અણી ચૂક્યો માણસ કદાચ સો વર્ષ જીવતો હશે, પણ ક્ષણ ચૂકેલા ફોટોગ્રાફની કોઈ કિંમત નથી. વિચારના ઝબકારા સાથે જ તમે કોઈ ક્ષણ તસવીરમાં કેદ કરી લેવા માગતા હો તો બે ખાસ એપ સ્માર્ટફોનમાં ઇન્સ્ટોલ કરવા જેવી છે.
આગળ શું વાંચશો?
- સ્નેપશોટ
- ક્વિક કેમેરા
સારી ફોટોગ્રાફીમાં જેટલું મહત્વ પ્રકાશના સંયોજનનું છે, એટલું જ સમયનું છે. એટલે જ ફોટોગ્રાફીમાં ‘કેન્ડીડ ફોટોગ્રાફી’ની આવડત મહત્વની ગણાય છે.
કેન્ડીડ ફોટોગ્રાફી એટલે એવી ફોટોગ્રાફી જેમાં તમે જેનો ફોટોગ્રાફ લઈ રહ્યા હોય એ પોતાની સામે કેમેરા મંડાઈ રહ્યો છે એ હકીકત પ્રત્યે બેધ્યાન હોય, અથવા કહો કે પોતાના મૂળ મિજાજમાં હોય ત્યારે તેમનો ફોટોગ્રાફ લઈ લેવામાં આવે.
તમે કોઈની સામે કેમેરા ધરો, પછી ‘સ્માઇલ પ્લીઝ’ કે ‘સે ચી…ઝ….’ જેવું કંઈક કહો અને પછી પેલી વ્યક્તિ તમારા હુકમ મુજબ સ્માઈલ આપવાની કોશિશ કરે… આ બધી કસરતમાં ફોટોગ્રાફની મૂળ મજા મરી જાય. જે મળે એ નકલી, પ્લાસ્ટિક સ્માઇલ જ હોય.
બીજી તરફ એવું પણ ઘણી વાર બનતું હશે કે તમે કોઈ મજાની ક્ષણના સાક્ષી બનો, એને તરત કેમેરામાં કેદ કરી લેવાનું વિચારો, પણ કેમેરા તૈયાર કરી રહો ત્યાં પેલી ક્ષણમાંથી મજા સરી ગઈ હોય.
સ્માર્ટફોન આવી ગયા પછી કેન્ડીડ ફોટોગ્રાફી પ્રમાણમાં થોડી સહેલી થઈ છે, ખિસ્સામાંથી ફોન કાઢો ને ક્લિક કરો એટલી જ વાર! પણ ફોન હાથમાં લીધા પછી ક્લિક થવા સુધીમાં ઘણાં બધાં પગલાંનું અંતર હોય છે.
જો તમને તમારો સ્માર્ટફોન કોઈ ચોક્કસ પેટર્ન કે પાસવર્ડથી લોક રાખવાની ટેવ હોય (જે હોવી જ જોઈએ!) તો પહેલાં ફોન અનલોક કરવો પડે, પછી જો તમે હોમસ્ક્રીન પર કેમેરાનો શોર્ટકટ રાખ્યો ન હોય તો એપ ડ્રોઅરમાં જઈને કેમેરા એપ શોધવી પડે (એન્ડ્રોઇડ લોલિપોપમાં અને કેટલાક ફોન કે લોન્ચરમાં રાઇટ સ્વાઇપથી કેમેરા એપ સ્ટાર્ટ કરવાની સગવડ હોય છે ખરી), પછી કેમેરા એપ સ્ટાર્ટ થાય એની રાહ જોવાની, સબ્જેક્ટ સામે કેમેરા ધરવાનો, પ્રોપર ફોકસ થાય એની રાહ જોવાની… અને પછી ક્લિક કરવાનું.
આ રીતે ફોટોગ્રાફી થાય, પણ કેન્ડીડ ફોટોગ્રાફી ન થાય.
આવો જાણીએ એવી બે એપ, જે અપણું કામ પ્રમાણમાં સહેલું બનાવી શકે છે.
