દિવાળીના દિવસોમાં ચોમેર ખરીદીનો માહોલ જામ્યો છે. અખબારોમાં સમાચાર ઓછો અને ઓનલાઇન શોપિંગ સાઇટ્સની જાહેરાતો વધુ જોવા મળી રહી છે. પણ જે ઉત્સાહ ઓનલાઇન ખરીદીમાં જોવા મળી રહ્યો છે એવો જ ઉત્સાહ ઓનલાઇન પેમેન્ટ બાબતે હજી ખાસ જોવા મળતો નથી! જોકે ટેક કંપનીઝને ખાસ્સી આશા છે કે સ્થિતિ બદલાશે.
ભારત જેવા એક અબજથી વધુ લોકોના વિશાળ માર્કેટને પોતાની તરફ વાળવાની ગૂગલ અને ફેસબુકની હરીફાઈના પહેલાં રાઉન્ડમાં ગૂગલે ફેસબુકને પાછળ રાખીને સરસાઈ મેળવી છે. ફેસબુકની માલિકીની વોટ્સએપમાં યુપીઆઈ આધારિત પેમેન્ટ વ્યવસ્થા આવે તે પહેલાં ગૂગલે ગૂગલ તેઝ સર્વિસ લોન્ચ કરી દીધી છે.
જો કે વોટ્સએપ હોય કે તેઝ પણ મૂળ યુપીઆઈ વ્યવસ્થા લોકોને સમજાશે નહીં ત્યાં સુધી ભારતમાં ઓનલાઇન પેમેન્ટને વેગ મળે તેવી શક્યતા ઓછી છે. આ અંકમાં એ ખોટ પૂરી કરવાનો પ્રયાસ કર્યો છે.
અંકમાં ફેસ રેક્ગ્નિશનની ટેકનોલોજીમાં પરિવર્તનોની પણ વિગતવાર વાત કરી છે. એ જ રીતે વર્ષોથી સુષુપ્ત અવસ્થામાં રહેલા એસએમએસમાં નવું ચેતન જગાવવાના માઇક્રોસોફ્ટના પ્રયાસની પણ વિગતવાર વાત આલેખી છે.
નૂતન વર્ષમાં આપના જીવનમાં જ્ઞાનનો ઉજાસ ફેલાતો રહે એવી શુભેચ્છાઓ.
– હિમાંશુ
