર જાણતી હતી કે ફોનની કિંમત કરતાંય, તેમાંનો આપણો ડેટા મહામૂલો છે. તેને કોઈ પણ રીતે ફૂલપ્રૂફ પ્રોટેક્શન આપવું જ રહ્યું.

લોકોને પણ ફક્ત આંગળીના હળવા સ્પર્શેથી ફોન અનલોક કરવાનું એકદમ જચી ગયું.

ફિંગર પ્રિન્ટ સ્કેનિંગની વ્યવસ્થા ખાસ્સી સલામત હોવા છતાં, ફોન કંપનીઝને એટલાથી સંતોષ નહોતો.

એનું એક ખાસ કારણ હતું.

ફોન કંપનીઝમાં પોતાના ફોનમાં વધુમાં વધુ ડિસ્પ્લે સ્ક્રીન આપવાની રેસ શરૂ થઈ છે. એન્ડ્રોઇડમાં ટોચ પરની સેમસંગ હોય કે તેની સરખામણીમાં વૈશ્વિક સ્તરે ખાસ્સી પાછળ માઇક્રોમેક્સ કંપની હોય, આ બધી કંપની અત્યારે ‘ઇન્ફિનિટી ડિસ્પ્લે’ કે ‘બેઝલલેસ ડિસ્પ્લે’ની વાત ગાઇ વગાડીને કરવા લાગી છે.

આ ‘ઇન્ફિનિટી ડિસ્પ્લે’, ‘બેઝલલેસ ડિસ્પ્લે’ કે ‘એજ ટુ એજ ડિસ્પ્લે’ એટલે બીજું કંઈ નહીં પણ સ્ક્રીન પર મૂળ ડિસ્પ્લેની આજુબાજુ જે કાળી પટ્ટી કે ફોનના હાર્ડવેર (ડિસ્પ્લે સ્ક્રીન સિવાય)નો જે ભાગ દેખાય છે તેનું પ્રમાણ શક્ય એટલું ઘટાડવાનો પ્રયાસ.

આમ કરવામાં મોટો અંતરાય છે ફિંગર પ્રિન્ટ સેન્સર. ઘણા ખરા સ્માર્ટફોનમાં આ સ્કેનર ફોનના ઉપરના ભાગે નીચે તરફ હોય છે, જેથી તેના પર પટ અંગૂઠો મૂકીને ફોન અનલોક કરી શકાય.

એન્ડ્રોઇડમાં ઘણા સમયથી ચહેરાથી ફોન અનલોક કરવાની વ્યવસ્થા છે, પણ સિસ્ટમ તે પેટર્ન, પિન કે પાસવર્ડ કરતાં ઓછી સલામત હોવાનું કહે છે

‘ઇન્ફિનિટી ડિસ્પ્લે’ કે ‘બેઝલલેસ ડિસ્પ્લે’ માટે આ સ્કેનર હટાવીને, બીજા ઘણા ફોનમાં જોવા મળે છે તેમ ફોનના પાછળના ભાગે લઈ જવાનો એક ઉપાય હતો. બીજો રસ્તો ફોનના ડિસ્પ્લે સ્ક્રીનમાં જ ફિંગર પ્રિન્ટ સેન્સર મૂકી દેવાનો હતો, પણ તેમાં કેટલીક ટેકનિકલ મુશ્કેલીઓ હતી. પરિણામે ફોન કંપનીઝ ફિંગર પ્રિન્ટના વિકલ્પ તરફ નજર દોડાવવા લાગી.

ગૂગલે છેક ૨૦૧૧થી એન્ડ્રોઇડ ફોનમાં સ્માર્ટ અનલોક સુવિધાના ભાગરૂપે એવી વ્યવસ્થા આપી છે જેમાં આપણે ફોનની સિસ્ટમને આપણો ચહેરો બતાવી દઇએ એ પછી આપણે જ્યારે પણ ફોન અનલોક કરવો હોય ત્યારે ફક્ત ફોનના કેમેરાને આપણા ચહેરા સામે ધરતાં ફોન આપણને ઓળખી લે અને અનલોક થઈ જાય છે. જોકે એન્ડ્રોઇડ પોતે આપણને ચેતવે છે કે આ વ્યવસ્થા પેટર્ન, પિન કે પાસકોડ જેટલી સલામત નથી.

