તમારા સ્માર્ટફોનમાંની વોટ્સએપ એપમાં કેટલીક નવી અને ઉપયોગી સાબિત થાય એવી સુવિધાઓ ઉમેરાઈ છે. એપ અપડેટ થાય તે પહેલાં જાણી લો આ નવી ખાસિયતો.
જુદી જુદી વેબસર્વિસ પોતાની સર્વિસ અપડેટ કરતી રહે, તેમાં નવી સુવિધાઓ ઉમેરે કે કેટલીક ખામીઓ સુધારી લે એમાં કોઈ નવાઈ નથી, ગયા મહિને – ચોક્કસ તારીખ કહીએ તો ૨૨ ઓગસ્ટે – વોટ્સએપમાં ૨૪ કલાકમાં પાંચ વાર વર્ઝન અપડેશન થયું!
વોટ્સએપની ખાસિયત મુજબ, તેનાં નવાં વર્ઝન સૌથી પહેલાં તેની સાઇટ પર અપલોડ થાય, જ્યાંથી આપણે તેને અપલોડ કરીને સ્માર્ટફોનમાં ઇન્સ્ટોલ કરી શકીએ, અથવા વાયા પ્લે સ્ટોર આપણું વર્ઝન અપડેટ થાય (ઓટોમેટિક અપડેટ થાય એવું સેટિંગ ઓન રાખ્યું હોય તો) એવી રાહ જોવી પડે.

તમે વોટ્સએપનું વર્ઝન અપડેટ કરી લો કે રાહ જુઓ, એમાં કઈ કઈ નવી સુવિધાઓ ઉમેરાઈ છે એ અહીં જાણી લો :
- વોટ્સએપમાં આવેલો સૌથી નોંધપાત્ર સુધારો એ છે કે હવે આપણે કોઈ પણ મેસેજને ‘અનરેડ’ માર્ક કરી શકીએ છીએ. તમે જાણો જ છો કે આપણને આવેલો કોઈ મેસેજ આપણે વાંચી લઈએ એટલે તેના પર બે બ્લુ એરોની નિશાની આવી જાય છે અને મેસેજ મોકલનારી વ્યક્તિ જાણી શકે છે કે આપણે તેનો મેસેજ વાંચી લીધો છે. હવે આપણે આવા મેસેજને લોંગ પ્રેસ કરીશું, એટલે એ મેસેજને લગતા જે ઓપ્શન્સ મળે તેમાં એ મેસેજને વાંચ્યો નથી એવું પસંદ કરવાનો વિકલ્પ મળશે. તેને ટિક કરતાં, ડબલ્યુ બ્લુ એરોની જગ્યાએ ગ્રીન ડોટ આવી જશે. પરિણામે આપણા ધ્યાનમાં રહેશે કે આપણે જવાબ મોકલવાનો બાકી છે. જોકે મેસેજ અનરેડ કરવાનો અર્થ એ નથી કે સામેવાળી પાર્ટીને આપણે મેસેજ વાંચી લીધો હોવાની ખબર નહીં પડે. એને તો ખબર પડશે જ!
- બીજો મહત્વનો ફેરફાર, કસ્ટમ નોટિફિકેશન્સનો છે. જેમ આપણે સ્માર્ટફોનમાં જુદા જુદા ગ્રૂપ કે કોન્ટેક્ટ માટે અલગ અલગ રિંગટોન સેટ કરી શકીએ છીએ, એ જ રીતે હવે વોટ્સએપમાં કરી શકાશે. એ માટે કોઈ પણ કોન્ટેક્ટ કે ગ્રૂપના મેસેજને ઓપન કરીને કે આઇકન પર ક્લિક કરીને આપણે એ કોન્ટેક્ટ કે ગ્રૂપની ડિટેઇલ દર્શાવતા પેજમાં જઈએ એટલે મીડિયાના બોક્સની નીચે, એક નવું નોટિફિકેશન્સ બોક્સ જોવા મળશે. તેમાં નોટિફિકેશનનો ચોક્કસ ટોન, વાઇબ્રેશનની લંબાઈ, લાઇટ, નોટિફિકેશન પોપ-અપ કરવું કે નહીં, કોલ રિંગટોન અને વગેરે સેટ કરવાની સગવડ મળશે.
- જો તમે લિમિટેડ કે સ્લો ડેટા પ્લાનમાં વોટ્સએપનો ઉપયોગ કરી રહ્યા હો તો વોઇસકોલ માટે લો ડેટા યુઝેજનો વિકલ્પ હવે મળશે. આ વિકલ્પ વોટ્સએપના સેટિંગ્સ પેજમાં મળશે.
- વધુ એક મહત્વનો ફેરફાર વોટ્સએપના બેકઅપ વિશેનો છે. તમે સામાન્ય મેસેજીસની આપલે કે ફોરવર્ડ કરવા ઉપરાંત મહત્વનાં કામ માટે પણ વોટ્સએપનો ઉપયોગ કરતા હો અને તેનો બેકઅપ જાળવી રાખતા હો તો હવે ગૂગલ ડ્રાઇવમાં તેનો બેકઅપ લેવાની ફરી સગવડ મળશે.
ફરી એટલા માટે કે વોટ્સએપે આ સુવિધા અગાઉ આપી હતી અને પછી દૂર કરી દીધી હતી. તમે જાણતા હશો તેમ વોટ્સએપ એક ચોક્કસ સમયે એસડીકાર્ડમાં આપણી ચેટ હિસ્ટ્રીનો બેકઅપ લે છે. હવે આ બેકઅપ આપણા ગૂગલ ડ્રાઇવના એકાઉન્ટમાં લઈ શકાશે. જોકે અહીં થોડી અસ્પષ્ટતા છે. વોટ્સએપ જ્યારે પહેલી વાર બેકઅપ લેવાનો પ્રયાસ કરશે ત્યારે આપણે તેને આપણા ગૂગલ એકાઉન્ટની વિગતો ન આપી હોવાથી તેનો પ્રયાસ નિષ્ફળ જશે અને સિસ્ટમ આપણને તેની જાણ કરશે.
એ પછી, આપણે તે ગૂગલ એકાઉન્ટની એક્સેસ આપીશું તે પછી ડ્રાઇવમાં બેકઅપ લેવાતો રહેશે. જોકે આ પ્રક્રિયાનાં સેટિંગ્સ આપણે જ કરી શકીએ એવી સુવિધા હજી નથી.

