ગુજરાતમાં પાટીદાર આંદોલન વખતે અને ત્યાર પછી એક પરીક્ષા વખતે રાજ્ય સરકારે ઇન્ટરનેટ પર કામચલાઉ પ્રતિબંધ લાદ્યા હતા. કેન્દ્ર સરકારે પણ ભારતભરમાં આ રીતે વારંવાર ઇન્ટરનેટ પર પ્રતિબંધ લાદવો પડે છે – ખાસ કરીને કાશ્મીરમાં.
આ રીતે ઇન્ટરનેટ એક્સેસ પર તાળાબંધી કેટલી યોગ્ય છે તે બાબત હંમેશા પ્રશ્નોના ઘેરામાં રહી છે, પરંતુ કેન્દ્ર સરકારના સંદેશવ્યવહાર મંત્રાલયે હવે આ વિશે નિશ્ચિત નિયમો લાગુ કરવાનું નક્કી કર્યું છે. જે અનુસાર જાહેર કટોકટીમાં અથવા જાહેર સલામતી માટે સરકાર ફોન-ઇન્ટરનેટ સેવાઓ કામચલાઉ ધોરણે બંધ કરી શકશે. નવા નિયમો અનુસાર માત્ર કેન્દ્ર અને રાજ્ય સરકારના ગૃહસચિવ આ પ્રકારે પ્રતિબંધ લાદવાના આદેશ આપી શકશે.
ભારતમાં આ વર્ષમાં ચાલીસથી વધુ વાર વિવિધ રાજ્યોમાં ઇન્ટરનેટ પર કામચલાઉ પ્રતિબંધ લાદવામાં આવ્યા છે. અલબત્ત નવા નિયમોમાં પણ જાહેર કટોકટી કે જાહેર સલામતીની સ્પષ્ટ વ્યાખ્યા ન કરવામાં આવી હોવાથી આ બાબતે હજી પણ અવ્યવસ્થા જળવાઈ રહે તેવું બની શકે છે.