સ્માર્ટફોનમાં ફિંગર પ્રિન્ટ સેન્સરથી ફોન અનલોક કરવાની સગવડ મળ્યા પછી, લોકોને એ સુવિધા ખાસ્સી ગમી ગઈ હતી કારણ કે એમાં એમણે કોઈ પેટર્ન, પિન કે પાસકોડ યાદ રાખવાનાં નહોતાં. જોકે ફોન કંપનીઝને હજી પણ સંતોષ નહોતો, કારણ કે…

ત્યાર પછી સેમસંગ કંપનીએ ગયા વર્ષે આપણી આંખોમાંની અનોખી પેટર્નનું સ્કેનિંગ કરીને તેના આધારે ફોન અનલોક કરવાની સુવિધા આપી (આ બંને બાબતો વિશે આપણે અગાઉના અંકોમાં વાત કરી ગયા છીએ).

સેમસંગના ગેલેક્સી એક્સ-૮ અને ગેલેક્સ એક્સ-૮+ ફોન સાથે કંપનીએ ફેસિયલ રેકગ્નિશન ટેક્નોલોજી (ચહેરો પારખવાની ટેક્નોલોજી)માં પણ ઘણી બધી પ્રગતિ સાધી છે. આ બધા સમય દરમિયાન, સ્માર્ટફોનમાં અનેક નવી પહેલ કરનાર એપલ કંપનીના પક્ષે બિલકુલ ચૂપકીદી હતી.

તેનું કારણ કદાચ એ હતું કે ગૂગલ અને સેમસંગ જેવી કંપનીએ માણસનો ચહેરો ઓળખીને ફોન અનલોક કરવાની સુવિધામાં ઘણી પ્રગતિ સાધી હોવા છતાં હજી પણ આ સુવિધા સાદા પાસવર્ડ કે પિન જેટલી સલામત મનાતી નથી.

ઘણા કિસ્સામાં એવું બન્યું છે કે કોઈનો ફોટોગ્રાફ ફોનને બતાવવામાં આવે તો પણ તે અનલોક થઈ જાય છે. એ જ રીતે કેટલાક નિષ્ણાતોએ આ વ્યવસ્થાની સલામતી તપાસવાના આશયથી અમુક વ્યક્તિના થ્રી-ડી માસ્ક તૈયાર કરીને એ બીજી વ્યક્તિને પહેરાવીને તેનાથી પણ ફોન અનલોક કરી બતાવ્યા છે.

આઇફોનમાં ફેસ આઇડી

હજી હમણાં સુધી ફિંગર પ્રિન્ટ સ્કેનલથી કામ ચલાવ્યા પછી, હવે છેક એપલે તેના હમણાં રજુ થયેલા આઇફોન-એક્સમાં નવી બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન મેથડ આપી છે. એપલે તેને ‘ફેસ આઇડી’ નામ આપ્યું છે.

છેલ્લાં કેટલાંય વર્ષોથી એપલના આઇફોનમાં ફિંગર પ્રિન્ટ આધારિત અનલોકિંગ સિસ્ટમ જોવા મળી છે જે ટચ આઇડી તરીકે ઓળખાય છે. આઇફોન એક્સમાં તેને બિલકુલ વિદાય આપીને ફેસ આઇડી સિસ્ટમ આપવામાં આવી છે.

એપલના દાવા મુજબ તેની ફેસ આઇડી અને અન્ય કંપનીની ફેસ રેકગ્નિશન ટેકનોલોજીમાં ઘણો તફાવત છે અને તેના મૂળમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે.

ફેસ આઇડી ઉપરાંત બીજાં નવીન ફીચર્સ માટે એપલે આઇફોનમાં ‘ટ્રુડેપ્થ કેમેરા’ નામે નવી સિસ્ટમ વિક્સાવી છે, જેમાં ડોટ પ્રોજેક્ટર, ઇન્ફ્રારેડ કેમેરા, ફ્લડ ઇલ્યુમિનેટર વગેરે સામેલ છે.

જો આપણી પાસે આઇફોન એક્સ હોય તો તેમાંની ફેસ આઈડીની સુવિધા મુજબ પહેલી વાર ફોનના સ્ક્રીનની ઉપર રહેલી ‘ટ્રુડેપ્થ કેમેરા’ સિસ્ટમથી આપણા ચહેરાને સ્કેન કરીને ચહેરાનો એક ૩ડી મેપ તૈયાર કરવામાં આવે છે.