૧. સ્નેપશોટ
આ એપ ફક્ત ૧.૫ એમબીની છે અને ખાસ કોઈ પરમિશન માગતી નથી. એપનો ઉપયોગ બિલકુલ સિમ્પલ છે. તમે એપ ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરશો એટલે એપ તમને તમારી ડિફોલ્ટ કેમેરા એપ પસંદ કરવાનું કહેશે. પછી, ફોન કઈ પોઝિશનમાં હોય ત્યારે કેમેરા સ્ટાર્ટ થાય એ પસંદ કરવાનું કહેશે. એપના ફ્રી વર્ઝનમાં આપણી પાસે ખાસ વિકલ્પો નથી. ફક્ત, એપને ઇનેબલ કરો, ડિફોલ્ટ કેમેરા એપ પસંદ કરો અને ફોનની પોઝિશન લેન્ડસ્કેપ પસંદ કરો.
હવે તમારે જ્યારે પણ તાબડતોબ કોઈ ફોટોગ્રાફ લેવો હોય ત્યારે ફોન હાથમાં લઈ, લેન્ડસ્કેપ પોઝિશનમાં એટલે કે આડો રાખી, ફોનનું પાવર બટન પ્રેસ કરવાનું રહેશે. ફોન જરા સરખો વાઇબ્રેટ થશે અને તરત કેમેરા એપ ચાલુ થઈ જશે! રાબેતા મુજબ ફોટોગ્રાફ લઈને કેમેરા એપ બંધ કરશો એટલે ફોન ફરી લોક પોઝિશનમાં આવી જશે.
આખી વાતમાં, ક્યાંય ફોનને અનલોક કરવાની કે ફોન એપ શોધવા જવાની ઝંઝટ રહેતી નથી!
૨. ક્વિક કેમેરા
સ્નેપશોટ ત્યારે કામ લાગે છે, જ્યારે તમારો ફોન લોક્ડ હોય અને તમારે તાત્કાલિક કેમેરા એપ ઓપન કરવી હોય. પણ ફોન અનલોક જ હોય ત્યારે તમે ગણતરીની સેકન્ડમાં કોઈ તસવીર લઈ લેવા માગતા હો તો? ઉતાવળ એવી હોય કે ફોટોગ્રાફ કેવો આવશે એ વિચારવાનો પણ સમય ન હોય, બસ એક ચાન્સ લઈ લેવાનો હોય.
આવી સ્થિતિમાં ક્વિક કેમેરા નામની એપ કામ લાગી શકે છે. આ એપ તમે ઇન્સ્ટોલ કરશો એટલે તમારા એપ ડ્રોઅરમાં બે આઇકન ઉમેરાશે, એક એપને લોન્ચ કરવા માટેનો છે, જ્યારે બીજો ફટાફટ ફોટો લેવા માટેનો. આ બ્લેક એન્ડ વ્હાઇટ, ટેક ફોટો લખેલો આઇકન હોમ સ્ક્રીન પર ઉમેરી દો.
હવે તમે ગમે ત્યારે, તદ્દન અચાનક ફોટો ખેંચી લેવા માગતા હો ત્યારે ફોનને સબ્જેક્ટ સામે ધરી, ‘ટેક ફોટો’ ક્લિક કરી દો. ફોનની કોઈ કેમેરા એપ ઓપન નહીં થાય, કોઈ પ્રીવ્યૂ પણ નહીં દેખાય અને ફોટોગ્રાફ ક્લિક થઈ જશે! પરિણામ જોવા માટે ક્વિક કેમેરાની એપ ઓપન કરો અને તેની ગેલેરીમાં ઉમેરાયેલો નવો ફોટોગ્રાફ જોઈ લો!
આ બંને એપ મૂળ કેમેરા એપના રીપ્લેસમેન્ટ જેવી નથી, પણ ક્યારેક કેન્ડીડ ફોટોગ્રાફીની મજા માણવા માટે કામની છે.

ભારતનાં પહેલાં મહિલા ફોટોગ્રાફર હોમાઇ વ્યારાવાલાએ એમના જમાનાના કેમેરાથી, આજની ટેક્નોલોજીની મદદ વિના અફલાતૂન કેન્ડીડ ફોટોગ્રાફી કરી હતી. તેમના ફેવરિટ સબ્જેક્ટ હતા, પંડિત જવાહરલાલ નેહરુ. તેમની તસવીરો જોવા homai vyarawalla candid photography ગૂગલ કરી જુઓ.