દિવસ-રાત કે ઇનડોર-આઉટડોર ગમે તે સ્થિતિમાં ફોન આપણને ઓળખી શકે એ માટે ચહેરો સ્કેન કરતી વખતે ઇન્ફ્રારેડ લાઇટનો ઉપયોગ કરવામાં આવે છે. ઇન્ફ્રારેડ લાઇટ, સાદી નજરે દેખાય નહીં તેવા સ્પેક્ટ્રમનો ઉપયોગ કરતા ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિએશનની વેવલેન્થ પર કામ કરે છે. એટલે જ્યારે અંધારામાં આપણે ફોન સામે આપણો ચહેરો ધરીએ ત્યારે ચહેરો ‘વાંચવા’ માટે સિસ્ટમ આ ઇન્ફ્રારેડ લાઇટનો ઉપયોગ કરતી હોવાથી આપણી આંખ અંજાઈ જાય નહીં.

પહેલી વાર ચહેરો સ્કેન કરીને તેનો ૩ડી મેપ તૈયાર કરવામાં આવે પછી, બીજી વાર તેની સામે એ જ ચહેરો આવે ત્યારે તે લગભગ ૩૦,૦૦૦ જેટલાં ડોટ્સની સરખામણી કરીને એ ચહેરો આપણો છે કે નહીં તે નક્કી કરે છે.

ફેસ આઇડીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોવાથી સિસ્ટમને પહેલી વાર ચહેરાની ઓળખ આપતી વખતે ચહેરા પર દાઢી, ચશ્મા કે હેટ ન હોય પરંતુ પછી એ બધી બાબતો સાથે તમે ફોન અનલોક કરવાનો પ્રયાસ કરો તો પણ ફોન સચોટ રીતે તમને ઓળખી લે છે.

ફેસ આઇડીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શું કામ કરે છે?

વર્ષોથી, પાસપોર્ટ કે અન્ય કોઈ પણ સરકારી ડોક્યુમેન્ટ માટે આપણો ફોટોગ્રાફ આપવાનો હોય ત્યારે આપણે બિલકુલ પૂતળાની જેમ ઠાવકાઈથી બેસીને, કોઈ હાવભાવ વિના, બરાબર કેમેરામાં નજર નાખીને પડાવેલો પાસપોર્ટ ફોટો આપવો પડે છે.

કેમ?

કારણ કે કોઈ પણ વ્યક્તિના ચહેરાની તસવીરને એક જ વ્યક્તિ સાથે કે તેની બીજી તસવીર સાથે સરખાવવાની થાય ત્યારે તેમાં ત્રણ બાબતો સૌથી મહત્ત્વની પૂરવાર થાય છે.

  1. પોઝ (ચહેરાની ચોક્કસ સ્થિતિ)
  2. ઇલ્યુમિનેશન (ચહેરા પરનો પ્રકાશ)
  3. એક્સપ્રેશન (ચહેરા પરના હાવભાવ)

આ ત્રણેય બાબત એકદમ બરાબર હોય (આપણા બોરિંગ પાસપોર્ટ ફોટાની જેમ!) તો ચહેરા પરથી વ્યક્તિની ઓળખ ૯૯.૯૯ ટકા જેટલી સચોટ થઈ જાય.

આમાં હજી એક ચોથો મુદ્દો પણ છે, ચહેરા પર ઉમેરાતી નવી બાબતો, જેમ કે દાઢી, મૂછ કે ઘાનું નિશાન વગેરે.

ઉપરાંત, વાત જ્યારે ફોનથી ચહેરાની ઓળખની હોય ત્યારે દરેક વ્યક્તિ પાસપોર્ટ ફોટો ખેંચાવતા હોય એવી ઠાવકાઈથી ફોન સામે જુએ એવું પણ ન બને.

એપલે આઇફોનમાંથી ટચ આઇડી બિલકુલ કાઢી નાખીને ફેસ આઇડી આપી તેને સરેરાશ યૂઝર્સ અને એક્સપર્ટ્સ તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યા છે. સામાન્ય લોકોને હજી આ ટેક્નોલોજી પૂરેપૂરી સલામત હોવાનો વિશ્વાસ નથી, તો નિષ્ણાતો કહે છે કે એપલે ફેસ આઇડી એ ટચ આઇડી કરતાં વધુ સલામત હોવાને કારણે નહીં, પણ ફૂલ સ્ક્રીન આપવામાં ટચ આઇડી નડતરરૂપ હોવાથી ધરાર આપી છે!

એપલની ફેસ આઇડી ટેક્નોલોજીમાં આ બધા સવાલોના જવાબ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં શોધવામાં આવ્યા છે. એ તો દેખીતું છે કે એપલ કંપની પોતે, પોતાની ટેક્નોલોજીની બારીક વિગતો ક્યારેય જાહેર કરશે નહીં, પરંતુ નિષ્ણાતો આ વિશે ઘણી જાણકારી આપી શકે છે.

જોકે કંપની એટલું કહે છે કે આ ટેક્નોલોજીનું સંખ્યાબંધ દેશોના જુદી જુદી સંસ્કૃતિ અને વંશ-જાતિના લોકો પર પરીક્ષણ કરવામાં આવ્યું છે અને એક અબજથી વધુ ઇમેજીસની મદદથી, આ ટેક્નોલોજીના મૂળ મગજ જેવા ન્યૂરલ નેટવર્ક્સને ટ્રેઇન કરવામાં આવ્યાં છે.

ફેસ આઇડીનું બીજું એક પાસું પણ રસપ્રદ છે.

સામાન્ય રીતે કોઈ પણ બાયોમેટ્રિક રેકગ્નિશન (ફિંગર પ્રિન્ટ, ફેસ કે આંખોમાંની પેટર્ન આઇરિસમાં  સિદ્ધાંત એક જ હોય છે, સ્માર્ટફોનમાંના પ્રોસેસરને પહેલાં એક ચોક્કસ પેટર્ન આપી દેવી, જેને ‘એનરોલમેન્ટ ઇમેજ’ કહે છે અને પછી દરેક વખતે મળતી નવી ઇમેજને તેની સાથે સરખાવવી, જેને ‘વેરિફિકેશન ઇમેજ’ કહે છે.

આમ જુઓ તો, આ બંને પ્રકારની ઇમેજ મેચ થાય છે કે નહીં એવા સવાલના બે જ જવાબ હોઈ શકે – હા અથવા ના.

પરંતુ સ્માર્ટફોનમાં જ્યારે આવું વેરિફિકેશન થાય ત્યારે જવાબ એટલો સચોટ – બ્લેક એન્ડ વ્હાઇટ હોતો નથી. એમાં વચ્ચે ગ્રે શેડ્સ પણ હોય. ઉપર કહેલા ત્રણેય મુદ્દાને કારણે એક જ વ્યક્તિની ઇમેજ હોવા છતાં સ્પષ્ટ હા કે ના જેવું મેચિંગ ન પણ થાય.

આના ઉપાય તરીકે, સિસ્ટમને મેચિંગને ૦ અને ૧ વચ્ચેનો સ્કોર આપવા કહેવામાં આવે છે. જો મેચિંગ ઝીરોની નજીક હોય તો ફોન અનલોક ન થાય અને મેચિંગ એકની નજીક હોય તો ફોન અનલોક થાય!

પરંતુ વાત સાયન્સ કે ટેક્નોલોજી હોય તો ‘નજીક’ જેવી અચોક્કસતાને તેમાં કોઈ સ્થાન નથી.

ફેસ રેકગ્નિશનમાં ૦ અને ૧ વચ્ચેનો મેચિંગ સ્કોર મિનિમમ અમુક ચોક્કસ આંકડો (જેમ કે ૦.૭) હોય તો જ ફોન અનલોક થાય એવી ગોઠવણ છે, પણ આ ચોક્કસ આંકડો પણ સંદર્ભ મુજબ બદલાય છે.

પરંતુ ટેક્નોલોજીની હવે જ ખરી કમાલ છે. નિષ્ણાતો કહે છે કે ફક્ત અનલોક કરવા માટે ફેસ મેચિંગ થઈ રહ્યું હોય તો ૦.૬ જેવા સ્કોરથી પણ ફોન અનલોક થઈ શકે, પરંતુ જો તમે કોઈ મોંઘીદાટ વસ્તુની ખરીદી કરીને ઓનલાઇન પેમેન્ટ માટે, ફેસ રેકગ્નિશનથી તમારી ઓળખ આપી રહ્યા હો ત્યારે મેચિંગનો સ્કોર ૦.૯ થાય તો જ પેમેન્ટને લીલી ઝંડી મળે એવું બની શકે છે!

આઇફોન એક્સમાં આ બધી ગણતરી ખરેખર આંખના પલકારા કરતાં વધુ ઝડપથી થાય છે. એપલ કંપનીના માર્કેટિંગ ચીફના દાવા મુજબ, ફોનમાંનું ન્યૂરલ એન્જિન એક સેકન્ડમાં ૬૦૦ અબજથી વધુ ગણતરી કરી શકે છે!

પણ આ દાવો માર્કેટિંગ ચીફનો છે, ટેક્નોલોજી ચીફનો નહીં!

ફેસ આઇડી સલામત છે?

નિષ્ણાતો કહે છે કે એપલની ટચ આઇડીમાં, આપણા ફોનની સિસ્ટમ બીજી કોઈ વ્યક્તિની ફિંગર પ્રિન્ટને આપણી માની લઈને ફોન અનલોક કરી નાખે તેવું ૫૦,૦૦૦ પ્રયત્નમાંથી એક વાર બનવાની શક્યતા હતી, પણ હવે ફેસ આઇડીમાં દસ લાખ પ્રયાસમાંથી એક વાર આવી ભૂલ થવાની શક્યતા છે. અલબત્ત જોડિયા લોકોના કિસ્સામાં આવી ભૂલના ચાન્સ ચોક્કસ વધી જાય છે.

ટચ આઇડીની સરખામણીમાં ફેસ આઇડીની એક મર્યાદા છે. ફિંગર પ્રિન્ટમાં એક ફોનને પાંચ ફિંગર પ્રિન્ટ સેન્સ કરાવી શકાય છે. એટલે એક જ પરિવારના બે-ત્રણ લોકો ફોનને પોતાની ફિંગર પ્રિન્ટ આપે તો તેઓ સૌ, એકમેકની સંમતિથી, ફોનનો સહિયારો ઉપયોગ કરી શકે છે. જ્યારે ફેસ આઇડીમાં ફોનને ફક્ત એક જ ચહેરાની ઓળખ આપી શકાય છે.

એપલના દાવા મુજબ ફેસ આઇડી ટેકનોલોજી એવી રીતે તૈયાર થઈ છે કે ટ્રુ ડેપ્થ કેમેરા આપણો ચહેરો ઓળખી લે તો પણ તે એટલા માત્રથી ફોન અનલોક કરતો નથી. આ ટેકનોલોજીમાંની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આપણા ચહેરાના હાવભાવ પર પણ બારીક નજર રાખે છે અને આપણે ચહેરા સામે ફોન ધરીએ ત્યારે ફોનમાંની સિસ્ટમ એ પણ જુએ છે કે આપણે ફોન અનલોક કરવા તરફ ખરેખર કેટલું ધ્યાન આપી રહ્યાં છીએ અને આંખની કીકીમાં હલનચલન થઈ રહ્યું છે કે નહીં. પરિણામે જો ફોન સામે આપણો ફક્ત ફોટોગ્રાફ ધરવામાં આવે તો તેમાં આવો કોઈ ભાવ ન જોવા મળવાથી સિસ્ટમ ફોન અનલોક કરતી નથી.

ફેસબુક જેવી અન્ય કંપની પણ ફેશિયલ રેકગ્નેશનમાં ઘણી આગળ વધી છે. પરંતુ આ બધી કંપની મોટા ભાગે દુનિયાભરના અનેક લોકોના ચહેરાનો એક વિશાળ ડેટાબેઝ તૈયાર કરવા તરફ ધ્યાન આપી રહી છે. જેથી ભવિષ્યમાં તેનો અનેક રીતે જુદી જુદી રીતે ઉપયોગ કરી શકાય છે. જ્યારે એપલની ફેસ આઇડી ટેકનોલોજીમાં આપણાં ચહેરાનો ડેટા આપણાં ફોનમાં જ રહે છે અને એપલના સર્વર પર અપલોડ થતો નથી.

લગભગ ૯૦,૦૦૦ રૂપિયાનો આ ફોન સહેલાઈથી આપણા હાથમાં આવવાનો નથી, પણ તેમાંની આ નવી ટેક્નોલોજી વહેલામોડી આપણા ફોનમાં પણ આવશે એ નક્કી!

‘ટ્રુડેપ્થ કેમેરા’નો ફેસઆઇડી ઉપરાંત બીજો એક ઉપયોગ પમ છે. આ કેમેરાથી આઇફોન તમારા ચહેરાના ૫૦થી વધુ હાવભાવ ઝીલી શકે છે અને એ મુજબ, એવો ભાવ વ્યક્તિ કરતાં એનિમોજી બનાવી આપે છે, જેને તમે મેસેજીસમાં શેર કરી શકો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!